આસામમાં આજકાલ ભારે મથામણ ચાલી રહી છે. નાગરિક રજિસ્ટરમાં મારું નામ છે કે નહીં તે મુદ્દે લોકોમાં ભારે ઉચાટ છે. 40 લાખ જેટલાં લોકોના નામ રહી જશે અને તેમને વિદેશી ઠરાવી દેશે તેવી વાતો ચાલી રહી છે. બીજી બાજુ સવા લાખ જેટલા લોકોના નામ અલગ તારવવામાં આવ્યાં હોવાનું મનાય છે. તેમના પુરાવા બરાબર નથી એમ જણાવીને તેમને નવેસરથી પુરાવા આપવા માટે બોલાવવામાં આવી રહ્યાં છે. તેના કારણે જાતભાતના કિસ્સાઓ સામે આવવા લાગ્યાં છે. દરેકના જીવનની જાણે નવેસરથી કથા લખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. દાખલા તરીકે થોડા મહિના પહેલાં ભારતીય સેનામાં લાંબો સમય કામ કરી ચૂકેલા એક સૈનિકનું નામ યાદીમાં ન હોવાના કારણે વિવાદ થયો હતો. બાદમાં જોકે તેમના નામનો સ્વીકાર થયાંની વાત છે.
કેટલાક બહુ વિચિત્ર કિસ્સાઓ બની રહ્યા છે. બાપનું નામ સ્વીકાર્ય બને, પણ દીકરાનું નામ સ્વીકાર્ય ના બને. દીકરો ભારતીય નાગરિક ગણાઈ જાય, પણ તેને જન્મ આપનારા માતાપિતા વિદેશી ગણાઈ જાય. એક બહેન ભારતીય તરીકે માન્ય રહે, બીજા ના રહે. પતિ અને પુત્ર નાગરિક તરીકે પુરાવા આપે તે માન્ય થઈ જાય, પણ પત્નીના પુરાવા માન્ય ના રહે ત્યારે અડધું કુટુંબ ભારતીય, અડધું કુટુંબ વિદેશી એવી વિચિત્ર સ્થિતિ ઊભી થઈ રહી છે.
દાખલા તરીકે પ્રદીપકુમાર બોરડોલોઈએ આ જ વિદેશીઓ સામે આંદોલન ચલાવ્યું હતું. બાંગલાદેશી ઘૂસણખોરોને કારણે આસામના મૂળ લોકો લઘુમતીમાં મૂકાવા લાગ્યાં હતાં. તેની સામે 1979થી 1985 સુધી ઉગ્ર આંદોલન જાગ્યું હતું. તે વખતે બોરડોલોઈએ પણ આંદોલનમાં ભાગ લીધો હતો અને વિદેશી ભગાવોના નારા લગાવ્યાં હતાં. તેમને પોલીસે પકડી લીધેલા અને એક અઠવાડિયું જેલ પણ થઈ હતી.
હવે વક્રતા જુઓ કે તેમનું નામ રજિસ્ટરમાં ચડ્યું નહીં અને તેમને જણાવી દેવાયું કે તમે વિદેશી છો!
2015થી રજિસ્ટરમાં નામ લખવાની પ્રક્રિયા શરૂ થઈ છે. 1971ના 24 માર્ચની મધરાત પહેલાં ભારતમાં જેઓ હતાં તેમને નાગરિક ગણવાના, પણ તે પછી આસામમાં આવેલાને વિદેશી ગણવા તેઓ કરાર આસામના આંદોલનકારીઓ સાથે થયો હતો. જોકે કરાર થયા પછી ઘણા વર્ષો વીતી ગયા અને છેક 2015થી નાગરિકપત્રક તૈયાર કરવાનું કામ નવેસરથી શરૂ થયું. આસામમાં આઝાદી પછી પણ નાગરિક રજિસ્ટર તૈયાર થયું હતું. 1951માં આસામમાં નાગરિકોના નામોની નોંધણી કરવામાં આવી હતી.
