સુષ્મા સ્વરાજ 370ની વિદાયની રાહ જોઈ રહ્યાં હતાં?

ન્મ અને મરણના અજબ ઇત્તકાફ હોય છે. સંજોગો એવા નિર્માણ થતા હોય છે કે આગમન અને ગમન યાદગાર બની જાય. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના બેઠી દઠીના પણ સફળતાઓની લાંબી યાદી ધરાવતા મહિલા નેતા સુષ્મા સ્વરાજે સોશ્યલ મીડિયામાં મેસેજ મૂક્યો હતો. તેમણે લખ્યું હતું કે ‘આભાર વડાપ્રધાન, હું મારા જીવનમાં આ દિવસ જોવાની રાહ જોઈ રહી હતી.’ થોડા જ કલાકમાં ખબર આવ્યા કે કાર્ડિયાક એરેસ્ટને કારણે તેમનું અવસાન થયું. જીવનના છેલ્લા દિવસે તેઓ શેની રાહ જોઈ રહ્યા હતા?

સુષ્મા સ્વરાજ રાહ જોઈ રહ્યા હતા કલમ 370ની વિદાય થાય તેની. સોમવારે રાજ્યસભામાં અને પછી મંગળવારે લોકસભામાં પણ કલમ 370ને લગતા અને જમ્મુ અને કાશ્મીરની પુનઃરચના કરતાં ખરડા પસાર થયા. કલમ 370ની વિદાયનો આત્મસંતોષ તેમણે વ્યક્ત કર્યો અને રાતના ખબર આવ્યા કે તેમણે પણ વિદાય લીધી છે. સોશ્યલ મીડિયામાં કદાચ તેમના વિશે સૌથી વધુ શ્રદ્ધાંજલિ લખાશે, કેમ કે વિદેશ પ્રધાન તરીકે તેઓ દુનિયાભરનું ધ્યાન ખેંચાય તે રીતે સક્રિય હતા.

સોશ્યલ મીડિયાના દુરુપયોગની ચર્ચા થતી રહે છે અને થવી જોઈએ, પણ સુષ્મા સ્વરાજે આ ટેક્નોલૉજીનો હકારાત્મક અને ઉપયોગી ઉપયોગ કઈ રીતે થઈ શકે તે સાચા અર્થમાં બતાવ્યું હતું. તેમના એકાઉન્ટ પર કોઈ મેસેજ મૂકવામાં આવે અથવા મેસેજ ફરતોફરતો તેમના સુધી પહોંચે એટલે તેઓ તરત પ્રતિસાદ આપીને કાર્યવાહી કરતા હતા. દુનિયાભરમાં ભારતીયો જતા હોય છે. કોઈ પણ નાગરિકને સામાન્ય મુશ્કેલી પડી હોય અને મેસેજ પહોંચે તો સુષ્મા સ્વરાજ વિદેશ વિભાગને કામે લગાડી દેતા હતા.  વિદેશ પ્રધાન તરીકે સોશ્યલ મીડિયામાં તેમની સક્રિયતાની નોંધ વિદેશી મીડિયાએ પણ લીધી હતી. કદાચ તેના કારણે જ અમેરિકાના વૉલ સ્ટ્રીટ જર્નલે તેમને ભારતના ‘બેસ્ટ લવ્ડ પોલિટિશ્યન’ ગણાવ્યા હતા. ભારત જેવા દેશમાં નેતાની લોકપ્રિયતા એક વાત છે અને તેમની ચાહના જુદી વાત છે. લોકપ્રિય નેતા બેઠકો જીતાડી આપે, પણ લોકોના દિલમાં તેમના માટે કેવી લાગણી હોય તે કહી શકાય નહિ. સુષ્માએ કદાચ વ્યક્તિગત મદદ એટલી બધી કરી હતી કે તેમની સુવાસ ફેલાઈ હતી.

માત્ર વ્યક્તિગત ધોરણે જ નહિ, પણ કુદરતી આફત કે માનવસર્જિત મુશ્કેલી વખતે પણ નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે તેમણે કરેલી પહેલને કારણે દુનિયાનું ધ્યાન ખેંચાયું હતું. 2015માં નેપાળમાં ધરતીકંપ આવ્યો ત્યારે ભારતનું સમગ્ર તંત્ર મદદ કરવા માટે પહોંચ્યું હતું. દરેક વિભાગે પોતાની રીતે કામ ઉપાડી લીધું હતું, જ્યારે સુષ્મા સ્વરાજે વિદેશ વિભાગની મદદથી નેપાળમાં પ્રવાસે કે કામે ગયેલા લોકોને ઝડપથી બહાર લાવવા માટે વ્યવસ્થા ગોઠવી હતી. માત્ર ભારતના જ નહિ, દુનિયાભરના નાગરિકોને ભારતીય તંત્ર નેપાળમાંથી ભારત લાવી તેમના વતનમાં જવા માટે અનુકૂળતા કરી આપી હતી. સ્પેનની સરકારે પોતાના નાગરિકોને આ રીતે મદદ બદલ સુષ્મા સ્વરાજનું સન્માન કરીને ગ્રાન્ડ ક્રોસ ઑફ ઓર્ડર ઑફ સિવિલ મેરિટ એવોર્ડ આપ્યો હતો. ગયા ફેબ્રુઆરી 2019માં જ તેમણે એ એવોર્ડ સ્વીકાર્યો હતો.

