કેન્દ્ર સરકારે હમણાં જે નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી એમાં જે અમુક પાયાની બાબબતો પર ભાર મૂકવામાં આવ્યો છે એ બાબતો પર તો વડોદરાની આ બાલવાડી વર્ષોથી અમલ કરી રહી છે. જાણીએ, કઇ રીતે…
હમણાં ભારત સરકારે નવી શિક્ષણ પદ્ધતિ જાહેર કરી એમાં ઘણા અગત્યના સૂચનો છે. એમાંથી બે સૂચનોએ મારું ખાસ ધ્યાન ખેંચ્યું છેઃ માતૃભાષામાં શિક્ષણ અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ.
પ્રથમ તો માતૃભાષાનું મહત્વ આપણને સમજાયું અને માતૃભાષામાં શિક્ષણને અમલમાં મૂકવાનો વિચાર આવ્યો એ ખૂબ પ્રશંસનીય છે. બાળક માટે પોતાની માતૃભાષામાં સાંભળવાનું, બોલવાનું, સમજવાનું, યાદ રાખવાનું સાહજિક છે. એને માટે ખાસ પ્રયત્ન કરવો પડતો નથી. ઘરમાં અને આજુબાજુમાં બોલાતી ભાષાથી એ બાળપણથી જ ટેવાયેલું હોય છે.
આ ઉંમરે બાળક હજુ પોતાની ભાષા બોલતા શીખી રહ્યું હોય ત્યારે આપણે Mother-tongueને બદલે Other-tongue શીખવા દબાણ કરીએ અને ગોખાવી ગોખાવીને યાદ રખાવીએ તે સાહજિક નથી. બાળક નથી ગુજરાતી શુદ્ધ બોલી શકતું અને નથી અંગ્રેજી શુદ્ધ બોલી શકતું. ઘરના વાતાવરણમાં કોઈ જરાપણ અંગ્રેજી સમજતું ન હોય ત્યારે બાળકો સાથે વાત કરતી વખતે sit sit, Run Run જેવા અધકચરા પ્રયોગો ઘરમાં થાય છે.
બીજું સૂચન તે રમત દ્વારા શિક્ષણ- ગમ્મત સાથે જ્ઞાન. ભાર વિનાના ભણતરનો આગ્રહ.
નવી શિક્ષણ પદ્ધતિ ગોખણપટ્ટી, ભણવાનો બોજ, પરીક્ષા પદ્ધતિ વગેરે પર ભાર મૂકવાને બદલે બાળક પોતાના ગમતા વિષયો પસંદ કરે અને પ્રવૃત્તિ, પ્રયોગ અને હુન્નર દ્વારા શિક્ષણ મેળવે એના પર ભાર મૂકે છે.
આ સંદર્ભમાં હું વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અંતર્ગત ચાલતી ચેતન બાલવાડીના મારા અનુભવો કહેવા માંગું છું. આ બંને સૂચનો ચેતન બાલવાડીમાં અમે વર્ષોથી અમલમાં મૂક્યા છે અને એ સફળ થયા છે. 1950 માં સ્થપાયેલી ચેતન બાલવાડી આજ સુધી એટલે કે 70 વર્ષથી આનો અમલ કરે છે અને એના ફાયદા બાળકની પ્રગતિમાં સ્પષ્ટપણે દેખાયા છે.
ચેતન બાલવાડી વિશે થોડુંક
ચેતન બાલવાડી એ યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીની પ્રયોગશાળા છે. જેમ સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સાયન્સના પ્રયોગો કરે એ રીતે જ હોમ સાયન્સમાં ચાઈલ્ડ ડેવલપમેન્ટનું ભણતા વિદ્યાર્થીઓ (B.Sc., M.Sc., PG Diploma in Pre-School Education) ચેતન બાલવાડીમાં બાળકોને અવનવા અનુભવો આપે છે.
