ગુજરાતમાં આપ આયે, બહાર આયેગી?

  • કેતન ત્રિવેદી (ગાંધીનગર)

વર્ષ 2017 માં યોજાએલી ગુજરાતની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિરોધ પક્ષ કોંગ્રેસે પરિવર્તનનો નારો આપીને નવસર્જન ગુજરાત માટે મતદાન કરવા હાકલ કરી હતી. એ વખતે તો મતદારોએ કોંગ્રેસની વાત કાને ન ધરી, પણ હવે વર્ષ 2022 ની ચૂંટણીનો શંખ ફૂંકાવાની ઘડી આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ હવે બદલાશે ગુજરાતનો નારો વહેતો મૂકીને ગુજરાતના મતદારોને ફરી બદલાવની અપીલ કરી છે.

અલબત્ત, ચૂંટણીને હજુ દોઢ વર્ષની વાર છે, પણ થોડા દિવસ પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપ ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની અમદાવાદ મુલાકાત, ભાજપના પ્રભારીની હાજરીમાં ધારાસભ્યોની મિટીંગમાં ચૂંટણીની તૈયારીના આદેશ અને કોંગ્રેસમાં શરૂ થયેલો નેતૃત્વનો કકળાટ- આ ત્રણેય ઘટનાક્રમ સાફ દર્શાવે છે કે ગુજરાત હવે ચૂંટણી-મોડમાં પ્રવેશી ચૂક્યું છે. ચૂંટણી આવતા સુધીમાં હજુ તો અનેક ઘટનાક્રમો બદલાશે, રાજકીય ઉથલપાથલો સર્જાશે એટલે ગુજરાતની રાજકીય દશા-દિશા તો ત્યારે જ નક્કી થશે, પણ અત્યારના સંજોગો જોતાં આગામી ચૂંટણી જંગ ભાજપ-કોંગ્રેસનો દ્વિપાંખીયો જંગ નહીં હોય. આમ આદમી પાર્ટી હવે ત્રીજા પરિબળ તરીકે આ જંગમાં ઝૂકાવશે અને ખાસ કરીને, સુરત મહાનગરપાલિકામાં આપને મળેલી સફળતા પછી એટલું નક્કી છે કે આપ પરિબળને અવગણવાનું ભાજપ કે કોંગ્રેસ માટે આસાન પણ નહીં હોય.

ત્રીજા રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં હાજરી એ આમ તો નવી વાત નથી. 2011-12 માં નવી દિલ્હીમાં અન્ના આંદોલન પછી આપનો રાજકીય ઉદભવ થયો એ પછી ગુજરાતમાં પણ એની વિધિસર સ્થાપના થઇ ચૂકી હતી. એ સમયથી પક્ષમાં જોડાયેલા અને હાલ પ્રદેશ કાર્યાલયમાં ફરજ બજાવતા ભાવનગરના અનુપ શર્મા કે પક્ષના ખજાનચી સુરતસ્થિત સોનાલી પટેલ જેવા અનેક કાર્યકર્તાઓ પક્ષનું સંગઠન બનાવવા મથામણ કરી રહ્યા હતા. સ્વચ્છ રાજનીતિ આપવાના અરવિંદ કેજરીવાલના વચન પર એમના જેવા અનેક કાર્યકરો આજે ય ભરોસો જાળવીને કામ કરી રહયા છે.

ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં અનુપ શર્મા અને સોનાલી પટેલ યાદ કરે છે એમ, 24 ફેબ્રુઆરી, 2012 ના રોજ અમદાવાદમાં શારદાનગર સોસાયટી ખાતે કિશોરભાઇ દેસાઇના બંગલે મનીષ સિસોદીયાની ઉપસ્થિતિમાં પ્રદેશ સંગઠનની પહેલી કારોબારી બેઠક મળી હતી. સુરતના નિવૃત્ત અધ્યાપક અને ગાંધીવાદી વિચારધારા ધરાવતા આ 78 વર્ષી કિશોરભાઇ દેસાઇ ત્યારથી પક્ષમાં સક્રિય છે. એ સમયે જે અગિયાર સભ્યની કારોબારી બનેલી એમાંથી હાલ કિશોરભાઇ દેસાઇ, અનુપ શર્મા અને ગોંડલસ્થિત નિમિષા ખૂંટ એમ ત્રણ જ વ્યક્તિ હાલ પક્ષમાં સક્રિય છે. પ્રદેશના પહેલા પ્રમુખ અને સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાયેલા સુખદેવ પટેલ તો 2015 માં જ સંગઠન છોડી ચૂક્યા છે. એ ગયા પછી કિશોરભાઇ દેસાઇ પ્રદેશ પ્રમુખ બન્યા અને એ પછી વર્તમાન પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સુકાન સંભાળ્યું.

એ વાત પણ નોંધવા જેવી છે કે રાજકારણ અને સિસ્ટમમાં બદલાવ માટે રચાયેલો આ પક્ષ પણ આંતરિક ખટપટ અને હોદ્દાની ખેંચતાણથી મુક્ત ન રહી શક્યો. હજુ તો રાજ્યમાં પક્ષનું સંગઠન બને એ પહેલાં જ હોદ્દાની ખેંચતાણ જામી. આડેધડ હોદ્દાઓ વહેંચાયા. ફંડની ખેંચ વર્તાઇ એટલે વારંવાર કાર્યાલય બદલાતા રહયા. દિલ્હી વિધાનસભાની પહેલી ચૂંટણીમાં ધાર્યા કરતાં વધારે સફળતા મળી એટલે ઓવર-કોન્ફિડન્સમાં આવીને પક્ષે 2014 ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 26માંથી 23 બેઠક પર કોઇ સંગઠન કે કોઇ તૈયારી વિના ઝૂકાવ્યું. મહુવાના સંનિષ્ઠ આગેવાન કનુભાઇ કળસરિયા ભાવનગર લોકસભા બેઠક પરથી લડયા, પણ એ સમયે મોદીની આંધીમાં આપના ઉમેદવારો માટે ડીપોઝીટ બચાવે એટલા મત મેળવવાનું ય મુશ્કેલ હતું.

શરૂઆતથી જ પક્ષ સાથે જોડાયેલા ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ કિશોરભાઇ દેસાઇ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે એમ, ‘લોકસભાની ચૂંટણીમાં મળેલી નિષ્ફળતાથી કાર્યકરોમાં થોડીક હતાશા આવે એ સ્વાભાવિક હતું. એના કારણે 2017 ની વિધાનસભાની ચૂંટણી લડવી કે નહીં એ બાબતે પણ પક્ષ અવઢવમાં હતો.’

આ અવઢવના કારણે પક્ષના જ કેટલાક કાર્યકરો 29 બેઠક પરથી લડયા તો ખરા, પણ પક્ષનો ધબડકો થયો. આ સમયગાળામાં ઉત્તર પ્રદેશની એક સભામાં અરવિંદ કેજરીવાલે આ મતલબનું વિધાન કહેલું કે, ‘ગુજરાતમેં ચુનાવ હૈ ઔર આમ આદમી પાર્ટી લડ રહી હૈ લેકિન લોગોં કો લગે કિ યદી આપ જીત નહીં રહી હૈ તો વોટ ભાજપા કો હરાને કે લિયે કિસી ઓર કો દે સકતે હૈ…’

સંકેત સાફ હતો. દિલ્હીનું નેતૃત્વ ગુજરાતમાં લડવા બહુ ઉત્સુક નહોતું. 2019 ની લોકસભાની ચૂંટણીમાં તો પક્ષની ગુજરાતમાં ક્યાંય હાજરી જ વર્તાતી નહોતી. કનુભાઇ કળસરિયા અને મહેસાણાના વંદના પટેલ જેવા અનેક કાર્યકરો-આગેવાનો પક્ષ છોડી ચૂક્યા હતા.

