પંજાબમાં કોંગ્રેસની સરકાર છે અને હરિયાણામાં ભાજપની સરકાર છે. હરિયાણામાં ચૂંટણી થઈ છે અને ભાજપની સરકાર ફરીથી આવે તેવી શક્યતા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ચૂંટણીઓ માટે અત્યારથી તૈયારીમાં લાગી ગઈ છે. કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ દેવાળું કાઢવાની તૈયારીમાં છે ત્યારે કેજરીવાલ પાસા ફેંકી રહ્યાં છે. પણ સ્વાર્થ સમાન હોવાથી કેજરીવાલને ફાવવા દેવાની ઈચ્છા કોંગ્રેસ કે ભાજપ કોઈની નથી.
આ બધી વાતનો સાર શું છે? સાર એ છે કે પક્ષોના સંકુચિત રાજકારણને કારણે દિલ્હીની પ્રજા ગૂંગળાઈ રહી છે. શિયાળો બેસવાની તૈયારીમાં છે અને અત્યારથી જ ધૂમ્મસ અને વાયુ પ્રદૂષણ આકાશમાં ઝળૂંબવા લાગ્યું છે. નાસાના સેટેલાઇટ નિયમિત દુનિયાભરની તસવીરો લેતી રહે છે. પર્યાવરણવિદોએ ફરી એકવાર તે તસવીરોમાંથી ભારતની તસવીરો અલગ કાઢીને લાલ લાલ ચેતવણી આપી છે.
નાસાના ડેટાબેઝની તાજી તસવીરો પ્રગટ થવા લાગી છે તેમાં નકશામાં સ્પષ્ટપણે પંજાબ અને હરિયાણા પર લાલ લાલ ચકામા થઈ ગયાં હોય તેવા ટપકાં થઈ રહ્યાં છે. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે દેશના બીજા પણ કેટલાક વિસ્તારમાં લાલ લાલ ટપકાં દેખાય છે, પણ તે ઓછી સંખ્યામાં છે. ઉત્તર ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ લાલ ટપકાં દેખાય છે. પણ તે નગણ્ય છે, જ્યારે પંજાબ અને હરિયાણા સમગ્ર રીતે લાલ ચકામાથી ઘેરાઈ ગયું છે.
આ નિશાની છે પંજાબ અને હરિયાણાના ખેતરોમાં લણણી પછી વધેલા સૂકા છોડ અને પરાળને બાળી નાખવા માટે લગાવાયેલી આગની. પાક લઈ લીધા પછી ખેતરને ઘઉંનું વાવેતર કરવા માટે સાફ કરવા પડે. મજૂરી એટલી મોંઘી છે કે ખેડૂત સરળ ઉપાય અજમાવે છે. સૂકી પરાળને બાળી મૂકે છે. તેનો ધૂમાડો ઉપર ચડે અને ધીમે ધીમે દિલ્હી પહોંચે. વાહનોનો ધૂમાડો, કારખાનાનો ધૂમાડો અને ઊડતી રજને કારણે ઘટ બનેલું દિલ્હીનું આકાશ ગૂંગળાવા લાગે છે.
નકશા પર લાલ ટપકાં પંજાબ અને હરિયાણા પર દેખાય છે, પણ તેના અસલી ચકામા દિલ્હીવાસીઓના નાક પર ઉપસે છે. શ્વાસ લેવાનું મુશ્કેલ બને અને ચહેરા અને નાક લાલલાલ થઈ જાય છે.છેલ્લાં કેટલાય વર્ષોથી આ સમસ્યા વકરી છે. સમસ્યા જૂની છે. ખેતરમાં આગ લગાવી દેવાની રીત પણ નવી નથી, પણ હવે તે વકરી છે, કેમ કે દિલ્હી વસતીથી ફાટફાટ થઈ રહ્યું છે.
