ડરીને ભાગી થોડું જવાય?

કોરોનાનું નામ પડતાં જ ડર અને ગભરાટની લાગણી અનુભવાતી હોય એવા માહોલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વચ્ચે જઇને એમની સેવા કરવાનું કામ સહેલું નથી. અને પણ, પરદેશી મુલ્કમાં. આમ છતાં, એક ગુજરાતી દંપતિ અત્યારે ઇંગ્લેન્ડમાં હિંમતપૂર્વક આ ફરજ બજાવી રહયું છે.. 

———————————————————

‘બહારથી બધું જ નોર્મલ લાગે, પણ હાલત એવી છે કે અત્યારે ઘરની બહાર પગ મૂકીએ એટલે જાણે જંગમા જતા હોઇએ એવું લાગે. સાંજે ઘરે પાછા ફરશું કે કેમ એની પણ કાંઇ ખબર નથી હોતી અને આ બધું વિચારવા જેટલો સમય પણ નથી. અત્યારે તો સાંજે પાછા ઘરે આવીને એકબીજાને હમખેમ જોઇએ એટલે એ દિવસ પૂરતી હાશ થાય…’

ઇંગ્લેન્ડથી ચિત્રલેખા.કોમ સાથે ટેલિફોન પર વાતચીત કરતી વખતે દિશા આમ કહે છે ત્યારે થોડીવાર માટે એનો અવાજ કાંપે છે, પણ પછી અત્યંત ઝડપથી સ્વસ્થતા મેળવીને એ કહે પણ છેઃ

‘ના, ચિંતા થાય તો પણ એમ ડરી ન જવાય. આવા સમયમાં જ ડરીને ભાગી જઇએ તો બીજાને તો ઠીક, જાતને શું જવાબ આપીએ?’

યસ, ઘરની બહાર પગ મૂકતાં ય ડર લાગે એ માહોલમાં, ઘર-પરિવારની કે ઇવન પોતાની જાતની ય ચિંતા કર્યા વિના દેશ પર છવાયેલા કોરોના નામના આ અભૂતપૂર્વ સંકટ સામે લડવું એ ખરા અર્થમાં જંગ લડવા જેવું છે. અને આપણે ત્યાં સતત આ જંગ લડી રહેલા જાંબાઝોના કિસ્સાઓ છેલ્લા કેટલાક દિવસથી આપણે જોતા-સાંભળતા આવીએ છીએ. એ લોકો પણ સરહદે જંગ લડતા જવાંમર્દોથી કમ નથી, કદાચ.

પરંતુ આજે અહીં જે બે જાંબાઝોની વાત કરવી છે એ તો પરદેશી ભૂમિમાં રહીને પારકાંને પોતાના બનાવીને એમના માટે પોતાનો જાન જોખમમાં મૂકનારાની વાત છે.

વાત છે મૂળ ભાવનગરના, પણ ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલા અમિત અને દિશા જાનીની. લંડનથી લગભગ પંચાવન માઇલના અંતરે આવેલ વેસ્ટ સસેક્સ નામની કાઉન્ટીમાં રહેતા અમિત અને દિશા બન્નેની સવાર આજકાલ એક અજીબ પ્રકારના તણાવથી થાય છે, પણ સાંજ પડે એટલે ફરજનો સંતોષ એ તણાવને દૂર કરી દે છે. તણાવ એટલા માટે કે, પતિ-પત્નિ બન્ને અહીંની વેસ્ટર્ન સસેક્સ હોસ્પિટલ્સ એનએચએસ ટ્રસ્ટ નામની હોસ્પિટલમાં ફરજ બજાવે છે એટલે લોકડાઉનની પરિસ્થિતિમાં ય એમણે પોતાની આઠ વર્ષની એકની એક દીકરી અનિષ્કાને સ્કૂલે છોડીને જવું પડે છે. (આખા ઇંગ્લેન્ડમાં ત્રણ અઠવાડિયાથી લોકડાઉન છે, પણ એનએચએસ એટલે કે, નેશનલ હેલ્થ સર્વિસ, પોલીસ, ફાયર જેવી આવશ્યક સેવા સાથે સંકળાયેલા પરિવારોના બાળકો માટે ખાસ કિસ્સામાં સ્કૂલો શરૂ છે.)

અમિતભાઇ કહે છે, હજુ ત્રણેક અઠવાડિયા પહેલાં ઇંગ્લેન્ડમાં ફક્ત બે જ કેસ હતા, પણ અત્યારે આ આંકડો 19000 સુધી પહોંચ્યો છે એના પરથી જ ખ્યાલ આવી જાય છે કે પરિસ્થિતિ કેવી ભયાવહ હશે. અમે બન્ને સવારે અનિષ્કાને સ્કૂલે મૂકીને જઇએ પછી પાછા સાંજે એને લેવા જઇએ ત્યાં સુધીમાં સતત ચિંતા રહે, પણ એ સિવાય કોઇ રસ્તો પણ નથી.

