370 હટવાનું અસલી કારણ અને રાજી થવાનું કારણ

લમ 370 માટે આખું અઠવાડિયું ચર્ચા ચાલી. મને લાગે છે તમારું માથું પાકી ગયું હશે… વિકાસની વાતો સાંભળીને. વિકાસ, વિકાસ અને બસ વિકાસ. કાશ્મીરમાં હવે એટલો વિકાસ થઈ જશે કે દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય થઈ જશે! ટૂંકમાં ગુજરાત તો દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય નહિ જ થાય. પછી બીજા કોઈ રાજ્યનો વારો આવશે… હા, પેલું છેને પશ્ચિમ બંગાળ, તેને પણ સૌથી સમૃદ્ધ રાજ્ય બનાવવાનું છે. મમતા બેનરજીની સરકાર નહિ, પણ ભાજપની સરકાર જ પશ્ચિમ બંગાળને દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય બનાવશે. પહેલા નંબરે કોણ હશે – કાશ્મીર કે બંગાળ એ જોઈ લેવાનું રહેશે, પણ ગુજરાત ત્રીજા નંબર પછી જ હશે. એ આડ વાત જવા દો, મૂળ વાત એ છે કે વિકાસની રેકર્ડ કોઈ સાંભળતું પણ નહોતું. દેશના નાગરિકો એમ તો સમજદાર છે. તેમને ખ્યાલ છે કે કલમ 370ની નાબુદી કેમ કરવામાં આવી. કેમ કે કરવી પડે. આટઆટલી બહુમતી આપી હોય અને તે પછી મૂળભૂત વચનોનું પાલન ના કરો, તો ક્યારે કરો? વચન પાલન કરવું જરૂરી હતું. સાત દાયકા જૂનું વચન હતું, વારંવાર અપાતું હતું અને બીજી વાર અગાઉ કરતાંય વધારે બહુમતી મળી હતી.

 

રાજ્યસભામાં બહુમતી નથી તે બહાનું પણ ચાલે તેમ નહોતું. રાજ્યસભામાં તેમને માફક આવે તેના કાયદા તમે ફટફટ પસાર કરાવી લીધા, તો કલમ 370માં શેનું પેટમાં દુઃખે છે? આરટીઆઈનો કાયદો નબળો પાડવાની કોશિશ થઈ, કેમ કે રાજકીય પક્ષોના નેતાઓના ટાંટિયા તેમના પેટમાં ઘૂસી જાય છે, જ્યારે આરટીઆઈની વાત આવે ત્યારે. તેથી તે કાયદાને નબળો પાડી દેવાની કોશિશ શરૂ થઈ છે, તે આગળ જતા વધારે નબળો પડાશે. સૌ રાજકીય પક્ષોએ, એટલે કે વિપક્ષે પણ તેમાં સાથ આપ્યો તો કલમ 370 માટે કેમ સાથ ના મળે? એ રીતે જ આખરે સાથ મેળવી લેવાયો. સાથ મેળવવા કેટલાક કારણો તેમને અપાયા હતા તે સાચા પણ હતા. દાખલા તરીકે દલિતોને જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં અનામતના લાભ મળતા નહોતા. કલમ 370 હટાવ્યા સિવાય લાભ મળે તેવું કરી શકાય તેમ હતું, પણ તે વાત અત્યારે પડતી મૂકોને… મૂળ વાત એ હતી કે અત્યાર સુધી લાભ મળતા નહોતા.

આ કારણ આગળ કરીને બીએસપી જેવા પક્ષનું સમર્થન મેળવી શકાયું. વાત પણ સાચી છે, આટલા વર્ષો તમે અનામતનો લાભ આપ્યો જ નથી, ત્યારે કલમ 370ને કાઢવી પડે. ઓબીસી અનામત પણ લાગુ પડતી નહોતી. તેથી અન્ય પ્રાદેશિક પક્ષોએ પણ સમર્થન આપ્યું.  સૌથી અગત્યનું કારણ એ કે કલમ 370ને કારણે ચાલું થયેલું લઘુમતી તુષ્ટિકરણનું રાજકારણ પૂર્ણ કરવું જરૂરી હતું. ભાજપ ઉપરાંત પ્રાદેશિક પક્ષોને પણ તે નડતું હતું. ગેરસમજ ના કરશો, બરાબર સમજી લો. પ્રાદેશિક પક્ષોને પણ મુસ્લિમોના મત જોઈતા હતા, પણ તુષ્ટિકરણની બાબતમાં કોંગ્રેસ સાથે સ્પર્ધા થતી હતી. કોંગ્રેસ કહેતી હતી કે અમે કાશ્મીરનો વિશેષ દરજ્જો કોઈ પણ ભોગે જાળવી રાખીશું. તે જ રીતે મુસ્લિમોના હિતો માટે કોઈ પણ લડાઈ લડીશું એવું કોંગ્રેસનું કહેવું થતું હતું. પ્રાદેશિક પક્ષો ઇચ્છતા હતા કે તેનાથી જુદી વાત થઈ શકે. કોંગ્રેસ તમને માત્ર વૉટબેન્ક તરીકે ઉપયોગ કરે છે. તમે અમારી સાથે આવો, અમે તમને શાસન અને વિકાસમાં સહભાગી બનાવીશું એવું પ્રાદેશિક પક્ષો પણ કહેવા માગતા હતા.

