ઉત્તર કર્ણાટકની માગણીને કારણે રાજકીય ચર્ચા થવા સાથે કેટલાક વર્તુળોમાં નાના રાજ્યો માટેની ચર્ચા પણ થવા લાગી છે. અમેરિકામાં 50 રાજ્યો છે, તો ભારતમાં કેમ નહીં એવું કહેનારા છે. જોકે અમેરિકા ભારત કરતાં અઢી ગણો મોટો દેશ છે. તેની સામે એવી પણ દલીલ થાય છે કે વસતીની રીતે ભારત જ દુનિયાનો સૌથી મોટો દેશ છે. જમીનની વિશાળતા કરતાં વસતીની વિશાળતા ખાતર અને સમતોલ વિકાસનો લાભ વધારે વસતીને મળે તે માટે પણ નાના રાજ્યોની તરફેણ કેટલાક કરે છે ખરાં.પરંતુ ભારતમાં રાજ્યોની રચના ભાષા સાથે જોડાઈ ગઈ હતી. છેલ્લે તેલંગણા રાજ્યની રચના થઈ ત્યારે ભાષાનો મુદ્દો નહોતો, પણ ક્ષેત્રીય વિકાસનો મુદ્દો હતો. હાલમાં જ કર્ણાટકમાં પણ ઉત્તર કર્ણાટકની માગણી થઈ તેમાં પણ ક્ષેત્રિય ભેદભાવનો જ આક્ષેપ થયો છે, પણ આ મુદ્દા નવા છે. ભારત આઝાદ થયો તે વખતે રાજ્યોની રચના માટે ભાષા મુખ્ય મુદ્દો બન્યો હતો.
હકીકતમાં આઝાદી પહેલાં જ ભાષાવાર પ્રાંત રચના થશે તેવી કલ્પના કોંગ્રેસના નેતાઓમાં હતી. ગાંધીજી અને નહેરુ જેવા નેતાઓને પણ સહજ લાગતું હતું કે ભાષા પ્રમાણે દેશનું વહીવટી વિભાજન થશે. તેના કારણે જ કોંગ્રેસની પ્રાંતવાર સમિતિઓ બની તે ભાષા પ્રમાણે બની હતી. ઉત્તર ભારત અને મધ્ય ભારતના વિશાળ પ્રદેશોમાં ભાષાની સમસ્યા નહોતી. બધે જ હિન્દી બોલાતી હતી, તેથી તેમાં સમિતિઓની રચના થઈ ત્યારે પ્રદેશ પ્રમાણે થઈ હતી. પરંતુ તે સિવાય ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી અને દક્ષિણની ભાષાઓ પ્રમાણે સમિતિઓ બની હતી.
પરંતુ દેશને આઝાદી મળવાનો સમય આવ્યો ત્યાં સુધીમાં સ્થિતિ પલટાઇ ગઈ અને ભાગલા કરવાની નોબત આવી. ધર્મના આધારે વિભાજન થયું અને પાકિસ્તાનની રચના થઈ તે સાથે જ નેતાઓના વિચારો પલટાયાં હતાં. ધર્મ ભાગલા પડાવી ગયો, હવે આગળ જતાં ભાષા પણ ભાગલા પડાવશે તેવા ભયથી પ્રાંત રચનામાં ઉતાવળ ન કરવાનું નક્કી થયું હતું. પણ એ જ નીતિ ઉલટાની ઘર્ષણ કરાવનારી થઈ અને છેલ્લે જે રાજ્યમાં ભાગલા પડ્યાં તે તેલુગુભાષી આંધ્રપ્રદેશ માટે જ સૌથી મોટું આંદોલન થયું હતું. મદ્રાસ પ્રાંતના હિસ્સા તરીકે સમગ્ર આંધ્રપ્રદેશ સમાયેલું હતું, પણ તેલુગુ લોકો માટે અલગ રાજ્ય હોવું જોઇએ તેવી માગણી આઝાદી પછી તરત જ તીવ્ર બની હતી. શ્રીરામુલુ નામના કોંગ્રેસ કાર્યકરે જ અલગ આંધ્ર માટે ઉપવાસ આદર્યા અને તેમનું અવસાન થઈ ગયું. નહેરુએ પણ માગણી સ્વીકારી લેવી પડી અને તે સાથે જ પ્રાંત પુનઃરચના માટે (સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન) કમિશન બેસાડવું પડ્યું હતું.