માતૃભાષામાં શિક્ષણ
ઘણા લોકોની દલીલ છે કે બાળકો જો પહેલેથી જ અંગ્રેજી માધ્યમમાં ન ભણે તો આજના સમયમાં પ્રગતિ ન કરી શકે, પરંતુ ચેતન બાલવાડીમાં (યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ બાલવાડી સાથે સંલગ્ન છે, જે ગુજરાતી માધ્યમમાં સંચાલન કરે છે.) અને એક્સપેરિમેન્ટલ શાળામાં ભણેલા બાળકો ફક્ત ભારતમાં જ નહીં, પણ પરદેશમાં પણ અનેક ક્ષેત્રોમાં સફળતાપૂર્વક ટોચના હોદ્દાઓ પર કામ કરી રહ્યાં છે.
અંગ્રેજી વૈશ્વિક ભાષા છે અને એ શીખવી ખૂબ આવશ્યક છે. દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે અને આજકાલની હરિફાઈની દુનિયામાં આગળ વધવા માટે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવવું ખૂબ જરૂરી છે, પણ સવાલ એ છે તે કઈ ઉંમરથી?
ચેતન બાલવાડી ફક્ત એક જ ફિલસૂફી પર આધારિત નથી. અહીં મેડમ મોન્ટેસરી, ફોબેલથી ગીજુભાઈ બધેકા અને તારાબહેન મોડક એ બધાની ફિલોસોફીને ધ્યાનમાં રાખીને કાર્યક્રમોનું આયોજન થાય છે. કાર્યક્રમનું આયોજન બાળકોની ઉંમર, ડેવલપમેન્ટ સ્ટેજ, એટીટ્યુડ, એપ્ટીટ્યુડ અને એમને શેમાં રસ પડે છે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ડેવલપમેન્ટના સિદ્ધાંતો simple to complex, concrete to abstract અને familiar to unfamiliar ને પણ લક્ષ્યમાં રખાય છે. ચેતન બાલવાડીનો મુખ્ય હેતુ બાળક બાલવાડીમાંથી શાળામાં જાય ત્યારે એનો અમુક કક્ષા સુધીનો વિકાસ થયેલો હોવો જોઈએ એ છે.
બાળકનો શારીરિક વિકાસ, સામાજિક વિકાસ, લાગણીઓની પરિપક્વતા, ભાષા વિકાસ અને બૌદ્ધિક વિકાસ, આ દરેક તબક્કાને ધ્યાનમાં રાખી પ્રવૃત્તિનું આયોજન થાય છે. આ ઉંમરમાં બાળકની પાંચ જ્ઞાનેન્દ્રિયોનો વિકાસ થાય અને નાના મોટા સ્નાયુઓનો વિકાસ થાય એ ધ્યાનમાં રાખી પ્રવૃતિઓ યોજાય છે.
ખાસ કરીને ખુલ્લા મેદાનમાં રમાતી રમતો હીંચકા, લપસણી, ચગડોળ, જંગલ-જીમ, બાગકામ, પકડમ-પકડી, ધમાલધોકો, કૂદકા મારવાની, બોલ રમવાની જેવી મોટા સ્નાયુઓના વિકાસ માટે વધારે તક મળે એવી રમતોથી ખુલ્લી હવા પણ મળે છે. નાના સ્નાયુઓના વિકાસ માટે કાતરકામ, ચિત્રકામ, માટીકામ વગેરે પ્રવૃત્તિઓ આપી શકાય.
આ ઉપરાંત, એકબીજાની કાળજી લેવી, પોતાનો વારો આવે તેની રાહ જોવી, બીજાને વારો આપવો, પરસ્પર વાતો કરવી જેવી બાબતો પર ધ્યાન અપાય છે.
સામાજિક વિકાસ
આ વિકાસ માટે કોઈ અલાયદી પ્રવૃત્તિની જરૂર નથી. એક બાળક બીજા બાળક કે બાળકો સાથે કોઇપણ પ્રવૃત્તિ કરે એટલે સામાજિક વિકાસના અનુભવો મળતાં રહે છે. બીજાની જરૂરિયાતો સમજવી, પોતાના હક માટે લડવું, હારવું, જીતવું, માન-અપમાન વગેરેનો બાળકને ધીમે ધીમે ખ્યાલ આવે છે.
