કેરળ વરસાદી રાજ્ય છે. સૌથી પહેલો વરસાદ પણ અહીં જ આવે અને છેલ્લે વિદાય લેતી વખતે પણ વાદળો અહીં વરસતા જાય. કેરળમાં અંદર દૂર દૂર સુધી જળપ્રવાહો છે એટલે સતત પાણીથી પ્રદેશ ભરેલો રહે છે. તેમાં નૌકાવિહાર કરવો એટલે ઉત્તમ પર્યટન. આમ છતાં આ વર્ષે ભારે વરસાદના કારણે આખું અઠવાડિયું પૂર જેવી સ્થિતિ કેરળમાં રહી તેનાથી નવાઈ લાગવી જોઈએ. ગમે તેટલું પાણી પડે, પાણી જંગલો અને પહાડોમાં વહેતું વહેતું દરિયામાં ભળી જાય, પણ આ વખતે ઠેર ઠેર જમીનો ધસી પડી અને પાણી ભરાઈ ગયા.આવી હોનારત થશે એવી આગાહી એક અહેવાલમાં કરવામાં આવી હતી. તે અહેવાલમાં સ્પષ્ટ કહેવાયું હતું કે માનવીય મૂર્ખતાને કારણે કુદરતી રચનાઓને આપણે એટલી બગાડી રહ્યા છીએ કે થોડા વર્ષોમાં એવી સ્થિતિ આવશે કે થોડા વરસાદે પણ પૂરની સ્થિતિ ઊભી થશે. કેરળમાં એવું થયું છે. સામા છેડાની મુશ્કેલી એવી પણ થવાની છે કે ગુજરાતમાં થયું તેમ કેટલાક વિસ્તારોમાં માત્ર વાદળો જ દેખાશે, વરસાદ વરસશે જ નહિ. કાંતો લીલો દુકાળ, કાંતો સુકો દુકાળ.
બંને માટે કુદરત કરતાં મનુષ્યની મૂર્ખતા વધુ જવાબદાર છે. ગુજરાતના દક્ષિણ છેડાથી પર્વતમાળા શરૂ થાય છે તે છેક કેરળ સુધી લંબાયેલી છે. તેને પશ્ચિમ ઘાટ તરીકે ઓળખીએ છીએ. પશ્ચિમ ઘાટની પહાડીઓના કારણે જ નૈઋત્યમાંથી આવતા પવનો રોકાય છે અને કેરળથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ખૂબ સારો વરસાદ પડે છે. સારા વરસાદને કારણે સહ્યાદ્રીની આ પર્વતમાળાઓમાં કુદરત મન મૂકીને ખીલી હતી. ગાઢ જંગલો, સતત વહેતા નાના નાના અસંખ્ય ઝરણાં, ઊંચીનીચી થતી હરિયાળી પહાડીઓ, વચ્ચે વચ્ચે ફળદ્રુપ મેદાનો. આ બધા વચ્ચે સંતુલન હતું ત્યાં સુધી ઠીક હતું, પણ પહાડીઓને ઉઘાડી કરી નાખવામાં આવી અને જંગલોને આછા કરી નાખવામાં આવ્યા અને મેદાનોમાં ગામો, નગરો, શહેરો અને ઔદ્યોગિક વસાહતો બની ગઈ તે સાથે જ સંતુલન ખોરવાયું છે.
માનવીય પ્રવૃત્તિઓથી પશ્ચિમ ઘાટને નુકસાન થઈ રહ્યું છે તેની ચિંતા પણ સદી જૂની છે. પણ છેલ્લા દાયકાઓમાં સ્થિતિ વકરી છે. તેનો અભ્યાસ કરવા માટે માધવ ગાડગીળ જેવા જાણકારની આગેવાની હેઠળ સમિતિ બનાવાઇ હતી. વેસ્ટર્ન ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલે અહેવાલ તૈયાર કર્યો ત્યારે જે ચેતવણી આપી હતી તે કેરળમાં બિલકુલ સાચી પડી છે. માધવ ગાડગીળ અહેવાલે ચેતવણી આપી હતી કે નદીઓમાંથી રેતી કાઢવાને કારણે પાણી તળમાં સચવાતું રહે, તેના બદલે વધારે ઝડપથી વહેતું થશે, પહાડીઓ પરના વૃક્ષોના નિકંદનના કારણે ભૂસ્ખલન થશે, ગાઢ જંગલોના અભાવે વરસાદની પાણીનો સંચય થાય અને ધીમેધીમે વર્ષ દરમિયાન સરવાણી ફૂટતી રહે તેવું શક્ય બનશે નહિ. કેરળમાં એવું જ થયું છે. થોડા ભારે વરસાદને કારણે ઠેર ઠેર ટેકરીઓ ધસી પડી. રસ્તાઓ તૂટી ગયા, નદીઓમાં પાણી રોકાવાના બદલે ધસમસતું ચારે બાજુ ફેલાવા લાગ્યું. વરસાદનું પાણી જંગલોમાં સચવાઈ અને ધીમે ધીમે ડેમોમાં આવે તેના બદલે રાતોરાત ડેમો છલકાયા અને ચારે બાજુ પાણી પાણી થઈ ગયું.
