‘બોયકોટ લાલસિંઘ ચઢ્ઢા’ ની વાસ્તવિકતા

સોશિયલ મિડીયાએ એક કામ બહુ આસાન કરી દીધું છેઃ બહિષ્કાર કરવાનું! ફેસબુક, વ્હોટ્સએપ કે ટિવટર પર આજકાલ #boycottlaalsinghchaddha જબરદસ્ત ટ્રેન્ડ થઇ રહ્યું છે. આ લાલસિંઘ ચઢ્ઢા કોણ છે, ફિલ્મ શું છે, ફિલ્મની સ્ટોરી શું છે એ કાંઇ જાણ્યાકારવ્યા વિના જ નેટીઝનો મચી પડ્યા છે 11 ઓગસ્ટે રિલીઝ થઇ રહેલી આ ફિલ્મનો બહિષ્કાર કરવા. કારણ એટલું જ કે ફિલ્મના કલાકારો આમિર ખાન અને કરીના કપૂર સામે, એમણે ભૂતકાળમાં કરેલા નિવેદનો સામે કે એમની તથાકથિત માન્યતાઓ સામે એક ચોક્કસ વર્ગને વાંધો છે.

ન ગમતા કલાકાર કે ન ગમતા દિગ્દર્શકની ફિલ્મ રિલીઝ થતી હોય ત્યારે સોશિયલ મિડીયામાં બહિષ્કાર કરવાનો ટ્રેન્ડ પણ નવો નથી. છેલ્લા એક દાયકામાં જ ‘માય નેમ ઇઝ ખાન (2010)’ ‘પીકે (2014)’, ‘દંગલ (2016)’, ‘લિપસ્ટીક અન્ડર માય બુરખા (2016)’, ‘પદ્માવત (2018)’, ‘છપાક (2020)’ અને ‘સડક-2 (2020)’ જેવી ફિલ્મો પણ ફેસબુક-ટિવટર પર આ વાવાઝોડાંનો સામનો કરી ચૂકી છે.

અને, આ બધી ફિલ્મોના બહિષ્કાર પાછળના કારણો પણ જાણવા જેવા છે. માય નેમ ઇઝ ખાનનો વિરોધ એટલા માટે થયેલો કે, ફિલ્મના હીરો શાહરૂખે પાકિસ્તાની ક્રિકેટરોને સંભવતઃ આઇપીએલમાંથી બહાર રાખવાના નિર્ણય સામે નારાજગી બતાવેલી. ‘પીકે’માં આમિર સામે ધાર્મિક માન્યતા મુદ્દે વિરોધ હતો. ‘દંગલ’નો વિરોધ એટલે થયો કે, આમિર ખાન-કિરણ રાવે 2015માં ભારતમાં ફેલાયેલી તથાકથિત અસહિષ્ણુતા અંગે નિવેદન આપેલું. ‘પદમાવત’માં અમુક વર્ગની લાગણી દુભાયેલી. ‘છપાક’ વખતે દિપીકા પદુકોણ જેએનયુની મુલાકાતે ગઇ એટલે લોકોને વાંકુ પડ્યું તો મહેશ ભટ્ટ-આલિયા ભટ્ટની ‘સડક-2’ સામે સુંશાંતસિંહનું અપમૃત્યુ અને બોલિવુડમાં નેપોટિઝમનો મુદ્દો હતો.

 

એ પણ જાણી લો કે ફિલ્મોના બહિષ્કાર કરવાના મુદ્દે ફક્ત બહુમતી હિન્દુ સંગઠનો કે જમણેરી સમર્થકો જ આગળ છે એવું નથી. વર્ષ 2016માં અલંકિતા શ્રીવાસ્તવની ‘લિપસ્ટીક અન્ડર માય બુરખા’ વખતે એ સેમી-પોર્ન છે એ મુદ્દે ઓલ ઇન્ડિયા મુસ્લિમ તેહવાર કમિટીએ ફિલ્મનો બહિષ્કાર કરવાની ધમકીઓ આપેલી.

ઇન શોર્ટ, અમને ફિલ્મ સામે અમુક-તમુક મુદ્દે વાંધો છે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ એમ કહીને લોકો વિરોધની આ વહેતી ગંગામાં કૂદી પડે છે. જરૂરી નથી કે વિરોધ કરનારને એ ક્યા મુદ્દે વિરોધ કરે છે એની ખબર પણ હોય! આવા વખતે સોશિયલ મિડીયામાં તમે એક અલગ વ્યક્તિત્વ નથી હોતા, ટોળાંનો એક ભાગ હો છો અને ટોળાંમાં ભળો ત્યારે તમારી વિચારશક્તિ ક્ષીણ થઇ જતી હોય છે.

એની વે, મુદ્દો એ છે કે છેવટે શા માટે લોકો ફિલ્મ જોયા વિના એના વિશે અગાઉથી જ ધારણા બાંધીને એનો વિરોધ કરવા માંડે છે?

