શેરબજારને નવી ઊંચાઈએ લઈ જવામાં આ બજેટ મોટી ભુમિકા ભજવશે, કારણ કે……
શેરબજાર ભલે સાધારણ ઘટયું, ન રાજી થયું, ન નારાજી બતાવી, કિંતુ આ જ બજેટ શેરબજારને આ વરસે જ નવી ઊંચાઇ પર લઈ જવામાં નિમિત્ત બનશે. માત્ર આ જ નહી, બલકે આગામી વરસોમાં પણ ભારતા આર્થિક -સામાજીક વિકાસમાં આ ઈન્ટરિ બજેટનો નોંધપાત્ર ફાળો હશે.
ગઈકાલે-ગુરુવારે જાહેર થયેલા બજેટમાં ઘણાંને કંઈ દેખાયું નહી, ઉત્તેજના લાગી નહી, શેરબજાર પણ ઠંડું, નરમ અને નિરસ લાગ્યું. બાય ધ વે, આ ઈન્ટરિમ બજેટ હતું, દેશમાં યોજાનારી સામાન્ય ચુંટણી પહેલાનું, જેથી તેમાં બહુ આશા રાખવાની પણ ન હોય, તેમછતાં નાણાં પ્રધાને આ ઈન્ટરિમ બજેટમાં હાલ તુરંત માટે નહી, કિંતુ લાંબા ગાળા માટે ભરપુર આશાઓ આપી છે, તેમ જ વિવિધ લાભો અને તકોની ઓફર મુકી વિકાસનો વિરાટ માર્ગ બનાવી આપ્યો છે. સમજો તો ઈશારા કાફી, ન સમજાય તો અહી આગળ સમજીએ.
કોમન મેન માટે શું?
આપણે કોમન મેન-સામાન્ય માણસ માટે બજેટમાં શું છે તેના પર નજર કરીએ તો નરી આંખે દેખાય એવું નહી, પણ દ્રષ્ટિ હોય તો સમજાય એવું ઘણું છે. નિર્મલા સીતારમણે હાઉસિંગ ફોર મિડલ કલાસ નામની નવી યોજના જાહેર કરી છે, જેને લીધે સામાન્ય માણસ પોતાના માટે ઘર લઈ શકે યા બંધાવી શકે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ (ગ્રામિણ) વધુ બે કરોડ ઘરો બાંધવાની પણ જાહેરાત કરી છે. બાળકો અને મહિલાઓની સ્વાસ્થ્યની કાળજી માટે ખાસ સુવિધા જાહેર કરી છે. આયુષમાન ભારત સ્કિમ હેઠળ વધુ ગરીબ વર્ગોનો સમાવેશ કરાયો છે. જેમાં આંગણવાડી, કામદારો-હેલ્પર્સનો સમાવેશ થશે. જેમની ટેકસ ડિમાંડ રૂ.૨૫૦૦૦ સુધીની વરસ ૨૦૧૦ સુધી ઊભી છે તેમને અને ૨૦૧૧ થી ૨૦૧૫ સુધીમાં રૂ. ૧૦૦૦૦ સુધીની ઊભી છે તેવા કરદાતાઓને રાહત અપાઈ છે, કેમ કે તેમની સામેની આ ડિમાંડ પાછી ખેંચી લેવાઈ છે. આને પગલે એક કરોડ કરદાતાઓને રાહત થશે. આ ઉપરાંત સરકાર એક કરોડ ઘરોને રુફટોપ સોલરાઈઝેશન સુવિધા ઉપલબ્ધ બનાવશે. ત્રણ નવા રેલ્વે કોરિડોર અને વધુ નવા એરપોર્ટસથી પણ પ્રજાને લાભ થશે. ખાસ કરીને નાના શહરોમાં વિમાની સવલત અને રેલ્વેની વધારાની સવલતનો મહત્તમ લાભ લેવાશે.
નાણાંપ્રધાને ગિફટ સિટીમાં આવેલા ઈન્ટરનેશનલ ફાઈ. સર્વિસ સેન્ટર ખાતેની કંપનીઓને આપેલી કરમુકિતનો લાભ માર્ચ 2025 સુધી લંબાવી આપ્યો છે.