પશ્ચિમ ઘાટ બહુ વિશાળ છે – લગભગ 1,40,000 ચોરસ કિલોમિટરમાં ફેલાયેલો છે. ગાડગીળ સમિતિની ભલામણ હતી કે તેને ત્રણ ઝોનમાં વહેંચવો જોઈએ. કેટલાક જોખમી સ્થળે ખાણો ખોદવાનું બિલકુલ બંધ કરી દેવામાં આવે તેવી ચેતણવી સમિતિએ આપી હતી. તેવું થયું નથી. ઉલટાનું પથ્થરો અને રેતી કાઢવા માટે બેફામ ખાણકામ થતું રહ્યું છે. જંગલોની જમીન હવે ઓછી ના થાય તે માટે પણ ભલામણ કરાઈ હતી. છતાં જંગલોની જમીનને જુદા જુદા બહાને ડિનોટિફાઇ કરીને ખાનગી હાથોમાં આપી દેવાય છે. નદી કિનારે અને જળપ્રવાહ પસાર થવાના માર્ગે બહુમાળી ઇમારતો પણ ના બનાવવાની ભલામણ હતી, તેનો પણ અમલ થયો નથી. 2011માં જ અહેવાલ અપાયો હતો અને સ્પષ્ટ ચેતવણી અપાઇ હતી કે થોડો વધારે વરસાદ થશે તો પાણીના નિકાલની સમસ્યા થશે અને પૂરની સ્થિતિમાં ભારે નુકસાન થઈ શકે છે.
એવું જ થયું છે અને કેરળમાં એક અઠવાડિયામાં તબાહી મચી ગઈ છે. અચાનક સૌને માધવ ગાડગીળનો અહેવાલ યાદ આવ્યો. તેની ચેતવણી રિપિટ થઈ રહી છે. માધવ ગાડગીળે અનેક પત્રકારોને ઇન્ટરવ્યૂ આપ્યા, તેમાં તેમણે ફરી ચેતવણી આપી છે કે ગોવાની હાલત પણ ગમે ત્યારે આવી થઈ શકે છે. ગોવામાં પણ બેફામ ખાણકામ થઈ રહ્યું છે. જંગલોનો નાશ થઈ રહ્યો છે, દરિયાકિનારે બાંધકામો વધી રહ્યા છે. ગીચ શહેરીકરણ થઈ રહ્યું છે.
કેરળની સરકાર અત્યારે માથું કૂટે છે, પણ હકીકત એ છે કે 2011ની કેરળ સરકારને ગાડગીળ સમિતિનો અહેવાલ અમલ કરવા લાયક લાગ્યો નહોતો. ખાણો બંધ કરાવી દેવી કે નદીમાંથી રેતી ઉપાડવાનું બંધ કરી દેવું કોઈ રાજકારણીને માફક આવતું નથી. કમાણી અને કટકીનું આ બહુ મોટું સાધન છે. વધી રહેલી વસતિ માટે રહેઠાણો પૂરા પાડવાથી માંડીને, રોજગારી ખાતર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે. પણ વગર વિચાર્યે આ કાર્ય થયા કરશે તો એક જ વરસાદે કુદરત બધું ધોઇ નાખશે તે પણ વિચારવાની જરૂર છે. શહેરીકરણ ના કરો, મકાનો ના બાંધો, ઉદ્યોગો ના ઊભા કરો તેવું નિષ્ણાતો કહે છે, પણ સરકારો માટે તેનો અમલ કરવો મુશ્કેલ છે.
મુશ્કેલ નથી, પણ મૂર્ખામી છે. રાજકારણીઓ સહેલો રસ્તો વિચારે છે. અમલદારો ફક્ત આજનું જ વિચારે છે. આવતીકાલની પેઢીની ચિંતા કોણ કરશે તે સવાલ આવીને ઊભો છે. નિષ્ણાતો ચેતવણી આપી શકે છે તો સામે રસ્તો પણ સૂચવી શકે છે. સરકારોની દાનત હોય તો જંગલો ઘટાડ્યા સિવાય, નદીના પટમાંથી રેતી ખાલી કર્યા સિવાય, પહાડીઓમાં ખાણો ખોદ્યા સિવાય પણ બાંધકામથી માંડીને ઓદ્યોગિક વસાહત સુધીની વ્યવસ્થા કરી શકાય છે. કુદરતને કેવું નુકસાન થઈ રહ્યું છે તેને સમજવા માટે સમય બગાડવાનો સમય હવે જતો રહ્યો છે. કુદરતને નુકસાન થઈ રહ્યું છે અને તે નુકસાન ભોગવવાનું છે આપણી આગામી પેઢીએ.
આટલું સમજીને હવે કુદરતને હાની પહોંચાડ્યા સિવાય વિશાળ વસતિને કેવી રીતે સુખી કરી શકાય તેનું જ વિચારવાનું રહેશે. પણ સવાલ એ છે કે કરે કોણ. ચિંતા કરનારા નાગરિકો પાંચ વર્ષે એકવાર મત આપી શકે છે. તે સિવાય સરકાર પર પ્રેશર ઊભું કરવાનું કોઈ માધ્યમ નાગરિકો પાસે નથી. રેતી ના ઉપાડો અને ખાણો ના ખોદો – એવા મુદ્દા ચૂંટણીમાં ઊભા થતા નથી અને તેવા મુદ્દાથી હારજીત થતી પણ નથી, ત્યારે હવે કરવું શું? બેસાડો નિષ્ણાતો અને તેમની સાથે જ મતદાર વર્ગમાં અભિપ્રાય ઊભો કરી શકે તેવા સમજદાર નાગરિકોની સમિતિ.-