લોકસભાની 2019ની ચૂંટણીમાં બાલાકોટનો પવન ફૂંકાયો હતો એટલે કોંગ્રેસ સહિતના વિપક્ષોના ફુગ્ગા હવામાં ઊડી શકે તેમ નહોતા. પરંતુ તે પછી રાજ્યોમાં રાબેતા મુજબની સ્થિતિમાં ચૂંટણીઓ થઈ તેમાં શ્વાસ લેવાની જગ્યા વિપક્ષને મળી હતી. ખાસ કરીને કોંગ્રેસને ત્રણ રાજ્યો એક સાથે મળ્યા ત્યારે મોટો હાશકાર તેના નેતાઓને થયો હશે.
છત્તીસગઢમાં ખૂબ સારી બહુમતી સાથે, જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પાતળી બહુમતી સાથે સત્તા મળી હતી. પાતળી બહુમતી સાથેની સત્તા પણ સત્તા જ કહેવાય, પણ તે જાળવવાની જવાબદારી મુખ્યપ્રધાનની અને પક્ષના મોવડીઓની હોય છે. કોંગ્રેસ ફરી એક વાર તેમાં નિષ્ફળ જવા લાગી છે.
મહારાષ્ટ્રમાં ભાજપને સત્તાથી વંચિત રહેવું પડ્યું તેનું કારણ મુખ્યત્વે શિવસેના અને શરદ પવારની ગોઠવણી કોંગ્રેસની ભૂમિકા તેમાં એટલી અગત્યની નહોતી. તે પછી ઝારખંડમાં સફળતા મળી તેમાં પણ નાના સાથીદાર તરીકેની જ ભૂમિકા હતી. મુખ્ય પક્ષ ઝારખંડ મુક્તિ મોરચો જ હતો. વચ્ચેના સમયમાં કર્ણાટકની સરકાર પણ જતી રહી અને હવે મધ્ય પ્રદેશની જવાની તૈયારીમાં છે.
આ સમયગાળામાં કોંગ્રેસમાં હાર પછીની સાફસૂફી થવી જોઈતી હતી તે થઈ નથી. તેના બદલે હરિફ પક્ષો આવીને વાળીચોળીને વધેલી કિમતી જણસો ઉપાડીને લઈ જઈ રહ્યા છે. તેની શરૂઆત મધ્ય પ્રદેશથી થઈ અને હવે ચારે બાજુ ફેલાશે તેમ લાગે છે. પશ્ચિમ તરફ ગુજરાતમાં પણ અસર પહોંચી અને એક બેઠક જવાની તૈયારીમાં છે.
કોંગ્રેસને ચારમાંથી બે બેઠકો મળે તેની શક્યતા વચ્ચે દિલ્હીથી નામ જાહેર થયું તેમાં એક નામ રાષ્ટ્રીય નેતાનું હતું. રાજીવ શુક્લાનું નામ જાહેર થયું તે સાથે જ ભડકો થયો. ભડકો કરવાની તૈયારીઓ ગુજરાતમાં દોઢ બે મહિનાથી થઈ રહી હતી, પણ જે રીતે મધ્ય પ્રદેશમાં ધ્યાન નહોતું અપાયું તે રીતે ગુજરાતમાં પણ કોઈ ધ્યાન આપનારું નહોતું. છેક છેલ્લી ઘડીએ આગ ઠોરવા માટે દોડભાગ થઈ અને ભરતસિંહ સોલંકીનું નામ જાહેર થયું. શક્તિસિંહ ગોહિલનું નામ અપેક્ષા પ્રમાણે જ હતું.