લાગણી વિષયક ખ્યાલ;
પસંદગી, નાપસંદગી, ભય, આનંદ, ગુસ્સો વગેરે જેવી લાગણીઓ બાળક કલાની પ્રવૃત્તિ દ્વારા વ્યક્ત કરે છે. આપણે આવી લાગણીઓ બોલીને વ્યક્ત કરી શકીએ, પરંતુ બાળક પાસે પૂરતું શબ્દભંડોળ હોતું નથી એટલે એ ચિત્રકામ, માટીકામ, રંગકામ, કાતરકામ, પાણીમાં રમત વગેરે દ્વારા સારી કે ખરાબ લાગણી વ્યક્ત કરી શકે છે.
ભાષા વિકાસ
બાળક જેટલું બીજા સાથે હળેમળે એટલો બાળકનો ભાષા વિકાસ થતો હોય છે. વાર્તા, ગીતો, નાટક, પપેટ શો, પર્યટન, તહેવારોની ઉજવણી વગેરે ભાષાવિકાસમાં મદદ કરે છે.
બુધ્ધિનો વિકાસ
બધી જ પ્રવૃત્તિઓ બાળકના બુદ્ધિ વિકાસમાં મદદ કરે છે. ખાસ કરીને જુદા જૂદા કોન્સેપ્ટસ. આકાર, રંગ, કદ, અંતર વગેરે.
રમત દ્વારા શિક્ષણ, ગમ્મત સાથે જ્ઞાન
અમારી શિક્ષણ પદ્ધતિ પહેલેથી જ રમત દ્વારા શિક્ષણ પર આધારિત છે. રમતનો અર્થ ફક્ત જુદી જુદી રમતો જ એવો નથી. બાળકને પ્રવૃત્તિની પસંદગીનો પૂરેપૂરો અવકાશ આપવામાં આવે છે. એની મરજી પ્રમાણે પ્રવૃત્તિ પસંદ કરે છે અને કઈ રીતે કરવાનું એ પણ પોતે જ નક્કી કરે છે. શિક્ષકની રોકટોક કે દખલ હોતી નથી. કોઈ મોડેલ કઈ રીતે બનાવવું એનું સૂચન શિક્ષક આપતાં નથી. દરેક પ્રવૃત્તિ શરૂ થતાં પહેલાં શિક્ષક આટલું થાય અને આટલું ન થાય એ સમજાવે છે. ઉદાહરણ તરીકે, રંગ મોઢામાં ન નખાય, કાતર કોઈને વાગી ન જાય વગેરે…
આ બધી જ પ્રવૃત્તિઓમાં બાળકને નિર્ણય લેવાની, પોતાની કલ્પનાશક્તિ વિકસાવવાની અને મુશ્કેલીનો ઉપાય શોધવાની તક મળે છે. શીખવાનું છે એવા ભાર વિના જૂદી જૂદી પ્રવૃત્તિઓથી અને પ્રયોગોથી બાળક વર્ષના અંતે બધું જ શીખે છેઃ સ્વતંત્ર નિર્ણય શક્તિ, સમસ્યા હલ કરવાની આવડત, સ્વતંત્ર રીતે વિચારવાની, બીજાને સમજીને હળીમળીને કામ કરવાની આવડત, આત્મવિશ્વાસ, સ્વાવલંબીપણું, નીડરતા, લીડરશીપ વગેરે.
જેમ કે, ઘોડો, પોપટ, કેળુ કે રંગોના નામ શિક્ષક દસ વાર બોલાવે તો પણ એના મગજમાં સ્પષ્ટતા આવતી નથી અથવા થોડા સમયમાં ભૂલી જાય છે. તેને બદલે તે જ વસ્તુ બાળકને પ્રત્યક્ષ બતાવી તેને વિષે વાત કરીએ, અવલોકન કરવા દઈએ, બાળકને તેના ઉપર પ્રશ્નો પૂછવા દઈએ, તેના ચિત્રો બતાવીએ. એ શબ્દો જોડે ચિત્રો વર્ગમાં બુલેટીન બોર્ડ પર ગોઠવીએ અને વાર્તા-ગીતોમાં વણી લઈએ તો એ બાળકની સ્મૃતિમાં કાયમ રહી જાય છે.
આ પદ્ધતિમાં –
- સીધો ઉપદેશ કે શિક્ષણ નથી.
- ટ્યુશન રાખવાની જરૂર નથી.
- હોમવર્ક નથી.
- ભારેખમ દફ્તર નથી.
- શિક્ષા કે મારપીટ નથી.
- સ્પર્ધા નથી.
