ગુજરાતમાં નેતાઓની ધમકી અને યુપીમાં નેતાઓ પર લગામ

ગુજરાત અને યુપી વચ્ચેનો સંબંધ સીધો નથી, પણ આડકતરી રીતે, રાજકીય રીતે સંબંધો જોડી શકાય છે. પણ આ વખતની ચૂંટણીમાં બંને રાજ્યો એ માટે વધારે ચર્ચામાં છે કે બંને રાજ્યોમાં નેતાઓ બેફામ વાણીનો ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાત યુપીની હરોળમાં આવી ગયું છે. ગુજરાતમાં શાસક પક્ષ ભાજપના નેતાઓ ખુલ્લેઆમ મતદારોને ધમકી આપી રહ્યા છે. બધા જ કમળ ના નીકળ્યા તો જોઈ લઈશ, મતો ના મળ્યા તો મંડળીબંડળી બંધ કરાવી દઈશ અને મતો વધારે નહિ આપો તો પાણી નહિ મળે અને ધ્યાન રાખજો, કેમેરા તમારા પર ગોઠવી દેવાયા છે … આવું ગુજરાતમાં બેફામ બની રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે જગાડ્યું ત્યારે ઊંઘી રહેલું ચૂંટણી પંચ જાગ્યું છે. આ વખતે ચૂંટણી પંચની કામગીરી સામે બહુ બધા સવાલો ખડા થયા છે. નહોર વિનાના વાઘ જેવી નબળી કામગીરી પંચ બચાવી રહ્યું છે. નેતાઓ બેફામ આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે અને માત્ર અરજી ફાઇલ કર્યા સિવાય અને નોટીસો કાઢવા સિવાય તંત્ર કશું કરી રહ્યું નથી. હદ તો ત્યારે થઈ ગઈ, જ્યારે ચૂંટણી પંચના વકીલે સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ કરી કે પંચ પાસે ખાસ કોઈ અધિકારો નથી.
આખરે ન્યાયાધીશોએ કહેવું પડ્યું કે આંખો ખોલો. ચૂંટણી પંચ પાસે ઘણી બધી સત્તા અને અધિકારો છે. તે જાણો અને અમલ કરો. આવું કહ્યું ત્યારે ચૂંટણી પંચની સુસ્તી અચાનક ઊડી અને ઉત્તર પ્રદેશમાં એક પછી એક નેતાઓ પર પ્રચાર પર પ્રતિબંધો મૂકવાનું શરૂ કર્યું. માયાવતીએ ખુલ્લેઆમ જાહેર સભામાં મુસ્લિમોને અપિલ કરી કે તમારા મતો કોંગ્રેસને આપીને વેડફી નાખતા નહિ. મુસલમાનો કા વૉટ બંટના નહિ ચાહિએ એવું ખુલ્લેઆમ સભામાં માયાવતીએ કહ્યું. આચારસંહિતાનું આ દેખીતું ઉલ્લંઘન હતું.
જવાબમાં યુપીમાં જવાબદાર હોદ્દા પર બેઠેલા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અલી અને બજરંગબલીની વાત કરી. તે લોકો પાસે અલી હોય તો અમારી પાસે બજરંગબલી છે એમ યોગી આદિત્યનાથે કહ્યું. સૌથી અજબ અને આઘાતજનક વાણી મેનકા ગાંધીએ ઉચ્ચારી. વંશવાદની ટીકા કરતા ભાજપે માતા-પુત્ર બંનેને ટિકિટ આપી છે. ગાંધી પરિવારના જ મેનકા ગાંધી અને તેમના પુત્ર વરુણ ગાંધીને ભાજપ જીતાડતું આવ્યું છે. આ વખતે માતા-પુત્રે ન જાણે કેમ પણ બેઠકોની અદલાબદલી કરી છે. ઠીક છે, પણ મેનકા ગાંધીએ હદ કરી નાખી.
મેનકા ગાંધીએ કેટેગરી જાહેર કરી. કયા ગામમાંથી કેટલા મતો મળશે તે પ્રમાણે ગામની કેટેગરી પાડવામાં આવશે. ગામોની ABCD નક્કી કરી નાખી. 80 ટકા મતો ભાજપને મળે તે ગામ A, જ્યાંથી 60 ટકા મતો મળ્યા તે B, 50 ટકા મતો મળે તે C અને તેનાથી ઓછા મળે તે છેલ્લી કક્ષાનું D ગામ. વિકાસના કામો કરવાની વાત આવે ત્યારે આ કેટેગરી પ્રમાણે જ કામ થાય છે એમ મેનકા ગાંધીએ સમજાવ્યું.