ફાઈનાન્સ મિનિસ્ટરે ઈન્કમ ટેકસ કે પરોક્ષ વેરામાં કોઈ ફેરફાર કર્યા નહી એટલે ઘણાંને લાગ્યું જાણે બજેટ આવ્યું જ નથી. કરવેરાના ફેરફાર ન થાય, મોંઘવારી વધશે કે ઘટશે, રાહત આવી કે બોજ વધ્યા એવું બધી બાબતો ન હોય તો બજેટનું અસ્તિત્વ જ નથી એવી લાગણી સામાન્ય પ્રજામાં થઈ હતી, કિંતુ અહી યાદ રાખવું જરૂરી છે કે ઈન્ટરિમ બજેટમાં એ આવે પણ નહી. અહી માત્ર સરકાર પોતાના આર્થિક -સામાજીક હાલ-ચાલ-તાલ કહીને ભાવિ માટે સંકેત આપી શકે, જે જુલાઈમાં તેમજ આગામી પાંચ વરસમાં તેમ જ એ પછી પણ જોવા મળશે.
કયા સેકટર્સને વધુ લાભ-વધુ તકો
બજેટની જાહેરાતો સકારાત્મક હોવાછતાં શેરબજાર ભલે ઘટયું, તેની લાંબા ગાળાની અસરો વધુ સારા પરિણામ આપશે અને એ જ પરિણામ બજારને વધુને વધુ ઊંચે લઈ જવામાં કારણરૂપ બનશે. ઈન્ફ્રાસ્ટ્રકચર, હાઉસિંગ, કૃષિ, ટુરિઝમ, રેલ્વે, નાગરિક ઉડયન, ફુડ પ્રોસેસિંગ, પાવર, વિન્ડ એનર્જી, સોલાર, મેડિકલ, નાના-મધ્યમ ઉધોગો, સ્ટાર્ટઅપ્સ, વગેરેને અપાયેલી રાહતો તેના પરિણામ આપશે. ફાર્મિગને આધુનિક બનાવાશે, ફિશરી માટે તો અલગ ડિવિઝન બનાવાશે. ખેડુતોની આવક વધે એવા પ્રયાસ થશે, સામાન્ય પ્રજાને પોષાય એવા દરે ટેકનોલોજી ઉપલબ્ધ કરાશે. લાંબા ગાળાના ધિરાણ ઉપલબ્ધ કરાશે, રાજયો સાથે પણ ધિરાણ બાબતે વધુ પ્રોત્સાહન અપાશે. સાહસિકતાને વેગ અપાશે. ડેરી અને એનિમલ હસબન્ડરીને પ્રમોટ કરાશે. કૃષિ ક્ષેત્રે ખાનગી અને જાહેર રોકાણ વધારાશે. હાલ ભલે કિસાનોને કંઈ સીધું અપાયું નથી, પરંતુ તેમને લાભ થાય એવા પગલાં અવશ્ય આ બજેટમાં સામેલ છે.
હવે રાહ જુઓ જુલાઈની
નાણા પ્રધાને એક વાત ભારપૂર્વક કહી છે કે મોદી સરકાર રિફોમ્સમાં માને છે, તેમ જ રાષ્ટ્ર પ્રથમ (નેશન ફર્સ્ટ) ગણે છે. તેથી જ છેલ્લા દસ વરસમાં જે બન્યું છે તે રાષ્ટ્ર હિતોને ધ્યાનમાં રાખી બન્યું છે. હવે સરકાર ૨૦૧૪ પહેલાં શું હતું અને હવે શું છે તેનું વિશ્લેષણ કરતું શ્વેતપત્ર બહાર પાડવાની છે. અહી એ નોંધવું મહત્વનું છે કે ૨૦૧૪માં મોદી સરકાર બની ત્યારે દેશ સામે અનેક કપરાં પડકારો હતા, એ પછી દસ જ વરસમાં મોદી સરકારે કહયું હતું તે કરી બતાવ્યું છે, જેનો પુરાવો દેશના વિકાસ સ્વરૂપે સૌની નજર સામે છે. હવેનું લક્ષ્ય ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે, જેનો સંકેત આ ઈન્ટરિમ બજેટે વધુ જાહેરાતો અને યોજનાઓ અને લક્ષ્યો સાથે આપી દીધા છે. હવે મોદી સરકારની વાપસી અને જુલાઈમાં પૂર્ણ બજેટની પ્રતિક્ષા કરવી રહી અને ઊંચી આશા પણ રાખવી રહી….
જયેશ ચિતલિયા