ઝારખંડ 15 નવેમ્બરે 19 વર્ષ પૂરા કરીને વીસીમાં પ્રવેશ કરશે. યુવાનીનો થનગનાટ રાજ્યમાં હોવો જોઈએ, પણ જીવનના આરંભના 18 વર્ષ, કિશોરાવસ્થાનો કાળ, સગીરાવસ્થાની સમસ્યામાં જ જતો રહ્યો છે. ઝારખંડનું બાળપણ તોફાની જ રહ્યું. તોફાની છોકરો હવે યુવાનીમાં થોડો તોફાનો ઓછા કરે અને સાહસ કરે તો આગળની જિંદગી સુધરે. તે માટે આ વખતની ચૂંટણી ઝારખંડ માટે અગત્યની સાબિત થશે, કેમ કે સતત અસ્થિરતા પછી પ્રથમવાર પાંચ વર્ષ સ્થિર સરકારના ગયા છે ત્યારે સ્થિરતા ખાતર પણ સરકારનું પુનરાવર્તન થશે કે ફરી મોકો જોઈને રાજકીય અસ્થિરતા માથું ઉંચકશે?
15 નવેમ્બર બીરસા મુંડાનો જન્મદિન પણ છે. બિરસા મુંડા ભારતમાં આદિવાસી ચેતના જગાવનારા નેતા તરીકે જાણીતા છે. જોકે અલગ ઝારખંડ માટેની માગણી કદાચ સૌથી જૂની છે. તેલંગણા માટેની માગણી કરતાંય જૂની, 1930ની માગણી હતી કે આદિવાસીઓ માટે અલગ રાજ્ય હોવું જોઈએ. 1930માં આદિવાસી મહાસભાની રચના થઈ હતી, પણ છેક 2000ની સાલમાં 70 વર્ષ પછી બિહારથી અલગ ઝારખંડ બન્યું હતું. બિહારનો આ પહાડી વિસ્તાર હતો અને આદિવાસી વસતિ વધારે હતી. કુદરતી વનસંપદા અને ખનીજ સમૃદ્ધિથી ભરપુર, પણ સ્થાનિક લોકો કાયમ માટે ગરીબીમાં જ રહ્યા. 2000માં અલગ રાજ્ય થયા પછીય એવું કોઈ મોટું પરિવર્તન આવ્યું નહિ, કેમ કે પ્રારંભથી જ અહીં રાજકીય અસ્થિરતા સર્જાતી રહી છે. નક્સલવાદની સમસ્યા પણ અલગ રાજ્ય પછી હલ થઈ શકી નથી. ઝારખંડનું રાજકારણ એટલું અટપટું છે કે જલદી સમજી શકાય નહિ. અહીં અપક્ષ મુખ્યપ્રધાન બને અને મોટી પાર્ટીઓ ટેકો આપે તેવું પણ બન્યું હતું.
પ્રથમ 13 વર્ષમાં ત્રણવાર તો રાષ્ટ્રપતિ શાસન લગાવવું પડ્યું હતું. કુલ 13 સરકારો બની અને છ મુખ્ય પ્રધાનો રાજ્યે જોયા. પ્રાદેશિક પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાએ મુખ્ય રાજકીય પક્ષો સામે સ્થાનિક હિત માટે ટક્કર આપવાની વાતો કરી, પણ તેનું રાજકારણ રાજ્યના લોકો માટે અહિતકારક જ વધારે નીવડ્યું. ગુરુજી તરીકે જાણીતા થયેલા શિબૂ સોરેનની આગેવાની હેઠળ જેએમએમ સ્થિરતાને બદલે અસ્થિરતા જ પેદા કરતું રહ્યું. સોરેન સામે હત્યાનો કેસ થયો અને તેઓ નબળા પડ્યા પછી નવા નેતા અર્જૂન મુંડાનું વર્ચસ્વ વધ્યું, પણ તેમણેય પોતાને મળેલી તકો વેડફી નાખી. માત્ર 35 વર્ષની ઉંમરે દેશમાં સૌથી નાની વયના મુખ્ય પ્રધાન બન્યા પણ, ખાસ કશું કરી શક્યા નહિ. મૂળ ઝારખંડ મુક્તિ મોરચામાં શરૂઆત કરી, પણ નવું રાજ્ય બન્યું ત્યારે ભાજપે તેની પદ્ધતિ પ્રમાણે મોરચાને તોડવા મુંડાને પોતાનામાં સામેલ કરી દીધા હતા. 2000માં બાબુલાલ મરાન્ડીની સરકાર બની ત્યારે તેમને નાની ઉંમરે પ્રધાન બનાવાયા હતા. જોકે ત્રણ જ વર્ષમાં 2003માં મરાન્ડીનો વિરોધ થયો (જેડી-યુએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો) અને ભાજપે મોકો જોઈને યુવાન મુંડાને નવા રાજ્યના બીજા મુખ્યમંત્રી બનાવી દીધા હતા.
