બિહારમાં પ્રશાંત કિશોર બાજી મારશે કે ફરી હારશે

પ્રશાંત કિશોર હવે માત્ર ચૂંટણી વ્યૂહકાર નથી રહ્યા, પણ રાજકારણી બની ગયા છે. જનતા દળ (યુનાઇટેડ)માં તેમને હોદ્દો આપવામાં આવ્યો છે. બિહારમાં આમ તો સ્ટ્રેટેજીની કઈ જરૂર નથી, કેમ કે ભાજપ અને જેડી(યુ)નું ગઠબંધન થઈ ગયું છે અને સામા પક્ષે રાષ્ટ્રીય જનતા દળની આગેવાની હેઠળનું મહાગઠબંધન પણ તૈયાર થઈ ગયું છે. દેશમાં કદાચ આ એકમાત્ર ગઠબંધન છે, જ્યાં કોંગ્રેસ ઉપરાંત એકથી વધુ પ્રાદેશિક પક્ષો સાથે જોડાયા છે, જેથી ભાજપ અને તેના સાથી પક્ષને હરાવી શકાય.

આજે એસપી અને બીએસપી વચ્ચે થયેલી દોસ્તી ચર્ચામાં છે – ફૂઇ અને ભત્રીજો, બુઆ-ભતીજા ભેગા થયા છે, ત્યારે બિહારમાં ચાચા-ભતીજા ભેગા થયા હતા. બિહારમાં ભાજપે નીતિશકુમારનો સફાયો બોલાવી દીધો ત્યારે પાટલીબદલુ નીતિશકુમારે એક જમાનાના કટ્ટર હરિફ લાલુ પ્રસાદ યાદવનું શરણું લેવું પડ્યું હતું. બિહારમાં એકબીજા સામે વર્ષોથી લડતા આવેલા બંને પક્ષો એકઠા થયા અને ભાજપને હરાવીને રાજ્ય સરકાર બનાવી હતી.

પરંતુ પટણાના ખસતા પાટલા જેવા પાટલીબદલુ નીતિશકુમારે આબરૂ ગુમાવી અને ભાજપને સાષ્ટાંગ દંડવત કરવા પડ્યા. નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારા નીતિશ વડાપ્રધાનની જીહજુરીમાં ઝૂકી ગયા. પરંતુ નીતિશકુમારને હવે ખ્યાલ આવ્યો છે કે ભાજપ સાથે જોડાણ કરીને પોતે ફસાયા છે. લોકસભાના પરિણામો પછી ભાજપનો દેખાવ વધારે સારો રહ્યો અને જેડી(યુ)ની બેઠકો ઓછી થઈ તો નીતિશકુમારનું કદ વધારે સંકોરાઈ જવાનું છે. ભાજપની રાજનીતિ નીતિશને બહુ ફાવે તેમ નથી. નવાદામાં તેઓ મુસ્લિમ ઉમેદવાર મૂકવા માગતા હતા. તેના કારણે ભાજપે જીતેલી આ બેઠક તેમણે માગી લીધી. ભાજપના નેતા ગીરીરાજસિંહ બરાબરના ગિન્નાયા, કેમ કે તેમણે આ બેઠક છોડીને બેગુસરાય જવું પડ્યું છે. બેગુસરાયમાં કનૈયા કુમાર શાસન સામે બગાવતની વાંસળી વગાડીને ગીરીરાજ સિંહની બગાવતની તૂતી જેવી બનાવી રહ્યો છે.

આવી સ્થિતિમાં એવા સમાચાર આવ્યા કે પ્રશાંત કિશોરે ફરી એકવાર ભાજપને પડતો મૂકીને આરજેડીનો આશરો લેવાનું વિચાર્યું હતું. નીતિશકુમાર પાછા ફરવા માગે છે તેવી વાત લઈને પ્રશાંત કિશોર લાલુ પ્રસાદ યાદવને મળ્યા હતા. એવું કહેવાય છે કે તેમણે બંને પક્ષોનું વિલય કરીને નવો પક્ષ બનાવવાની અને તેમના નેતાને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવાની નીતિ આપી હતી. પરંતુ લાલુ યાદવે અને ખાસ કરીને વાતચીત સાંભળી રહેલા રાબડી દેવીએ નનૈયૌ ભણી દીધો. નીતિશ માટે નનૈયો, કેમ કે નગુણા નીતિશે અમારી સાથે દગો કર્યો હતો એમ તેમણે કહ્યું.