પહેલી વાત તો એ છે વિરોધ કરનારાઓનો વિરોધ મોટાભાગે ફિલ્મ કે એના કન્ટેન્ટ સામે નહીં, પણ એના કલાકાર-દિગ્દર્શક સામે, એમની અંગત વિચારસરણી, એમની પોલિટીકલ સ્ટેન્ડ અને એમના કથિત નિવેદનો સામે હોય છે.

 

દિપીકાની ‘છપાક’ની સ્ટોરી લાઇન અને વિરોધનું કારણ તદ્દન જૂદા હતા. ‘દંગલ’ અને ‘માય નેમ ઇઝ ખાન’ હોય કે મહેશ ભટ્ટની ‘સડક-2’ હોય, વિરોધ ફિલ્મ સામે નહીં, એના કલાકાર સામે હતો. આપણી માનસિકતા એવી છે કે આપણે પરદા પરના પાત્રને અને એ ભજવતા કલાકારને એક જ વ્યક્તિ તરીકે જોઇએ છીએ. કલાકાર કે ફિલ્મમેકર સામેનો વ્યક્તિગત વિરોધ એમના સર્જન-ક્રિએશન સામેનો વિરોધ બની જાય છે. અત્યારે આમિર ખાન સામે વાંધો એના અસહિષ્ણુતા અંગેના નિવેદનને લઇને છે. ફિલ્મની શૂટીંગ વખતે એ ટર્કીની પ્રેસિડેન્ટની પત્નિને મળ્યો એની સામે છે, પણ લોકો એ ભૂલી જાય છે કે એ જ આમિર ખાનની ‘રંગ દે બસંતી’ જેવી ફિલ્મને આ જ ઓડિયન્સે હરખભેર વધાવેલી. શાહરૂખની ‘ચક દે ઇન્ડિયા’ પર દર્શકો ઓવારી ગયેલા.

આપણે ફિલ્મમાં દેશભક્ત હીરોનું પાત્ર ભજવતા કલાકારો (ઉદાહરણ તરીકે, અક્ષયકુમાર) પાસેથી એ રિયલ લાઇફમાં પણ એવું જ વર્તે, એવી જ હીરોગિરી કરે એવી અપેક્ષા રાખીએ છીએ. પછીથી એ અપેક્ષા ન સંતોષાય કે પછી એ કલાકાર આપણને ન ગમે એવું વર્તન કરે કે બોલે તો આપણને વાંધો પડે છે. હા, રીલ-લાઇફના વિલન સામે આપણને ક્યારેય વાંધો પડતો નથી. એ લોકો રિયલ લાઇફમાં હીરો છે કે વિલન એ વાતની આપણને ખાસ પડી નથી.

બીજી વાત. સોશિયલ મિડીયામાં કરાતો ફિલ્મનો બહિષ્કાર ખરા અર્થમાં બહિષ્કાર હોય છે ખરો?

એનો જવાબ સીધો હા કે ના માં આપવાનું મુશ્કેલ છે. દિપીકાની ‘છપાક’નો વિષય વિવેચકોએ વખાણેલો. ‘પદમાવત’ વિરોધ છતાંય સફળ નીવડેલી. ‘દંગલ’ અને ‘પીકે’નો લાખ વિરોધ થવા છતાંય આ ફિલ્મોએ ટિકીટબારી પર ટંકશાળ પાડેલી. એની સામે જમણેરી વિચારધારાના સમર્થકો મનાતા હોવા છતાં કંગના રણૌતની ‘ધાકડ’ અને અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ રાસો’ને દર્શકોએ બેરહેમીથી પીટી નાખેલી.

એટલે જરૂરી નથી કે સોશિયલ મિડીયા જ ફિલ્મની સફળતા કે નિષ્ફળતા નક્કી કરે. વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શક તરીકે બહુ મોટું નામ નહોતું. એમની ‘ધ કશ્મીર ફાઇલ્સ’ને ટિકીટબારી પર સફળ બનાવવામાં ફિલ્મના વિષયની ઇમોશનલ અપીલની સાથે સાથે સોશિયલ મિડીયાએ પણ ફાળો આપેલો.

(‘બોયકોટ લાલસિંઘ ચઢ્ઢા’ ટ્વિટર પર)

આદર્શ પરિસ્થિતિ એ છે, ફિલ્મને ફિલ્મની રીતે જોવાય. એના સારાં અને નરસાં પાસાઓની ચર્ચા થાય અને કલાકાર-ફિલ્મમેકરના વ્યક્તિગત ગુણદોષના આધારે ફિલ્મ વિશે જજમેન્ટ ન અપાય. વાસ્તવિકતા એ છે કે, આપણે સોશિયલ મિડીયા દ્વારા ઉભા કરાતા નેરેટીવ-માહોલમાં તણાઇ જઇએ છીએ.

આપણે અજીબ દર્શકો છીએ. એવું પણ શક્ય છે કે, એક દર્શક તરીકે આપણે થિયેટરમાં ‘લાલસિંઘ ચઢ્ઢા’ જોતાંજોતાં જ ફેસબુક કે ટિવટર પર #boycottlaalsinghchaddha નું સમર્થન પણ કરતા હોઇએ!

(લેખક ચિત્રલેખા.કોમ ના એડિટર છે. પ્રસ્તુત વિચારો એમના અંગત છે.)