2005ની ચૂંટણી પછી ફરી મુંડાને મુખ્યમંત્રી બનવા મળ્યું, પણ તેમની સરકાર ટેકણલાકડી પર હતી. અપક્ષોનો ટેકો હટ્યો એટલે એક જ વર્ષ પછી માર્ચ 2006માં મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું હતું. છ વર્ષમાં ઝારખંડે ત્રીજા મુખ્યમંત્રી જોયા.
આ વખતે ભારતીય રાજકારણનું અનોખું જોણું સર્જાયું હતું. અપક્ષ મધુ કોડા મુખ્ય પ્રધાન બની ગયા. ભાજપની સરકારને પાડી દેવા માટે કોંગ્રેસ અને જેએમએમે ટેકો આપ્યો અને અપક્ષની આગેવાનીમાં સરકાર બની. મધુ કોડાએ ટૂંકા ગાળામાં બેફામ ભ્રષ્ટાચાર આદર્યો. ભારતનું સૌથી મોટું કોલસાનું કૌભાંડ પણ તેમના કાર્યકાળમાં જ થયું હતું. નવા રાજ્યમાં સૌ કોઈને સત્તાની લાલસા હતી એટલે લાંબો સમય શાસન ટકવાનું નથી તેની ખબર હતી. તેના કારણે સત્તા મળે તે નેતાઓ, મુખ્ય પ્રધાનો અને પ્રધાનો બધા પહેલું કામ રાજ્યને લૂંટવાનું કરતા હતા.
ઝારખંડની અસ્થિરતાનો ખ્યાલ એ રીતે પણ આવશે કે શિબૂ સોરેન જેવા મોટા નેતા પણ ત્રણ વાર મુખ્ય પ્રધાન બન્યા, પણ છ મહિનાથી એકપણ વાર વધારે તેમની સરકાર ચાલી નહિ. એક વખત માત્ર દસ દિવસ માટે મુખ્ય પ્રધાન બન્યા હતા. સૌથી લાંબો સમય મુંડા અઢી વર્ષ રહ્યા હતા અને હવે રઘુવર દાસે નવો વિક્રમ કર્યો છે, કેમ કે તેઓ પાંચ વર્ષ પૂરા કરનારા પ્રથમ મુખ્ય પ્રધાન બનશે.
મજાની વાત એ છે કે આદિવાસીઓ માટે બનેલા રાજ્યમાં તેઓ પ્રથમ બિનઆદિવાસી મુખ્ય પ્રધાન છે, જે પાંચ વર્ષ ટકી શક્યા. ભાજપના (1977થી) તેઓ બહુ જૂના નેતા છે અને બિહાર રાજ્ય હતું ત્યારથી, 1995થી જમદેશપુરથી સતત જીતતા આવ્યા છે. આ વખતે છઠ્ઠીવાર ત્યાંથી જીતશે અને ફરી મુખ્ય પ્રધાન બનશે તો તેમના માટે અને રાજ્ય માટે તે નવો વિક્રમ હશે.
2014ની ચૂંટણીમાં પ્રથમવાર 34 ધારાસભ્યો તદ્દન નવા જીતીને આવ્યા હતા અને તેના કારણે પણ પરિવર્તન શક્ય બન્યું હતું. જોકે અર્જુન મુંડા અનલકી નીવડ્યા, કેમ કે ત્રણ વાર મુખ્ય પ્રધાન બન્યા પછી તેઓ પોતાની બેઠક પરથી હારી ગયા અને તેના કારણે ભાજપને તક મળી ગઈ અને પ્રથમ બિનઆદિવાસીને મુખ્ય પ્રધાન બનાવ્યા. (ભાજપે આ પ્રયોગ ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા વગેરેમાં કર્યો છે.)