ત્યાં સુધીમાં નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું હતું. કોંગ્રેસની સ્થિતિ જોયા પછી ત્રીજો ઉમેદવાર ઉતારીશું તેવું ભાજપે કહ્યું હતું અને તેવું કર્યું. બે સિંહોને ઉમેદવાર તરીકે જોયા પછી ભાજપને પટેલપત્તું ઉતરવાની તક મળી ગઈ. નીતિન પટેલે એકલા પાડી દેવાયા છે તેવો અફસોસ વ્યક્ત કર્યો હતો, તેના થોડા જ વખતમાં આ તક કોંગ્રેસે આપી. નરહરી અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર કરી દેવાયા. મૂળ કોંગ્રેસી નરહરી અમીન પોતે પણ મહેનત કરે તેવા છે, અને બાકીની મૂળ મહેનત કોંગ્રેસના આંતરિક જૂથો કરી જ રહ્યા છે. તે સંજોગોમાં લગભગ સમજોને એક બેઠક ગઈ. મધ્યપ્રદેશમાં તો રાજ્યસભાની એક બેઠક જવા સાથે આખી સરકાર પણ ગઈ સમજોને!
રાષ્ટ્રીય સ્તરે નેતૃત્ત્વની અસ્પષ્ટતાને કારણે કોંગ્રેસને ચારે બાજુથી કોરી લેવાનું શરૂ થયું છે તે આ રાજ્યસભાની ચૂંટણીમાં એક સાથે સ્પષ્ટ થઈ ગયું છે. એ વાત ખરી કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યસભાની બેઠક ના મળવાનું બહાનું બનાવ્યું. તેમની યોજના લાંબા સમયથી છોડીને જવાની હતી. આમ છતાં રાજ્યસભાની ચૂંટણી વખતે ઉમેદવારોની પસંદગીમાં મુશ્કેલી થશે ત્યારે શું કરવું તેની કોઈ તૈયારી કોંગ્રેસમાં નહોતી તે આના પરથી દેખાય આવે છે. ગુજરાતમાં પણ ટિકિટના મામલે કાળજી રાખવી પડશે તેના અણસાર હતા જ, પણ કોંગ્રેસના દિલ્હીના નેતાઓએ કોઈ તૈયારી કરી નહોતી.
હરિયાણામાં સત્તાની નજીક પહોંચ્યા પછી સત્તા હાથમાં ના આવી. ત્યાં પણ કુમારી શૈલજા અને ભૂપિન્દર હૂડાની ખેંચતાણને સમયસર મેનેજ કરાઈ નહોતી. તે વખતના વળનો છેડો રાજ્યસભાની ચૂંટણી વખતે નીકળ્યો. શૈલજાને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી તે સાથે જ ગુજરાતની જેમ હરિયાણામાં ભડકો થયો. હૂડાનું જૂથ શૈલજાને હરાવશે તેનો ખ્યાલ તરત આવી ગયો. છેલ્લે હરિયાણામાં ચૂંટણી થઈ ત્યારે આવું જ થયું હતું. હૂડાને નારાજ કરીને આર. કે. આનંદને મોવડીમંડળે હરિયાણામાં મોકલ્યા હતા. હૂડાના ટેકેદારોમાંથી કેટલાક એવી રીતે એકડા-બગડા ઘૂંટ્યા કે આનંદ હારી ગયા.
ગુજરાતમાં પણ આ વખતે ક્રોસ વોટિંગના બદલે કેટલાક ધારાસભ્યોને બિચારાને એકડો-બગડો લખવામાં ભૂલ થઈ જવાની છે. શું કરે બિચારા, ટેન્શનના કારણે એકડો અને બગડો આડોઅવળો લખાઈ જાય અને મત રદબાતલ જાહેર થાય! એનસીપી અને બીટીપીના ત્રણ મળો માનોને ઑલરેડી ભાજપમાં જતા રહ્યા છે. એટલે કોંગ્રેસને એક મત અત્યારથી જ ખૂટે છે. આટલા બધા ધારાસભ્યોમાંથી એક કે બે જણ તો ભૂલ કરી શકેને? કેમ ગયા વખતે ભાજપના સિનિયર નેતા ફળદુથી ભૂલ નહોતી થઈ?
