કિરણ બેદી બહુ બહાદુર પોલીસ અફસર છે તેવી વાહવાહી આપણે સાંભળી હતી. ઇન્ટરનેશનલ એવોર્ડ્સ પણ તેમના નામે બોલે છે. જેલમાં સુધારણાના કાર્યક્રમો તેમણે ચલાવ્યા એટલે આપણે આભા થઈ ગયા. જેલ સુધારણા એવું મોટા લોકો બોલે એટલે નાના લોકો ચૂપચાપ સાંભળે. કંઈ બોલે નહીં, પણ મનમાં વિચારે ખરા – બદમાશ લોકો, જે આખી જિંદગી પોતાના કુટુંબના, સગાંવહાલાના કહેવાથી ના સુધર્યા તે સવારે પોણો કલાક યોગા કરાવો એટલામાં કેવી રીતે સુધરી જશે. આ લોકોએ કૂતરાની પૂંછડી જમીનમાં દાટીને જોયેલી હોય છે. તેમણે જોયું છે કે પૂંછડી સીધી ને સીધી જ રહે.એ જ રીતે સરકારી અમલદારને તમે ગમે ત્યાં મૂકો તે સરકારી અમલદાર જ રહેશે. આ અમલદારશાહી એ ગુલામી પ્રથાને અકબંધ રાખવા માટે અને તેને અચકન પહેરાવીને શોભાયમાન બનાવવા માટે હતી. એ અચકન હજીય આપણે ઉતાર્યું નથી. અમલદાર એનજીઓએમાં જાય તોય એનજીઓ જ રહે. કિરણ બેદી એનજીઓમાં ગયા હતા. આમ તો અમલદાર હતા ત્યારે જ અડધા એનજીઓ જેવા હતા. એનજીઓ પણ અર્ધદગ્ધ હોય છે, પણ તે જુદો મુદ્દો છે. તેને એક જ લાઈનમાં પતાવી દઈએ. એનજીઓ એટલે કલ્યાણકારી ભાસે તેવા કાર્યોનો એનસાઇક્લોપિડિયા તૈયાર થાય તેટલું લાંબું દસ્તાવેજીકરણ કરવું. તેમને કાર્યોમાં રસ નથી હોતો, દસ્તાવેજીકરણમાં રસ હોય છે. અમલદારોને નિયમો લાદવાનો અને રિપોર્ટ તૈયાર કરવામાં રસ હોય છે. અન્નાનું આંદોલન થયું ત્યારે તેની પાછળ જ (હવે નકલી સાબિત થયેલા) એનજીઓ હતા તેમાંના એક એનજીઓમાં કિરણ બેદી પણ હતા.
કિરણ બેદીને તમે જોયા હશે, અન્નાની ઉપવાસ-પીઠ પર ઊભા રહીને તિરંગો લહેરાવતા. તેમના માટે તે અગત્યનું કામ હતું. મૂળ ઉદ્દેશ કંઈ પણ હોય, ઉદ્દેશ પાર પડશે કે કેમ તેની બહુ ચિંતા નથી હોતી. કાર્યક્રમ બરાબર પાર પડવો જોઈએ તેની ચિંતા અમલદારોને હોય છે. નેતાઓ કહે કે કન્યાઓને સાયકલ આપવાની છે, કેમ કે સાયકલ હોય તો કન્યા કદાચ શાળાએ જાય. ઉદ્દેશ કન્યા શાળાએ જાય તે હોય. પરંતુ કિરણ બેદી જેવા અમલદાર પાસે કાગળિયું પહોંચે એટલે તેનું મન – ના કન્યા ખરેખર શાળાએ જશે કે કેમ તે દિશામાં ના વિચાર – વિચારવા લાગે કે નિયમાનુસાર સાયકલ આપી શકાય તેવી કેટલી કન્યા શોધવાની છે અને ક્યાંથી શોધવાની છે.
