બેલ્લારીની બબાલઃ પહેલાંની અને અત્યારની…

ર્ણાટકની ચૂંટણીમાં આંધ્ર પ્રદેશના રેડ્ડી બંધુઓની ચર્ચા ના થાય તો જ નવાઈ લાગે. ગયા મહિને જ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે એક જાહેર સભામાં સ્પષ્ટતા કરી દીધી હતી કે ભાજપને રેડ્ડી બંધુઓમાંના એક જર્નાદન રેડ્ડી સાથે કંઈ લાગેવળગતું નથી. પણ રેડ્ડીઓ ભાજપને એવા વળગ્યા છે કે સહેલાઇથી છોડે તેમ નથી. જામીન પર છૂટેલા ગાલી જનાર્દન રેડ્ડી ભાજપ માટે ખાનગીમાં બિનધાસ્ત પ્રચાર કરી રહ્યાં છે.
ખાણમાફીયા તરીકે કુખ્યાત રેડ્ડી બંધુઓ વિના ભાજપને ચાલે તેમ નથી. બેલ્લારી અને આસપાસના વિસ્તારમાં તો નથી જ ચાલે તેમ. ભાજપે શ્રીરામુલુ નામના નેતાને ટિકિટ આપી છે. તે રેડ્ડી બ્રધર્સના પ્રોક્સી મનાય છે. તેમના માટે રેડ્ડી બંધુઓએ નાણાની કોથળી ખૂલી મૂકીને પ્રચાર શરૂ કરી દીધો છે. એવી વાતો પણ ચલાવવામાં આવી રહી છે ભાજપની સરકાર આવશે તો શ્રીરામુલુને ડેપ્યુટી સીએમ બનાવાશે. ભાજપ માટે આપેલા ભોગનો પ્રસાદ લેવા માટેની રેડ્ડી બંધુઓની આ અત્યારથી તૈયારી છે. ભાજપ પર આગોતરું દબાણ કરી દીધું છે કે શ્રીરામુલુને મહત્ત્વ આપવાનું છે. મહત્ત્વ અપાઇ રહ્યું હોય તેવું અત્યારે લાગે પણ છે, કેમ શ્રીરામુલુની ઈચ્છા પ્રમાણની બેઠક પરથી તેમને ટિકિટ અપાઈ છે અને પક્ષના કાર્યક્રમોમાં પણ તેમને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. બેલ્લારીના બદલે શ્રીરામુલુએ ચિત્રદુર્ગ જિલ્લાની મોલાકલમુરુ બેઠક માગી તે તેમને આપી દેવામાં આવી છે. રેડ્ડી ત્યાં તેમના માટે પ્રચાર કરી શકે છે, જ્યારે બેલ્લારીમાંથી તેને તડીપાર કરાયાં છે.
આ રેડ્ડી બંધુઓ રાષ્ટ્રીય સ્તરે ચમક્યાં હતાં, કેમ કે તેમણે 1999ની લોકસભાની ચૂંટણીમાં બેલ્લારીમાંથી સુષ્મા સ્વરાજને ચૂંટણી લડાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સોનિયા ગાંધીએ કોંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું અને પ્રથમવાર તેઓ લોકસભાની ચૂંટણી લડવા તૈયાર થયા હતા. તેમને જીતાડવા કોંગ્રેસ માટે જરૂરી હતાં તેથી તેમના માટે અમેઠી ઉપરાંત બીજી સલામત બેઠક કર્ણાટકના બેલ્લારીમાં શોધવામાં આવી. તે સાથે જ ભાજપે નક્કી કર્યું કે દિલ્હીમાં મુખ્યમંત્રી રહી ચૂકેલા સુષ્મા સ્વરાજને તેમની સામે ચૂંટણી લડવા મોકલવા.