- લાંચ નથી. (તું આમ કરશે તો તને ચોકલેટ આપીશ કે નવું રમકડું અપાવીશ)
વર્ગની ગોઠવણી અને વાતાવરણ
વર્ગમાં દરેક વસ્તુની ગોઠવણી બાળક જોઈ શકે, પહોંચી શકે, અવલોકન કરી શકે, પોતે પસંદ કરી શકે, રમીને પાછું જગ્યાએ મૂકી શકે એ રીતે એટલી જ ઊંચાઈએ ગોઠવવામાં આવે છે. બાળકની ઊંચાઈએ બુલેટીન બોર્ડ, જે મુદ્દાની ચર્ચા ચાલતી હોય તેના મોટા રંગીન ચિત્રો બુલેટીન બોર્ડ પર લગાડવામાં આવે છે.
વર્ગમાં જૂદા જૂદા ખૂણાઓ નક્કી કર્યા હોય છે. દરેક ખૂણા પર મોટા અક્ષરે નામ લખ્યું હોય છે. દા.ત. બ્લોક કોર્નર હોય તો બ્લોકનું ચિત્ર અને નામ. બાળક ધીમે ધીમે નામ પણ વાંચતા શીખી શકે. બાળકને જે ખૂણામાં રમવું હોય તેની પસંદગી પોતે જ કરે છે.
પુસ્તકોનો ખૂણો
એમાં બાળકોની ઉંમર અને સમજણને ધ્યાનમાં રાખીને પુસ્તકો ગોઠવેલા હોય છે. કોઈ બાળકને આરામથી પુસ્તક જોવું હોય તો જોઇ શકે. ઢીંગલી ઘરમાં છોકરા અને છોકરીઓ બંને રમી શકે તેવી વસ્તુઓની ગોઠવણી કરવામાં આવે. ઢીંગલી, રસોઈ ઘરનો સામાન; ઓફીસ-પેપર્સ પેન; ડોક્ટરનો સેટ, જુદી જુદી વસ્તુઓની દુકાન વગેરે. દર આઠ-પંદર દિવસે બધાં કોર્નરની વસ્તુઓ બદલવામાં આવે છે.
બધી પ્રવૃત્તિઓ બને ત્યાં સુધી નાના નાના ગ્રુપ બનાવી કરાવાય છે. જેથી બાળકો હળીમળીને એકબીજા સાથે કામ કરતાં શીખે અને બીજા બાળકોને માન આપવાની ટેવ પડે. વાર્તા-ગીતો મોટા સમૂહમાં કરવામાં આવે છે. એમાં પણ વિવિધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.
બાળકોને ગામડાંનો અનુભવ મળે તે માટે ગામડાના બાળકોને બાલવાડીમાં અને બાલવાડીના બાળકોને ગામડામાં લઈ જઈ સમૂહભોજનનો કાર્યક્રમ પણ અમે રાખ્યો હતો.
શિક્ષકો અને વાલી સંપર્ક
બાળકના સર્વાંગી વિકાસ માટે વાલીઓ સાથેનો સતત સંપર્ક જરૂરી છે. આ સંપર્કને કારણે વાલીઓને પણ ચેતન બાલવાડીની કાર્યપદ્ધતિનો ખ્યાલ આવે અને એ જ પદ્ધતિ ઘરે પણ વાપરી શકે.
અમારા વાલીઓ સાથેના અનુભવોઃ
બાળકના પ્રવેશથી જ શિક્ષકો અને માતા-પિતાનો સંબંધ શરૂ થાય છે. બાળકનો બાલવાડીમાં પ્રવેશ એ બાળક માટે અભ્યાસ ક્ષેત્રે પહેલું સોપાન છે. એ જેટલું સરળ અને આહ્લલાદક બને તેની બાળક ઉપર ઘણી અસર રહે છે.
શરૂઆતમાં મોટા ભાગના બાળકો રડતા હોય છે એટલે એકદમ માતા-પિતાથી વિખૂટા પાડવાને બદલે તબક્કા પ્રમાણે છૂટા પાડીએ છીએ. શરૂઆતમાં ઓછા કલાકનો સમય રાખવામાં આવે છે. અડધા અડધા ગ્રુપને એકાંતરા બોલાવવામાં આવે. જેમ જેમ બાળકો Adjust થતાં જાય તેમ માતા-પિતાને ઘરે જવાની છૂટ અપાય છે.