મેનકા ગાંધીની આ વાણીનો પડઘો ગુજરાતમાં પાટલીબદલુ પ્રધાન કુંવરજી બાવળિયાએ પણ પાડ્યો. એક ગામમાં પ્રચાર કરવા ગયા ત્યારે પાણીના પ્રશ્ને સવાલ થયો તો સાહેબ સંભળાવી દીધું કે ગઈ વખતે ચૂંટણી લડ્યો ત્યારે 45થી 55 મતો જ તમારા ગામમાંથી મળ્યા. અર્થાત વધારે મતો ના આપો તો વિકાસના કામો તમારા ગામમાં ના થાય. આ એક પ્રકારની ચોખ્ખી ધમકી કહેવાય. જસદણની પેટાચૂંટણી વખતથી જ આ ધમકી બહુ સ્પષ્ટપણે અને બેશરમપણે ભાજપના નેતાઓએ ઉચ્ચારવાની શરૂ કરી દીધી હતી. ‘હવે તમારા વિસ્તારના પ્રતિનિધિ પ્રધાન બન્યા છે એટલે તમારા વિકાસના કામો થશે’ – આવું ચોખ્ખું કહેવાઈ રહ્યું હતું. તેનો અર્થ કે શાસક પક્ષનો સભ્ય ના જીત્યો હોય ત્યાં ભાજપ સરકાર વિકાસના કામો ના કરે.
ઓકે. વાસ્તવિકતા એ છે કે દરેક પક્ષની સરકાર આવો ભેદ કરતી હોય છે. પોતાના ધારાસભ્યોના વિસ્તારમાં કામ વધારે થાય, પણ ભૂતકાળમાં ક્યારેય કોઈ સરકારના નેતાએ જાહેરમાં તે બોલવાની બેશરમી દાખવી નહોતી. મનમાં એક શરમ રહેતી હતી અને જાહેરમાં સૌના માટે કામ કરવાની જ વાત થતી હતી. એમ જ વાત થવી જોઈએ તેવી મર્યાદા હતી. તે મર્યાદા ગુજરાતમાં ભાજપના નેતાઓએ તદ્દન તોડી નાખી છે.
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપેલી ધમકી આનાથી પણ વધારે ગંભીર હતી. કુંવરજી બાવળીયાએ રાજકીય વરવી વાસ્તવિકતા જ કદાચ છતી કરી હતી, પણ શ્રીવાસ્તે ગુનાહિત માનસ છતુ કર્યું હતું. એક ફોજદારી ગુનો બને તેવી ધમકી આપી હતી કે આંયથી બધા કમલ જ નીકળવા જોઈએ, નહિ તો જોઈ લઈશ.
તે પછી રાજકોટના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ. એક ગામના નેતાને ચોખ્ખી ધમકી આપી કે તમારા ગામમાંથી 70 ટકા મતો મળે એવું કંઈક ગોઠવી આપો છો કે કેમ. નેતા કોંગ્રેસના હતા એટલે તેમણે જરાક આનાકાની કરી એટલે મોહન કુંડારિયાએ ચોખ્ખી ધમકી આપી કે મને સાંભળી લો, મતો અપાવવા પડશે. નહિ તો પછી આ બધી મંડળીબંડળી જતી રહેશે. સહકારી મંડળીમાંથી કોંગ્રેસી સભ્યને કઢાવી મૂકવા માત્રની આ ધમકી નહોતી. ભારતના નાગરિકને અપાયેલી ધમકી અપાઈ હતી.
ભાજપના ઓર એક ધારાસભ્ય રમેશ કટારાએ વળી મેનકા ગાંધી જેવી જ અદભૂત વાત કહી. તેમણે કહ્યું કે મોદી સાહેબે ચારે બાજુ કેમેરા ગોઠવી દીધા છે. આઇબીના માણસો ગોઠવી દીધા છે. હમારે જાસૂસ કોને કોને મેં લગે હુએ હૈ. તમે શું કરશો તેના પર બરાબરની નજર છે, માટે સીધા ચાલશો… આવી ધમકી રમેશ કટારાએ આપી.