મૂળ વાત પર આવીએ કે કિરણ બેદીએ હમણાં કેવો ફતવો બહાર પાડ્યો અને કેવી બેશરમી સાથે તેમણે તે પાછો ખેંચવો પડ્યો. પુડ્ડુચેરીમાં ભાજપે તેમને લેફ્ટનન્ટ ગર્વનર તરીકે મોકલ્યા છે. પૂર્ણ કક્ષાના રાજ્યમાં ગર્વનરે કશું કરવાનું હોતું નથી, પણ દિલ્હી અને પુડ્ડુચેરી જેવા અર્ધ-રાજ્યોમાં તેમની પાસે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતા વધારે સત્તા હોય છે. તેમણે ફતવો બહાર પાડ્યો કે જે ગામ પાસે સ્વચ્છતાનું સર્ટિફિકેટ નહીં હોય તેમને કેન્દ્ર સરકાર તરફથી મળતા મફત ચોખાનો પુરવઠો આપવામાં આવશે. અમલદારને સ્વચ્છતા થઈ કે નહીં તેની ચિંતા નથી હોતી, સ્વચ્છતા થઈ ગઈ છે તે સર્ટિફિકેટ તૈયાર થઈને ફાઇલ થવું જોઈએ. એ માનસિકતા પણ કિરણ બેદીમાં દેખાઈ આવી.
શનિ-રવિમાં બહેન ગ્રામીણ વિસ્તારમાં રાઉન્ડ મારવા નીકળ્યા હતા. તેમણે જોયું કે મન્નાડીપેટ નામના ગામની આસપાસ બહુ ગંદકી છે. તેમનું અમલદારી મગજ કામ કરવા લાગ્યું – આ ગામને કેવી રીતે સ્વચ્છ કરી શકાય? હંમ… લોકોને સરકારી મફત ચોખા નહીં મળે તો જ સફાઇ કરશે. તેથી તેમણે આદેશ બહાર પાડ્યો, ‘…એ શરતોને આધીન રહેશે કે ગામ પાસે પ્રમાણપત્ર હોય કે ગામમાં કોઈ જાહેરમાં જાજરૂ જતું નથી, ચારે બાજુ ઉકરડાં અને પ્લાસ્ટિકનો કચરો ફેલાયેલો નથી, તથા આવું સંયુક્ત સર્ટિફિકેટ ધારાસભ્ય તથા નાગરિક પુરવઠા કમિશનર કચેરીના કોમ્યુન કમિશનરનું હોવું જોઈએ. સર્ટિફિકેટ નહીં હોય ત્યાં સુધી લાભાર્થીને મફત ચોખા અપાશે નહીં. સર્ટિફિકેશન અસલી છે કે કેમ તેની ખરાઇ કરવા માટે ક્રોસવેરિફિકેશન પણ કરવાનું રહેશે.’
આવા ફતવા પછી સ્થાનિક લોકોએ ભારે નારાજી દેખાડી અને કિરણ બેદીને દેખાડ્યું કે મગજમાં બારી ક્યાં હોય. જાહેર શૌચાલય બાંધવાની જવાબદારી અને સફાઇની જવાબદારી પંચાયત તંત્રની છે. ગામના લોકોની નૈતિક જવાબદારી ખરી કે ગંદકી કરવામાં આવે, પણ સ્વચ્છતાની જવાબદારી સરકારી તંત્રની છે. આટલી સાદી વાત પણ કિરણ બેદી જેવા અમલદાર ના સમજી શકે તેમાં નવાઈ ના લાગવી જોઈએ.અમલદાર તૈયાર કરવાની સિસ્ટમ કઈ રીતે કામ કરે છે તે ધ્યાનપૂર્વક જુઓ. મહત્ત્વાકાંક્ષી યુવાનો (કલેક્ટર અને ડીએસપી થઈ જવાથી કઈ રીતે બખ્ખાં થઈ જાય છે એવું જાણનારા યુવાનો) કોલેજ કરવાની સાથે જ ઊંઘું ખાલીને વાંચવામાં લાગી જાય છે. આસપાસની વાસ્તવિક દુનિયાથી પોતાને તદ્દન અલગ કરી દે છે. શાળા વખતે ઘરથી બહુ દૂર જવાનું થતું નથી. કોલેજકાળમાં ઘરથી થોડા દૂર થઈને, દુનિયાદારી જોવાની હોય છે. જુદા જુદા બેકગ્રાઉન્ડમાંથી આવતા યુવાનો સાથે હળીમળીને નવું વિચારવાનું હોય છે. સાંસ્કૃત્તિક કાર્યક્રમોમાં ભાગ લઈને વ્યક્તિત્વનું પાસું વિકસાવવાનું હોય છે. સહજ રીતે થતી ડિબેટથી બીજાની કરતા વધારે પોતાની માન્યતાઓ તોડવાની હોય છે અને વ્યવહારુ ઉકેલ શું હોઇ શકે છે તે ફ્રેશ માઇન્ડથી વિચારવાનું હોય છે.
