‘સાંભળ્યું છે, તને કોઈ એકાદ પારિતોષિક મળ્યું છે?’ મૂળ કોલકાતાના અભિજિત બેનરજીને તાજેતરમાં ‘નોબેલ પ્રાઈઝ’ મળ્યું ત્યારે બંગાળી મોશાયો માની નહોતા શકતા કે એમના બંગાળી છેલે-છોકરાને આવું વિશ્ર્વ પ્રતિષ્ઠિત પારિતોષિક આટલું જલદી મળશે!
– કિરણ રાયવડેરા (કોલકાતા)
મને ખબર હતી કે મારા દીકરાને એક દિવસ ‘નોબેલ પ્રાઈઝ’ મળશે, પણ એ દિવસ આટલો જલદી આવશે એનો અંદાજ નહોતો…
તાજેતરમાં જેને ૨૦૧૯ની સાલનું અર્થશાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક મળ્યું એ ડૉ. અભિજિત વિનાયક બેનરજીનાં ૮૩ વર્ષી માતા નિર્મલા બેનરજી દીકરાની સિદ્ધિ પર પોરસાઈને કહે છે.
નિર્મલા’દી પોતે કંઈ હું તો પહેલાંથી કહેતી હતીનો રાગ આલાપનારાં સામાન્ય ગૃહિણી નથી. એ ખુદ એક ખ્યાતનામ અર્થશાસ્ત્રી છે અને જે કૉલેજમાં અભિજિત બેનરજી ભણ્યા એ કોલકાતાની વિશ્ર્વવિખ્યાત પ્રેસિડેન્સી કૉલેજ (હવે યુનિવર્સિટી)માં ઈકોનોમિક્સનાં પ્રોફેસર રહી ચૂક્યાં છે. પુત્રની કાબેલિયત અને ક્ષમતા પર અખૂટ શ્રદ્ધા ધરાવતી મા કહે છે કે અભિજિત બિલકુલ એના પિતા પર ગયો છે.
લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સના વિદ્યાર્થી રહી ચૂકેલા અને પ્રેસિડેન્સીમાં જ અર્થશાસ્ત્ર ભણાવતા સ્વર્ગીય દીપક બેનરજી એટલે કે અભિજિત બેનરજીના પિતા સ્વભાવે ઠરેલ અને સૌમ્ય હતા. માના કહેવા પ્રમાણે દીકરાને પરિપક્વતા અને સંયમના ગુણ એના પિતા પાસેથી વારસામાં મળ્યા છે એટલે જ કદાચ નોબેલ મળ્યાની જાહેરાત બાદ પહેલી વાર કોલકાતા આવતા અભિજિત બેનરજી મિડિયાના વધુપડતા ગોકીરાથી મૂંઝાઈ ગયા હતા, પણ કોલકાતાના એમના બે દિવસીય રોકાણ દરમિયાન એમણે ક્યારેય એમની અકળામણ છતી થવા ન દીધી. દેખાવે અને સ્વભાવે એટલા સરળ લાગે કે એમને મળીને કોઈને અણસાર પણ ન આવે કે આ વ્યક્તિ બહુ પ્રતિષ્ઠિત નોબેલ પ્રાઈઝ વિજેતા છે. અભિજિત બેનરજીનાં માતા એનો ખુલાસો કરતાં કહે છે કે ‘નોબેલ’ મળવું એ ખરેખર આનંદ અને ગૌરવની વાત છે, પણ એ આનંદ વ્યક્ત કરવા કંઈ ડાન્સ કરવાની જર નથી! જે પરિવારમાં માતા-પિતા, પુત્ર અને પુત્રવધૂ (અભિજિતનાં પત્ની એસ્થર ડફલો, જે ૨૦૧૯ ઈકોનોમિક્સ નોબેલ પારિતોષિક વિજેતા ત્રિપુટીમાંનાં એક છે) એમ ચાર ચાર વ્યક્તિ અર્થશાસ્ત્રી હોય અને કોઈ શોરબકોર વગર પોતાનું કામ કરવામાં માનતાં હોય એ એમને માટે સ્વાભાવિક છે.