યાદવ પરિવારમાં બે ભાઈઓ વચ્ચે ઝઘડો ચાલ્યો છે, પણ નાનો ભાઈ તેજસ્વી જ અત્યારે વધારે તેજસ્વી દેખાઈ રહ્યો છે. તેજસ્વી યાદવ નીતિશ ચાચાને પાઠ ભણાવવા માગે છે. તેમણે રાજ્યમાં મજબૂત ગઠબંધન ઊભું કર્યું છે. કોંગ્રેસને પણ સાથે રાખી છે, પણ તેની વધારે બેઠકોની માગણી સ્વીકારી નહોતી. કોંગ્રેસને 10 બેઠકો જ આપી છે, બીજી બાજુ કેટલીક નાની નાની પાર્ટીને એક બે વધારે બેઠકો પણ આપી છે. લક્ષ્ય છે નાના નાના જ્ઞાતિ સમૂહોને પણ સાથે રાખીને નીતિશ-ભાજપની જોડીને તોડી નાખવી.

હમણા બિહારમાં વધુ એક પાર્ટી બની વિકાશશીલ ઇન્સાન પાર્ટી. ટૂંકમાં વીઆઇપી. છ મહિના પહેલાં જ બનેલી વીઆઇપી પાર્ટીને તેજસ્વી યાદવે ત્રણ બેઠકો આપી દીધી. બહારના લોકોને નવાઈ લાગશે, પણ બિહારના જાણકારો કહે છે કે લાલુ પ્રસાદ આ જ રીતે કામ કરતા હતા. લાલુએ અન્ય નાના ઓબીસી સમૂહો અને દલિતોના જુદા જુદા ફિરકાને પોતાની સાથે રાખવા કોશિશ કરી હતી. તેમાંથી ઘણા પછી નીતિશ કે ભાજપ સાથે જતા રહ્યા હતા. તેજસ્વી તે બધાને ફરી સાથે જોડવા માગે છે. તેથી જ ઉપેન્દ્ર કુશવાહાની લોકસમતા પાર્ટીને પાંચ બેઠકો આપી દીધી છે. દલિત નેતા અમે નીતિશે જેમને થોડા મહિના મુખ્યપ્રધાન બનાવેલા તે જીતન રામ માંઝીના હિન્દુસ્તાન અવામ મોરચાને પણ ત્રણ બેઠકો આપી.

2005માં નીતિશકુમારે પણ આવી જ કોશિશ કરી હતી. અન્ય ઓબીસી જૂથો લાલુ પ્રસાદ સાથે ના જાય તે માટે 20 ટકા બેઠકો ઓબીસીમાં વધુ પછાત જ્ઞાતિઓના ઉમેદવારોને તેમણે આપી હતી.

ગંગા અને યમુના નદીમાં કામ કરતા લોકોમાં પેટા જ્ઞાતિઓ ઘણી છે, પણ મોટા ભાગે તેઓ નિષાદ કે સહની તરીકે ઓળખાય છે. બંને રાજ્યોમાં તેની સારી વસતિ છે. નદીમાં માછીમારી, હોડી ચલાવવી વગેરે કામ કરનારી જ્ઞાતિઓની વસતિ બિહારમાં 15 ટકા જેટલી છે, તેથી મુંબઈની ફિલ્મ દુનિયા સાથે સંકળાયેલા મુકેશ સહાનીએ અહીં આવીને તેમનું સંગઠન બનાવ્યું છે. તેમણે વીઆઇપી પાર્ટી બનાવી છે. આ બધા વિસ્તારોમાં યાદવોની વસતિ પણ છે, તેથી મુસ્લિમ ઉપરાંત નિષાદ જ્ઞાતિઓ સાથે જોડાણ કરીને ભાજપ-નીતિશની જોડીને નબળી પાડવા માટે આ વખતે ગઠબંધન કરાયું છે. લાલુ પ્રસાદે પણ નિષાદ નેતાઓ તૈયાર કર્યા હતા, પણ તેમાંથી કેટલાક નીતિશ અને ભાજપ સાથે જતા રહ્યા હતા. તેથી તેજસ્વીએ મુકેશ સહાની જેવા નેતાઓને તૈયાર કરીને નિષાદ મતોને સાધ્યા છે.

