શું ગુજરાતમાં હવે કોંગ્રેસનો ધી-એન્ડ?

સુપ્રસિધ્ધ વાર્તાકાર ધૂમકેતુની અત્યંત જાણીતી વાર્તા વિનિપાતનું એક છેલ્લું વાક્ય ખૂબ જાણીતું છે કે, પડે છે ત્યારે સઘળું પડે છે…

વાર્તામાં જો કે આ વાક્ય જૂદા સંદર્ભમાં લખાયું છે, પણ ગુજરાત કોંગ્રેસની વર્તમાન રાજકીય હાલતને આ વાક્ય બરાબર બંધ બેસે છે. ગુજરાતમાં કોંગ્રેસ 1995થી સત્તાની બહાર છે એમ કહેવાય છે, પણ હકીકતમાં જૂઓ તો કોંગ્રેસ 1990 પછી ગુજરાતમાં પોતાના બળે ક્યારેય સત્તા પર આવી નથી. 1990માં ચીમનભાઇના જનતાદળ (70 બેઠક) અને ભાજપે (67 બેઠક) સંયુક્ત સરકાર બનાવી, એ પછી જનતાદળ-ભાજપના છૂટાછેડા થયા અને ભાજપની જગ્યાએ ચીમનભાઇ સાથે કોંગ્રેસનું (33 બેઠક) જોડાણ થયું. કેશભાઇએ ટેકો પાછો ખેંચ્યો અને સમય જતાં, 1993માં આખેઆખું જનતાદળ જ કોંગ્રેસમાં સમાઇ ગયું એટલે ચીમનભાઇની (પાછળથી છબીલદાસ મહેતાની) સરકાર કોંગ્રેસની સરકાર બની.

એ પછીની તમામ વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસનું ઘોડું પ્રચારના મેદાનમાં હણહણાટી કરે છે, પણ દશેરાના એટલે કે મતદાનના દિવસે એ પાણીમાં બેસી જાય છે. ચૂંટણીએ ચૂંટણીએ કોંગ્રેસ નબળી કેમ પડતી દેખાય છે?  રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ બંધ પેટીમાં ખુલ્લેઆમ ક્રોસ વોટિંગ કરવા છતાંય નેતૃત્વ એમની સામે લાચાર કેમ?

ગઇ ચૂંટણીમાં (2017માં) કોંગ્રેસ જીતું જીતું.. થતી 77 ના આંકડે આવીને અટકી ગયેલી, પણ સાડા ચાર વર્ષ પછી, આજના દિવસે વિધાનસભામાં એનો આંકડો 63 (વત્તા એક જિજ્ઞેશ મેવાણી અપક્ષ) પર આવીને રહી ગયો છે! છેલ્લા બે દાયકામાં એટલે કે ગુજરાતના રાજકારણમાં મોદી-યુગની શરૂઆત થઇ એ પછી કોંગ્રેસના ધુરંધરો ગણાય એવા અંદાજે 65 જેટલા ચૂંટાયેલા ધારાસભ્યો-સંસદસભ્યો પક્ષ છોડીને ભાજપમાં જતા રહ્યા છે. એમાં નરહરિ અમીનથી માંડીને મણિભાઇ વાઘેલા જેવા એ તમામ નેતાઓનો સમાવેશ થાય છે, જેમનો એક યા બીજા સમયે પક્ષમાં અને પોતાના મતવિસ્તારમાં દબદબો હતો, કાં તો હજુ પણ છે.

આટલું ઓછું હોય એમ, હમણાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના સાત ધારાસભ્યએ ક્રોસ-વોટીંગ કરીને ભાજપના ઉમેદવારને મત આપ્યાનું બહાર આવ્યું છે. આ સાત ધારાસભ્ય કોણ છે એ કદાચ પક્ષનું નેતૃત્વ જાણે છે, પણ પક્ષની હાલત અત્યારે એટલી નબળી છે કે એમની સામે પગલાં ભરવાનું ય પક્ષને પોસાય એમ નથી. આ સાત ધારાસભ્ય આજે નહીં તો આવતીકાલે ભાજપમાં જવાના એ વાત ય નક્કી છે.

સવાલ એ જ છે કે પક્ષના જ ધારાસભ્યો શિસ્ત તોડે ને તોય પક્ષ એમની સામે ચૂં કે ચાં ન કરી શકે? પગલાં લેવાનું તો દૂર, પૂછીય ન શકે? પક્ષની હાલત સાવ આવી કેમ?

ગુજરાત કોંગ્રેસની આ હાલતનો જવાબ એક જ શબ્દમાં છેઃ વલ્નરેબિલીટી.

હા, કોંગ્રસ અત્યારે ગુજરાતમાં સાવ ‘વલ્નરેબલ’ છે. વલ્નરેબલ એટલે એવી સ્થિતિ કે તમે એના પર સહેલાઇથી આક્રમણ કરી શકો. ભાજપ એના ધારાસભ્યો, આગેવાનો છીનવીને સતત આક્રમણ કર્યા કરે છે. રાજકારણની નિશાળમાં ગઇકાલે પાટી-પેન લઇને દાખલ થયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ ય પોતાને જ ભાજપને વિકલ્પ ગણાવીને ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીને વધારે પરેશાન કરી રહ્યા છે. મિડીયા માટે કોંગ્રેસ કોઇપણ હાલતમાં આક્રમણ કરવાનું શ્રેષ્ઠ ઠેકાણું છે. અને છેલ્લે, પક્ષના જ બીજી-ત્રીજી હરોળના નેતાઓ હોદ્દો ન મળે તો પક્ષ છોડી જવાની ધમકી આપીને પક્ષની નેતાગિરીને વધારે વલ્નરેબલ બનાવે છે.

