નોટબંધીના મુદ્દે ભાજપની આગેવાની હેઠળની એનડીએની સરકારને તદ્દન નિષ્ફળતા મળી છે તે વાત હવે આરબીઆઈએ આંકડામાં પણ સ્વીકારી. 99.3 ટકા રકમ પાછી બેન્કોમાં જમા થઈ ગઈ હતી. કોઈ કાળું નાણું ખતમ થયું નહી. નવી નોટો છાપવા માટે 8,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. નવી નોટો ગામે ગામ પહોંચાડવા વિમાનો દોડાવવા પડ્યાં અને એટીએમ મશીનો બદલવા પડ્યાં એટલે સમજોને કે બીજા 2,000 કરોડ રૂપિયા વેડફાયા. એટલે 0.7 ટકા નોટો જમા ન થઈ તેનો પણ કોઈ ફાયદો ન થયો.બીજી બાજુ જીડીપીમાં દોઢેક ટકાનો ઘટાડો થવાના કારણે અર્થતંત્રને 2,00,000 કરોડ રૂપિયોનો ધુંબો લાગી ગયો. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની કમર તૂટી ગઈ. આમ છતાં સરકાર અને વિપક્ષ બંને આ મુદ્દે ઝાઝું કંઈ બોલવા માગતા નથી. તેના બદલે રાફેલ (અથવા રફાએલ, રફાઇલ, રાફઇલ એવા જુદા જુદા ઉચ્ચારો મળે છે) વિમાનોના મુદ્દે ધમાચકડી મચી ગઈ છે. રાફેલનો અર્થ હવાની ગર્જના એવો થાય છે. હવાને ચીરતું વિમાન નીકળે ત્યારે જોરદાર ધડાકા સાથે અવાજ થાય, પણ ભારતમાં અત્યારે આક્ષેપોનો જોરદાર મારો કોંગ્રેસે શરૂ કર્યો છે. સંરક્ષણ સોદાઓમાં આક્ષેપો કરવા સહેલા હોય છે, કેમ કે તેમાં બહુ ગૂંચ હોય છે, સિક્રસીના કરાર હોય છે, બહુ લાંબો સમય ચાલતા હોય છે અને બહુ જંગી રકમના હોય છે.
35 વર્ષ પહેલાં ભારતીય સેના માટે તોપની ખરીદીનો બોફર્સનો સોદો થયો ત્યારે પણ તે 1450 કરોડ રૂપિયાનો હતો. તે વખતે પણ તે બહુ મોટી રકમ હતી. તેના કરતાં પણ જંગી સોદો રાફેલનો છે. કુલ 59,000 કરોડમાં 36 વિમાનો ખરીદવાનો સોદો થયો છે. ભાગાકાર કરો એટલે 1639 કરોડ રૂપિયાનું એક વિમાન થયું. મિડિયમ મલ્ટિ રોલ કૉમ્બેટ એરક્રાફ્ટ (MMRCA) ખરીદવાની દરખાસ્ત પણ છેક સન 2000માં થઈ હતી. એટલે કે 18 વર્ષ થઈ ચૂક્યા છે અને હજી આવતા વર્ષે પ્રથમ વિમાન મળશે એટલે 19 વર્ષ. બાકીના વિમાનો મળતા બે ચાર વર્ષ લાગશે તે જુદા.
દરમિયાન સરકારો (વાજપેયી, મનમોહન, મોદી) પણ બદલાઈ ગઈ છે. તેના કારણે સમગ્ર સોદાને સમજવો બહુ મુશ્કેલ હોય છે. સાચી વાત કોની તેમાં પડવાના બદલે આક્ષપો શું છે અને સોદાની વિગતો છે તેને સમજવા કોશિશ કરીએ. શરૂઆત કેવી રીતે થઈ અને આગળ શું થશે તેનો અંદાજ તેના પરથી કદાચ આવી શકશે.
મિડિયમ મલ્ટિ રોલ એટલે મધ્યમ રેન્જના વિમાનો, જે એકથી વધુ ભૂમિકા ભજવી શકે. વિમાનોનું કામ માત્ર આક્રમણ કરવાનું નથી. વિમાનો દ્વારા આકાશમાંથી જમીન પર નજર રાખવાનું, દુશ્મનોના વિમાનો અને મિસાઇલો પર નજર રાખવાનું, માલસામાન પહોંચાડવાનું, અન્ય વિમાનને રિફ્યુઅલ કરવાનું પણ હોય છે. ભારતીય વાયુ સેનાએ આ પ્રકારના વિમાનની માગણી કરી હતી, કેમ કે રશિયા પાસેથી ખરીદેલા મિગ વિમાનો જૂના થવા લાગ્યા હતા. મિગ વિમાન તૂટી પડવાના સમાચારો વારંવાર આવતા હોય છે. મિગનો કાફલો ઓછો થતો ગયો તેથી સેનાએ તેની જગ્યા લઈ શકે તેવા મલ્ટિ રોલ કૉમ્બેટ એરક્રાફ્ટની, લડાકુ વિમાનની માગણી મૂકી હતી.