તેથી લઘુમતી તુષ્ટિકરણનું રાજકારણ ઓછું થાય તે માટેના આ પ્રયાસમાં વિપક્ષમાંથી પણ ઘણાને રસ હતો. બીજું વિશાળ સંખ્યામાં મતદારોને તેમાં રસ હતો. તેથી સરકારના પગલાંને સમર્થન મળી રહ્યું હતું. આ સમર્થન નરેન્દ્ર મોદીના નામનું પણ હતું. તેનો વિરોધ કરો તો પોતાના ટેકેદાર મતદાર પણ નારાજ થાય છે તે પ્રાદેશિક પક્ષોએ જોયું છે. તેથી પ્રજાનો મિજાજ જોઈને પણ વિપક્ષે કલમ 370ની નાબુદી માટે સાથ આપ્યો હતો. વાત તાર્કિક પણ છે. અમે કાશ્મીરી અને તમે ભારતીય એવું સતત સાંભળવા મળે તે ચલાવી લેવાય નહિ. નાના રાજ્યો, લઘુમતી વસતિ કે જ્ઞાતિ કે ધર્મજૂથ કે સામાજિક જૂથ કે સાંસ્કૃત્તિક જૂથની ઓળખ જાળવી રાખવા માટે સરકાર મદદરૂપ થઈ શકે છે. તે જાળવવા માટે વિશેષ સહાય થઈ શકે. પણ તે વૈવિધ્ય છે, અલગતા નથી. કાશ્મીરમાં માત્ર અલગતા ચાલતી હતી. પાકિસ્તાનમાં ત્રાસવાદી પેદા કરવાના કારખાનામાં માલ તૈયાર થાય તે પછી તે કાશ્મીરના ગોદામમાં સ્ટોર કરવામાં આવતો હતો. કાશ્મીરના ગોદામમાં પડેલો માલ ગમે ત્યારે દેશના બીજા ખૂણે સપ્લાય થઈ શકે. આ જોખમ નિવારવું પણ જરૂરી હતું. એટલે કે એક કારણ ત્રાસવાદ સામેની લડાઈમાં મક્કમ નિર્ણય.

ત્રીજું કારણ ભારત મહાસત્તા બનવા માગતું હોય તો દુનિયા સામે ધાક દેખાડવી પડે. દુનિયાને કહેવું પડે કે આ બાજુ જોવું નહિ. કલમ 370 હટાવીને બહુ અગત્યનું કામ થયું છે. દુનિયાને મેસેજ અપાયો છે કે કાશ્મીર માત્ર ભારતનો મામલો છે. અમે અમારું ફોડી લઈશું. ભલે ચોપડે હજીય કાશ્મીર દ્વિપક્ષી મામલો હોય, પણ વાસ્તવિક રીતે તે હવે માત્ર ભારતનો જ મામલો રહી ગયો છે. હવે પાકિસ્તાન સાથે આ મુદ્દે કશી વાતચીત કરવાની જરૂર રહી નથી.
ટૂંકમાં કલમ 370 કાશ્મીરના વિકાસ માટે નથી હટાવવામાં આવી. તેનું અસલી કારણ કે કારણો ઉપર મુજબના છે. તેનાથી રાજી થવાના બીજા પણ કારણો છે, તે પણ હવે જોઈ લઈએ. રાજી થવાનું કારણ એ છે કે દેશના હિતના કેટલાક મુદ્દા રાજકીય મુદ્દા બન્યા હતા, તેમાંથી એક ઓછો થયો. કલમ 370 લઘુમતી તુષ્ટિકરણનો પાયો હતો, તો તેનો વિરોધ લઘુમતી તુષ્ટિકરણ માટેનો પાયો બન્યો હતો. ભાજપને આ કલમ બહુ ફળી છે. સતત વિરોધના કારણે હિન્દુઓની વૉટબેન્ક ઊભી થઈ છે. કોંગ્રેસ જે રીતે કાશ્મીરી મુસ્લિમોની વાત કરે, તે રીતે ભાજપ કાશ્મીરી પંડિતોની વાત કરે… એટલે હાઉં, તમે સમજ્યાને!


