તાજેતરના સમયમાં બનેલી અનેક દુર્ઘટનાઓના સંદર્ભમાં ભારતીય રેલવેએ પ્રવાસીઓની સલામતીને ટોચની પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે અને એ માટે દેશમાં અનેક મહત્ત્વના પૂલનું થર્ડ-પાર્ટી ઓડિટિંગ કરાવવાનો નિર્ણય લીધો છે. સમગ્ર રેલવે નેટવર્ક પર આ મહત્ત્વના પૂલોનું નિષ્પક્ષ રીતે ટેકનિકલ ચકાસણી કરવામાં આવશે.
થર્ડ-પાર્ટી ઓડિટ માટે 4,835 રેલવે પૂલોને ઓળખી કાઢવામાં આવ્યા છે, જ્યાં આંતરરાષ્ટ્રીય કન્સલ્ટન્ટ્સની મદદથી ઓડિટિંગ કરવામાં આવશે.
થર્ડ-પાર્ટી ઓડિટ હાથ ધરવા માટે આંતરરાષ્ટ્રીય કન્સલ્ટન્ટ્સની પસંદગી ખુલ્લી ટેન્ડર પ્રક્રિયા મારફત કરવામાં આવશે.
દેશના વિશાળ રેલવે નેટવર્ક પર કુલ 1,47,525 છે. એમાંના 700ને મહત્ત્વના, 12,085 પૂલને મોટા અને 1,34,738 પૂલને નાના પૂલ તરીકે ગણવામાં આવ્યા છે.
આમાંના 37,689 પૂલ 100થી પણ વધારે વર્ષોના જૂના છે.
છેલ્લા પાંચ વર્ષમાં, 3,758 રેલવે બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું અથવા ફરીથી બાંધવામાં આવ્યા હતા. 900 પૂલને આ જ વર્ષમાં વધારે મજબૂત કરવાનું નક્કી કરાયું છે.
દેશભરના અસંખ્ય પૂલની ચકાસણી માટે હાલની પદ્ધતિ પર્યાપ્ત છે, પરંતુ તાજેતરમાં બનેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને એવું નક્કી કરાયું છે કે આ પૂલોનું નિષ્પક્ષ રીતે, થર્ડ-પાર્ટી ઓડિટ કરાવવું.
રેલવે વહીવટીતંત્રે પૂલોનાં વન-ટાઈમ થર્ડ-પાર્ટી ટેકનિકલ ઓડિટિંગના વિશે તમામ ઝોનને જાણ કરી દીધી છે અને જરૂરી સૂચનાઓ આપી દીધી છે.