સંરક્ષણ મંત્રાલયમાં માગણી મૂક્યા પછી તે માટેની દરખાસ્ત તૈયાર કરવા મંજૂરી મળી એટલે બીજા વર્ષે 2001માં એરફોર્સે રિક્વેસ્ટ ફૉર ઇન્ફર્મેશન જાહેર કરી. તેનો અર્થ એ થયો કે ભારતીય વાયુ દળને કેવા પ્રકારના વિમાનો જોઈએ છે તેની વિગતો હવે વિમાન ઉત્પાદક કંપનીઓ માગી શકે છે. કેવા પ્રકારનું વિમાન ખરીદવાનું છે તેની વિગતો જાહેર થયા પછી દરખાસ્તો મળતી હોય છે. તેના આધારે સેના નક્કી કરતી હોય છે કે કઇ કંપનીઓના વિમાનોનું પરિક્ષણ કરવું અને આગળ વધવું. દરમિયાન આ કિસ્સામાં બીજા બે વર્ષ જતા રહ્યા અને 2003માં વાયુ દળે સરકારને નવેસરથી દરખાસ્ત કરી કે 50 મિરાજ ફાઇટર્સ પ્લેન ખરીદવા. જોકે સંરક્ષણ સોદાઓમાં જોખમને ધ્યાનમાં લઈને, અથવા અન્ય કોઈ પણ કારણસર સરકારે આવી સીધી ખરીદી કરવાની મંજૂરી ના આપી. 2004માં સરકારે એરફોર્સને જણાવ્યું કે તમારી જરૂરિયાત પ્રમાણેના MMRCAની ખરીદી માટે ટેન્ડર બહાર પાડો. 2005માં તેનું પ્રથમ ટેન્ડર બહાર પડ્યું. વાત આગળ જ ના વધી, કેમ કે 2003માં સરકારે મિરાજ ખરીદવાની ના પાડી હતી, તેવી રીતે આ ટેન્ડર માટે પણ સરકારે ના પાડી અને ટેન્ડર પાછું ખેંચી લેવાયું.
મિગ વિમાનોનો કાફલો ઓછો થતો જતો હતો તેની ચિંતામાં એરફોર્સ હતું. છતાં પાંચ વર્ષ આમ જ પસાર થઈ ગયા. 2006માં એરફોર્સ તરફથી ફરી સરકારને તાકિદ કરવામાં આવી હતી કે વિમાનોની તાકિદની જરૂરિયાત છે. તેથી હવે બીજું ટેન્ડર તૈયાર કરવામાં આવ્યું. વિદેશી કંપની સાથે સહયોગ કરીને, ભારતમાં પણ વિમાનોનું ઉત્પાદન થાય તે બધી વાતો વચ્ચે આખરે 126 MMRCA ખરીદવા માટે નિર્ણય લેવાયો, કેમ કે ઝડપથી વિમાનો મળે તે જરૂરી હતી. ઑગસ્ટ 2007માં નવું ટેન્ડર બહાર પડ્યું હતું.
ભારતને કેવા વિમાનોની જરૂરિયાત છે તેની વિગતો અગાઉ જાહેર થઈ જ હતી અને તેના આધારે છ કંપનીઓએ રસ દાખવ્યો હતો. આ છ કંપનીઓને રિક્વેસ્ટ ફૉર પ્રપોઝલ આપવામાં આવી હતી. અર્થાત આ કંપનીઓએ હવે ભારત સરકારને પોતાની દરખાસ્તો આપવાની હતી. પોતાના વિમાનો કઈ રીતે જરૂરિયાતો પૂરી કરી શકે છે અને શું કિંમત અને શરતો હશે તેની દરખાસ્તો કંપનીઓ આપે તે પછી ભારતીય એર ફોર્સ તેનું મૂલ્યાંકન કરે. છ મહિનામાં દરખાસ્તો આપી દેવાની હતી, પણ કેટલીક કંપનીઓએ વિગતો આપવામાં થોડું મોડું થાય તેમ છે એવું કહેતા એક મહિના માટે મુદત લંબાવવામાં આવી હતી.
