ડીએનએ બહુ જાણીતો શબ્દ બની ગયો છે. ડીએનએ એટલે રંગસૂત્રો જે જીવની ઓળખ કરાવી આપી. દરેક સજીવના અલગ અલગ ડીએનએ છે. ડીએનએ વારસાગત ઉતરી આવે છે. સદીઓ સુધી તે અકબંધ રહે છે. ડીએનએ એટલે બીજ, જેમાંથી વટવૃક્ષ બને છે. નાનકડું બીજ વિશાળ વૃક્ષ બને ત્યારે નવાઈ લાગે, પણ એ જ કુદરતની કમાલ છે. કુદરતે દરેક નાના બીજમાં, દરેક નાના ડીએનએમાં જીવનનો નકશો મૂકી દીધો હોય છે. જીવન તે રીતે જ વિકસે છે. વાળ કાળા હશે કે સોનેરી તે નક્કી ડીએનએને કારણે થાય છે.ડીએનએનું વિજ્ઞાન આગળ વધતું જાય છે, તેમ તેમ માનવવંશના રહસ્યો પણ ખૂલતા જાય છે. થોડા વખતે પહેલાં જગતભરમાં ફેલાયેલા જુદા જુદા જૂથના લોકોના ડીએનએ એકઠા કરીને તેના આધારે અભ્યાસ થયો હતો. તેના આધારે કેટલીક થીયરીઓ નક્કી કરવાની કોશિશ થઈ હતી. જુદા જુદા કૂળ ક્યાંથી કેવી રીતે ફેલાયા, કોની સાથે સંમિશ્રિત થયા વગેરે. બહુ લાંબી ચોડી વિગતો હોય છે, જેનો સાર એક જ હોય છે કે જુદા જુદા કૂળોમાં સંમિશ્રણ થતું રહ્યું છે અને કેટલાક ઊંડા જંગલોમાં, પહાડો વચ્ચે વસેલા જૂથોમાં એકવાક્યતા પણ ઘણા અંશે જળવાઈ રહેલી છે.
બીજું એક ડીએનએનું વિજ્ઞાન પણ છે, જે પ્રાચીન સમયમાં શું સ્થિતિ હતી તે જાણવા કોશિશ કરે છે. જુદી જુદી જગ્યાએ ખોદકામ દરમિયાન કે અનાયાસે માનવકંકાલ મળતા રહે છે. કઈ ગુફાઓમાં હજારો વર્ષ સુધી મૃતદેહો સચવાઈ ગયા હોય તે હવે મળી આવે ત્યારે તે વખતના માનવકૂળોને સમજવામાં વિજ્ઞાનીઓને સહાયતા મળે છે. દુનિયાભરમાં આવા અવશેષો મળે છે. ભારતમાં પણ મળતા રહે છે. તેમાં હાલમાં હરિયાણામાંથી મળેલા એક અવશેષને કારણે ફરી એકવાર આર્યના આગમન અને ભારતીય પ્રજાની રચના વિશે ચર્ચા જાગી છે.