બે મહિલા ઉમેદવારોને કારણે એ ચૂંટણી રસપ્રદ બની હતી. બંને દિલ્હીના મોટાં માથાં. બંને માટે બેલ્લારી કઈ બલા તે સવાલ હતો. તેમના વતી પક્ષોએ ચૂંટણી લડવાની હતી. તે વખતે કોલસાની ખાણોના કોન્ટ્રેક્ટર રેડ્ડી બંધુઓ વહારે આવ્યાં હતાં. સુષ્માને તેમણે બહેન માની હતી અને ભાઇઓ તેમને જીતાડવા માટે જોર લગાવી રહ્યાં હતાં. આંધ્ર અને કર્ણાટકની સરહદે આવેલા બેલ્લારીની આસપાસની જેમીન ખનીજ સંપત્તિ ભરપુર. આગળ જતાં રેડ્ડી બંધુઓ સામે કોલસાની ખાણમાં ગોલમાલનો કેસ થયેલો અને તેથી તેઓ ખાણ માફિયા તરીકે જાણીતાં થયાં. તેના કારણે ભાજપ માટે રેડ્ડી બંધુઓનું નામ જાહેરમાં લેવું મુશ્કેલ છે. સુષ્મા સ્વરાજ સોનિયા ગાંધી સાથે તે વખતે હારી ગયાં હતાં, પણ રાષ્ટ્રીય કક્ષાના નેતાને તેમણે ચેલેન્જ આપી તેના કારણે તેમનું કદ વધી ગયું હતું અને વાજપેયી સરકારમાં તેઓ મહત્ત્વના પ્રધાનોમાં સાથ પામ્યાં હતાં. મોદી સરકારમાં આમ તેમની અવગણના થાય છે, તેમ છતાં તેમને વિદેશ ખાતું આપવામાં આવ્યું છે. સુષ્મા બદલાયેલી સ્થિતિને પામીને નરેન્દ્ર મોદીને વધુ નારાજ કર્યા વિના કામ ચલાવે છે.
આ જ રેડ્ડી બંધુઓ ફરી ચર્ચામાં છે કેમ કે તેમના નીકટના બી. શ્રીરામુલુની બોલબાલા અત્યારે કર્ણાટક ભાજપમાં છે. સાંસદ બી. રામુલુને વિધાનસભામાં લડાવાઈ રહ્યાં છે. એક નહી પણ બે જગ્યાએથી તેમને ટિકિટ અપાઈ છે. તેમની ઇચ્છા પ્રમાણે મોલાકલમુરુ બેઠક આપવામાં આવી. તે પછી અચાનક જાહેરાત કરાઈ કે તેઓ કોંગ્રેસના મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયા સામે પણ લડશે. બદામી બેઠક પરથી તેમને જાયન્ટ કિલરની આશામાં ઉતારવામાં આવ્યા છે. એક સમયે એવી ચર્ચા હતી કે ભાજપના સીએમના ફેસ યેદીયુરપ્પા જ સિદ્ધરામૈયા સામે બદામીમાં લડશે, પણ તેના બદલી શ્રીરામુલુને ત્યાં મેદાનમાં ઉતારવામાં આવ્યાં તેના કારણે ભાજપમાં આંતરિક ચર્ચાએ જોર પકડ્યું છે. બદામીમાંથી સિદ્ધરામૈયાને હરાવીને શ્રીરામુલુ જીતી જાય તો તે જાયન્ટ કિલર ગણાય અને તેમનું કદ એટલું વધે કે તેમને ડેપ્યુટી સીએમ બનાવવા પડે.
તેના કારણે શ્રીરામુલુની ચર્ચા અમસ્થી નથી. રેડ્ડી બંધુઓના પ્રોક્સી તરીકે શ્રીરામુલુને મળી રહેલું મહત્ત્વ ભાજપમાં આંતરિક ચર્ચાનો વિષય છે. જોકે ગાલી જર્નાદન રેડ્ડી સામે કેસ ચાલતો હોવાથી ચૂંટણી લડી શકે તેમ નથી, પણ તેમના બીજા ભાઈઓ ચૂંટણી લડી જ રહ્યાં છે. પરંતુ ભાજપ જર્નાદન રેડ્ડીના ભાઇઓને પણ ધારાસભ્યથી વધારે મહત્ત્વ આપી શકે તેમ નથી. તેના માટે શ્રીરામુલુનો રસ્તો કાઢવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આમ જુઓ તો રેડ્ડી પરિવારની બોલબાલા કેટલી છે તેનો ખ્યાલ એ વાત પરથી આવશે કે ત્રણ રેડ્ડીઓ અને ચાર તેમના ટેકેદારો સહિત સાતને ટિકિટો આપવામાં આવી છે.
