લોકશાહીના ઉત્સવ સમી લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થશે. રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આગામી 19મી એપ્રિલે મતદાનમાં એમના ભાવિનો નિર્ણય થશે. પરંતુ ચૂંટણી દરમિયાન તમારો મત આપતી વખતે, જો તમને લાગે કે કોઈ ઉમેદવાર યોગ્ય નથી તો તમે NOTA બટન દબાવીને તમારો વિરોધ નોંધાવી શકો છો. પરંતુ, શું તમે જાણો છો કે જો આ NOTAને મહત્તમ મતો મળે તો શું થશે? ચાલો સમજીએ કે ચૂંટણીમાં NOTA ની ભૂમિકા શું છે અને જો NOTA ને મહત્તમ મતો મળે તો શું થાય છે.
NOTA એટલે ?
સરલ ભાષામાં સમજીએ તો EVM મશીનમાં સૌથી નીચે NOTA લખેલુ હોય છે. એ બટન દાવો એટલે તમે સ્પષ્ટ કરો છો કે, ઉપરોક્તમાંથી કોઈ ઉમેદવારને તમારુ સમર્થન નથી મતલબ ‘ઉપરોક્તમાંથી કોઈ નહીં’ EVM મશીનો લાંબા સમયથી ઉપયોગમાં છે, પરંતુ છેલ્લા દાયકાથી તેમાં NOTA બટન જ સામેલ કરવામાં આવ્યું છે. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં 2013માં પહેલીવાર NOTA લાગુ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ 2013થી જ તમામ ચૂંટણીઓમાં મતદારોને NOTAનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.
લોકશાહીમાં નોટાનું શું મહત્વ છે?
લોકશાહીમાં નાગરિકોએ મોટી સંખ્યામાં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો જરૂરી છે. તે જીવંત લોકશાહીનું પ્રતીક છે. પરંતુ મતદારોને કોઈ ઉમેદવાર લાયક ન જણાય તો? આ બાબતને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે એક એવી સિસ્ટમ વિકસાવી કે જેના દ્વારા એ નોંધી શકાય કે કેટલા ટકા લોકોએ કોઈને મત આપવાનું યોગ્ય ન માન્યું. કમિશને તેને NOTA નામ આપ્યું. NOTA ચૂંટણીમાં સામાન્ય લોકોની રાજકીય ભાગીદારી વધારે છે. આ વિકલ્પ દ્વારા મતદાર પોતાનો અણગમો વ્યક્ત કરી શકે છે. આનાથી પક્ષોને એક સંદેશ પણ જાય છે કે લોકો તેમના દ્વારા ઉભા કરાયેલા ઉમેદવારોને સ્વીકારતા નથી અને તેઓએ વધુ સારા ઉમેદવારો ઉભા રાખવાની જરૂર છે.
NOTAની જરૂર કેમ પડી?
જ્યાં સુધી દેશમાં NOTA સિસ્ટમ ન હતી ત્યાં સુધી જો કોઈને એમ લાગતું કે એમના મત મુજબ કોઈ ઉમેદવાર લાયક નથી તો તેઓ મતદાન કરવા જતા ન હતા અને આ રીતે એમનો મત નકામો જતો. આ સ્થિતિમાં લોકો મતદાનના અધિકારથી સ્વયંમ વંચિત રહેતા. આવી સ્થિતિમાં વર્ષ 2009માં ચૂંટણી પંચે NOTAનો વિકલ્પ આપવાના પોતાના ઈરાદા અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી. નાગરિક અધિકાર સંગઠન પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝે પણ NOTAને સમર્થન આપતી PIL દાખલ કરી હતી. જે બાદ વર્ષ 2013માં કોર્ટે મતદારોને NOTAનો વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો હતો. આમ EVM માં NOTA બીજો વિકલ્પ બની ગયો. આ રીતે, ભારત NOTA નો વિકલ્પ આપનાર વિશ્વનો ચૌદમો દેશ બન્યો. NOTA નું પૂર્ણ સ્વરૂપ None of the Above છે, જેનો અર્થ છે ઉપરોક્તમાંથી કોઈ નહીં.
NOTA ને સૌથી વધુ મત મળે તો?