ભાજપને અને તે વખતે જન સંઘને લાગ્યું હતું કે માત્ર કલમ 370થી નહિ ચાલે. તેથી સમાન નાગરિક ધારાની વાત પણ જોડવામાં આવી હતી. જમીન સુધારણા વખતે જમીનદારોને ફાયદો થાય તે પ્રકારનું રાજકારણ પણ રમાયું હતું. ત્યાંથી શરૂઆત કરી હતી તેના કારણે આજે બિનઅનામત વર્ગની પાક્કી, એકદમ ટકોરાબંધ, નક્કર બિનઅનામત વર્ગની વૉટબેન્ક ભાજપતરફી ઊભી થઈ ગઈ છે. આપણે નાગરિકો તો ઉલમાંથી ચૂલમાં પડ્યા. લઘુમતીની વૉટબેન્ક સામે, બિનઅનામત વર્ગની વૉટબેન્ક ઊભી થઈ ગઈ. સમાન નાગરિક ધારામાં પણ ભાજપ સિલેક્ટિવ બની ગયું છે. તેની માતૃસંસ્થા સંઘ પરિવાર મૂળભૂત રીતે રૂઢિવાદી, જૂનવાણી, વર્ણવ્યવસ્થાવાદી મધ્યયુગમાં સમાજને લઈ જાય તેવા વિચારો ધરાવે છે. તેથી સ્ત્રીઓને માતા કહીને વધાવવાની, પણ સમગ્ર સ્ત્રીને સેકન્ડ ક્લાસ જ ગણવાની. જન્મથી માણસ સમાન હોય, તે વાત સ્વીકાર્યા વિના ખોળિયાની જ વાતો કરવાની. મુસ્લિમ સ્ત્રીઓના નામે ટ્રીપલ તલાકનો કાયદો કરીને વૉટબેન્કની રાજનીતિ રમી લીધી, પણ સમાન નાગરિક ધારાને કોરાણે રાખ્યો. આપણ નાગરિકો પડ્યાને ઉલમાંથી ચૂલમાં!

કલમ 370, સમાન નાગરિક ધારો, લઘુમતી તુષ્ટિકરણ, પ્રખર રાષ્ટ્રવાદ, ગૌસંવર્ધન આ બધા પછીય લાગ્યું કે સત્તા એક વેંત છેટે રહે છે. તેથી સૌ જાણીએ છીએ તે રીતે આખરે રામમંદિરનો મુદ્દો ઉમેરાયો. મૂળ તો મુરલી મનોહર જોષીની તિરંગા યાત્રા કઢાઈ હતી. તે જ મૉડલ પ્રમાણે રથ યાત્રા કાઢવામાં આવી. અને જોરદાર ફળી. દરમિયાન મંડલ પંચ આવી ગયું હતું એટલે તેની સામે કમંડળનું રાજકારણ પણ આ રીતે દૃઢ કરવું જરૂરી બન્યું હતું.
યાદ કરજો, જમીન સુધારણા વખતે ખેતમજૂરોને જમીન મળે તેનો વિરોધ હતો, એ જ રીતે મંડલ પંચ પછી ઓબીસીને અનામત મળે તેનો વિરોધ હતો. બાકી રહી ગયેલા વર્ગો પાસે અનામત માગણીનું આંદોલન કરાવીને અનામતની ખો કાઢી નાખવાનું રાજકારણ પણ ભાજપે અને સંઘે શરૂ કરેલું જ છે. તેનો ઉપાય પણ આ બધા વચ્ચે થઈ ગયો. તર્કશાસ્ત્રના તમામ નિયમોને ઊંઘે માથે લટકાવીને ‘આર્થિક અનામત’ની જાહેરાત આવી જ રીતે રાતોરાત કરી દેવાઈ હતી. આ અનામતમાં કશું જ આર્થિક નથી – પાંચ કરોડની જમીન, ત્રણ કરોડનો બંગલો, એક કરોડનો ફ્લેટ અને આઠ લાખ રૂપિયાની આવક હોય તે ‘ગરીબ’! સરવાળે એવી વ્યાખ્યા કરવામાં આવી કે લગભગ 90 ટકા બિનઅનામત વર્ગને અનામત મળી શકે.

