મોદીની લોકપ્રિયતા ઘટી; કોંગ્રેસમાં ખુશી વધી…

2019ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. મહત્ત્વની ચૂંટણીને આડે હવે એક વર્ષ પણ બાકી નથી. શાસક ભારતીય જનતા પાર્ટીએ ‘સબ કા સાથ, સબકા વિકાસ’ નારા સાથે એ ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ શરૂ પણ કરી દીધી છે, ત્યારે પાર્ટી માટે એક નિરાશાજનક સમાચાર એ છે કે છેલ્લા પાંચ મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી છે.

ઈન્ડિયા ટુડે દ્વારા એક સર્વેક્ષણ કરવામાં આવ્યું છે – મૂડ ઓફ ધ નેશન. એના પરથી માલૂમ પડ્યું છે કે મોદીની લોકપ્રિયતા 4 ટકા ઘટી છે. આ ઘટાડો ભાજપની સિનિયર નેતાગીરી માટે ચિંતાજનક એટલા માટે થાય કે માત્ર પાંચ મહિનામાં જ આટલો ઘટાડો થયો છે.

આ વર્ષના જાન્યુઆરીમાં મોદીની લોકપ્રિયતાનો આંક 53 ટકા હતો, જે જુલાઈમાં ઘટીને 49 ટકા થયો હતો.

જોકે ઘણા લોકો માને છે કે મોદીના નેતૃત્ત્વ હેઠળ ભાજપને લોકસભા ચૂંટણીમાં હરાવવું મુશ્કેલ છે.

વડા પ્રધાન મોદીએ 2016ની 8 નવેંબરે દેશભરમાં નોટબંધી લાગુ કરી હતી અને 500 તથા 1000ના મૂલ્યની કરન્સી નોટોને વ્યવહારમાંથી પાછી ખેંચી લીધી હતી. કાળા નાણાંના દૂષણ સામે એમનો એ ખુલ્લો જંગ હતો. એમનો એ નિર્ણય 1960ના દાયકામાં ભારતીય બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવાના ઈન્દિરા ગાંધીએ લીધેલા નિર્ણય બાદનો સૌથી ધરખમ પ્રકારનો હતો.

મોદીએ એ નિર્ણય લીધો હતો ત્યારે એમની લોકપ્રિયતાની ટકાવારી 65 ટકા હતી. નોટબંધી નિર્ણયને ઘણાએ ખોટી રીતે અમલમાં મૂકાયેલો ગણાવ્યો છે. એને કારણે દેશનો જીડીપી આંક ઘટી ગયો હતો અને સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી.

2017ના જાન્યુઆરીમાં મોદીની લોકપ્રિયતા જે 65 ટકા હતી તે 2018ના જાન્યુઆરીમાં ઘટીને 53 ટકા થઈ ગઈ હતી. 2018ના જુલાઈમાં ફરી ઘટીને 49 ટકા થઈ છે. બે વર્ષમાં આ પહેલી જ વાર પીએમની લોકપ્રિયતાનો આંક 50 ટકાથી નીચે આવ્યો છે.

આને રાહુલ ગાંધીના ફાયદા તરીકે ગણી શકાય નહીં, પરંતુ અન્ય સંસ્થાઓએ હાથ ધરેલા સર્વેક્ષણો અને ચૂંટણીના ટ્રેન્ડ પરથી એવું ચિત્ર જોવા મળે છે કે કોંગ્રેસ પાર્ટીમાં આનંદ છે. 2014ની સરખામણી કરતાં હાલ કોંગ્રેસ તથા એના નિકટના પક્ષોનો લાભ વધ્યો છે.

કોંગ્રેસને નવા સાથીઓ મળ્યા છે – બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને તૃણમમુલ કોંગ્રેસ. અમુક સર્વેક્ષણો કહે છે કે મતદારોમાં કોંગ્રેસ પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે.

મૂડ ઓફ ધ નેશન સર્વેની આગાહી છે કે જો કોંગ્રેસ-યૂપીએ 2019ની લોકસભા ચૂંટણીમાં બસપા, સપા સાથે જોડાણ કરે તો એ દેશભરમાં 41 ટકા મત આસાનીથી પ્રાપ્ત કરી શકે. પરંતુ જો કોંગ્રેસ-યૂપીએ 2014ની ચૂંટણી વખતની જેમ તે જ વખતના સહયોગી પક્ષો સાથે 2019માં ચૂંટણી લડશે તો એને 31 ટકા મત મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]