બેલ્લારી સિટીમાં સોમસેકર રેડ્ડી અને હરપનહલ્લીમાં કરુણાકર રેડ્ડી એ બે ભાઈઓ ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે જર્નાદન રેડ્ડીના એક ભત્રીજા લલ્લેશને બેંગાલુરુ સિટીમાં ટિકિટ અપાઈ છે.
ભાજપે ઘણી કોશિશ કરી પણ રેડ્ડી બંધુઓનો પડછાયો તેને છોડે તેમ નથી. ગયા અઠવાડિયે બેલ્લારી સિટીમાં અમિત શાહની રેલી યોજાવાનું નક્કી થયું હતું. જોકે તેના બદલે કોપ્પલ નામના બીજા સ્થળે રેલી યોજાઈ તેવા અહેવાલો છે. બેલ્લારીના જિલ્લા ભાજપ પ્રમુખે કબૂલ્યું હતું કે પક્ષપ્રમુખની રેલીની તૈયારીઓ થઈ ગઈ હતી. પોસ્ટરો પણ લાગી ગયાં હતા, પણ પછી કોઈ કારણસર તે રદ કરાઈ. બેલ્લારીમાં જનાર્દન રેડ્ડી તડીપાર છે એટલે તેમનો સભામાં આવવાનો સવાલ ઉપસ્થિતિ થતો નહોતો, પણ બેલ્લારી જિલ્લામાં સભા હોય ત્યારે બે રેડ્ડીઓને ભાજપે ટિકિટ આપી છે તેમને સ્ટેજ પર બોલાવવા જ પડે. અમિત શાહ સાવધ છે અને કોઈ વિવાદ થવા દેવા માગતા નથી તેમ માનવામાં આવે છે.
કોંગ્રેસને રેડ્ડી બંધુઓના કારણે ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ પર વળતો પ્રહાર કરવાનું સુગમ થઈ ગયું છે. જર્નાદન રેડ્ડીને ભાજપ સાથે કોઈ સંબંધ નથી તેવી વારંવારની ચોખવટ સાથે ભાજપના ઉમેદવાર એવા તેના ભાઇ સોમસેખર માટે તેઓ પ્રચાર કરતા હોય તેવી તસવીરો અને વિડિયો ફરતા રહ્યા છે. ગત 21 એપ્રિલે એક જાહેર સબામાં શ્રીરામુલુ અને યેદીયુપ્પાની સાથે જ જર્નાદન રેડ્ડી હતાં અને તેની તસવીરો પણ ફરતી થઈ હતી. તેના કારણે ભાજપે આખરે સ્પષ્ટતા કરી હતી કે તેઓ વ્યક્તિગત રીતે તેમના મિત્રો અને પરિચિતો માટે પ્રચાર કરતા હશે, તેઓ ભાજપના પ્રચારક નથી.
શ્રીરામુલુ પણ આ જ ભાષામાં બચાવ કરી રહ્યા છે. તેઓ ખુલાસો કરતા કહે છે કે જનાર્દન રેડ્ડી પાર્ટીના કાર્યકર નથી અને મને મિત્ર તરીકે મદદ કરે છે. અમે બાળપણના ગોઠિયા છીએ એમ શ્રીરામુલુ કહે છે. તેઓ જેલમાં ગયા તે પછીય હું તેમની સાથે રહ્યો છું, કેમ કે અમારી દોસ્તી જૂની છે, એમ તેઓ કહે છે. બેલ્લારીમાં બંનેના વિશાળ નિવાસસ્થાનો એકબીજાની અડોઅડ જ આવેલા છે, તે પણ તેઓ કેટલા નજીક છે તેનું પ્રતીક છે.