ઝીર્ણશીર્ણ થઈ ગયેલા એ રજિસ્ટરમાં પોતાના વડવાનું નામ આજે લોકો શોધી રહ્યા છે. પિતા કે દાદાનું નામ તેમાં મળી જાય તો તે પણ એક પુરાવો ગણાય. તે યાદીને જ આમ તો અપડેટ કરવામાં આવી રહી છે. ટેક્નોલોજીની મદદ લેવા ઓનલાઈન અરજી પણ કરવાની વ્યવસ્થા છે. બોરડોલોઈએ ઓનલાઇન અરજી જ કરી હતી. તેમણે એક સાયબર કાફેમાં જઈને ઓનલાઈન પોતાનું નામ નોંધાવ્યું હતું. તેમને એક્નોલેજમેન્ટ પણ મળી ગયું હતું.
ત્રણેક વર્ષ પછી તેમના માટે મુસીબત આવી. જુલાઈ 2018માં તેમણે એનઆરસીની વેબસાઈટ પર જઈને પોતાનો ત્રણ વર્ષ જૂની અરજીનો નંબર નાખ્યો. નામ નોંધાઈ ગયું છે કે કેમ તે ચેક કરવા માગતા હતા, પણ વેબસાઈટે એરર આપી કે તમારો અરજી નંબર વેલીડ નથી.
એપ્લીકેશન રિસિટ નંબર (એઆરએન) દરેક અરજકર્તાને આપવામાં આવ્યો હતો. બોરડોલોઈનો એઆરએન જ ખોટો નીકળ્યો. તેમને થયું કે ટાઇપિંગ એરર હશે કે વેબસાઇટમાં કંઈક ગરબડ હશે. તેમનો દીકરો દિલ્હીમાં રહે છે. તેમણે તેને નંબર આપ્યો જેથી ચેક કરી શકાય. જોકે કોઈ ફરક પડ્યો નહી. બોરડોલોઈએ એનઆરસી સેવા કેન્દ્રમાં જઈને તપાસ કરી. થોડા ખાંખાખોળા પછી કેન્દ્રના લોકોએ જણાવ્યું કે તમારી અરજી આવી ગઈ હતી ખરી, પણ તેને ડિજિટાઇઝ કરીને ઓનલાઇન મૂકવાનું રહી ગયું છે. સાચી વાત એ હતી કે રાબેતા મુજબ સરકારી કર્મચારીઓએ લાપરવાહી કરી હતી અને તેમની અરજી ફાઇલોમાં ધૂળમાં સડતી રહી હતી. તેમના ઘરે ખરાઈ કરવા માટે પણ કોઈ આવ્યું નહોતું. રાબેતા મુજબ બોરડોલોઇના હવે ધક્કા શરૂ થયા. ત્રણ વર્ષ જૂની એમ જ પડી રહી હતી, તેનું કરવું શું તે કોઈને સમજાતું નહોતું. સરકારી માણસો છટકવા માટેનો માર્ગ શોધી રહ્યાં હતાં. કેટલાક અધિકારીઓ ભૂલ છુપાવવા કોઈક રીતે તેમની અરજીને ઓનલાઈન ચડાવી દેવા માટેની છટકબારી શોધતાં રહ્યાં. વાત જે પણ હોય, બોરડોલોઈએ 62 વર્ષની ઉંમરે હવે પોતે ભારતીય છે તે સાબિત કરવા માટે ધક્કા ખાવાનું શરૂ કરવું પડ્યું. આખી જિંદગી આસામમાં કાઢી નાખી, વિદેશીઓને ભગાડવા માટે લડ્યાં, જેલમાં ગયાં, હિન્દુસ્તાન પેપર મીલમાં વર્ષો સુધી નોકરી કરી, બે વર્ષ પહેલાં નિવૃત્ત થયાં, પેન્શન મેળવતા રહ્યાં, પણ હવે સરકારી ચોપડો એવું સાબિત કરી રહ્યો હતો કે તેઓ ભારતીય નાગરિક નથી.
સેવા કેન્દ્રના ખંધા કર્મચારીઓએ આખરે રસ્તો કાઢ્યો કે નવી અરજી કરી નાખો. જૂનીને ભૂલી જાવ. અરજી કરવા માટેની મુદત હજી ચાલુ હતી એટલે નવી અરજી સાથે તેમને નવો અરજી નંબર પણ આપી દેવાયો.
