ચૂંટણી પંચને એક મત કેટલા રૂપિયામાં પડશે?

ભારતમાં લોકસભા ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે ત્યારે ચૂંટણીમાં કરવામાં આવતા ખર્ચા વિશે ઘણી બધી ચર્ચાઓ થતી રહેતી હોય છે. પરંતુ તમને ભાગ્યે જ ખબર હશે કે તમારા એક મત માટે ચૂંટણી પંચને કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. તો ચાલો જાણીએ આ વખતે તમારા એક વોટ ચૂંટણી પંચના ખિસ્સાનું કેટલુ ભારણ વધારશે. સાથે જ વિતેલા વર્ષો પર પણ જરા ડોકિયુ કરીએ.

ચૂંટણી હવે દરેક જન માટે લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ બની ગયો છે. મતદાન માટે પણ ઘણા બધાપ્રચાર પ્રસાર કરવામાં આવે છે. ઘણા લોકો તો એવા ડાયલોગ મારતા પણ સંભળાય છે કે મારો એક મત કોઈ પણ પક્ષની જીત કે હારનું કારણ બની શકે છે. જો કે આ વાત સાચી પણ છે. કારણ કે દરેક વોટ કિંમતી છે. જો કે આપણે વાત કરીએ છીએ ચૂંટણી પંચની. છેલ્લા 2019ની વાત કરીએ તો એ સમયે 91 કરોડ મતદારો હતા જેની માટે લગભગ 5500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એક મત માટે ચૂંટણી પંચ દ્રારા 60 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
હવે વાત કરીએ ભારતના પ્રથમ લોકસભા ઇલેક્શનની. તો દેશમાં પહેલીવાર 1952માં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં પંચે એક મતદાર પર 6 પૈસા ખર્ચ કરવા પડ્યા હતા.

મતનો ખર્ચ કેવી રીતે થાય છે?

ચૂંટણી પંચ મતદાન પ્રક્રિયા હાથ ધરવા, મતદાર જાગૃતિ અને નિરીક્ષણોનો ખર્ચ કરે છે. ચૂંટણી કમિશનને આ નાણાં કેન્દ્ર સરકાર પાસેથી બજેટના રૂપમાં મળે છે. પંચના આ ખર્ચમાં રાજકીય પક્ષો દ્ધારા આવેલા ખર્ચ અને સુરક્ષા વ્યવસ્થા પર કરવામાં આવેલા ખર્ચનો સમાવેશ થતો નથી. અહીં એ વાત જાણવી જરૂરી છે કે ભારતમાં ચૂંટણી પંચની સ્થાપના 1950માં કરવામાં આવી હતી. ચૂંટણી પંચને ચૂંટણી કરાવવાની વિશેષ સત્તાઓ છે જેથી એને ચૂંટણી પંચ પણ કહેવામાં આવે છે.

ચૂંટણી ખર્ચનો સંપૂર્ણ હિસાબ

ભારતમાં લોકસભાની પ્રથમ ચૂંટણી 1951-52માં યોજાઈ હતી. એ સમયે દેશમાં કુલ 17.32 કરોડ નોંધાયેલા મતદારો હતા. લગભગ 6 મહિનામાં સમગ્ર મતદાન પૂર્ણ થયું હતું. મતદાન કરાવવા માટે પંચ દ્વારા કુલ રૂપિયા 10.45 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જો એક મતદારની દ્રષ્ટિએ જોવામાં આવે તો, પંચે મતદાન કરવા માટે પ્રતિ મતદાર 6 પૈસા ખર્ચ્યા હતા.

જયારે 1957ની લોકસભા ચૂંટણીમાં 5.9 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ રકમ 1962માં વધીને 7.32 કરોડ રૂપિયા અને 1967માં 10.79 કરોડ રૂપિયા થઈ ગઈ. 1971ની ચૂંટણીમાં પંચે ચૂંટણી કરાવવામાં કુલ રૂપિયા 11.64 કરોડનો ખર્ચ કર્યો હતો. આ ચારેય ચૂંટણીઓમાં ચૂંટણીપંચે મતદાર દીઠ 6 પૈસાથી ઓછો ખર્ચ કર્યો હતો.

એવી જ રીતે 1977માં ઈમરજન્સી બાદ ચૂંટણી થઈ ત્યારે 6 પૈસાનો રેકોર્ડ તૂટી ગયો હતો. અને એક મતદાર પાછળ 7 પૈસા ખર્ચવામાં આવ્યા હતા. 1980માં મધ્યવર્તી ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ 54.57 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. એ લોકસભા ચૂંટણીમાં મતદાર દીઠ 1.5 રૂપિયા ખર્ચ થયો હતો. 1984માં ખર્ચ વધીને 2 રૂપિયા થઈ ગયો હતો. 1989થી 1999 સુધી દેશમાં 5 લોકસભા ચૂંટણીઓ યોજાઈ હતી. ચૂંટણી પંચે 1989માં ચૂંટણી કરાવવા માટે 154 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જેમાં મતદાર દીઠ ખર્ચ 3.1 રૂપિયાનો હતો. 1991માં વધીને જે 7 રૂપિયા થઈ ગયો.