આમાંનું કશું યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપનારો કરતો નથી. તે ઊઠીને સીધો પુસ્તકમાં મોં ઘાલે છે. પાણીથી ધોઈને મોં પણ ફ્રેશ કરતો નથી, તેની પાસે માઇન્ડ ફ્રેશની અપેક્ષા રાખવી મુશ્કેલ છે. 24 કલાકમાંથી ચારેક કલાક સુવે છે. બેએક કલાકમાં બે ટાઇમનું ખાવાપીવાનું પતાવે છે અને બસ પુસ્તક ગોખ્યા કરે છે, ગોખ્યા કરે છે, ગોખ્યા કરે છે. સૌથી ઉત્તમ ગોખણગીરી કરનારો પાસ થાય છે અને તે સીધો અમલદાર થઈ જાય છે. પાંચ વર્ષના અનુભવી પીએસઆઇએ ફ્રેશ ડીવાયએસપીના હાથ નીચે કામ કરવું પડે છે. દસ વર્ષના અનુભવી મામલતદારે ફ્રેશ ડેપ્યુટી કલેક્ટરના હાથ નીચે કામ કરવું પડે છે. આ અનુભવીઓ સરકારી નિયમો નહીં, પણ પ્રેક્ટિકલી કઇ રીતે કામ કરે છે તે સમજાવતા હોય છે. ફ્રેશ અને અપવાદરૂપે આદર્શવાદી અમલદાર તેને માનવા પ્રેરાતો પણ હોય છે. પરંતુ તેના ઉપર રીઢો થઈ ગયેલો કલેક્ટર બેઠો છે. તે તરત જ નિયમોનો ચોપડો કાઢીને બતાવશે અને કહેશે, નીચેનો સ્ટાફ કહે તે રીતે કામ નથી કરવાનું, ઉપર બેઠેલા સચીવોને ફાઇલ ઇન ઓર્ડર લાગે તે રીતે કામ કરવાનું છે.
અહીંથી જે વિષચક્ર ચાલે છે તે તેની સમગ્ર કરિયર દરમિયાન ચાલતું રહે છે. થોડા જ વખતમાં તે પ્રમોશન સાથે કલેક્ટર થઈ જાય છે. આઇએએસ અને આઇપીએસનું એક કલ્ચર ઊભું થાય છે અને તેમાંથી તેઓ બહાર નીકળવા માગતા પણ નથી. લાંબો સમય આ કલ્ચરમાં જ ઉછરેલા કિરણ બેદી જેવા અમલદારની બુદ્ધિ પણ બે દાયકામાં જ બહેર મારી જાય છે. તેમની બુદ્ધિ નાઠે તે માટે સાઠ વર્ષની રાહ જોવાની જરૂર પડતી નથી.
આઝાદી પછી અમલદારશાહીમાં ફરક પડશે એવી આશા ઠગારી નીવડી છે. ઉલટાનું આઝાદી પછી તરત જ કટોકટીભરી સ્થિતિમાંથી દેશ પસાર થયો ત્યારે તંત્ર અંગ્રેજોએ ગોઠવ્યું હતું તે રાહે ચાલતું રહ્યું હતું. સત્તાધીશોને પણ તે માફક આવી ગયું અને તે તંત્ર યથાવત્ ચાલતું રહ્યું છે.