બેલ્લારી, ચિત્રદુર્ગ અને તેની આસપાસના બીજા જિલ્લાઓમાં રેડ્ડી બંધુઓ અને શ્રીરામુલુની અવગણના કરી શકાય તેમ નથી તેમ ભાજપના વર્તુળો ખાનગીમાં કબૂલે છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં તેલુગુભાષીઓ રહે છે અને શ્રીરામુલુ બહુ સારું તેલુગુ બોલે છે. રેડ્ડી બંધુઓના મૂળીયાં તેલુગુ ભાષી આંધ્રના છે તે સૌ જાણે છે. શ્રીરામુલુ વાલ્મિકી નાયક જ્ઞાતિના છે, તેથી જ્ઞાતિ ગણતરી પણ અહીં બંધબેસે છે.
જ્ઞાતિ ગણતરી, ખાણોમાં માફિયાગીરી, ગેરકાયદે ખનનથી અબજોની કમાણી અને મસલ પાવર આ બધાના કારણે રેડ્ડી-શ્રીરામુલુની જોડી વિના ભાજપને ચાલે તેમ નથી. 2008ની ચૂંટણીમાં 9માંથી 8 બેઠકો તેમણે ભાજપને અપાવી હતી. જોકે 2011માં જર્નાદન રેડ્ડી સામે કોલસાની કાળી કમાણીનો કેસ થયો અને તેમણે જેલમાં જવું પડ્યું. ભાજપે જોઈએ તેવો સહકાર ના આપ્યો તેનાથી નારાજ થઈને શ્રીરામુલુએ પણ ભાજપને છોડી દીધો હતો. પોતાની બીએસઆર કોંગ્રેસ નામની પાર્ટી બનાવી અને 2013માં ભાજપની સામે પડ્યા. બેલ્લારી ગ્રામીણ બેઠક શ્રીરામુલુએ અને બીજી એક બેઠક તેના પક્ષે જીતી હતી. લોકસભામાં ભારે પડશે તેમ સમજીને ભાજપે તરત સમાધાન કરી લીધું હતું અને 2014ની ચૂંટણી પહેલાં જ શ્રીરામુલુને પરત લઇ લેવાયા. તે પછી ભાજપમાં શ્રીરામુલુનું મહત્ત્વ વધતું જ રહ્યું છે અને તેમના માટે ડેપ્યુટી સીએમપદનું નામ લેવાઈ રહ્યું છે.
બેલ્લારીની લડાઈ આ રીતે ભાજપ માટે મહત્ત્વની બની છે અને બેલ્લારીના રેડ્ડી બંધુઓના નામે  કોંગ્રેસ ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ પર વાર પર વાર કરી રહ્યો છે ત્યારે સુષ્મા સ્વરાજ ક્યાં છે? સુષ્મા સ્વરાજ બેલ્લારીથી આગળ નીકળી ગયા છે. બેલ્લારીમાં ભલે હાર થઈ, પણ સુષ્માના કારણે સોનિયા માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યો હતો. સોનિયા ગાંધીના વિદેશી કૂળનો મુદ્દો તેમણે પ્રબળ રીતે ઉપાડ્યો હતો. તે પછી 2004માં ફરી સુષ્મા સોનિયા ગાંધી સામે તેમણે આ મુદ્દો ઉપાડ્યો હતો. સુષ્માએ કહ્યું હતું કે સોનિયા ગાંધી વડાપ્રધાન બનશે તો પોતે મુંડન કરાવી લેશે.
સોનિયા ગાંધી વડાપ્રધાન ના બન્યા એ જુદી વાત છે, પણ દસ વર્ષ સુધી તેમણે કેન્દ્રમાં યુપીએની સરકાર ચલાવી. આજે સોનિયા ગાંધી નિવૃત્તિના આરે છે, ત્યારે સુષ્મા પણ એક રીતે નિવૃત્તિ તરફની ગતિમાં જ છે. બે દિગ્ગજ મહિલાઓને કારણે બેલ્લારીની લડાઈ રસપ્રદ બની હતી. આ વખતે પણ બેલ્લારી ચર્ચામાં છે, પણ તેને રાષ્ટ્રીય એટેન્ટશન એટલું મળ્યું નથી.-
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]