માર્ચ 2008ના અંત સુધીમાં છ કંપનીઓની દરખાસ્તો મળી. ત્યાર બાદ એરફોર્સે વિમાનોની ચકાસણીની પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે માત્ર ટેક્નિકલ પાસાઓની ચકાસણી કરવામાં જ એક વર્ષ જેટલો સમય નીકળી ગયો હતો. જાન્યુઆરી 2009માં વાયુ દળે જણાવ્યું હતું કે ટેક્નિકલ પાસાઓની ચકાસણીનું કામ પૂરું થઈ ગયું છે અને હવે ફિલ્ડ ટ્રાયલ થશે. જોકે ફરી તેમાં વિલંબ થયો હતો અને મે 2009માં ટેક્નિકલ ચકાસણીનો આખરી અહેવાલ તૈયાર થયો હતો. તેથી ફિલ્ડ ટ્રાયલમાં મોડું થયું હતું અને ઑગસ્ટ 2009થી તેની પ્રક્રિયા શરૂ થઈ. જુદા જુદા સ્થળે, જુદી જુદી સ્થિતિમાં વિમાનોને ઉડાડીને પરિક્ષણ કર્યા બાદ વાયુ દળે આઠેક મહિના બાદ માર્ચ 2010માં ફિલ્ડ ટ્રાયલનો અહેવાલ પણ તૈયાર કરી લીધો હતો.
એર ફોર્સ તરફથી ફિલ્ડ રિપોર્ટ પછી સરકારે છ કંપનીઓને તેમની આખરી બીડ આપવા જણાવ્યું હતું. છેલ્લી ઘડીના ફેરફારો પ્રમાણે ભાવ કે શરતોમાં ફેરફાર થઈ શકે તેને ધ્યાનમાં લઈને આખરી બીડ મંગાવાઈ હતી. પોતાના પરિક્ષણો અને હવે મળેલી ફાઇનલ બીડ પછી એરફોર્સે પસંદગી કરવાની હતી. તેમાં પણ આઠેક મહિના પસાર થયા અને ડિસેમ્બર 2010માં વિમાનોની ખરીદી અંગેનો આખરી અહેવાલ એર ફોર્સે સરકારને સોંપ્યો.
એર ફોર્સની પસંદગી બહાર આવતા બીજા ચાર મહિના નીકળી ગયા હતા. સરકારની મંજૂરી પછી એપ્રિલ 2011માં જાહેરાત થઈ કે એર ફોર્સે બે વિમાનોને શોર્ટલિસ્ટ કર્યા છે – ફ્રાન્સનું ડેસોં રાફેલ અને યુરોપના દેશો વચ્ચે સહકારથી તૈયાર થયેલી એરબસની પેટા કંપનીએ તૈયાર કરેલા યુરોફાઇટર ટાઇફૂન. ભારત 126 વિમાનો ખરીદવા માગતું હતું, પણ ભવિષ્યમાં ભારતમાં પણ ઉત્પાદન થાય અને આટલો મોટો કોન્ટ્રેક્ટર હોય તેનાથી દેશની કંપનીઓને પણ ફાયદો થાય તેવી ગણતરી પણ હતી. તેથી કરારમાં હવે ઑફસેટ પ્રપોઝલનો પણ સમાવેશ કરવાનો હતો. મોટી રકમનો ઓર્ડર ભારત આપે તેમાંથી કેટલીક રકમ ફરી ભારતમાં આવે તેવો હેતુ તેની પાછળ હતો. આ મુદ્દો આગળ જતા વિવાદાસ્પદ બનવાનો હતો, કેમ કે તેમાં અનિલ અંબાણીની રાતોરાત ઊભી કરાયેલી કંપની રિલાયન્સ ડિફેન્સનું નામ જોડાવાનું હતું. પણ તે આગળની વાત હતી.
દરમિયાન ઑફસેટ પ્રપોઝલનો સ્વીકાર થયા પછી હવે બંને કંપનીઓએ ફાઇનાન્સિયલ બીડ આપવાની હતી. કેટલીક કિંમતે વિમાનો આપવા તેની વાત હવે આખરી રીતે નક્કી કરવાની હતી. બંને કંપનીઓએ પોતપોતાની બીડ આપી તે નવેમ્બર 2011માં ખોલવામાં આવી. બંને કંપનીની શરતો અને કિંમત જોયા પછી જાન્યુઆરી 2012ના અંતમાં જાહેરાત થઈ કે ફ્રાન્સની ડેસોં કંપનીના રાફેલ વિમાનો ખરીદવામાં આવશે. બાર વર્ષે એક નિર્ણય લઈ શકાયો હતો, પણ હજીય તેના અમલમાં વિલંબ થવાનો હતો, કેમ કે માત્ર 18 વિમાનો તૈયાર લેવાના હતા. 108 વિમાનો ભારતમાં બનાવવાના હતા.