લાંબો સમય રડતાં બાળકો માટે બાલવાડીમાં એક જગ્યા નક્કી કરેલી. જે બાળકોને રડવું હોય તેણે ત્યાં જઈને રડવાનું. બાળકો આનાથી એટલા ટેવાઈ ગયેલા કે પોતે જ કહેતાં કે, ‘બેન મારે રડવું છે. હું રડવાની જગ્યાએ જાઉં?’ પછી પોતે જ કહે કે, ‘બેન હું રડી રહ્યો હવે આવું?!’
દાદા-દાદી, નાના-નાની સાથે મીટીંગ
હવે ઘણી બાલવાડીઓએ શરૂ કર્યું છે, પરંતુ સૌથી પહેલો પ્રયોગ અમે કર્યો હતો. માતા-પિતા તો બાલવાડીમાં ઘણીવાર આવે, પરંતુ દાદા-દાદી કે નાના-નાનીને પૌત્ર-પૌત્રીની બાલવાડીમાં આવવાનું બને એ નવી વાત હતી.
તહેવારોની ઉજવણીઃ
ચેતન બાલવાડીમાં દરેક ધર્મના તહેવારની ઉજવણી કરવામાં આવતી. એ ઉજવણીનું આયોજન શિક્ષક-વાલીઓ મળીને કરતા. બાળકને આપણી સંસ્કૃતિ, તહેવારો, સંગીત, ભોજન એમ વિવિધ પાસાંઓનો ખ્યાલ આવતો.
વાલીઓની સ્કીલના ઉપયોગનો પણ અમે પ્રયોગ કર્યો હતો. વાલીઓનો વ્યવસાય, સ્કીલ, સ્વેચ્છાથી કામ કરવાની તૈયારી અને સમયની અનુકૂળતાને ધ્યાનમાં લઇ અમુક વાલીઓએ બાળકો સાથે કામ કર્યું. જેનાથી બાળકોને જુદી જુદી જાણકારી મળી. કેટલીક માતાઓએ બાળકો સાથે વર્ગમાં કામ કરવાની ઈચ્છા બતાવી હતી. તેમને થોડા દિવસ તાલીમ આપવામાં આવી હતી.
આનો મોટામાં મોટો ફાયદો એ જ કે, બાલવાડીમાં જે પદ્ધતિથી કામ થાય છે તે પદ્ધતિ-રમત દ્વારા જ્ઞાનનો એમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો. ભાર વિનાનું ભણતર કોને કહેવાય એની સમજણ આવી. મારો અનુભવ છે કે વાલીઓને યોગ્ય સમજણ અપાય અને તેમનો સહકાર મળે તો ભાર વિનાનું ભણતર જરાય મુશ્કેલ નથી.
જન્મદિવસની ઉજવણીઃ
બાળકના જન્મદિવસે બાળકના માતા-પિતાને આમંત્રિત કરતા અને તેઓ પણ બાળકો સાથે જમતા. બપોરનું ભોજન બાળકો અને શિક્ષકો સાથે લેતાં. ઉજવણીના ભાગરૂપે બાળક એક છોડ લઈને આવતું અને તેની રોપણી કરતું. તેની ઉપર છોડ અને બાળકનું નામ લટકાવવામાં આવતું. રોપાની કાળજી, પાણી પાવાની જવાબદારી એ બાળકને જ કરવાની રહેતી. આનાથી બાળકને જવાબદારી અને કાળજી લેવાની ટેવ પડે છે.
બીજાં થોડાંક સફળ પ્રયોગોઃ
- બાળકનું હાજરી પત્રકઃ હાજરી લેવા માટે નામ બોલીને હાજરી લેવાની ચાલુચીલા પદ્ધતિને બદલે વર્ગના પ્રવેશ પાસે બુલેટીન બોર્ડ ઉપર ચાર્ટ મૂકવામાં આવતો. એમાં દરેક બાળકનું નામ અને તેની સામે તેનો પાસપોર્ટ સાઈઝ ફોટો ચોંટાડવામાં આવતો. બાળક પોતાનો ફોટો શોધી જાતે જ નિશાની કરે. બાળકો પોતાનું નામ વાંચતા પણ શીખી ગયા.