તેનો ખરડો પણ સરળતાથી પસાર થઈ શક્યો. તે પણ સારું થયું, આમ જુઓ તો. સારું એટલા માટે કે અનામત વિશે એલફેલ બોલાતું હતું તે બંધ થઈ ગયું. બીજું 10 ટકા અનામત આપીને આ મામલે શાંતિ અને સહમતી થતી હોય તો કંઈ ખોટું પણ નથી. એટલે માનો કે અનામતના મુદ્દે એક રીતે શાંતિ થઈ છે. હાલ પૂરતી. તેને સકારાત્મક ગણી શકાય. એ જ રીતે કલમ 370ના મુદ્દે હાલ તો શાંતિ થઈ ગઈ છે. લાંબે ગાળે કાશ્મીરના લોકોને પણ સમજાશે કે આ તેમના હિતમાં છે. તેથી ત્યાં પણ સ્થિતિ થાળે પડશે તો પંજાબ અને ઈશાન ભારતની જેમ રાબેતો સ્થપાશે. તેથી તેને પણ સકારાત્મક ગણી શકાય.  હવે આગળ ચાલીએ. રામમંદિરના મુદ્દે, અયોધ્યાની જગ્યાના સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી ઝડપી ચાલુ થઈ છે. આશા રાખીએ કે ઝડપથી સુનાવણી ચાલતી રહે અને તે મુદ્દે સુપ્રીમ કોર્ટનો પણ નિર્ણય આવી જાય. સુપ્રીમ કોર્ટનો કોઈ પણ ચુકાદો આવે, આ મુદ્દાનું નિરાકરણ પણ વર્તમાન સરકાર અનામત, કલમ 370, જીએસટી અને નોટબંધીના ધોરણ લાવી શકે છે.

અર્થાત ખરડો તૈયાર કરીને ઊભેઊભ સંસદમાં પસાર કરાવી લેવાનો. રામમંદિરના નિર્માણનો માર્ગ પણ એ રીતે મોકળો થવાનો છે, લખી રાખો. સુપ્રીમ કોર્ટે જમીનના ત્રણ હિસ્સા છે તે કોને કોને મળશે તે અંગે જ ચુકાદો આપશે. તેમાં કદાચ કેટલાક નિરીક્ષણો હશે. તેનાથી બહુ ફરક પડવાનો નથી. સર્વોચ્ચ અદાલત જમીનની માલિકી અંગે જે પણ નિર્ણય આપે તે પછી સરકાર પાસે માર્ગ રહેશે. સરકાર પાસે માર્ગ એ હશે કે અયોધ્યાની તે સમગ્ર જમીન જાહેર હિત ખાતર એક્વાયર કરી લેવી. કરી શકાય છે. જાહેર હેતુ અને જાહેર હિત ખાતર, કોઈ પણ જગ્યા, ધાર્મિક જગ્યા પણ હસ્તગત કરી શકાય છે. બાદમાં રામમંદિરનું નિર્માણ જાહેર હિતમાં છે, જાહેર શાંતિના હેતુ માટે છે, દેશમાં બિનજરૂરી વિવાદ ઊભો કરનારી સમસ્યાના નિવારણ માટે છે તેવું જાહેર કરીને ત્યાં રામમંદિરનું નિર્માણ કરવા માટેની જાહેરાત થઈ શકે છે.

કલમ 370ના હિંમતભર્યા નિર્ણયને, ભાજપના મતદાર કે ટેકેદાર ના હોય તેમના તરફથી પણ સમર્થન મળ્યું છે. તેથી રામમંદિર માટે પણ વ્યાપક સમર્થન મળી રહેશે તેવી આશા સરકાર રાખી શકે છે. તેથી તેનો નિર્ણય ઝડપથી આવશે. તે પછી સમાન નાગરિક ધારાની વાત પણ સાથોસાથ લાવી જ દેવી પડશે. કલમ 370 દ્વારા તમે એક દેશમાં બે દેશ જેવી સ્થિતિ ના ચલાવી લેવા માગતા હો, રામમંદિરના મુદ્દે બે ધર્મો વચ્ચે અસમાનતા જેવી સ્થિતિ હોય તે ના ચલાવી લેવા માગતા હો, તો નાગરિકોના અધિકારો, ફરજો, બાબતોમાં અસમાનતા કેવી રીતે ચલાવી લેવાય? ટૂંકમાં કલમ 370 પસાર થઈ જવાથી રાજી એ રીતે થવાનું છે કે આ બે મુદ્દા પણ ઝડપથી ઉકેલાઈ જશે. પછી? પછી રાબેતા મુજબનું રાજકારણ… આ વિભાજનકારી, લાગણીને ઉશ્કેરનારા, બિનજરૂરી વિવાદો અને વિખવાદો કરાવનારા, વૉટબેન્ક ઊભી કરનારા મુદ્દાઓ પૂરા થાય એટલે રાબેતા મુજબનું રાજકારણ ભાજપે પણ કરવું પડશે. કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોના આવા મુદ્દાઓને ભાજપે ખતમ કર્યા. તેમના પોતાના મુદ્દા પણ આ રીતે ખતમ થઈ જાય…. એટલે હાઉં, વાત પતે. છેને રાજી થવા જેવું છે?