સુપ્રીમ કોર્ટે પંચના વકીલને ભાન કરાવ્યું કે જરાક તમારા ચોપડા ખોલો અને જુઓ કે તમને કેટલી સત્તા છે. પંચ આખરે જાગ્યું અને પોતાની સત્તાનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. યુપીમાં પહેલાં માયાવતી અને યોગી પર પ્રચાર કરવાનો પ્રતિબંધ મૂકી દેવાયો. દરમિયાન એસપીના હલકી મનોવૃત્તિ ધરાવતા નેતા આઝમ ખાનની વધુ એક ગંદી વાત બહાર આવી. આઝમ ખાને એસપી છોડીને ભાજપમાં જોડાયેલા જયાપ્રદાના અંડરવિયરના રંગની વાત કરીને પોતાન માનસિક વિકૃત્તિ ફરી એકવાર દેખાડી આપી હતી. પંચે બીજા દિવસે મંગળવારે આઝમ ખાન પર પણ પ્રતિબંધ મૂક્યો કે તે હવે જાહેરમાં પ્રચાર કરી શકશે નહિ. મેનકા ગાંધીની કેટેગરી પાડવાની વાત પણ આડકતરી ધમકી જ હતી. તેથી તેમના પર પણ પ્રચાર કરવા માટેનો પ્રતિબંધ આખરે મૂકાયો છે. આ નેતાઓએ જે બદમાશી કરી છે તેની સામે આ પગલું બહુ નાનું છે. ફક્ત જાહેર સભાઓ ના કરી શકે, ખાનગીમાં પ્રચાર કરવાના જ છે.
નાગરિકોને ધમકી મળતી હોય, મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી થઈ શકે તેમ ના હોય ત્યાં તે બેઠકની ચૂંટણી રદ કરવાનો અધિકાર પણ પંચને છે. શેષનની સૌ ડરતા હતા, કેમ કે તેઓ બેઠક પરની ચૂંટણી જ રદ કરી દેતા હતા. પંચે હજી વધારે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. યુપીમાં થઈ તેવી કાર્યવાહી ગુજરાતમાં પણ કરવી જરૂરી છે. મધુ શ્રીવાસ્તવ સામે ફોજદારી ગુનો દાખલ થઈ શકે તેમ છે. કુંડારિયા સામે પણ ધામધમકી આપવાની ફરિયાદ દાખલ થઈ શકે તેમ છે. કુંવરજી બાવળિયા અને રમેશ કટારા પર આચારસંહિતાના ભંગની કાર્યવાહી થઈ શકે છે. થશે કે કેમ તેની રાહ જોવી રહેશે. ભાજપ પોતે કોઈ પગલાં લેશે તેવી અપેક્ષા રાખવી વધારે પડતી છે.
ઉત્તર ગુજરાતમાં પ્રચાર દરમિયાન ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં એક કોંગ્રેસી નેતાએ પણ અસલી રંગ દેખાડ્યો હતો. તેમણે કહ્યું કે છ કરોડ રૂપિયાની ગ્રાંટ આવે છે તેમાંથી ભાજપના નેતાઓના હાથમાં એક રૂપિયોય આવવા દઈશું નહિ. દાંતીવાડા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પુત્રે ભાજપના નેતાઓ જેવી જ વાત કરીને સાબિત કરી આપ્યું કે કાગડા બધે કાળા જ હોય. રાહુલ ગાંધી સામે પણ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ થઈ છે કે કેમ તેમણે રફાલ મુદ્દે કોર્ટનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન પર આક્ષેપો કર્યા. ચૂંટણી પંચ સામે એ સવાલ પણ છે કે નરેન્દ્ર મોદીની બાયોપિક અટકાવી દીધી, પણ મમતા બેનરજીની બાયોપિક રિલિઝ થવાની તૈયારી છે તેની સામે આ લખાય છે ત્યાં સુધી તો કાર્યવાહી કરી નથી.
અર્થાત ચૂંટણી પંચ આ વખતે શાસક પક્ષ ભાજપ હોય કે વિપક્ષ હોય, બંને સામે આચારસંહિતાનું કડક પાલન કરાવવામાં નિષ્ફળતા મેળવી છે. ચૂંટણી પંચ પાસે હજીય સમય છે. કડક કામગીરી કરીને નાગરિકોને એટલી તો હૈયાધારણ આપે કે ફરિયાદ થશે ત્યાં થોડી ઘણી કામગીરી હજીય થઈ શકે છે. બાકી તો… ભવિષ્યમાં પછી…