NOTAના નિયમોમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવ્યા છે. શરૂઆતમાં NOTA ને ગેરકાયદેસર મત માનવામાં આવતો હતો. એટલે કે, જો NOTA ને અન્ય તમામ ઉમેદવારો કરતા વધુ મત મળે, તો બીજા નંબરના સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યો. છેવટે, 2018 માં, દેશમાં પ્રથમ વખત, NOTA ને ઉમેદવારોને સમાન દરજ્જો આપવામાં આવ્યો. હકીકતમાં, ડિસેમ્બર 2018માં હરિયાણાના પાંચ જિલ્લાઓમાં યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં NOTAને સૌથી વધુ મત મળ્યા હતા. આવી સ્થિતિમાં તમામ ઉમેદવારોને અયોગ્ય જાહેર કરાયા હતા. આ પછી ચૂંટણી પંચે ફરીથી ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો.
NOTA ફરીથી ચૂંટણીમાં જીતે તો ?
મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચના 2018ના આદેશમાં, NOTAને ‘કાલ્પનિક ચૂંટણી ઉમેદવાર’નો દરજ્જો આપવામાં આવ્યો છે. આદેશ અનુસાર, જો કોઈ ઉમેદવાર ‘કાલ્પનિક ઉમેદવાર’ એટલે કે NOTAના સમાન મત મેળવે છે, તો ચૂંટણી લડનાર વાસ્તવિક ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવશે. જો NOTA ને અન્ય તમામ કરતા વધુ મત મળે છે તો ફરીથી ચૂંટણી યોજવામાં આવશે. પરંતુ જો ચૂંટણી યોજ્યા પછી પણ કોઈ ઉમેદવાર NOTA કરતા વધુ મત મેળવી શકશે નહીં, તો ત્રીજી વખત ચૂંટણી યોજાશે નહીં. આવી સ્થિતિમાં, NOTA પછી સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે. આદેશ અનુસાર, મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચના આ નિયમો રાજ્યમાં ચૂંટણી સુધી મર્યાદિત છે.
ભારત ઉપરાંત અન્ય કયા દેશોમાં NOTA છે
ભારત પહેલાં, 13 દેશોમાં મતદાન સમયે NOTA નો વિકલ્પ ઉપલબ્ધ છે, જેમાં અમેરિકા, કોલંબિયા, યુક્રેન, રશિયા, બાંગ્લાદેશ, બ્રાઝિલ, ફિનલેન્ડ, સ્પેન, ફ્રાન્સ, ચિલી, સ્વીડન, બેલ્જિયમ, ગ્રીસનો સમાવેશ થાય છે આમાં કેટલાક દેશો એવા છે જ્યાં NOTA ને નકારવાનો અધિકાર છે. જેનો અર્થ છે કે જો NOTA ને વધુ મત મળે તો ચૂંટણી રદ થાય છે અને જે ઉમેદવારને NOTA કરતા ઓછા મત મળે છે તે ફરીથી ચૂંટણી લડી શકશે નહીં.
નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીઓમાં, ઉપરમાંથી કંઈ નહીં (NOTA) વિકલ્પનો ઉપયોગ સૌ પ્રથમવાર 2014માં કરવામાં આવ્યો હતો. તેને 1.1% મત મળ્યા હતા, જે 6 મિલિયનથી વધુ છે. જયારે 2019ની લોકસભાની ચૂંટણીમાં, બિહારના ગોપાલગંજમાં સૌથી વધુ NOTA મત (51,660) મળ્યા હતા,
નોટાની આંકડાકિય માહિતી
2013થી યોજાયેલી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં NOTAના ખાતામાં ઘણા બધા વોટ હતા. કેટલાક મતવિસ્તારોમાં NOTA મતો રનર-અપ ઉમેદવાર પછી ત્રીજા ક્રમે આવ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં લગભગ 60 લાખ મતદારો અને 2019માં 65 લાખથી વધુ મતદારોએ NOTA વિકલ્પ પસંદ કર્યો હતો. મતદારોએ NOTA વિકલ્પ પસંદ કર્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે 2024માં NOTAનો કેટલો ઉપયોગ થાય છે.