અમિતભાઇ આ હોસ્પિટલમાં બિઝનેસ મેનેજર તરીકે કાર્યરત છે. એ નોન-મેડિકલ સ્ટાફમાં છે, પણ આખો દિવસ હોસ્પિટલમાં ફરજ બજાવવાની એટલે સાવચેત તો રહેવું જ પડે. એની સામે દિશાબહેનની કામગિરી તો પેશન્ટના સીધા સંપર્કમાં રહીને કામ કરવાની છે. ઓક્યુપેશનલ થેરપિસ્ટ તરીકે એ સતત કોરોનાના ઓથાર તળે જ કામ કરે છે. હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફને બ્લ્યુ અને ગ્રીન એમ બે વિભાગમાં વહેંચી નખાયો છે, જેમાં બ્લ્યુ ટીમે સતત કોરોનાના દર્દી માટે જ કામ કરવાનું હોય છે અને દિશાબહેનનો સમાવેશ આ બ્લ્યુ ટીમમાં થાય છે. દરેક ક્ષણે સાવધાન રહેવું પડે છે દિશાબહેને. એક જ હોસ્પિટલમાં સાથે કામ કરતા હોવા છતાં એકબીજાને મળવાનું ય મુશ્કેલ હોય છે. હોસ્પિટલમાં કામ કરતી વખતે પોતાની કાળજી રાખવાની તો ચિંતા ખરી જ, સાથે સાથે પતિ અમિતભાઇ અને સ્કૂલે મૂકેલી દીકરી અનિષ્કાની ય ચિંતા. રોજ ઘરે આવીને બધું સેનેટાઇઝ કરવાનું. દીકરી આખો દિવસ સ્કૂલમાં કોને કોને મળી હોય એ પણ થોડું નક્કી હોય?

એમાં ય, હવે એકાદ-બે દિવસમાં તો ઇસ્ટરનું વેકેશન પડશે એટલે પછી ખાસ શરૂ રખાયેલી આ સ્કૂલો પણ બંધ થશે એટલે અનિષ્કાને સાચવવાની ય ચિંતા. અઘરૂં છે આ બધા મોરચે એકસાથે લડવાનું, પણ બન્ને લડે છે એ ય હકીકત છે.

આ બધું હોવા છતાં પતિ-પત્નિ બેમાંથી કોઇએ મેદાન છોડીને જવાનો વિચાર સુધ્ધાં નથી કર્યો. બન્ને મક્કમતાથી કહે છે, ‘આ અમારી જન્મભૂમિ નથી, પણ કર્મભૂમિ જરૂર છે. પંદરેક વર્ષથી અમે અહીં છીએ અને આ દેશે, આ સમાજે અમને ઘણું આપ્યું છે. આફત આવે ત્યારે ડરીને ભાગી થોડું જવાય છે? અમારી ફરજમાં આવે છે આ કામ. અમે નહીં કરીએ તો કોણ કરશે?’

અમિતભાઇ અને દિશાબહેન બન્નેનો જન્મ અને ઉછેર ભાવનગરમાં. બાળપણમાં દક્ષિણામૂર્તિથી લઇને કોલેજ સુધી સાથે સાથે જ ભણ્યા. વર્ષ 2004 માં ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં જ સ્થાયી થયા. અમિતભાઇના માતા-પિતા ભાવનગરમાં જ છે અને એ પણ વ્યવસાયે તબીબ છે એટલે આવી પરિસ્થિતિમાં એક ડોક્ટરની શું ફરજ હોય છે એની એમને ખબર છે. દિશાબહેન એટલે જ ગૌરવ સાથે કહે છે કે, ‘આટલી મુશ્કેલ હાલતમાં પેરેન્ટસ તરીકે એમને ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ આમ છતાં ય એમણે એકપણ વાર અમને પરત આવી જવા કે આ કામ છોડી દેવાનું નથી કહયું.’

અમિતભાઇ અને દિશાબહેન માટે પરિસ્થિતિ અઘરી ચોક્કસ છે, પણ આવી હાલતમાં ય એમનો વિશ્વાસ અડગ છે. અમિતભાઇ કહે છે, ‘આ કામ કરનારા અમે એકલાં જ નથી. આપણાં અનેક ગુજરાતી અને ભારતીય ભાઇ-બહેનો એનએચએસ-નેશનલ હેલ્થ સર્વિસમાં કાર્યરત છે અને એ બધા જ અત્યારે પોતાની ફરજ સમજીને નિષ્ઠાપૂર્વક કામ કરી જ રહયા છે. કપરો સમય છે, પણ એ ય નીકળી જશે.’

યસ, અમિતભાઇ-દિશાબહેન, ધીસ શેલ ટુ પાસ!

(કેતન ત્રિવેદી)