કદાચ આંતરરાષ્ટ્રીય ધોરણે તેમના કાર્યની નોંધ એ પણ તેમના રાજકીય જીવનની આખરી યાદગીરી હતી. કેમ કે 2019ના માર્ચ-મેમાં યોજાયેલી ચૂંટણીમાં સુષ્મા સ્વરાજ હવે ચૂંટણી લડવાના નહોતા. 2016માં તેમણે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. તે પછી તેમની તબિયત ચૂંટણી લડી શકાય તેવી નહોતી. જોકે હોસ્પિટલમાંથી બહાર આવ્યા પછી ફરી તેઓ વિદેશ પ્રધાન તરીકે કામ કરતા રહ્યા હતા. એક શક્યતા એવી વ્યક્ત થઈ હતી કે કદાચ તેમને રાજ્યસભામાં મોકલવામાં આવશે, પણ પ્રધાન તરીકે રાખવામાં આવશે. એવું થયું નહોતું. અરૂણ જેટલીએ પણ સામેથી કહ્યું કે ચૂંટણી લડવી નથી. આ રીતે બે મહત્ત્વના નેતા 2019ની મોદી સરકારમાં નથી. તેમાંથી એકે મંગળવારે કાયમી વિદાય લીધી. સુષ્મા સ્વરાજ 67 વર્ષના થયા હતા, પણ તેમની રાજકીય કારકિર્દી તેમની ઉંમરના પ્રમાણમાં વધારે સુદીર્ધ હતી. તેનું કારણ એ કે બહુ નાની ઉંમરે તેમણે શરૂઆત કરી હતી.

હરિયાણાની જનતા દળની દેવીલાલની સરકારમાં તેઓ માત્ર 25 વર્ષની ઉંમરે 1977માં સીધી જ કેબિનેટ મિનિસ્ટર બની ગયા હતા. બે વર્ષ બાદ 1979માં જનતા દળના હરિયાણાના અધ્યક્ષા પણ તેમને બનાવાયા હતા. સરકાર અને સંગઠન બંનેનો નાની ઉંમરનો અનુભવ તેમને જિંદગીભર કામ આવ્યો હતો. દિલ્હીના મુખ્ય પ્રધાન ત્યારે વધુ એક વાર પ્રથમ વિશેષણ તેમની સાથે લાગ્યું – ભાજપના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન. ભાજપના પ્રથમ મહિલા વિદેશ પ્રધાન પણ ખરા. આ હોદ્દો ઇન્દિરા ગાંધીએ ભોગવ્યો હતો, પણ તે બીજી બીજા કોઈ મહિલા વિદેશ પ્રધાન બન્યા તો તે સુષ્મા સ્વરાજ હતા. માત્ર વિદેશ પ્રધાન બન્યા એટલું જ નહિ, સફળ વિદેશ પ્રધાન રહ્યા. એ વાત સાચી કે નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વના કારણે અને તેમને પોતાને વિદેશમાં પોતાની છબી મજબૂત કરવામાં રસ હતો, તેથી સ્વરાજની કામગીરી ઢંકાયેલી રહેતી હતી. આમ છતાં તેમણે સ્થિતિને અનુકૂળ થઈને પોતાની રીતે કામગીરી કરી અને નાગરિકોને મદદ કરવા માટે એવા પ્રયાસો કર્યા કે લોકો લાંબો સમય તેમને યાદ કરશે.