હરિયાણામાં ભૂલ સુધારી લેવાઈ અને શૈલજાની ટિકિટ રદ થઈ. તેમની જગ્યાએ દીપેન્દર હૂડાને ટિકિટ આપી. ગુજરાતમાં પણ રાજીવ શુક્લાની ટિકિટ રદ કરીને ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી, પણ ભૂલ સુધરે તેવી શક્યતા નથી. એક બેઠકનું જોખમ ઊભું થઈ ગયું છે. રસપ્રદ વાત એ છે કે રાજીવ શુક્લાની ટિકિટ યથાવત રખાઈ હોત તો કદાચ બેઠક બચી હોત. જાણકારો કહે છે કે રાજીવ શુક્લાએ પોતાની રીતે ભાજપ સાથે ગોઠવણ કરી લીધી હતી. રાજીવ શુક્લા આઇપીએલના ચેરમેન છે. બીબીસીઆઈમાં ભાજપના ઘણા નેતાઓ છે. ગુજરાતના જય શાહ પણ છે. કિક્રેટનો આ ખેલદિલીનો સંબંધ કામ આવ્યો હોત અને શુક્લા સામે બોડીલાઇન બોલિંગ ના થઈ હોત તેમ જાણકારો કહે છે.
બિહારમાં પણ કોંગ્રેસને ફટકો પડ્યો છે. શક્તિસિંહ ગોહિલ બિહાર કોંગ્રેસના પ્રભારી છે. તેમણે ગુજરાતમાં જાતે ઉમેદવાર બનવા આવતા પહેલાં બિહારમાં કોંગ્રેસને એક બેઠક સાથી પક્ષ આરજેડી તરફથી મળે તે માટે પ્રયાસો કર્યા હતા. જાહેરમાં વિનંતી કરતા પત્રો પણ લખાયા હતા. પણ દિલ્હીમાં કોંગ્રેસના વડા કોને ગણવા તેની અવઢવ વચ્ચે આરજેડીએ બંને બેઠકો પર પોતાના જ ઉમેદવારો જાહેર કરી દીધા છે. મધ્યપ્રદેશ, ગુજરાત પછી બિહારની આ ત્રીજી બેઠક પણ ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના હાથમાં સરકી ગઈ.
જ્યોતિરાદિત્યના કિસ્સામાં શરૂઆતમાં કોઈ રિએક્શન ના આપ્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું કે પોતે પક્ષપ્રમુખ નથી, તેથી સિંધિયા માટે રાજ્યસભાની ટિકિટનું નક્કી ના કરી શકે. રાજ્યસભાની ટિકિટોની વહેંચણી પક્ષના સંગઠને કરી છે એવું તેમનું કહેવાનું થયું, પણ તે પક્ષની યાદી બહાર પડી ત્યારે જ ખોટું પડ્યું હતું. રાહુલ ગાંધીની નીકટ મનાતા કે. સી. વેણુગોપાલને રાજસ્થાનમાં ટિકિટ આપવામાં આવી જ છે. હાલ તેમનો વિરોધ નથી થયો એટલે તેઓ સલામત નીકળી જશે.
એ જ રીતે કે. ટી. એસ. તુલસીને ઝારખંડમાંથી કોંગ્રેસના ફાળે આવેલી રાજ્યસભાની બેઠક આપવામાં આવી છે. બિહારમાં સાથી પક્ષે કોંગ્રેસને નનૈયો કરી દીધો, પણ ઝારખંડમાં સંયુક્ત સરકારમાં કોંગ્રેસને સાચવવાની જરૂર હોવાથી તુલસીને ટિકિટ મળી છે. તુલસી રોબર્ટ વાડ્રા માટેના કેસોમાં વકીલ તરીકે બચાવ કરી રહ્યા છે. તુલસીને અગાઉ સીધી નિમણૂક તરીકે, રાષ્ટ્રપતિ તરફથી નિમણૂક તરીકે રાજ્યસભામાં મોકલાયા હતા. આ બે બેઠકો બેવડા માપદંડ દેખાડે છે. રાહુલ ગાંધી ધાર્યું કરાવવા માગતા હોય તો હજીય કોંગ્રેસમાં થઈ શકે તે સ્પષ્ટ છે.