દુનિયાની મોટા ભાગની વહીવટી વ્યવસ્થામાં આવી જડ અમલદારશાહી જ ચાલે છે. જે દેશોમાં નાગરિકો સજ્જ થવા લાગે ત્યાં જ આ વ્યવસ્થા થોડી તૂટે છે અને જડતો ઓછી થાય છે. કેટલાક દેશોમાં કુશળ રાજકીય વ્યક્તિઓ સત્તા પર આવે ત્યારે થોડો ફરક પડતો હોય છે. રાજકીય વ્યક્તિ કોઈ પણ અમલદાર કરતાં અને કોઈ પણ મલ્ટિનેશનલ કંપનીના એક્ઝિક્યુટિવ કરતાં લોકોની વચ્ચે વધારે રહેલો હોય છે. રાજકીય વ્યવસ્થામાં વધારે સારા માણસો આવતા થાય ત્યારે અમલદારશાહીની જડતા તૂટે છે.
ભારતમાં આ બંને બાબતોનો અભાવ છે. રાજકીય વ્યવસ્થામાં જોઈએ તેટલા સારા માણસો આવ્યા નથી. નાગરિકોમાં સજ્જતા ધીમે પગલે જ આવી રહી છે. નાગરિકો વધારે સજ્જ થશે એટલે રાજકીય માણસો પણ વધારે સજ્જ થશે. એ બંને પ્રક્રિયા ઘણીવાર સાથોસાથ ચાલતી હોય છે. તે પ્રક્રીયા ઝડપી બને ત્યારે જ અમલદારશાહીની જડતામાંથી તંત્રને મુક્તિ મળતી હોય છે. નિયમોનુસાર શાસન ચલાવવું જરૂરી છે અને તેથી અમલદારીમાં ઘણા અંશે જડતા રહેશે, પણ ઉપર રાજકીય માણસ અને નીચે નાગરિક બંને સમજદાર હશે ત્યારે નિભંરતા ઓછી થશે.કિરણ બેદીના કેસમાં એવું થયું કે શનિવારે સવારે તેમણે ફતવો બહાર પાડ્યો અને તરત જ તેની આકરી ટીકા થઈ. તેમણે તરત જ તેમાં પાછી પાની કરવી પડી. સોશિઅલ મીડિયામાં મેસેજ મૂકીને 31 મે સુધીમાં સર્ટિફિકેટ મેળવી લેવાની વાતમાં પાછી પાની કરવી પડી. પણ જુઓ પૂંછડી સીધી ના થાય – તેમણે લખ્યું કે પોતાના ઇરાદા વિશે ગેરસમજ ના થાય તેથી સ્પષ્ટતા કરવામાં આવે છે કે ‘યુનિયન ટેરિટરી સરકારે નિર્ણય કર્યો છે તે પ્રમાણે પુડ્ડુચેરીના ગામો જૂનના અંત સુધીમાં ઓડીએફ હાંસલ કરી લેશે. તેથી તેના માટે વધુ સમયમર્યાદા આપતા મને આનંદ થાય છે.’
હજી પણ તેઓ સમયમર્યાદા પ્રમાણે કામ પૂરું કરી નાખવાની જ માનસિકતા ધરાવે છે. રજૂઆત થાય ત્યારે સમયમર્યાદા વધારી આપવાની, પણ વ્યવહારુ ઉકેલ તરફ મગજ દોડાવવાનું નહીં. સ્વચ્છતા કેવી રીતે લાવી શકાય તે વિશે વિચારવાના બદલે સરકાર પણ સ્વચ્છતા અભિયાનો ચલાવ્યા કરતી હોય છે. નાગરિકો ચૂપચાપ નેતાઓ અને અધિકારીઓના સ્વચ્છતાના તમાશા જોયા કરે છે, પણ સ્વચ્છતા રાખવાનું નાગરિકો પણ શીખવા માગતા નથી. ચાલવા દ્યો ત્યારે.