અત્યારના કોરોનાની જેમ જ માનવના ઈતિહાસમાં કોલેરા, પ્લેગ, શીતળા, ચેપી તાવ જેવી મહામારીઓએ ભૂતકાળમાં અનેકવાર વૈશ્વિક ભયનું વાતાવરણ સર્જ્યું છે ને અનેકવાર ભારે વિનાશ પણ વેર્યો છે. શીતળાને લીધે આખા માનવઈતિહાસમાં ઓછામાં ઓછા 3થી 5 કરોડ લોકો મૃત્યુ પામ્યો હોવાનો અંદાજ છે. તો, એઈડ્સ, ચિકનગુનિયા, બર્ડ ફ્લુ ને ઈબોલા જેવી અમુક મહામારીઓએ છેલ્લાં વરસોમાં હાહાકાર મચાવ્યો હતો. જોકે પાછલા દાયકાઓના તબીબી વિકાસ તથા જાગ્રતિને લીધે હવે મહામારીમાં થતાં મૃત્યુઆંકનો દર ઘણો ઓછો કરી શકાયો છે.
કેટલીક અત્યંત ભયાનક નીવડેલી મહામારીઓ પર નજર કરીએ.
એચ.આઈ.વી. એઈડ્સ-
2005થી 2012 સુધી ટોચ પર રહેલો આ મહારોગ હજી મનુષ્યને ફફડાવી રહ્યો છે. 1976માં કોન્ગોમાં પહેલીવાર એચ.આઈ.વી.ના વાયરસ ઓળખાયા હતા. 1981થી અત્યાર સુધી નોંધાયેલા આંકડાઓમાં 3 કરોડ 60 લાખથી વધુ લોકો એઈડ્સથી મૃત્યુ પામી ચૂક્યા છે. આજે પણ વિશ્વમાં 3 કરોડ 50 લાખ જેટલા લોકો એઈડ્સગ્રસ્ત છે, જેમાંથી પચાસ ટકા આફ્રિકામાં છે. જોકે સમય સાથે એચ.આઈ.વી. સામે સુરક્ષાનાં પગલાં ને જાગ્રતિ વધ્યાં છે, પરિણામે એઈડ્સથી થનારાં મૃત્યુ ઘટ્યાં છે.
તબીબીવિજ્ઞાનીઓના મતે એચ.આઈ.વી. ચિમ્પાન્ઝીઓમાંથી માનવમાં પ્રવેશ્યો છે. એચ.આઈ.વી.ગ્રસ્ત વ્યક્તિની રોગપ્રતિકારત્મક શક્તિ ભાંગી પડે છે એટલે એ દરેક નાનીમોટી બીમારી, વાયરસ કે ચેપનો સરળતાથી શિકાર થઈ જાય છે. એઈડ્સગ્રસ્ત વ્યક્તિની સારસંભાળ માટે ઘણા ઉપચાર શોધાયા છે ને રોગના વિકાસની ગતિ ધીમી કરી શકાઈ છે, પણ હજી આ રોગનો કોઈ ઈલાજ શોધી શકાયો નથી.
ધ હોંગકોંગ ફ્લુ
1968માં હોંગકોંગમાં નોંધાયેલો ફ્લુ એના હાહાકારને લીધે ‘ધ હોંગકોંગ ફ્લુ’ તરીકે ઓળખાયો હતો. માત્ર 17 જ દિવસમાં આ ચેપી તાવનો વાયરસ હોંગકોંગથી સિંગાપોર-વિયેતનામ અને બીજા ત્રણ જ મહિનામાં ફિલિપાઈન્સ, ભારત, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને અમેરિકામાં ફેલાઈ ગયો હતો. એ સમયે હોંકકોંગની કુલ વસતીના પાંચ ટકા લોકો(પાંચ લાખ) મળીને આ તાવને લીધે કુલ દસ લાખ જેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.
પહેલો કોરોનાવાયરસ
અત્યારના કોરોના જેવો જ વાયરસ બે દાયકા અગાઉ ચીનમાં નોંધાયો હતો. 2002માં સાર્સ(એસ.એ.આર.એસ.-સિવિયર અક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ) પહેલીવાર ચીનમાં જોવા મળ્યો હતો, જેના કારણમાં હતો સાર્સ કોરોનાવાયરસ. અઠવાડિયામાં તો આ વાયરસ 37 દેશોમાં ફેલાઈ ગયો હતો. વિશ્વભરમાં આ વાયરસથી 8000થી વધુ લોકો ચેપગ્રસ્ત થયા હતા, જેમાંથી 800 જેટલા મૃત્યુ પામ્યા હતા. તબીબીવિજ્ઞાનીઓના મતે આ વાયરસના મૂળ ચામાચિડિયામાંથી આવ્યા હતા.
1918નો ભયંકર ફ્લુ
એ સમયે વિશ્વની ત્રીજા ભાગની લોકવસ્તીને ઝપટમાં લઈ લેનાર આ ચેપી તાવના વાયરસે 25 જ અઠવાડિયામાં અઢી કરોડ લોકોને મોતને ઘાટ ઊતારી દીધા હતા. ત્યારે કુલ પચાસ કરોડ લોકો આ તાવનો ભોગ બન્યા હતા ને એમાંથી પાંચ કરોડ મૃત્યુ પામ્યા હતા. આ ફ્લુ સૌથી જુદો એ માટે પડ્યો હતો કે એ બાળકો કે વૃદ્ધોને બદલે સ્વસ્થ યુવાનોને વધારે ઝડપથી ઝપેટમાં લેતો હતો.