આ વખતે ફરી ભાષાના બદલે સમૃદ્ધ પ્રદેશ કોના હિસ્સે જાય તેનો ઝઘડો થયો હતો. મુંબઈ કોને મળે તે મુદ્દો ગુજરાતીઓ અને મરાઠીઓ વચ્ચે સંઘર્ષનો મુદ્દો બન્યો હતો. મુંબઈને બંનેથી સ્વતંત્ર રાખવાની વાત લગભગ સ્વીકાર્ય બને તેમ હતી, પણ કેટલાક કારણસર અને કોંગ્રેસના આંતરિક રાજકારણને કારણે તે શક્ય ન બન્યું. આખરે ભાષાને જ પ્રભુત્વ આપીને આમચી મુંબઈ, મરાઠી મુંબઈ ગણીને મહારાષ્ટ્ર સાથે જ મુંબઈ રહ્યું.પરંતુ ભાષા માત્ર સમાન તક અને સમાન વિકાસનો આધાર નહીં બને તે મુદ્દો છ દાયકા પછી આંધ્રમાં જ ઊઠ્યો. તેલુગુભાષીઓને અલગ રાજ્ય મળી ગયું, પણ વિકાસની તક અમુક પ્રદેશના લોકોને મળી, અમુક પ્રદેશના લોકોને ન મળી તે અસંતોષ ઊભો થયો. હૈદરાબાદ વિસ્તાર તેલંગણામાં ખરો, પણ તેનો ખરો વિકાસ તટપ્રદેશના, વિશાખાપટ્ટનમ બાજુના લોકો દ્વારા વધારે થયો હતો. મુંબઈના વિકાસમાં ગુજરાતીઓનો ફાળો અને દબદબો હતો તે રીતે જ. તેથી હૈદરાબાદ કોનું એ મુદ્દો પણ આવ્યો.
હવે આ જ મુદ્દો કર્ણાટકમાં ઊભો થયો છે. બેંગાલુરુ કોનું તેવા વિવાદના બદલે બેંગાલુરુના બદલે ઉત્તર કર્ણાટકના શહેરોનો કેમ વિકાસ ન થાય તે મુદ્દો ઊભો કરાયો છે. તે માટે કારણ મળ્યું હાલમાં જ રજૂ થયેલા બજેટને કારણે. કોંગ્રેસના ટેકાથી જેડી(એસ)ની સરકાર બની, પણ સરકારે બેંગાલુરુને 1200 કરોડ રૂપિયા ફાળવ્યાં, જ્યારે હુબલી-ધારવાડ, બેલગાવી જેવા ઉત્તર કર્ણાટકના શહેરો માટે માત્ર 100 કરોડ.
આ વિવાદને રાજકીય રંગ પણ મળ્યો, કેમ કે ઉત્તર કર્ણાટકમાં ભાજપનું વર્ચસ્વ છે, ભાજપના લિંગાયત નેતા યેદીયુરપ્પાનો આ પ્રદેશ છે. લિંગાયતો પણ વધારે ઉત્તર કર્ણાટકમાં છે. જેડી(એસ)ના દેવે ગોવડાનો પ્રદેશ એટલે દક્ષિણ, ખાસ કરીને બેંગાલુરુની આસપાસનો પ્રદેશ. આ પ્રદેશ વોક્કાલિગાનો પણ ખરો. તેથી ફરિયાદ થવી સ્વાભાવિક છે કે નવી સરકારમાં ઉત્તર કર્ણાટકને અન્યાય થશે તેથી 13 જિલ્લાનું અલગ રાજ્ય બનાવવું જોઈએ.આવી માગણી માત્ર જેડી(એસ) સરકાર વિરોધી લાગે, તેથી દલીલો એવી કરવામાં આવે છે કે મેંગાલુરુ-મૈસુરુ પટ્ટામાં જ સમગ્ર વિકાસ થયા કરે છે, તેથી ઉત્તર કર્ણાટકને લાભ મળતો નથી. ઉત્તરનું અલગ રાજ્ય હોય તો ધારવાડ-હુબલીમાં નવી રાજધાની પણ બની શકે અને નવા વિકાસના કેન્દ્રો પણ બને. શહેરીકરણને કારણે ઉત્તરના જિલ્લાઓમાં પણ વિકાસ થઈ શકે.
આવી દલીલોને કારણે જ કેટલાક કહે છે કે રાજકીય વિવાદ કરીને નહીં, ઝઘડા કરીને નહીં, પણ સમજદારી સાથે, સહયોગ સાથે નાના રાજ્યો બનાવવા જોઈએ. મધ્યપ્રદેશ અત્યંત મોટું રાજ્ય હતું તેથી છત્તીસગઢ અલગ કરાયું. બિહાર પણ વસતીમાં અને વિસ્તારમાં મોટું હતું અને દક્ષિણમાં મોટો પ્રદેશ આદિવાસી હતો તેથી ઝારખંડ અલગ કરી શકાયું. ઉત્તરપ્રદેશનો પહાડી વિસ્તાર ઉત્તરાખંડ અલગ કરી શકાયો. એ જ રીતે હજી કેટલાક મોટા રાજ્યો છે, તેમાં ભાષાને આધારે નહીં, પણ વહીવટી સુગમતા ખાતર વિભાજન કરી શકાય છે. વિદર્ભ માટે મહારાષ્ટ્રમાં સમયાંતરી માગણી થતી રહી છે. ઉત્તર કર્ણાટકની માગણી તેમાં ઉમેરાઈ છે. ઉત્તર પ્રદેશ વિશાળ વસતીના કારણે હજી પણ ત્રણેક ભાગમાં વહેંચાઈ શકે છે. પૂર્વાંચલ, બુંદેલખંડ અલગ થઈ શકે છે. રાજસ્થાનમાં મારવાડ અલગ થઈ શકે અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર અલગ થઈ શકે.