વેલ, સવાલ એ છે કે આટલી નિષ્ફળતા પછી હવે અચાનક પક્ષ 2022 ની ચૂંટણી માટે કેમ અત્યારથી સક્રિય થઇ ગયો? પક્ષને ગુજરાતમાં એવું તે શું દેખાયું કે ટીવી ચેનલના એન્કરમાંથી રાજકારણી બનેલા ઇસુદાન ગઢવીને પક્ષમાં આવકારવા ખુદ અરવિંદ કેજરીવાલ અમદાવાદ દોડી આવ્યા?

પક્ષના મિડિયા ઇન્ચાર્જ તુલી બેનરજી ગુજરાતમાં હમણાં યોજાએલી મહાનગરપાલિકા-નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોના આંકડા આપે છે એમાંથી આ સવાલનો જવાબ મળે છે. આપને સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક સાથે 24 ટકા મત મળ્યા છે. રાજકોટ, અમદાવાદ, જામનગર, ભાવનગર અને વડોદરામાં બેઠક ન મળી, પણ મત અનુક્રમે 16, 7.9, 8.3, 7.9 અને 3 ટકા મળ્યા. જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં પણ 42 બેઠક મળી અને જેસર (ભાવનગર) જેવી તાલુકા પંચાયતમાં તો અનામત પધ્ધતિના લીધે પ્રમુખપદ ય મળ્યું.

ખાસ કરીને સુરતમાં ભાજપના ગઢમાં જ મળેલી સફળતાથી સ્વાભાવિક રીતે જ પક્ષનો ઉત્સાહ વધ્યો. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ચિત્રલેખા.કોમ ને કહે છે, ‘ગુજરાતની પ્રજા હવે ભાજપથી થાકી ગઇ છે અને કોંગ્રેસ પર લોકોને ભરોસો જ નથી. ગુજરાતમાં કોંગ્રેસ ભાજપ માટે જ કામ કરે છે ત્યારે આ સ્થિતિમાં હવે અમે રાજકીય વિકલ્પ પૂરો પાડીને સ્વચ્છ રાજનીતિ માટે તૈયાર છીએ. અમે ગુજરાતમાં બદલાવ લાવવા મક્કમ છીએ.’

એને આત્મવિશ્વાસ ગણો, અતિ-ઉત્સાહ ગણો કે મક્કમતા ગણો, પણ પક્ષમાં નવો ચૂંટણી સંચાર થવા પાછળ બીજા કારણો ય છે. એક તો, કોરોનાની બીજી લહેર પછી લોકોમાં ભાજપ સરકારની અણઆવડતના લીધે અસંતોષ પ્રવર્તે છે અને પ્રજા ભાજપ સામે વિરોધ હોવા છતાંય હજુ કોંગ્રેસને વિકલ્પ તરીકે જોતી નથી એ ભૂતકાળમાં દેખાઇ ચૂક્યું છે. સુરતમાં જ્યાં હાર્દિક પટેલની અનામત આંદોલનની ટીમ પાસ નો ગઢ છે ત્યાં જ આમ આદમી પાર્ટીને સફળતા મળી એ પછી પાસના કાર્યકરો ખાનગીમાં આપ માટે કામ કરતા હોવાની વાતો ય ચાલી છે અને હાર્દિક પટેલ માટે ય જો કોંગ્રેસમાં ન ફાવે તો ભવિષ્યમાં આપ ના દરવાજા ખુલ્લા હોવાનું ચર્ચાય છે. છેલ્લા થોડા દિવસોથી સુરતમાં જ આંતરિક ડખાઓના કારણે ભાજપના અમુક કાર્યકરો આપ માં જોડાઇ રહયા છે. કોંગ્રેસના અમુક આગેવાનો પણ ભાજપના બદલે આપ માં જોડાય એ માટે દાણા દબાવાઇ રહયા છે. ખાસ કરીને ભાજપ-કોંગ્રેસમાં વર્ષોથી કામ કરવા છતાંય હોદ્દા કે ટિકીટથી વંચિત રહી ગયેલાઓને પોતાના ભણી લાવવા પક્ષ મહનત કરશે. આ બધા કારણોથી ય પક્ષ આગામી ચૂંટણીમાં મહત્વના પરિબળ તરીકે ઊભરી આવવા તૈયારીઓ કરે એ સ્વાભાવિક છે. ગુજરાતમાં કોંગ્રેસ અત્યારે અત્યંત નબળી સ્થિતિમાં છે એનો ફાયદો ઉઠાવીને પક્ષ પૂરી તાકાત લગાવી શકે છે.