1996માં પંચે પ્રતિ મતદાતા 10.1 રૂપિયા ખર્ચવા પડ્યા હતા. 3 વર્ષ પછી યોજાયેલી ચૂંટણીમાં આ રકમ 15.3 રૂપિયા હતી. 2004માં મતદાર દીઠ ખર્ચમાં ઘટાડો થયો હતો. ત્યારની ચૂંટણીમાં એક મતદાર પર માત્ર 15.1 રૂપિયાનો ખર્ચ થયો હતો.
2014માં મતદારોના ખર્ચનો આંકડો 46 રૂપિયાને પાર કરી ગયો હતો. ત્યારે ચૂંટણી પંચે ચૂંટણી કરાવવા માટે કુલ 3870 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. 2019માં પંચે કુલ રૂપિયા 5500 કરોડનો ખર્ચ કર્યો હતો. જો મતદાર દીઠ ખર્ચની ગણતરી કરવામાં આવે તો પંચે આ ચૂંટણીમાં એક મતદાર પર 60 રૂપિયાનો ખર્ચ કર્યો હતો.મ

મતદારોની સંખ્માં વધારો

1952ની સરખામણીમાં 2019માં મતદારોની સંખ્યામાં 5 ગણો વધારો થયો છે. 1952માં માત્ર 17 કરોડ મતદારો હતા, જે 2019માં વધીને 91 કરોડ થઈ ગયા. હાલમાં દેશમાં કુલ મતદારોની સંખ્યા 100 કરોડની આસપાસ છે. મતદારોની સંખ્યા સાથે ઉમેદવારોની સંખ્યામાં પણ વધારો થયો છે. 1952ની ચૂંટણીમાં એક બેઠક માટે સરેરાશ 3-4 ઉમેદવારો હતા, જે 2019માં વધીને 14-15 થઈ ગયા છે. યોગ્ય સીમાંકનના અભાવે દરેક સીટ પર 20 લાખ મતદારો છે. કમિશન પણ એક સાથે આ હાંસલ કરવાના પડકારનો સામનો કરે છે.

વર્ષ કુલ ખર્ચ  કુલ મતદાર એક મતદાર પર ખર્ચ
1952 10.45 કરોડ 17.32 કરોડ 0.6 પૈસા
1957 5.9  કરોડ 19.36 કરોડ 0.3 પૈસા
1962 7.32 કરોડ 21.63 કરોડ 0.3 પૈસા
1967 10.79 કરોડ 25.02 કરોડ 0.4 પૈસા
1971 11.64 કરોડ 27.41 કરોડ 0.4 પૈસા
1977 23.03 કરોડ 32.11 કરોડ 0.7 પૈસા
1980 54.57 કરોડ 35.62 કરોડ 1.5 રૂપિયા
1984 81.54 કરોડ 40.03 કરોડ 2.0 રૂપિયા
1989 154  કરોડ 49.89 કરોડ 3.1 રૂપિયા
1991 359 કરોડ 51.15 કરોડ 7.0 રૂપિયા
1996 597 કરોડ 59.25 કરોડ 10.1 રૂપિયા
1998 666 કરોડ 60.58 કરોડ 11.0 રૂપિયા
1999 947 કરોડ 61.95 કરોડ 15.3 રૂપિયા
2004 1016 કરોડ 67.14 કરોડ 15.1 રૂપિયા
2009 1114 કરોડ 71.69 કરોડ 15.5 રૂપિયા
2014 3870 કરોડ 83.41 કરોડ 46.4 રૂપિયા
2019 5500 કરોડ 91.00 કરોડ 60 રૂપિયા

 

ચૂંટણી પંચનો સૌથી મોટો ખર્ચ મતદારોને જાગૃત કરવા પર છે. મતદારોને જાગૃત કરવા કમિશન આઉટડોર ઝુંબેશ ચલાવે છે. આ માટે છાપાઓ, ટીવી અને અન્ય ઘણા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. નોંધનીય બાબત એ છે કે 1952ની ચૂંટણીમાં લગભગ 44 ટકા વોટ પડ્યા હતા, જે 2019માં વધીને 67 ટકા થઈ ગયા. પંચનો પ્રયાસ આ વખતે વોટ ટકાવારી 80ની આસપાસ પહોંચવાનો છે. હવે જોવુ એ રહ્યું કે આ વખતે ચૂંટણીપંચને એક મતદારનો ખર્ચ કેટલો થાય છે.