બોરડોલોઇને થયું કે ઠીક છે નવી કે જૂની અરજી, નાગરિક રજિસ્ટરમાં નામ ચડે એટલે ઘણું. પણ તેમના ધક્કાનો અંત આવવાનો નહોતો. તેમની સાથે તેમની પત્નીની અરજી પણ નાખવામાં આવી હતી. થોડા મહિના વીતી ગયાં અને ગત માર્ચમાં તેમના પત્ની પિકુમોની બોરડોલોઇને તેડું આવ્યું. તેમને કહેવામાં આવ્યું કે તમે ખોટી રીતે વંશવારસો ઊભો કર્યો છે. પિકુમોનીએ પોતાના પિતાની વંશાવલી પ્રમાણે પોતાનો વંશવારસો દેખાડ્યો હતો, પણ અધિકારીઓએ કહી દીધું કે તમે એ કૂળના નથી. આ નવી મુશ્કેલીમાં વળી ધક્કા થયાં. જોકે પિકુમોનીની બહેનને પણ સુનાવણી માટે બોલાવાઈ હતી. તેમણે પણ એ જ રીતે તેમના પિતાનો વંશવારસો દેખાડ્યો હતો. તેમણે કહ્યું કે અમે બંને બહેનો છીએ અને એક જ વંશવારસામાંથી આવીએ છીએ.
તે પછીના મહિને એપ્રિલમાં પ્રદીપ બોરડોલોઇને તેમની અરજીની ચકાસણી માટે બોલાવાયાં. આ વખતે જોકે તેમના દસ્તાવેજોને માન્ય રાખવામાં આવ્યાં. હવે વાત પૂરી થઈ તેમ હતું ત્યાં ગત અઠવાડિયે ફરીથી તેમના પત્નીને બોલાવાયાં. જોકે આ વખતે સરકારી રાગે કાગળિયા કર્યા પછી સેવા કેન્દ્રના લોકોએ કહ્યું છે કે તમારું કામ પૂરું થયું છે. તમારા નામ હવે સ્ટેટ કોઓર્ડિનેશન કચેરીને મોકલી દેવાયા છે. બોરડોલોઇ દંપતિને જોકે ધરપત નથી. હજી ધક્કા નહીં ખાવા પડે તેની કોઈ ખાતરી લાગતી નથી. બીજું તેમના સંતાનો આસામની બહાર રહે છે એટલે તેમના નામ નોંધાયાં નથી. તેના માટે નવેસરથી ધક્કા ખાવાના થશે તેમ લાગે છે. આ ધક્કા ખાવાની વાત બહુ લોકોને અકળાવી રહી છે. પોતાના જ દેશમાં, પેઢીઓ કાઢી નાખી હોય તે પછી પણ ધક્કા ખાવાના. બોરડોલોઇ કહે છે કે તેમના પિતાએ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને જેલ પણ જોઈ હતી. પોતે આંદોલન કરીને જેલમાં ગયેલા અને આજે વૃદ્ધાવસ્થામાં ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
આસામમાં છેલ્લા ત્રણેક વર્ષથી લાખો લોકો આવી રીતે સરકારી ઓફિસના ચક્કર કાપતાં થઈ ગયાં છે. પ્રારંભિક અરજીઓ, પછી ચકાસણી બાદ એનઆરસીએ એક યાદી બહાર પાડી હતી. આ યાદી એવા લોકોની છે, જેમને નાગરિક ગણાયાં નથી. તેમના દસ્તાવેજોમાં સરકારી વાંધાવચકા કાઢવામાં આવ્યા છે. બોરડોલોઇની જેમ લાખો નાગરિકો અકળાવા લાગ્યાં છે. રામબહાદુર છેત્રી અને તેમની મોટી બહેનનું નામ ડી કેટગરીમાં એટલે કે ડાઉટફૂલ કેટેગરીમાં હતું. તેમને ફરીથી અરજીઓ કરવા કહેવાયું હતું. છેત્રી, તેમના મોટા બહેન અને ભાઈએ પણ ફરી અરજી કરવી પડી. સુનાવણી વખતે રામબહાદુરે ખાતરી આપી કે તેમના પિતા ગોપીરામ છેત્રી હતા અને મોટી બહેન પણ તેમની જ દીકરી હતી. 1951ના આસામના નાગરિક પત્રકમાં ગોપીરામ છેત્રીનું નામ પણ હતું. બીજા ત્રણ ભાઈઓએ પણ એક જ વાત કરી. તેમના પિતા ગોપીરામ અને તે સૌ તેમના સંતાનો. પણ અધિકારીઓએ કાર્યવાહી કરીને જાહેર કરી દીધું કે તમે બધાં ખોટા છો. તમારી બહેને જે ઉંમર લખાવી છે તે પ્રમાણે તમારા પિતાની બહુ નાની ઉંમર હોય ત્યારે તેમનો જન્મ થયો હોય.