સમસ્યા સૌ જાણે છે, તેનો ઉકેલ પણ સૌ જાણે છે, પણ પ્રયાસો કેમ થતાં નથી? ત્રણેય રાજ્યોમાં જુદા જુદા પક્ષોની સરકાર છે. દિલ્હીની સમસ્યા દિલ્હી જાણે એમ કહીને પંજાબ કે હરિયાણા પોતાના રાજ્યના ખેડૂતોને કશું કહેવા માગતાં નથી. દિલ્હીની કેન્દ્ર સરકાર પણ જાણે મજા લઈ રહી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હોય ત્યાં સુધી શા માટે કેન્દ્ર સરકાર દરમિયાનગીરી કરીને દિલ્હીની પ્રજાની સુખાકારી વિચારે? અમારી સરકાર આવવા દો, અમે પંજાબ અને હરિયાણા સરકાર સાથે વાત કરીને ઉપાય કરીશું – એવો મેસેજ કદાચ અપાઈ રહ્યો છે. આ દેશમાં નરી સમસ્યા જ સમસ્યા હતી, વિપક્ષોએ ક્યારેય કશું કર્યું જ નથી, બધું હવે અમારે જ કરવાનું આવ્યું છે અને અમે જ કરી રહ્યાં છીએ – એવી ભાજપની કથા બરાબર ચાલી પણ રહી છે.
પંજાબ અને હરિયાણામાં પાણીની અછત નથી. અહીં નિયમિત બે પાક લેવાય છે. ચોમાસું પાક લેવાઈ જાય એટલે તરત શિયાળુ પાકની તૈયારી થવા લાગે. લણણી થઈ જાય પછી 15 દિવસમાં ખેતર સાફ થઈ જાય તો શિયાળુ વાવેતર થઈ શકે. એક સાથે બધે ખેતમજૂરોની જરૂર પડે એટલે મજૂરી મોંઘી પડે છે. ખેતરમાં છેલ્લું નિંદામણ કરી, તેને એક જગ્યાએ એકઠું કરીને તેનું ખાતર બની શકે છે. તે ઉપયોગી પણ થાય અને આગ લગાવીને પર્યાવરણને નુકસાન પણ ના કરવું પડે. પરંતુ તે પડે છે મોંઘું. ખેડૂત પોતે મજૂરી કરવા તૈયાર હોતો નથી અને મજૂરો મળતાં નથી, મળે તે મોંઘા મળે છે. તેથી સહેલો રસ્તો ખેતરને સળગાવી દેવાનો છે.
પંજાબ અને હરિયાણાના ખેડૂતોને કોઈક રીતે વળતર આપવું અને આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ કરી, ઝડપથી ખેતરોને સાફ કરી દેવાની ચર્ચાઓ થઈ ચૂકી છે. પણ તેનો અમલ કરવામાં કોઈને રસ નથી. પ્રજાની આ કમનસીબી છે કે એક પક્ષ સત્તા પર હોય ત્યારે પડોશી રાજ્યમાં રહેલી બીજા પક્ષની સરકાર તેને હેરાન કરવામાં કસર છોડતી નથી. પંજાબમાં પણ કોંગ્રેસની સરકારને આમ આદમી પાર્ટી બહુ નડી હતી. પંજાબમાં તેનું જોર ના જામે તે માટે દિલ્હીમાં જ આપને પતાવી દેવાની ગણતરી કોંગ્રેસની પણ છે. કોંગ્રેસ પોતે પતી રહી છે તેની ચિંતા કરવાના બદલે બીજા વિપક્ષને તે પતાવી દેવા તૈયાર છે.
કૃષિમાં ટેક્નોલૉજીના ગાણાં બધી સરકાર ગાય છે, પણ તેનો અમલ ધીમો થઈ રહ્યો છે. ખેડૂત પોતે મરજીથી તે સ્વીકારે તો ઠીક છે, સરકારને યોજના અને તેના પ્રચારથી આગળ રસ હોતો નથી. ઘણા ઉપાયમાં એક ઉપાય એવો પણ છે કે નિંદામણ થાય જ નહીં તે ટેક્નોલૉજી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા. તેના કારણે પાક લેવાય જાય તે વખતે અને વચ્ચેના ગાળે પણ નિંદામણની જરૂર ના પડે.