સાથે જ રાહુલ ગાંધી સામે હજીય જૂની પેઢીના નેતાઓ ધાર્યું કરાવી જાય છે તે પણ રાજ્યસભાની આ ચૂંટણીઓમાં સ્પષ્ટ થયું. જૂની પેઢીના નેતાઓ સોનિયા ગાંધી પાસે પહોંચી જાય અને તેમને મનાવી લેતા હોય છે. સિંધિયાને રોકવાની જરૂર નથી જવા દો, એવી વાત કદાચ કમલનાથ અને દિગ્વિજયસિંહે સોનિયા ગાંધીના ગળે ઉતારી હતી.
દિગ્વિજયસિંહે પોતાની રાજ્યસભાની બેઠક પાકી કરવા અને પોતાના પુત્રને આગળ કરવા માટે સિંધિયાનો ભોગ લીધો તે દેખાય આવે છે. તેમ છતાં દિગ્વિજયસિંહને સેકન્ડ પ્રેફરન્સ આપીને સિંધિયાને પ્રથમ પ્રેફરન્સ સાથેની રાજ્યસભાની ટિકિટ મળી નહિ. પ્રથમ પ્રેફરન્સ સાથે ટિકિટની ખાતરી સિંધિયાને આપી દેવાઈ હોત અને તેમના ટેકેદારને ડેપ્યુટી સીએમ બનાવાયા હોત તો કદાચ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બચી હોત.
દિગ્વિજયસિંહ રાજ્યસભામાં જીતી શકે તે ખાતર કોંગ્રેસની આખી સરકાર જતી રહી અને છતાં સોનિયા ગાંધી પાસે જૂની પેઢીના નેતાઓએ ધાર્યું કરાવ્યું તેની ભારે અકળામણ કોંગ્રેસના નવી પેઢીના યુવાન નેતાઓમાં છે. 22 જણે રાજીનામાં આપ્યા તેમાંથી અડધા પાછા આવશે તેવી વાતો ચાલી રહી છે, પણ દિલ્હીના મોવડીઓની આવી ધડમાથા વિનાની નીતિ પછી શક્ય લાગતું નથી.
રાજસ્થાનમાં અદ્દલ મધ્યપ્રદેશ જેવી જ સ્થિતિ છે. જૂની પેઢીના અશોક ગેહલોત નવી પેઢીના સચીન પાયલટને ફાવવા દેતા નથી. પાયલટે ડેપ્યુટી સીએમ બનીને સમાધાન સ્વીકારી લીધું તેથી સરકાર અત્યારે ચાલતી રહી છે, પણ રાજ્યસભાની ચૂંટણી વખતે ફરી એકવાર ગેહલોત જ ધાર્યું કરાવી ગયા છે. આ ધમાલ વચ્ચે રાજસ્થાનથી એવા અહેવાલો હતા કે ગેહલોત પોતાના માનીતા જયપુરના એક ઝવેરીને રાજ્યસભામાં મોકલવા માગે છે.
પાયલટ જૂથ તરફથી ફરિયાદ થઈ હતી અને તેના કારણે દિલ્હીમાં મોવડીઓ સાથે વાતચીત પણ થઈ. પરિણામ શું આવ્યું? ગેહલોત જૂથ તરફથી રજૂ થયેલું ઝવેરીનું નામ ઊડી ગયું, પણ તેની જગ્યાએ અશોક ગેહલાતે હળવેક દઈને પોતાના બીજા એક ટેકેદાર નિરજ ડાંગીને ગોઠવી દીધા. સચીન પાયલટ ફરી થાપ ખાઈ. પોતાની મરજી પ્રમાણેના ઉમેદવારને ટિકિટ ના મળી, કેમ કે બીજી બેઠક માટે રાહુલ ગાંધી તરફથી વેણુગોપાલને મોકલાયા હતા. હાલ પૂરતી વાત ટળી છે, પણ રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણીના પડઘા વહેલામોડા સંભળાશે ખરા.
