દાયકાઓ જૂનો ભારત-ચીન સીમાઝઘડો હજીય ચાલુ…

દેશના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સોમવાર 15 જૂનની રાત્રે ભારતીય સેનાના જવાનો અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં 20 ભારતીય જવાનોએ જીવ ગુમાવ્યો. ભારત અને ચીન વચ્ચે સરહદ પર હાલ પરિસ્થિતિ તંગ છે. બંને પડોશી દેશ વચ્ચેનો સીમા વિવાદ આજકાલનો નહીં, પણ દાયકાઓ જૂનો છે, જે હાલ વધારે તાણ અને નાજુક સ્થિતિમાં આવી ગયો છે.

લાંબા સમયથી વિવાદ

બંને દેશ વચ્ચે 3500 કિલોમીટરની સરહદને લઈને 1962માં લોહિયાળ યુદ્ધ થયું હતું, તે છતાં આ સીમા વિવાદનો ઉકેલ હજી સુધી નથી આવી શક્યો. દુર્ગમ વિસ્તાર, કાચા-પાકા સર્વેક્ષણ અને બ્રિટિશ સામ્રાજ્યવાદી નકશાએ આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. માનવવસ્તીની દ્રષ્ટિએ વિશ્વના બે સૌથી દેશ અને બે આર્થિક મહાશક્તિ વચ્ચે સીમા પરનો તણાવ વિશ્વ આખા માટે ચિંતાનું કારણ બન્યો છે.

અકસાઇ ચીન

કારાકાશ નદી પર સમુદ્ર તળથી 14,000-22,000 ફૂટ ઊંચા પર મોજૂદ અકસાઈ ચીનનો મોટો હિસ્સો વેરાન છે. 32000 વર્ગ મીટરમાં ફેલાયેલો આ વિસ્તાર વેપારનો રસ્તો હતો અને એને કારણે એનું ઘણું મહત્ત્વ હતું. ભારતનું કહેવું છે કે ચીને જમ્મુ-કાશ્મીરના અકસાઈ ચીનમાં 38,000 કિલોમીટર જમીન પર કબજો કરી રાખ્યો છે.

અરુણાચલ પ્રદેશ

ચીન દાવો કરે છે કે મેકમેહોન રેખા દ્વારા ભારતે અરુણાચલ પ્રદેશમાં એની 90,000 વર્ગ કિલોમીટર જમાન દબાવી લીધી છે. ભારત એને પોતાનો હિસ્સો ગણાવે છે. હિમાલયી ક્ષેત્રમાં સીમા વિવાદને ઉકેલવા માટે 1914માં ભારત- તિબેટ-શિમલા સંમેલન બોલાવવામાં આવ્યું હતું.

બ્રિટને ભારત અને તિબેટ વચ્ચે સીમાની વહેંચણી કરી

એ વખતના બ્રિટિશ શાસને મેકમેહોન રેખા બનાવી હતી, જેનાથી બ્રિટિશ ભારત અને તિબેટની વચ્ચે સરહદની વહેંચણી થઈ હતી. ચીનના પ્રતિનિધિ એ શિમલા સંમેલનમાં હાજર હતા, પણ તેમણે આ સમજૂતી પર હસ્તાક્ષર કરવાનો કે એને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે તિબેટ ચીની શાસન અંતર્ગત છે, એટલે એણે અન્ય દેશની સાથે સમજૂતી કરવાનો હક નથી.

આંતરરાષ્ટ્રીય સીમા

1947માં સ્વતંત્રતા મળ્યા પછી ભારતે મેકમેહોન રેખાને સત્તાવાર સીમા રેખાનો દરજ્જો આપી દીધો. જોકે 1950માં તિબેટ પર ચીની નિયંત્રણ પછી ભારત અને ચીનની વચ્ચે એક ભાગીદારીવાળી સીમા બનાવવામાં આવી હતી, જો કે એના પર કોઈ સમાધાન થયું નથી. ચીન મેકમેહોન રેખાને ગેરકાયદેસર અને પારંપરિક માને છે, જ્યારે ભારત એને આંતરરાષ્ટ્રીય સીમાનો દરજ્જો આપે છે.

સમજૂતી

1947માં ભારતની સ્વતંત્રતા પછી 1954માં ભારત અને ચીન વચ્ચે તિબેટ વિસ્તારમાં વેપાર અને લોકોની અવરજવર માટે સમજૂતી થઈ હતી. એ સમજૂતી પછી ભારતે માન્યું કે હવે સીમા વિવાદનું કોઈ મહત્ત્વ નથી રહ્યું અને ચીને ઐતિહાસિક સ્થિતિનો સ્વીકાર કરી લીધો છે.

ચીનનું વલણ

બીજી બાજુ ચીનનું કહેવું છે કે સરહદીય મુદ્દા પર ભારત સાથે કોઈ સમજૂતી નથી થઈ અને તિબેટમાં ચીનની સત્તાને ભારત માન્યતા આપે. આ ઉપરાંત ચીનનું એમ પણ કહેવું છે કે મેકમેહોન રેખાને લઈને ચીનની અસહમતી હજી પણ કાયમ છે.

સિક્કિમ

તિબેટના મામલે 1962માં બંને દેશોની વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. મહિના સુધી ચાલેલી એ લડાઈમાં ચીનની સેના ભારતના લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં ઘૂસી આવી હતી. ત્યાર બાદ ચીની સેના વાસ્તવિક નિયંત્રણ રેખા પર પાછી ફરી હતી. ત્યાંથી ભૂટાનની પણ સીમા લાગે છે. સિક્કિમનો એ છેલ્લો વિસ્તાર છે જ્યાં સુધી ભારતની પહોંચ છે. તે ઉપરાંત ત્યાંના કેટલાક વિસ્તારો ઉપર ભૂટાન પણ દાવો કરે છે અને ભારત એ દાવાનું સમર્થ કરે છે.

માનસરોવર

માનસરોવર હિન્દુઓનું મહત્ત્વનું તીર્થસ્થળ છે, જેની યાત્રા પર દર વર્ષે કેટલાક લોકો જાય છે. ભારત ચીનના સંબંધોની અસર આ તીર્થયાત્રા ઉપર પણ છે. સીમાવિવાદને કારણે ચીને માનસરોવર માટેના શ્રદ્ધાળુઓને ત્યાં પૂર્વના રસ્તેથી જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

વાટાઘાટથી નિવેડો લાવવાના પ્રયત્નો

ભારત અને ચીનની વચ્ચે છેલ્લા 40 વર્ષોમાં આ વિવાદને વાતચીતથી ઉકેલવાના અનેક પ્રયાસો થયા છે. જોકે આ પ્રયત્નોનું કોઈ નક્કર પરિણામ નથી આવ્યું અને વાટાઘાટના 19 રાઉન્ડ પછી પણ માત્ર આશા જ વ્યક્ત કરવામાં આવે છે કે કોઈક સમાધાન જરૂર સધાશે.