ભારતમાં કેવી રીતે વિમાનો બનશે, ટેક્નોલૉજી ટ્રાન્સફર કેવી રીતે થશે તેની ચર્ચા ચાલતી રહી. તેમાં બીજા બે વર્ષ નીકળી ગયા. માર્ચ 2014માં હિન્દુસ્તાન એરૉનોટિક્સ લિ. અને ડેસોં કંપની વચ્ચે કરાર થયા હતા. તેના બે જ મહિનામાં સરકાર બદલાઇ ગઇ. બધું જ નક્કી હોવા છતાં સહિસિક્કા બાકી હતા એટલે સોદો હજી લટકતો જ હતો. ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારે હવે આમ તો સહિસિક્કા જ કરવાના હતા. પરંતુ નવી સરકાર હોવાથી તેણે પોતાની રીતે સોદાનું અવલોનક ફરીથી કર્યું હશે. એનડીએ સરકાર આ વિશે શું કરવા માગે છે તેની કોઈ સ્પષ્ટતાઓ કરવામાં આવી નહોતી. દરમિયાન એપ્રિલ 2015માં નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાતે જવાના હતા. તે વખતે પણ રાફેલ ડિલ થશે કે કેમ તેની સ્પષ્ટતા નહોતી – હા પણ નહોતી અને ના પણ નહોતી. તેથી આ મુલાકાત દરમિયાન આખરે જાહેરાત થઈ કે બંને દેશો આ ડિલ કરશે ત્યારે વધારે નવાઈ આમ તો લાગવી જોઈએ નહિ.
પણ ઘણાને નવાઈ પણ લાગી અને આંચકો પણ લાગ્યો, કેમ કે ડિલ થઈ ખરી, પણ સોદાની વિગતો અને શરતોમાં મોટા ફેરફારો થઈ ગયા હતા. 126 વિમાનો ખરીદવા, તેમાંથી 18 તૈયાર મળે અને બાકીનાનું ઉત્પાદન ભારતમાં થાય તેના બદલે હવે સીધા જ 36 વિમાનો ખરીદવાની વાત થઈ હતી. બીજો આંચકો એ હતો કે હિન્દુસ્તાન એરૉનોટિક્સ જેવી સરકારી કંપનીની જગ્યાએ રિલાયન્સ ડિફેન્સ જેવી ખાનગી કંપની જોઈન્ટ વેન્ચરમાં જોડાવાની હતી.
MMRCA ખરીદવાનો મૂળ હેતુ હતો, ઝડપથી ભારતીય એર ફોર્સને આધુનિક વિમાનો મળે. તે હેતુ તો પાર પડ્યો જ નથી. દરમિયાન વિમાનની કિંમત, ટેક્નોલૉજી ટ્રાન્ફસર, ભારતમાં કેટલા વિમાનો બને, કોણ બનાવે આ બધી બાબતોમાં પણ વિવાદ જાગ્યો છે. કોંગ્રેસની કોશિશ રાફેલના સોદાને બોફર્સની જેમ ચગાવવાનો છે, પણ બોફર્સ કરતાં આ મામલો જુદો છે. આ કિસ્સામાં હજી મિડલમેન કે લાંચની વાત આવી નથી, પણ ખાનગી કંપનીની તરફેણ, કિંમતમાં ફેરફાર અને ગોળગોળ જવાબો આપવાની ભાજપની વૃત્તિને કારણે અસંમજસ ઊભી થઈ છે. નોટબંધીમાં સરકારની નિષ્ફળતા ઊડીને આંખે વળગે તેવી છે, પણ તે મુદ્દાને ચગાવવાથી બહુ ફાયદો કદાચ કોંગ્રેસને દેખાતો નથી. ગરીબ લોકો બીજાને થયેલું કલ્પિત નુકસાન યાદ કરીને પોતાને પડેલો ફટકો ભૂલવા માગે છે ત્યારે તે મુદ્દાને બદલે કોઈને જલદી સમજાય નહિ, પણ ગરબડ ગોટાળો થયો છે તેવી બૂમાબૂમ કરી શકાય તેવો મુદ્દો રાફેલનો જ છે. ભાજપની જ આ રીત હવે તેની સામે આવી છે ત્યારે મૂળ ખેલાડી ફાવે છે અને નવો ખેલાડી તે જોવાનું રહ્યું.
–