ટેક્નોલૉજીની પણ આડઅસર હોય છે. પંજાબ અને હરિયાણામાં તે પણ જોવા મળી રહ્યું છે. હવે હાર્વેસ્ટર અને થ્રેશર મશીનોનો ઉપયોગ વધારે થાય છે. તેના કારણે થાય છે એવું કે પાકની ઉપરઉપરથી લણણી થઈ જાય અને મૂળિયા જમીનમાં રહી જાય. બાદમાં તેને બાળી જ દેવા પડે. જૂની પદ્ધતિએ છોડને મૂળિયા સોતો ખેંચીને લણણી થતી હતી. તેથી યોગ્ય ટેક્નોલૉજીનો ઉપયોગ અગત્યનો બને છે. દાખલા તરીકે નિષ્ણાતો કહે છે કે ડાંગર તૈયાર થઈ જાય ત્યારે હાર્વેસ્ટરથી તેની લણણી થઈ જાય. પણ તે વખતે હાર્વેસ્ટરની સાથે જ સીડર પણ જોડવું જોઈએ. હાર્વેસ્ટર ડાંગરની લણણી કરે અને તેના વધેલા છોડને જમીનમાં ફેલાવી દે. પાછળ સીડર નાનકડું ડ્રિલિંગ કરીને ઘઉંની વાવણી કરતું જાય. તે રીતે ડાંગરની વધેલી પરાળને બાળી નાખવાની જરૂર ના રહે.
વાત ફરી ફરીને ખેડૂતોને પ્રોત્સાહિત કરવાની જ આવે છે. ખેડૂતોને કાંતો નિંદામણનો ખર્ચ આપવો પડે અથવા નવી ટેક્નોલૉજી વસાવવામાં મદદ કરવી પડે. દિલ્હીની ત્રણ કરોડની જનતાના સ્વાસ્થ્ય ખાતર પંજાબ અને હરિયાણાના ખેડૂતોને ત્રણેય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે મદદરૂપ થઈ શકે છે. પણ આ દેશમાં સંયુક્ત પ્રયાસો ભાગ્યે જ થાય છે. સૌને પોતપોતાનું રાજકારણ હોય છે.
દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ હારી જાય તે માટે આ વખતે કેન્દ્ર સરકાર વાયુ પ્રદૂષણના મુદ્દે કોઈ મદદ નહીં કરે. દિલ્હીની પ્રજાને બરાબરની હેરાન થવા દેશે અને તેનો રોષ આપ પર ઉતરે તેવું કરશે. આપ નબળી પડતી હોય તેમાં પંજાબ કોંગ્રેસને પણ રસ છે, જેથી ભવિષ્યમાં અહીં આવીને નડે નહીં. તેથી તે પણ મદદ નહીં કરે.
સરવાળે આ શિયાળે દિલ્હીની પ્રજાની ત્વચા પર લાલ લાલ ચકામા પડતાં રહેશે, પણ તે કંઈ સેટેલાઇટમાં પકડાવાના નથી. સેટેલાઇટમાં તો પંજાબ અને હરિયાણાની ખેતરોની આગ જ પકડાય છે. દિલ્હીમાં સરકાર બદલાય તે પછી આવતા શિયાળે સૌને યાદ આવશે કે પ્રદૂષણ ઓછું કરવું પડશે. તે યાદમાં જ આગામી શિયાળો પણ વીતી જશે. ત્રીજો શિયાળો નજીક આવવાનો થશે ત્યારે સરકાર, જો ત્યાં સુધીમાં ત્રણેય રાજ્યોમાં એક જ પક્ષની સરકાર થઈ ગઈ હશે, તો કેવી રીતે ખેડૂતોને ખેતરો સળગાવતાં અટકાવવા તેનો વિચાર થશે. સરકારી ધોરણે કામ થશે એટલે યોજના નક્કી થવામાં વર્ષ નીકળી જશે. વધુ એક શિયાળો પ્રજા ગૂંગળાશે. તે પછીના વર્ષે અમલ થયો હશે ત્યારે ખ્યાલ આવશે કે અમલમાં તો રાબેતા મુજબ લોચા થયાં છે. સરકારી ફંડ વેડફાઈ ગયું હશે અને પ્રજા ગૂંગળાતી રહેશે. ટૂંકમાં ગૂંગળાવા માટે તૈયાર રહેશો. અમદાવાદ, સૂરત, વડોદરા, રાજકોટ ફાટફાટ થવા લાગ્યાં છે અને પાંચ વર્ષ પછી કોઈને કોઈ કારણસર અહીં પણ પ્રજા ગૂંગળાવાની શરૂ થઈ હશે, પણ તેવો સ્વીકાર થતાં બીજા પાંચ વર્ષ નીકળી જશે. બીજા પાંચ વર્ષ ચર્ચા અને યોજનામાં નીકળી જશે. ત્યાં સુધી પ્રજાએ ગૂંગળાતાં રહેવાનું. છૂટકો નથી.
–