- બતાવો અને કહોઃ બધાં બાળકો ગ્રુપમાં સાથે હોય ત્યારે કોઈપણ બાળકને કોઈ વસ્તુ બતાવવી હોય; તેના વિષે જે વાત કરવી હોય તે કરે. આ તક આપવાથી બાળકને બધાંને કંઈક બતાવવું, કહેવું હોય તે કહી શકે. ઘરે કંઈક બન્યું હોય, કમાટીબાગ ગયા હોય કે જે વાત કરવી હોય તે ગ્રુપ આગળ કહી શકે. પોતાના અનુભવ, વિચારો સ્વતંત્ર રીતે રજૂ કરી શકે. મૌલિકતા આવી શકે.
બાળકની પ્રગતિનું સ્તર જાણવા માટે અમે બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને ખાસ ફોર્મ્સ તૈયાર કર્યા હતા. બાળક દરેક પ્રકારના વિકાસમાં ક્યાં છે એની નોંધ રાખવામાં આવતી. આ પ્રગતિ કાર્ડની માતા-પિતા સાથે દર છ મહિને ચર્ચા કરવામાં આવતી
પાસ, નાપાસ, માર્કસ્ કે ગ્રેડનો સવાલ જ નથી. કોઈ ઔપચારિક પરીક્ષા હોતી નથી એટલે બાળકને ભાર લાગતો નથી.
વાલીઓ માટે કેટલાંક સૂચનોઃ
- બાળક સાથે દિવસમાં એકાદ કલાક વિતાવવાનો જરૂર રાખો. બાળકની જે ઈચ્છા હોય, એને જે કહેવું હોય, કરવું હોય તેના ઉપર વિશેષ ધ્યાન આપો.
- ઘરમાં એક ખૂણો બાળક માટે જ નક્કી કરો. જેમાં બાળકને રમવા માટે, પ્રવૃત્તિ કરવા માટે બધાં સાધનો ગોઠવેલાં હોય. બાળક વસ્તુઓને પહોંચી શકે એવી ગોઠવણી કરો. જેથી બાળક પોતાની મેળે પસંદ કરી રમે અને પછી જગ્યાએ મૂકી દે.બાળકને પોતાની અલાયદી જગ્યા, રૂમ હોય તો એનું અહમ્ પોષાય છે. આ અલાયદી જગ્યાને લીધે બાળકને સ્વતંત્રતા; સ્વાવલંબીપણું, પસંદગી, ગોઠવણી કરવાની આવડત આવે છે.
- બાળકને કોઈપણ પ્રવૃત્તિ કરવા આગ્રહ ન કરો. બાળકને પસંદ કરવાની તક આપો.
- બાળકની બીજાં બાળકો સાથે સરખામણી ન કરો. સરખામણી કરવાથી બાળકનો આત્મવિશ્વાસ ઓછો થાય છે.
- બાળકને સ્વાવલંબી બનવા દો. એનાથી થઈ શકે એટલું એને જાતે કરવા દો. ઘણા માતા-પિતા બાળકને કપડાં પહેરવામાં, બુટ પહેરવામાં, ચઢવા-ઉતરવામાં ન જોઈતી મદદ કરે છે. જરૂર હોય ત્યારે જ આંગળી પકડો. બાળકોને પરાવલંબી, બીકણ ન બનાવો. આવા બાળકો કોઈપણ નવી પ્રવૃત્તિ કરવાની હિંમત કરતા નથી.
કહેવાનો ભાવાર્થ એ છે કે બાળકને બાળકનું બાળપણ સંપૂર્ણ રીતે માણવા દો. એમની પાસેથી એમનું બાળપણ છીનવી ના લેશો.
(ડો. યોગિની પાઠક)
(વડોદરાસ્થિત ડૉ. યોગિની પાઠક હોમ સાયન્સ ફેકલ્ટીના રીટાયર્ડ એસોસિએટ પ્રોફેસર અને ચેતન બાલવાડીના સુપ્રીન્ટેન્ડન્ટ રહી ચૂક્યા છે. નિવૃત્તિ પછી ઘણી બાલવાડીમાં કન્સલ્ટન્ટ તરીકે કામ પણ કર્યું છે.)