1889-90નો ફ્લુ
એશિયાટિક કે રશિયન ફ્લુ તરીકે ઓળખાયેલા આ ફ્લુએ ત્યારે દસ લાખથી વધારે લોકોનો જીવ લીધો હતો.
1852-1860નો ત્રીજો કોલેરા
માનવઈતિહાસમાં કોલેરાની સાત મોટી મહામારી સર્જાઈ છે, એમાંથી સૌથી ઘાતક પૂરવાર થનારી 1852ની મહામારીમાં દસ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ભારતથી શરૂ થયેલી આ મહામારીએ ત્યારે ખરા અર્થમાં વિશ્વભરને ચિંતામાં મૂકી દેતાં એશિયા, યુરોપ, અમેરિકા ને આફ્રિકા બધે ફેલાઈ ગઈ હતી. આ મહામારી શરૂ થવાનું કારણ પ્રદૂષિત ને ચેપી પાણી હતું.
1910-11નો કોલેરા છઠ્ઠો
ભારતમાંથી શરૂ થયેલી આ મહામારી ત્યારે મિડલ ઈસ્ટ, નોર્થ આફ્રિકા, યુરોપ ને રશિયા સુધી ફેલાઈ હતી. થોડાક જ મહિનાઓમાં આઠ લાખથી વધુ લોકો આ બીમારીનો ભોગ બની મૃત્યુ પામ્યા હતા. આ મહામારીની ઝપેટથી જ અમેરિકામાં પણ કોલેરાનો રોગ ફેલાયો હતો ને હજારો લોકો ભોગ બનવા છતાં પણ ત્યાં ઝડપી તબીબી વિકાસને લીધે માત્ર આઠ મૃત્યુ થયા હતા.
14મી સદીનો પ્લેગ
આખી દુનિયાને ધ્રુજાવી દેનારી પ્લેગની મહામારી ઈતિહાસમાં કાળા મૃત્યુ(ધ બ્લેક ડેથ) તરીકે નોંધાયેલી છે. 1346થી 1353ના સાત જ વર્ષમાં આ પ્લેગથી યુરોપ, આફ્રિકા ને એશિયામાં હાહાકાર મચી ગયો હતો. એશિયાના શિપમેન્ટ્સમાં ઉંદરો ને માખીઓમાંથી જન્મેલા મનાતા આ રોગે ત્યારે સાડા સાત કરોડથી વીસ કરોડ જેટલા લોકોનો ભોગ લીધો હોવાનું મનાય છે.
બીજી ને છઠ્ઠી સદીના પ્લેગ
ઈ. સ. 165માં એશિયા માઈનર, ઈજિપ્ત, યુનાન ને ઈટાલીમાં ફેલાયેલા એન્ટનાઈન પ્લેગની મહામારી શેને કારણે ફેલાયેલી એ આજે પણ જાણી શકાયું નથી, પણ એને લીધે ઓછામાં ઓછા પચાસ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.
ઈ. સ. 541-542માં યુરોપમાં વ્યાપેલી ને જસ્ટિનિયન પ્લેગ તરીકે ઓળખાયેલી મહામારીએ ત્યારે એક જ વર્ષમાં યુરોપની પચાસ ટકા લોકવસ્તી સાફ કરી દીધી હતી. આ મહામારીએ કુલ અઢી કરોડથી વધારે લોકોને મૃત્યુને ઘાટ ઊતારી દીધા હતા.
માણસ સામેના બે મોટા પડકાર
ચેપી તાવ(ઈન્ફ્લુએન્ઝા)
2009-10માં લાખો લોકોને ઝપટમાં લેનાર બર્ડ ફ્લુ કે સ્વાઈન ફ્લુ જેવો ચેપી તાવ નવી વાત નથી. આ જ કેટેગરીમાં આવતા 1956-58ના એશિયન ફ્લુને લીધે ત્યારે ચીન, હોંગકોંગ, સિંગાપોર ને અમેરિકામાં વીસ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. સદભાગ્યે 2009માં ચેપગ્રસ્ત લોકોમાંથી મૃત્યુનો દર એક ટકાથી પણ ઓછો રહ્યો હતો. હજી દર વર્ષે ઈન્ફ્લુએન્ઝાના વાયરસ જુદા જુદા સ્વરૂપે માનવજાત પર ત્રાટકે છે ને વર્ષે આશરે અઢીથી પાંચ લાખ લોકોનો ઈન્ફ્લુએન્ઝા ભોગ લે છે.
મલેરિયા
મચ્છરો દ્વારા લોહીમાં પ્રવેશતા આ રોગથી 2010માં બે કરોડ વીસ લાખ લોકો દર્દી બન્યા હતા ને 6 લાખ 60 હજાર જેટલા મૃત્યુ પામ્યા હતા. આજે પણ હજારો માણસોનો જીવ લેતો મલેરિયાનો રોગ માનવ સામેના મોટા પડકારોમાંનો એક છે, કારણ કે હજી એની કોઈ આધારભૂત રસી શોધી શકાઈ નથી.
(સુનીલ મેવાડા)