અડવાણી જૂથમાંથી મોદી જૂથમાં આવનારા નેતાઓમાં પણ તેમને ગણી શકાય. તેઓ સ્થિતિ અનુસાર મોદીના ઉદય સાથે તેમની સાથે જોડાયા હતા. અડવાણીની જેમ તેમનું કુટુંબ પણ હાલના પાકિસ્તાનમાં હતું. તેમનું કુટુંબ લાહોરથી ભારત આવી ગયું હતું. તેમના પિતા હરદેવ શર્મા આરએસએસના ચૂસ્ત ટેકેદાર હતા. અંબાલા આવીને તેઓ સ્થાયી થયા. અંબાલામાં જ સુષ્મા ભણ્યા અને અહીંથી જ પ્રથમવાર ધારાસભ્ય પણ બન્યા હતા. તેમણે સંસ્કૃતમાં ગ્રેજ્યુએશન કર્યું હતું અને સંસ્કૃતમાં ભાષણ આપી શકતા હતા. તેમનું સંસ્કૃતમાં આપેલા કેટલાક ભાષણો ઓનલાઇન ફરતા રહે છે. માત્ર સંસ્કૃતમાં શા માટે, વક્તા તરીકે એટલા ઉત્તમ હતા કે કોઈ પણ ભાષામાં બોલે પ્રભાવ પાડતા હતા. તેઓ યુવાન હતા ત્યારે હરિયાણામાં રાજ્યકક્ષાની હિન્દીની વકતૃત્ત્વ સ્પર્ધા જીતી ગયા હતા.

વિદેશ પ્રધાન તરીકે તેઓ વિદેશમાં અંગ્રેજીમાં પણ સારું બોલી શકતા હતા. સંસદમાં તેઓ અસરકારક પ્રવક્તા હતા. તેમનું ભાષણ હોય ત્યારે માત્ર ભાજપના નહિ, વિપક્ષના પણ નેતાઓ હાજર રહેતા હતા. ખાસ કરીને 1996નું તેમનું ભાષણ આજે પણ યાદ કરાય છે. તે વખતે વાજપેયી સરકાર બહુમતી સાબિત કરી શકી નહોતી, પણ ભાજપના નેતાઓએ જોરદાર ભાષણો આપ્યા હતા. વાજપેયીનું ભાષણ તો ઐતિહાસિક બની ગયું છું, પણ સુષ્મા સ્વરાજના એ ભાષણને પણ યાદ કરાય છે.  હકીકતમાં એ જ ભાષણમાં તેમણે કહ્યું હતું કે શું અમે કલમ 370 નાબુદ કરવા માગીએ છીએ એટલે જ અમને કોમવાદી ગણી લેવાના… જ્ઞાતિ અને જાતિના ધોરણે ભેદભાવને અમે ખતમ કરવા માગીએ છીએ એટલે અમને કોમવાદી ગણી લેવાના… માનનીય અધ્યક્ષજી, અમે કોમવાદી છીએ, કેમ કે અમે કાશ્મીરી નિરાશ્રીતોનો અવાજ ઉઠાવવા માગીએ છીએ…

એક મંથરા અને એક શકુની ભગવાન રામ અને યુધિષ્ઠિરને પણ રાજગાદીએથી દૂર રાખી શકતા હોય, ત્યારે તમે આસપાસ જુઓ તમે અનેક મંથરાઓ અને અનેક શકુનીઓ જોઈ શકશો. તેમના આ પ્રકારના ભાષણને કારણે એક તબક્કે સ્પીકર પી. એ. સંગમા વચ્ચે બોલી ઉઠ્યા  હતા કે તમે તમારું ભાષણ આટલું રસપ્રદ ના બનાવો!
સુષમા સ્વરાજની રાજકીય કારકિર્દી પણ એવી જ રસપ્રદ રહી છે અને તેને સૌ યાદ કરતા રહેશે. સંસ્કૃત ભણ્યા પછી તેમણે ચંડીગઢથી કાયદાની પદવી પ્રાપ્ત કરી હતી અને પતિ સ્વરાજ કૌશલ સાથે મળીને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતા હતા. જ્યોર્જ ફર્નાન્ડિઝની કાનૂની લડત લડતી ટીમમાં પણ તેઓ સામેલ હતા. તેના કારણે ભાજપમાં જોડાતા પહેલાં ફર્નાન્ડિઝ સાથે તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. આખરે ભાજપમાં જોડાયા અને જુદી જુદી જગ્યાએથી ચૂંટણી પણ લડતા રહ્યા.

તેમાની સૌથી યાદગાર ચૂંટણી હતી બેલ્લારીની. સોનિયા ગાંધીએ આખરે કોંગ્રેસની કમાન સંભાળી લીધી હતી અને તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર થયા હતા. તે વખતે સુષ્મા સ્વરાજે ચેલેન્જ ઉપાડી હતી અને બેલ્લારી જઈને તેમની સાથે ચૂંટણી લડ્યા હતા. તેઓ હારી ગયા હતા, પણ રાજકીય જીવનમાં પડકારો કેવી રીતે ઉપાડી શકાય તે બાબતમાં જીતી ગયા હતા…