ઝારખંડની કુલ 81 બેઠકોમાંથી ભાજપના મોરચાને (ભાજપ (37) ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (5) એમ) 42 બેઠકો મળી હતી અને પ્રથમ વાર એક જ પક્ષની સરકાર બની. બે મહિના બાદ ઝારખંડ વિકાસ મોરચાના કુલ આઠમાંથી 6 સભ્યોને ભાજપે તોડી નાખ્યા. તેમને ભાજપમાં જ સામેલ કરી લેવાયા હતા, જેના કારણે સરકાર સ્થિર રહી છે. આ વખતે પણ ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન સાથે જ ચૂંટણી લડવામાં આવશે. સામી બાજુએ જેએમએમ અને કોંગ્રેસ મોરચો બનાવીને લડશે, પણ મરાન્ડિ પોતાના વધેલા બે ધારાસભ્યો સાથે પણ ઝારખંડ વિકાસ મોરચાને અલગ જ રાખવા માગે છે. કોંગ્રેસ અહીં ચોથા નંબરની પાર્ટી છે અને શિબૂ સોરેનની જગ્યાએ હવે હેમંત સોરેન જેએમએમના નેતા છે, પણ તેઓ શરદ પવાર જેવી તાકાત ધરાવતા નથી કે મોરચાને વિજય અપાવી શકે.
જોકે બિહારમાં ગઠબંધન થયા પછીય નીતિશ કુમાર નારાજ છે એટલે તેઓ ઝારખંડમાં કુર્મી કાર્ડ ખેલવા કોશિશ કરશે. જેડી(યુ) ઝારખંડમાં એટલું મજબૂત રહ્યું નથી, પણ તેઓ કુર્મી મતો તોડી શકે છે. પણ તેનું નુકસાન ઉલટાનું જેએમએમ-કોંગ્રેસ મોરચાને થઈ શકે છે. જેએમએમ-કોંગ્રેસ આદિવાસી, કુર્મી અને મુસ્લિમનું ગઠબંધન કરવા માગે છે. રાબેતા મુજબ આ પ્રકારના ગઠબંધનને તોડી પાડવા માટેની ઉત્તમ સ્ટ્રેટેજી ભાજપ પાસે છે, એટલે તે સ્ટ્રેટેજીમાં જેડી(યુ) વિના કારણ ભાજપને મદદરૂપ જ થશે તેમ લાગે છે. જ્ઞાતિ ગણિતને વિખેરી નાખવા માટે ભાજપને હિન્દુત્વ ઉપયોગી થતું આવ્યું છે. અહીંના આદિવાસીઓ વચ્ચે સંઘની સંસ્થાઓએ પણ વર્ષોથી કામ કર્યું છે અને તેના કારણે પણ આદિવાસીઓમાં ભાજપનો ટેકેદાર વર્ગ ઊભો થયો છે. પ્રારંભમાં ભાજપે અર્જુન મુંડાને જ આગળ કર્યા હતા અને ઝારખંડની રચના માટેનો જશ પણ ભાજપે (વાજપેયી સરકારે) લીધો હતો.
આ સંજોગોમાં ઝારખંડની ચૂંટણી પહેલાં જ રામમંદિરનો ચુકાદો આવી જવાનો છે. ચુકાદો કંઈ પણ આવે, પરંતુ તે મુદ્દો ઝારખંડમાં ભાજપને પ્રચારમાં કામ આવી શકે છે. જોકે હરિયાણા અને મહારાષ્ટ્રમાં કલમ 370 બહુ કામ આવી નહોતી, પણ ભાજપનો પોતાનો બેઝ બહુ તૂટ્યો પણ નથી. પરંતુ સવાલ એ જ થવાનો છે કે ઝારખંડ રાજ્ય હવે પુખ્ત થઈને વીસીમાં પ્રવેશી રહ્યું છે ત્યારે મતદારો કંઈક અલગ મીજાજ દાખવશે. તેઓ આદિવાસી, કુરમી અને મુસ્લિમ મતજૂથોને બાજુમાં રાખીને સ્થિરતા પસંદ કરશે? તેઓ રામમંદિરના મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો સમજીને સ્થાનિક ધોરણે વધારે દવાખાના, શાળા, રસ્તા અને બંધો બને તેને વધારે અગત્યના ગણશે? ખનીજ સંપત્તિ હોવા છતાં સ્થાનિકોનો વિકાસ થતો નથી તેવા મુદ્દાઓને વધુ મહત્ત્વ મળશે? કે પછી નવા રાજ્યની રચના પછી પ્રથમવાર સરકારે પાંચ વર્ષ પૂરા કર્યા છે ત્યારે માત્ર સ્થિરતા ખાતર પુનરાવર્તન પસંદ કરશે?