એક વાત ચોક્કસ છે કે નોબેલ જેવા મહામૂલા પારિતોષિક અને મહાનગર કોલકાતા વચ્ચે કોઈ ગાઢ સંબંધ છે. યોગાનુયોગે અભિજિત બેનરજી છઠ્ઠા નોબેલ પ્રાઈઝ વિજેતા છે, જે કોલકાતા કનેક્શન ધરાવે છે. પશ્ર્ચિમ બંગાળના અપ્રતિમ કળાધામ શાંતિનિકેતનમાં જન્મેલા અને ૧૯૯૮ની સાલમાં અર્થશાસ્ત્ર માટે જ નોબેલ પ્રાઈઝ મેળવનારા અમર્ત્ય સેને પણ અહીંની પ્રેસિડેન્સી કૉલેજમાંથી જ સ્નાતકની પદવી મેળવી હતી. અહીં એક વાતની નોંધ લેવી જોઈએ કે અમર્ત્ય’દાનું નામ બંગાળના અન્ય નોબેલ વિજેતા રવીન્દ્રનાથ ટાગોરે પાડ્યું હતું. સાહિત્ય, સંગીત, ચિત્રકળા, વગેરે વિધવિધ કળા પ્રકારમાં મહારથ હાંસલ કરનારા રવીન્દ્રનાથ ટાગોર દાયકાઓથી બંગાળનો પર્યાય બની ચૂક્યા છે. ૧૯૨૯માં કોલકાતા આવનારાં અને બંગભૂમિને કર્મભૂમિ બનાવનારાં સવાયા બંગાળી મધર ટેરેસાને ૧૯૭૯માં નોબેલ એનાયત થયું તો ૧૯૩૦માં નોબેલ મેળવનારા ફિઝિસિસ્ટ-ભૌતિકશાસ્ત્રવિદ્ સી.વી. રામન પણ કોલકાતા વિશ્ર્વવિદ્યાલયમાં ફિઝિક્સ ભણાવતા. મેલેરિયાના પ્રસારણ પર નોંધનીય સંશોધન માટે ૧૯૦૨માં નોબેલ જીતનારા અંગ્રેજ વિજ્ઞાની રોનાલ્ડ રોસે પણ કોલકાતાની હૉસ્પિટલમાં વર્ષો સુધી કામ કર્યું હતું અને આજે કોલકાતાના પ્રખ્યાત વિક્ટોરિયા મેમોરિયલની સામેનો માર્ગ આ મહાન અંગ્રેજ વિજ્ઞાનીના નામે છે.
આ મહાનગર કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજ-યુનિવર્સિટી પણ બંગાળી નોબેલ પ્રાઈઝ વિજેતાઓ વચ્ચે એક કડી બની ચૂકી છે. આ ખ્યાતનામ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સમાં માસ્ટર્સ કરતી ગુજરાતી સિદ્ધિ પારેલિયા કહે છે કે ક્લાસમાં મારા બંગાળી મિત્રો અભિજિત બેનરજી અને અમર્ત્ય સેનની વાત કરતા થાકતા નથી. આજે અમે એમની જ થિયરી ભણીએ છીએ!
મૂળ કોલકાતાના અભિજિત બેનરજીને નોબેલ આપવાની જાહેરાત થતાં કોલકાતાના બંગાળીઓ ગેલમાં આવીને ઝૂમી ઊઠે એ સમજી શકાય છે. મજાની વાત એ હતી કે એક બંગાળીને નોબેલ મળે એની એમને નવાઈ નહોતી રહી, પણ અભિજિતની સિદ્ધિ પર ગર્વ જર છે.
પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીથી લઈને ટ્રામ, બસ અને મેટ્રોમાં સફર કરનારા સામાન્ય બંગાળીના ચહેરા પર અભિજિત આમાદેર કોલકોતાર છેલે-અભિજિત આપણું આપ્તજન છે… જેવા ભાવ અંકિત હતા. આ ભાલોબાસા-પ્રેમને કારણે જ મમતા’દીએ અભિજિતના આગમનપૂર્વે એમના ઘરે દોડીને એમનાં માતાને વધાઈ આપી હતી. અભિજિતને અભિષેકબાબુ કહીને સંબોધવાની દીદીની ચૂકને અહીંનાં અખબારોએ ચગાવવાની કોશિશ કરી (વાસ્તવમાં મમતા બેનરજીના એક વિવાદાસ્પદ ભત્રીજાનું નામ અભિષેક છે!).
રાજ્ય સરકારે બંગાળના સપૂત અભિજિત બેનરજીના સ્વાગતની પૂરતી તૈયારી કરી હતી અને કોલકાતાના મેયર અને અન્ય રાજ્યમંત્રીઓ સહિત હજારોની સંખ્યામાં લોકો એમને આવકારવા ઍરપોર્ટ પહોંચ્યા હતા. શહેરના અનેક રસ્તા પર અભિજિત બેનરજી ભારતેર ગોર્બો-ભારતનું ગર્વનાં હોર્ડિંગ ઝુલાવવામાં આવ્યાં હતાં. દક્ષિણ કોલકાતાસ્થિત એમનું સપ્તપર્ણી નામનું ઘર હાઈ પ્રોફાઈલ મુલાકાતીઓથી ધમધમી ઊઠ્યું હતું. માત્ર એક દિવસમાં જ ૫૦૦થી વધુ લોકો એમને મળવા આવ્યા. પરિણામે મિતભાષી અભિજિત લોકોના ગળાડૂબ પ્રેમને જોઈને ડઘાઈ ગયા હતા.
મિત્રો-દોસ્તોમાં જિમાના હુલામણા નામે જાણીતા અભિજિત બેનરજીને એમની પ્રેસિડેન્સી કૉલેજના જૂના મિત્રો કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મૅગેઝિન ઓટમ એન્યુઅલ, ફૂલગુચ્છ અને બંગાળી મીઠાઈ (સંદેશ) લઈને મળવા આવ્યા હતા. એમનો બાળપણનો ગોઠિયો બાપા સેન કહે છે કે નોબેલ પછી અમારા જિમામાં અમને રતીભાર પણ પરિવર્તન દેખાયું નથી.
૨૩-૨૪ ઑક્ટોબર કોલકાતાની મુલાકાતે આવેલા અભિજિત’દા એમનાં પ્રિય લેખિકા નવનીતા દેવ સેનને પણ મળવા ગયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે ૮૧ વર્ષીય નવનીતા અમર્ત્ય સેનનાં પહેલાં પત્ની છે અને બંગાળનાં નામાંકિત લેખિકાઓમાં એમની ગણના થાય છે. એમના ઘરે શુભ બિજોયાની શુભેચ્છા (દુર્ગાપૂજા બાદ એકમેકને શુભ બિજોયા-વિજય કહેવાનો અહીં શિરસ્તો છે) આપવા અભિજિત ગયા ત્યારે લેખિકાએ એમને પોતાની નવી નવલકથા ભાલોબાસાર બારાંદા (પ્રેમનો વરંડો) ભેટ આપી. પુસ્તકના પહેલા પાને એમણે લખ્યું: સુનલામ એક્ટા પ્રાઈઝ પેલી રે તુંઈ..? (સાંભળ્યું છે કે તને કોઈ પારિતોષિક મળ્યું છે?) આ વાંચીને અભિજિત’દા ખડખડાટ હસી પડ્યા.
ઘણાને આશ્ર્ચર્ય થાય કે પિતાનું નામ દીપક બેનરજી હોવા છતાંય અભિજિત પોતાનું પૂરું નામ અભિજિત વિનાયક બેનરજી કેમ લખે છે તો એનું કારણ એ છે કે અભિજિતનાં મહારાષ્ટ્રીયન માતા નિર્મલા બેનરજીએ અભિજિતને વિનાયક નામ આપ્યું હતું એટલે માની લાગણી ન દુભાય એ માટે અભિજિત પણ એમના નામ સાથે વિનાયક જોડવાનો આગ્રહ રાખે છે.