આ ચર્ચા પણ નવી નથી. આર્યો ભારતમાં આવ્યા તેવી થીયરી લાંબી ચાલી અને અંગ્રેજો ગયા તે પછી એ થીયરી ખોટી છે તેવું સાબિત કરવાના પ્રયાસો પણ હવે લાંબા ચાલ્યા છે. ભારતીય પ્રજા પ્રથમથી જ અહીં રહેતી હતી. ભારતીય અથવા આર્યથી અહીંથી બહાર ગયા, મધ્ય એશિયા કે યુરોપથી આવ્યા નથી તેવું સાબિત કરવાની કોશિશ પણ થાય છે.આપણને સવાલ એ થાય કે એવું સાબિત કરવાથી શું ફરક પડે? આર્યોનું આગમન થયું પછી શું થયું? સ્થાનિક પ્રજા હતી તેનું શું થયું? સ્થાનિક પ્રજા કોણ હતી? દ્વવિડો કેટલા જુદા? વર્તમાન સંસ્કૃત્તિ છે એ આર્ય સંસ્કૃતિ છે કે સંમિશ્રિત સંસ્કૃતિ છે કે મહદ અંશે અપનાવી લેવાયેલી દ્રવિડ સંસ્કૃતિ છે? શૈક્ષણિક અભ્યાસ માટે આ પ્રશ્નો વાજબી છે, પણ આ જ પ્રશ્નો સાથે દેશમાં રાજકારણ પણ થતું હોય ત્યારે સ્વાભાવિક છે આવી કોઈ પણ શોધના પડઘા પડે. દ્વવિડ રાજકારણ તામિલનાડુમાં કઈ રીતે આગળ વધશે તેની ચર્ચા વચ્ચે 4500 વર્ષ પહેલાંનું માનવશબ હરિયાણામાંથી મળ્યું તેના કારણે એ ચર્ચાને પણ વેગ મળી શકે કે હડપ્પાની સંસ્કૃતિ દ્વવિડ સંસ્કૃતિ હતી. આર્યના આગમન પછી દ્રવિડ દક્ષિણમાં ખસતા ગયા તેવી શોધના અનિચ્છનિય પડઘા પડી શકે છે. આપણા મૂળ ગમે ત્યાંના હોય, કમ સે કમ ત્રણેક હજાર વર્ષથી સાથે જ રહીએ છીએ, સાથે જ સુખી થતાં આવ્યાં છીએ કે સાથે જ ભોગવતાં આવ્યાં છીએ. આપણું સૌનું ભાવિ પણ એકબીજા સાથે જોડાયેલું જ છે.
આ સમજણ સાથે એકેડમિક ચર્ચા કરી શકાય કે હરિયાણામાં મળેલું કંકાલ અને તેના ડીએનએ શું કહી રહ્યાં છે. આ કંકાલ પુરુષનું છે. 4500 વર્ષ પહેલાંનું છે. તેને સિટિઝન 14411 એવું વૈજ્ઞાનિક નામ અપાયું છે. હાલના હરિયાણાના રાખીગઢી શહેરની નજીકથી તે મળ્યું છે. સિંધુ ખીણની સંસ્કતિનો આ પ્રાચીન પ્રદેશ છે. તેના ડીએનએનો નમૂનો લઈને તપાસ કરવામાં આવી. ડીએનએ ટેસ્ટમાં જે મળ્યું તેના કરતાં ન મળ્યું તેના કારણે વધારે ચર્ચા છે. R1a1 નામના જેનેટિક માર્કરના અવશેષો તેમાં મળ્યાં નથી. R1a1 જીન્સ એ આર્ય પ્રજાની ઓળખ છે. આર્ય કે આર્ય અંશ ધરાવતા મનુષ્યમાં R1a1 જીન્સ મળે. તેનો અર્થ એ થયો કે 4500 વર્ષ પહેલાં સિંધુ ખીણ સંસ્કૃતિમાં આર્ય સિવાયની પ્રજા પણ વસતી હતી. આ કંકાલના બીજા જીન્સ દક્ષિણ ભારતીયોને અમુક અંશે મળે છે. પૂર્ણપણે મળે છે અને ખાતરીપૂર્વક તે બિનઆર્ય દ્રવિડ કે અન્ય છે કે કેમ તેવી માહિતી જાહેર થઈ નથી.
સિંધુ ખીણની સંસ્કૃતિ બહુ પ્રાચીન છે અને મેસોપોટેમિયા અને સુમેરિયન સંસ્કૃતિ જેટલી કે તેનાથી પણ વધારે જૂની છે. જોકે આ બંને સભ્યતા વિશે જેટલા સંશોધનો અને માહિતી ઉપલબ્ધ છે, તેટલા સિંધુ ખીણ વિશે નથી, કેમ કે સિંધુ ખીણના અવશેષો ઓછા મળ્યા છે, તેના શિલાલેખો ઓછા છે અને જે મળ્યા છે તેની લીપી ઉકેલી શકાય નથી. તેથી સિંધુ નદીના કિનારે, અથવા આપણે જેને વારંવાર યાદ રીએ છીએ તે સરસ્વતી નદી, (જે હરિયાણાથી ગુજરાતના કચ્છ સુધી વહેતી હતી તેવી કલ્પના છે,) તેના કિનારે વસતી પ્રજા કોણ હતી, કેવી રીતે રહેતી હતી તેના વિશે આછો ખ્યાલ જ છે. તામ્ર યુગમાં ઇસુ પૂર્વ 3500થી 1800માં આ સંસ્કૃતિ ખીલી હતી. પછી કોઈ કારણસર નાશ પામી. કોઈ કારણસર નદીનો પ્રવાહ બદલાયો કે નાશ પામ્યો.