ઓક્કે. તો આ વલ્નરેબિલીટીના કારણો ક્યા ક્યા?  

અલબત્ત, એમાં પ્રદેશ નેતાગિરીનો જૂથવાદ, ધારાસભ્યોને પક્ષપલ્ટા માટે સામ-દામ-દંડ-ભેદ દ્વારા અપાતી લાલચ અને બીજા ઘણા ફેક્ટર્સ કામ કરે છે (વિચારધારા શું હોય એ પૂછવું નહીં), પણ સૌથી મહત્વના બે કારણ છેઃ દિશાવિહીન નેતૃત્વ અને અનિશ્ચિત રાજકીય ભવિષ્ય.

એમાં કોઇને શંકા નથી કે કોંગ્રેસનું નેતૃત્વ દિશાવિહીન છે. ગાંધી પરિવાર હવે વોટ કે ક્રાઉડ પુલર નથી. ગુજરાતમાં કોંગ્રેસ પાસે પેન-ગુજરાત એટલે કે આખા રાજ્યમાં ઓળખ અને અપીલ ધરાવતા હોય એવા એકપણ નેતા નથી.  નેતા ન હોય, નેતૃત્વ ન હોય તો દિશા ન હોય અને દિશા ન હોય તો કાર્યકર્તા દોડીને જાય ક્યાં?

બીજું સૌથી મોટું કારણ એ છે કે આજની યુવા પેઢી કોંગ્રેસમાં જોડાવા તૈયાર નથી. કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી, 1995 સુધી ત્યારે સરકારમાં જે આગેવાનો હતા એમાંથી શક્તિસિંહ ગોહિલ, નરેશ રાવલ જેવા માંડ ગણ્યાગાંઠ્યાં નેતાઓ છે, જે આજે પણ પક્ષમાં સક્રિય હોય. એ સિવાયના આજના કોઇ નેતાઓએ સત્તાનો સ્વાદ ચાખ્યો જ નથી. એ સમયના પચીસ-ત્રીસ-પાંત્રીસની વયના યુવાન કાર્યકર્તાઓને આખી જિંદગી કોંગ્રેસમાં રહીને વિપક્ષમાં રહેવા સિવાય કાંઇ મળ્યું નથી. રાજકારણમાં આખી યુવાની વિપક્ષમાં બેસીને કાઢવા આજે કોણ તૈયાર થાય? કોંગ્રેસમાં જો કોઇને રાજકીય ભવિષ્ય દેખાતું જ ન હોય તો કોઇ શું કામ એમાં જોડાય? વિચારધારા-ફિચારધારા એ બધું ભૂલી જાવ. રાજકારણ આજે કરિયર છે, આદર્શ કે સેવા નથી.

તો શું ગુજરાતમાં હવે કોંગ્રેસનો ધી-એન્ડ? 

વેલ, આટલી કથળેલી હાલત હોવા છતાં ગુજરાતમાં કોંગ્રેસ સાવ પતી જ ગઇ છે કે એનો અંત નક્કી છે એમ કહેવાનું પણ યોગ્ય નથી. 1995થી પક્ષનું ચૂંટણીમાં પરફોર્મન્સ જૂઓ તો ખ્યાલ આવશે કે ભાજપ સતત મજબૂત બનતો હોવા છતાં કે નરેન્દ્ર મોદીની ગુજરાતમાં હાજરી હતી ત્યારે પણ કોંગ્રેસ 57 બેઠકની સરેરાશ સાથે ઓલમોસ્ટ ત્રીજા ભાગની બેઠક જીતતી આવી છે. 1990માં કોંગ્રેસને 33 બેઠક મળેલી, જે કદાચ ગુજરાતમાં એનો સૌથી ખરાબ દેખાવ હતો, પણ એ પછીની દરેક ચૂંટણીમાં એને સરેરાશ પાંત્રીસ ટકા  મત મળતા રહ્યા છે. એટલિસ્ટ, આ આંકડાઓ કહે છે કે કોંગ્રેસ પોતાનું ગુમાવેલું ગ્રાઉન્ડ પાછું મેળવી શકે છે, જો એ બારથી પંદર ટકા મત વધારે મેળવી શકે તો.

એ અશક્ય નથી, પણ આજના ગુજરાતમાં કોંગ્રેસ માટે એ આસાન ય નથી. એ માટે કોંગ્રેસે એની વલ્નરેબિલીટીમાંથી બહાર નીકળવું પડશે. નેતૃત્વ મજબૂત દેખાશે અને રાજકીય ભવિષ્ય દેખાશે તો, (યાદ રહે ‘તો’) સત્તાની મધલાળ જોઇને પક્ષપલટુઓ ય ઘરવાપસીમાં વાર નહીં લગાડે. રાજકારણમાં જો અને તો ને બહુ સ્થાન નથી, પણ ગુજરાત કોંગ્રેસ માટે આ ‘તો’ બહુ મહત્વનો છે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે. મંતવ્યો એમના અંગત છે.)