રાહુલ ગાંધીની ટીમમાંથી બીજા એક યુવા નેતા ફાવ્યા તે ગુજરાતના પ્રભારી એવા રાજીવ સાતવ. યૂથ કોંગ્રેસના નેતા તરીકે રહેલા સાતવને મહારાષ્ટ્રમાં સાનુકૂળ સ્થિતિને કારણે રાજ્યસભામાં જવા મળશે. રાહુલના બે સાથીઓ વેણુગોપાલ અને સાતવ રાજ્યસભામાં જશે, પણ સામેની બાજુએ જૂની પેઢીએ સોનિયા ગાંધીને મનાવીને એવી રીતે ટિકિટો લીધી કે એ ઝઘડામાં મધ્યપ્રદેશ, ગુજરાત અને બિહારની ત્રણ બેઠકો જોખમમાં આવી ગઈ. આ બધા વચ્ચે રાજીવ શુક્લા અને મુકુલ વાસનિકને પણ ટિકિટ ના મળી. આ બંને માટે પ્રિયંકા ગાંધી તરફથી રજૂઆત હતી તેમ માનવામાં આવે છે.
પ્રિયંકા ગાંધીનું પોતાનું નામ પણ ચાલ્યું હતું. હકીકતમાં મધ્યપ્રદેશમાં ગરબડની શરૂઆત પ્રિયંકાનું નામ આગળ કરીને જ થઈ હતી. દિગ્ગિરાજા અને કમલનાથના જૂથે ટેકેદારો પાસે એવી માગણી શરૂ કરાવી હતી કે પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવા. પ્રિયંકા ગાંધીનું નામ આવશે એટલે સિંધિયા ટિકિટ નહી માગે તેવી ગણતરી આ જૂથની હતી. પ્રિયંકા મધ્યપ્રદેશ પસંદ કરે તો સિંધિયાનો બળવો પણ કદાચ શમી ગયો હોત.
એવી જ ચર્ચા થોડો સમય માટે ગુજરાતમાં પણ હતી. સરપ્રાઇઝ તરીકે ગુજરાતમાં પ્રિયંકાને ઉતારવા એવી વાતો કોંગ્રેસના કેટલાક જૂથો તરફથી ચાલી હતી. કોંગ્રેસને રિવાઇવ કરવા માટે ગુજરાતને જ પાયો બનાવવો પડશે તેવી ચર્ચા વચ્ચે રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણીમાં ઘણી મહેનત કરી હતી અને સોફ્ટ હિન્દુત્વનો પ્રયોગ પણ ગુજરાતથી શરૂ કર્યો હતો. ગુજરાતવાળી વાત પણ તરત શમી ગઈ હતી અને પછી શું થયું તે અત્યારે સૌ જોઈ રહ્યા છે.
દોઢ અઠવાડિયું બાકી છે. સામાન્ય રીતે નિરસ રહેતી રાજ્યસભાની ચૂંટણીઓ આ દાયકામાં રસપ્રદ બનવા લાગી છે. ગુજરાતમાં પણ ભારે ઉત્સુકતા જાગી છે કે નરહરી અમીન તો જીતી જશે, પણ હવે શક્તિસિંહ અને ભરતસિંહમાંથી કોણ હારશે. મજાક એવી પણ ચાલી રહી છે કે અસલી લડાઈ હવે કોંગ્રેસમાં આંતરિક રીતે ચાલશે – નરહરી અમીનને કેમ હરાવવા તેના બદલે બેમાંથી કોણ જીતે તેનો સંઘર્ષ ચાલશે!