આપણે એટલું જાણીએ છીએ કે સંસ્કૃતિ સારી રીતે ખીલી હતી. શહેરી હતી, મોટા નગરોમાં વસતી હતી, ઇંટો પકાવતા આવડતું હતું. પાણીનો સંગ્રહ અને સિંચાઇ કરવાનું જાણતી હતી. નગરરચનામાં કુશળ હતી, પાણીના નિકાલની ગટરોનું જ્ઞાન હતું. આ બધી બાબતો આપણને લોથલ, ધોળાવીરા, મોહેન-જો- ડેરો, હડપ્પાના અવશેષોમાંથી જાણવા મળી છે. અહીં સુધી બધું બરાબર છે, પણ વેદિક સંસ્કૃતિ કેટલી જૂની છે તેનો પ્રચાર પણ આજકાલ ઉપયોગી થાય તેમ છે. તેથી એવી શક્યતા છે, શક્યતા નહીં, પણ ઑલરેડી કોશિશ શરૂ થઈ ગઈ છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ એ જ વેદિક સંસ્કૃતિ છે તેવું સાબિત કરવું. ભારતમાં આર્યો અને દ્વવિડો જુદા નથી, મૂળનિવાસી અને આવેતુ અલગ નથી, પણ સૌ સમાન, આ જ ભૂમિના સંતાનો છે એવો ઉમદા ઉદ્દેશ આવા પ્રચારમાં છે તેવું પણ કહેવામાં આવે છે. તેવું હોય તો સારી વાત છે, પણ સિંધુ સંસ્કૃતિ એ જ વેદિક સંસ્કૃતિ છે તેવો પ્રચાર થાય તેની સામે કેટલાક વિદ્વાનોનો વિરોધ પણ છે.
ડેવિડ રાઇક અને તેમની ટીમે કરેલા સંશોધનોમાં અગાઉ એવો અંદાજ મૂકાયો હતો કે સિંધુ ખીણમાં રહેતા લોકોની વસતી પણ મિશ્ર હતી.હાલના દક્ષિણ ભારતીયોના પૂર્વજો અને પ્રાચીન ઇરાનના ખેડૂતોની સંયુક્ત વસતી હતી. બાદમાં ઇરાન તરફથી જ પશુપાલકો પણ આવતા રહ્યાં અને વસતી દક્ષિણ તરફ ખસતી રહી. આ બધા અંદાજો છે અને અનુમાનો છે, પણ હરિયાણામાં મળેલા કંકાલથી એટલું સાબિત થાય કે 4500 વર્ષ પહેલાં ઉત્તર ભારતમાં એવી વસતી હતી, જે આજના ઉત્તર ભારતીયોથી જુદી છે. આજના ઉત્તર ભારતીયોમાં ઘણી વસતીમાં R1a1 જેનેટિક માર્કર મળે છે. અર્થાત આર્યના અંશો આજના ઉત્તર ભારતીયોમાં વધારે છે. 4500 વર્ષ પહેલાં અન્ય પ્રકારની વસતી પણ હતી. તેનો અર્થ એ પણ નથી કે માત્ર બિનઆર્યોની જ વસતી રહેતી. બંને પ્રકારની વસતિ હશે અને એકબીજાની આસપાસ કદાચ સાથે રહેતી હશે. વિવિધતા કદાચ ત્યારે પણ હશે. એકતામાં વિવિધતા અને વિવિધતામાં એકતા એ જ ભારતનો મંત્ર રહ્યો છે એવું આખરે સાબિત થવાનું હોય તો કોઈને વાંધો નહીં આવે.