નવી દિલ્હી: ચૂંટણી પ્રચાર પણ ડિજિટલી થશે એવું તમે ક્યારેય વિચાર્યું તું? અમેરિકામાં રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે વર્ચુઅલ રેલીનો ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકાની પાછળ પાછળ ભારતમાં પણ હવે આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમિત શાહ પછી હવે રાજનાથ સિંહ અને અન્ય રાજકીય પાર્ટીઓના નેતા પણ આ પ્રકારની વર્ચુઅલ રેલીઓ કરી રહ્યા છે. અહીં સવાલ એ છે કે ખરેખર આ વર્ચુઅલ રેલી છે શું?
વિશ્વમાં જનસંખ્યાની દ્રષ્ટીઓ સૌથી મોટા લોકતંત્ર ભારતમાં ચૂંટણી પ્રચારની વાત આવે અને તેમાં રેલી ન હોય તો વાત જામે નહીં. એક વિશાળ જનસમૂહને પ્રભાવિત કરવા રાજકીય રેલી મહત્વનો ભાગ ભજવે છે.પણ આ કોરોના કાળમાં ભીડ એક્ત્ર કરવાથી સંક્રમણનું ખતરો છે. એટલા માટે રાજકીય પાર્ટીઓ ડિજિટલ અથવા વર્ચુઅલ રેલીઓનું વલણ અપનાવી રહી છે. ફેસબુક લાઈવ (FB Live), Youtube અને Zoom જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી પણ એક પગલું આગળ છે વર્ચુઅલ રેલી.
આ પ્રકારની રેલીમાં રિયલ ટાઈમ ઈવેન્ટ હેઠળ આયોજન કરવા ઉપરાંત કેટલીક બ્રાન્ડ અને કંપનીઓ પ્લાનિંગ અને ટાઈમલાઈન ટ્રેકિંગ જેવી સેવાઓ પણ આપી રહી છે. વર્ચુઅલ રેલીમાં વિડિયોની સાથે સાથે ગ્રાફિક, પોલ અન્ય જાણકારીઓ પણ જાહેર કરી શકો છો. કેટલીક કંપનીઓ વર્ચુઅલ રેલીમાં લોકોની હાજરી, ગતિવિધિઓ અને મેલ વગેરે સાથે જોડાયેલા આંકડા અને ડેટા પણ ઉપલબ્ધ કરાવી રહી છે. અહીં અમે તમને એ જણાવી રહ્યા છીએ કે, આ રેલીઓ કેવી રીતે થાય છે અને તેમા ટેકનોલોજીની શું ભૂમિકા છે.
દેશના ગૃહમંત્રી અમિત શાહે બિહારની આગામી ચૂંટણીના પ્રચાર કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં વર્ચુઅલ રેલી કરી જેના થકી અંદાજે 5 લાખ કાર્યકર્તાઓ સુધી તે પહોંચ્યા. ત્યાર પછીથી જ ચૂંટણી રેલીઓ ડિજિટલ થવાને લઈને ચર્ચા છેડાઈ છે. સવાલ એ છે કે, ભારતમાં મીડિયા અને ઈન્ટરનેટનો ફેલાવો કેટલો મોટો છે અને રાજનીતિના ડિજિટલીકરણથી કયો વર્ગ ચૂંટણી અભિયાનો સાથે જોડાઈ શકશે અને કયો નહીં?
ભાજપ પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને લગભગ 1000 જેટલી વર્ચુઅલ રેલીઓ કરશે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ અને બિહારની ક્ષેત્રીય પાર્ટીઓએ પણ વર્ચુઅલ રેલીઓ અંગે રણનીતિ બનાવાનું શરુ કરી દીધું છે. ભાજપ સહિત અન્ય કેટલીક રાજકીય પક્ષોનું માનવું છે કે, જો કોવિડ મહામારી સંબંધી સંક્રમણની સ્થિતિ આગળ પણ આવી જ રહી તો લોકો વચ્ચે થતી રેલીઓ થવી મુશ્કેલ બની જશે.
રાજકીય પાર્ટીઓની ડિજિટલ વિંગ્સ સતત નવી ટેકનિક અને વિચારોના હિસાબે રણનીતિ બનાવી રહી છે. આ સાથે જ પાર્ટીઓ તેમના ગ્રામીણ કાર્યકર્તાઓને ટેકસેવી બનાવવાનો પ્રયત્ન કરી રહી છે.
વર્ચુઅલ રેલીની મર્યાદા
રાજકીય પાર્ટીઓ નજીકના ભવિષ્યમાં અલગ થીમ અને વિચાર પર આધારિક વર્ચુઅલ રેલીઓ પર ફોકસ કરી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ રેલીઓને ટીવી પર પણ પ્રસારિત કરવાની યોજના બનાવી શકે છે. બીજી તરફ આ રેલીઓની મર્યાદાની જો વાત કરવામાં આવે તો આ એક તરફી સંવાદ છે અને બીજી તરફ ખૂબજ ખર્ચાળ સાબિત થઈ રહી છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો અમિત શાહની બિહાર રેલીના ખર્ચની જો વાત કરવામાં આવે તો રાજ્યના 72 હજાર બૂથોના કાર્યકર્તા સુધી અમિત શાહનો સંવાદ પહોંચાડવા માટે હજારોની સંખ્યામાં એલઈડી સ્ક્રીનો અને સ્માર્ટ ટીવી ઈન્સ્ટોલ કરવામાં આવ્યા. આરજેડીએ આરોપ લગાવ્યો કે આ રેલી પર સરકારે 144 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો.
ટીવીની સાથે જ રેડિયોની રાષ્ટ્રીય ચેનલોનો ઉપયોગ સત્તાધારી પાર્ટીના હાથમાં રહેશે અને ખાનગી ચેનલો કે રેડિયો એફએમ મારફતે અન્ય પાર્ટીઓ વર્ચુઅલ કેમ્પેઈનિંગ કરી શકે છે. કારણ કે અત્યારે વર્ચુઅલ રેલીનો ખર્ચ ખૂબ જ વધુ છે એટલા માટે સંચાર માધ્યમોનો ચતુરાઈ ભર્યા ઉપયોગથી બાજી જીતવામાં આવશે. સ્માર્ટફોન મારફતે પાર્ટીઓ કરોડો લોકો સુધી પહોંચવાની રણનીતિ બનાવી શકે છે. વોટ્સએપ સહિત મેસેન્જર, વિડિયો કોલ અને મીટિંગ એપ્સનો બહોળો ઉપયોગ કરવામાં આવી શકે છે.
સ્માર્ટ ફોન, સોશિયલ મીડિયા અને પ્રચલિત માધ્યમો દ્વારા વર્ચુઅલ રેલીઓ અને ચૂંટણી ઝૂંબેશની શરુઆત થયા બાદ આ માર્કેટ વધશે અને નવી ટેકનીક કે આઈડિયા આવશે. ઘણી ટેકનોક્રેડ કંપનીઓ રાજકીય પાર્ટીઓ માટે વિશેષરૂપે ઈનોવેટિવ મંચ તૈયાર કરશે. રાજકીય પાર્ટીઓનું ડિજિટલીકરણ આવનારા દિવસોમાં એક બેહતરીન કહાની બનવા જઈ રહી છે એ તો નક્કી છે.