એ જમાનામાં પાકી જન્મતારીખો કોઈ રાખતું નહોતું. જન્મતારીખ લખાવવામાં થયેલી સામાન્ય ભૂલના કારણે ભાઈબહેનોને કહી દેવાયું કે તમે લોકો લીગસી પર્સન નથી એટલે કે ગોપીરામ છેત્રીના વંશવારસો નથી. રામબહાદુરે દસમા ધોરણનું પ્રમાણપત્ર, મતદાર કાર્ડ બીજું ઘણું બતાવ્યું, પણ કશાને ધ્યાને ના લેવાયું. સરકારી તંત્રની બલિહારી જુઓ, તેમની દીકરીને પણ વંશવારસામાં ના ગણવામાં આવી. પરંતુ ખબર નહીં, બુદ્ધિના બળદિયા સરકારી અધિકારીઓ કેવા કે તેમના દીકરાને નાગરિક ગણી લીધો છે. રામબહાદુરના પુત્રે વંશવારસો આપ્યો, તેમાં દાદા ગોપીરામ અને પિતા રામબહાદુરની લીગસી માન્ય ગણી લેવાય છે. કેવું વિચિત્ર કે ગોપીરામના પૌત્ર માન્ય, પણ તેમની બંને વચ્ચેના પિતા રામબહાદુર માન્ય નહી! પૌત્રી પણ માન્ય નહીં.
છેત્રી પરિવાર નેપાળનો ગુરખા પરિવાર છે, પણ બે પેઢીથી આસામમાં જ રહે છે. રામબહાદુરે કહ્યું કે તેમના પિતા સ્વાતંત્ર્ય સેનાની હતાં અને તેઓ પોતે અહીં જ જન્મ્યા છે. આખી જિંદગી તેમણે આસામમાં કાઢી, બાળકોને અસમી ભાષામાં ભણાવ્યાં. પણ આજે પોતે અને દીકરી ભારતીય નાગરિક ના ગણાય, માત્ર તેમનો દીકરો ગણાય. અસમ ગોરખા વિદ્યાર્થી સંગઠનને લાગે છે કે ઘણા ગુરખા પરિવારોને પરેશાની થઈ રહી છે. આસામી કર્મચારીઓ ગુરખા કે બીજા પ્રદેશોના ભારતીયોને જાણે ભારતના નાગરિક ન ગણવાના હોય તેવી રીતે વર્તી રહ્યાં છે. આવી ચિત્રવિચિત્ર કહાનીઓ આસામમાં અત્યારે આકાર લઈ રહી છે. મોટા પાયે કામકાજ ચાલી રહ્યું છે. 1.20 લાખ લોકોને શંકાસ્પદ ગણીને તેમની સામે હાલ કામગીરી ચાલી રહી છે. વકીલો અને સામાજિક સંસ્થાઓ તેમને મદદ કરવા માટે કોશિશ કરી રહ્યાં છે. કેટલાક સ્વંયસેવકોએ આ પ્રકારના કિસ્સાઓ એકઠા કરવાનું અને તેને નોંધવાનું શરૂ કર્યું છે. આસામની આપવીતી તરીકે આ કિસ્સાઓ અત્યારે સોશ્યલ મીડિયામાં ચમકી રહ્યા છે. નાગરિક તરીકે અરજી કરવાની અને ખુલાસા કરવાની હજી મુદત બાકી છે, પણ મુદત નજીક આવતી જાય છે તેમ આસામમાં લોકોમાં ટેન્શન વધી રહ્યું છે. મુદત પૂરી થઈ જશે અને કદાચ લાખો નામો જ બાકી રહી જશે ત્યારે શું થશે? તેની પણ અનેક કથાઓ લખાશે તેમ લાગે છે…