યુપીમાં કોંગ્રેસને સાથે રાખવામાં ના આવી, પણ અહીં તેજસ્વીએ હાર્ડ બાર્ગેનિંગ કરીને પણ કોંગ્રેસને સાથે રાખી છે. તેના કારણે ચૂંટણી સમજૂતિનું ગણિત મજબૂત બન્યું છે. પ્રશાંત કિશોરની કારી હવે ફાવે તેમ નથી. જ્ઞાતિ જૂથો અને સ્થાનિક જૂથો એકસાથે થાય ત્યારે પછી કોઈ મુદ્દા કે વ્યૂહરચના કામ આવતી નથી. યુપીમાં પણ એસપી-બીએસપી સામે રાષ્ટ્રવાદ અને કોમવાદનો મુદ્દો ચગાવવાનો ભાજપનો પ્રયાસ સફળ થાય તેમ નથી. તે જ રીતે પ્રશાંત કિશોરની ચાલાકીઓ કે પ્રચારના આકર્ષક તરીકા તારી શકે તેમ નથી.

2014માં ભાજપને અને નરેન્દ્ર મોદીને સફળતા મળી હતી ત્યારે પ્રશાંત કિશોરે તેનો જશ લેવાની કોશિશ કરી હતી. તેમના ચેલકાઓ એવું દેખાડવાની કોશિશ કરતા હતા કે સ્ટ્રેટેજી તો તેમની જ. સાચી વાત એ છે કે વ્યૂહરચનામાં નરેન્દ્ર મોદીને માત કરે તેવા કોઈ નેતા અત્યારે દેશમાં નથી. નરેન્દ્ર મોદી પ્રશાંત કિશોર જેવા પાંચનો ઉપયોગ કરી લે તેવા છે. તેમણે હકીકતમાં પ્રશાંત કિશોરના પ્રચાર કીમિયાનો ઉપયોગ પોતાની રીતે, પોતાના ફાયદામાં કરી લીધો હતો.

પ્રશાંત કિશોરને તે પછી પડતા મૂકાયા હતા. તેઓ ચૂસાઈ ગયેલી શેરડી હતા અને કુચ્ચાનું કોઈ કામ ભાજપને હતું નહિ. તેથી તેમણે નીતિશ કુમારને સાધ્યા હતા. તે વખતે સફળતા મળી, પણ તેનું કારણ એ હતું કે પ્રથમવાર લાલુ અને નીતિશ એક થયા હતા. બે પ્રાદેશિક કટ્ટર હરિફો એક થઈ જાય ત્યારે રાષ્ટ્રીય પક્ષનો ગજ વાગે નહિ. વળી તેમની સાથે નબળી પડેલી કોંગ્રેસ પણ જોડાઈ હતી એટલે ભાજપ માટે માર્ગ મુશ્કેલ બની ગયો હતો. પરંતુ તે પછી પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં કામ કરવાની કોશિશ કરી ત્યારે ખાસ કંઈ સફળતા ના મળી. યુપીમાં તેમના વિચારો પ્રમાણે પ્રયોગો કરવાનું કોંગ્રેસે મુનાસિબ સમજ્યું નહોતું. જોકે પંજાબમાં તેમનો લાભ લેવાયો હતો. હવે ફરી બિહારમાં સામ સામે બે ગઠબંધનો બન્યા છે ત્યારે પ્રશાંત કિશોરની કસોટી થશે. તેજસ્વી યાદવે પ્રચારની ઝાકમઝોળને બદલે નક્કર ધરતી પર ઊભેલા જૂથોના નેતાઓને સાધ્યા છે એટલે કોર્પોરેટ સ્ટાઇલ માર્કેટિંગ અને બ્રાન્ડિંગ બિહારમાં ચાલે છે કે પછી અસલી દેશી રાજકારણ તેનો અંદાજ બિહારના પરિણામો પરથી આવશે.