વળી, અરવિંદ કેજરીવાલના આ પક્ષને અખબારો-ટીવી ચેનલમાં સતત સમાચારોમાં કેમ રહેવું, લોકોમાં જુવાળ જગાવવો કે રાજકીય વાતાવરણ કેમ બનાવવું એ સારી રીતે આવડે છે. ટીવી ચેનલમાં લોકપ્રિય બનેલા એન્કર ઇસુદાન ગઢવી પક્ષમાં જોડાયા પછી એમના અવાજમાં પક્ષમાં જોડાવાનું કોલ-કેમ્પેઇન શરૂ થઇ ચૂક્યું છે. હોર્ડિંગ્સ મૂકાઇ રહયા છે અને સોશિયલ મિડીયામાં પૂરી તાકાત લગાવાઇ રહી છે. ઇસુદાન ગઢવીને ગુજરાતમાં પક્ષના ચહેરા તરીકે પ્રોજક્ટ કરાઇ રહયા છે.

ગોપાલ ઇટાલિયા કહે છે, ‘આગામી દિવસોમાં અમે સતત લોકસંપર્કથી લોકોના પ્રશ્નો સાંભળીને એમનો અવાજ બનવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે અમારું સંગઠન મજબૂત બને, નવા કાર્યકરો અમારી સાથે જોડાય એ માટે કામ કરીશું.’

ગુજરાતમાં ત્રીજા રાજકીય પરિબળને ક્યારેય સફળતા નથી મળી એના જવાબમાં એ કહે છે, ‘અત્યાર સુધી જે ત્રીજા પરિબળો આવ્યા એ કોંગ્રેસ કે ભાજપમાંથી છૂટા પડેલા લોલોના પક્ષ હતા અને સીધા જ વિધાનસભા ચૂંટણીમાં આવ્યા હતા. અમે કોઇનાથી છૂટા પડીને આવ્યા નથી અને સ્થાનિક સ્તરે કામ કર્યા પછી આવ્યા છીએ.’

અલબત્ત, આમ આદમી પાર્ટી માટે હજુ લાંબી મજલ કાપવાની છે. ગુજરાતમાં સંઘ અને ભાજપના મજબૂત નેટવર્કને તોડવાનું કામ અઘરૂં છે. ચૂંટણી ફ્કત આદર્શો કે વચનોથી નથી લડાતી. એ માટે જરૂરી આર્થિક ફંડ એકત્ર કરવાનું કામ ય પક્ષ માટો મોટો પડકાર બની શકે છે.

જો કે, ગોપાલ ઇટાલિયા આત્મવિશ્વાસ સાથે દાવો કરે છે કે, આર્થિક સમસ્યા એમને નડવાની નથી કેમ કે, પક્ષને એમના શુભેચ્છકો તરફથી સતત મદદ મળતી રહી છે અને મતદારોને આર્થિક રીતે લલચાવાની એમના પક્ષને જરૂર નથી. ગુજરાતના ખેડૂતો, બેરોજગારો, દબાયેલા વેપારીઓ અને કચડાયેલો વર્ગ જ એમનો પક્ષ છે, પક્ષનો ચહેરો છે.

વેલ, એમનો આ દાવો કેટલો સાચો-ખોટો એ તો ભવિષ્યમાં જ ખબર પડશે, પણ ચૂંટણી નજીક આવશે એમ સત્તાલાલચુઓ પણ રાજકીય ઉથલપાથલ કરશે. સ્વચ્છ રાજનીતિનો દાવો કરતી આમ આદમી પાર્ટી એનાથી અળગી રહીને ગુજરાતમાં બદલાવ લાવશે કે એ પોતે જ બદલાઇ જશે એ પણ ભવિષ્યમાં જ ખબર પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]