જોકે નાના રાજ્યો એટલે વધારે સારો વહીવટ અને વધારે સારો વિકાસ એ દલીલ પણ સાચી પડી નથી. ગોવા જેવા રાજ્યોમાં કોઈ ચમત્કાર થયો નથી. પંજાબ, હરિયાણા, હિમાચલ નાના નાના રાજ્યો બન્યાં તેનાથી કોઈ મોટો ફાયદો થયો નથી. આ રાજ્યોને ફાયદો થયો હતો તે જળસ્રોતની વિશાળ ઉપલબ્ધિ અને દિલ્હી નજીક હોવાથી શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણનો ફાયદો મળ્યો છે. કેરળ પહેલેથી જ નાનું રાજ્ય છે, ત્યાં શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે કેટલાક ફાયદા દેખાય છે, પણ તેના કારણે તે નંબર વન સ્ટેટ બન્યું નથી. મહારાષ્ટ્ર અને તામિલનાડુ વિશાળ રાજ્યો હોવા છતાં આગળ નીકળી ગયા, કેમ કે તેમની પાસે આઝાદી સાથે જ મુંબઈ અને ચેન્નઇ આવ્યા હતા. તેની સામે કોલકાતા હોવા છતાં પશ્ચિમ બંગ પાછળ પડતું રહ્યું છે.
તેનો અર્થ એ થયો કે માત્ર નાના રાજ્યો કરી દેવાથી અને વહીવટી સરળતા કરી દેવાથી વિકાસ ઝડપી થાય તે જરૂરી નથી. વિકાસ માટેના પરિબળો અને વિકાસ માટેની નીતિઓ વધારે અગત્યના હોય છે. વિકાસ માટેની રાજનીતિ પણ એટલી જ જરૂરી બને છે, પણ હજી સુધી દેશને એવો અનુભવ થયો નથી કે કોઈ રાજકીય પક્ષે માત્ર વિકાસની રાજનીતિ અપનાવી હોય. ના, બિલકુલ ખોટી વાત છે – કોઈ પણ પક્ષ, લગભગ દરેક પક્ષ, એવું કહેશે કે અમારી રાજનીતિ વિકાસની રાજનીતિ રહી છે, પણ તે વાત બિલકુલ ખોટી છે. વિકાસ કરીને કોઈ પક્ષ જીતી શકે તેવી સ્થિતિમાં હજી આવ્યો નથી. ધર્મ, જ્ઞાતિ અને લાગણીને સ્પર્શે એવા મુદ્દાથી જ ચૂંટણીઓ લડાતી આવી છે. જરૂર પડી ત્યાં ભાષા અને જમણેરી-ડાબેરી રાજકારણના મુદ્દાથી પણ ચૂંટણીઓ લડાતી રહી છે.
રાજકીય પક્ષોની આ મેલી મથરાવટી હોવાને કારણે જ વહીવટી સુગમતા ખાતર નાના રાજ્યોની દલીલ થાય તેમાં પણ તરત રાજકારણ આવી જવાનું છે. ઉત્તર કર્ણાટકની માગણીને કારણે પણ આવી જ ગયું છે. હકીકતમાં તેની માગણી થઈ તેમાં જ રાજકારણ હતું, કેમ કે તેને મૂળભૂત રીતે લિંગાયત અને વીરાશૈવ લોકોની, યેદીયુરપ્પાના જૂથની અને ભાજપની માગણી તરીકે જોવામાં આવી હતી. તેનો પ્રતિકાર પણ રાજકીય રીતે જ સરકારે કર્યો. દેવે ગોવડાએ કહ્યું કે પોતાના જીવતેજીવત રાજ્યનું વિભાજન શક્ય નથી. નાના રાજ્યોની સાથે દિલ્હી, મુંબઈ, ચેન્નઇ, બેંગાલુરુ, હૈદરાબાદ, કોલકાતા, કાનપુર અને ચંડિગઢ એવા શહેરી કેન્દ્રોનું પણ અલગ વહીવટીતંત્ર વિચારી શકાય છે. પણ મુંબઈને બંને રાજ્યોથી અલગ કરવાની માગણી સાથે જ ભયંકર રાજકારણ શરૂ થઈ જાય. વહીવટી સરળતા અને ઝડપી વિકાસ બાજુએ રહી જાય અને પક્ષીય રાજકારણ કેન્દ્ર સ્થાને આવી જાય. પાછળ ભાષાનો, પછી જ્ઞાતિજૂથનો, સંપ્રદાયનો અને ધર્મનો મામલો પણ ના જોડાય તો જ નવાઈ લાગે.