ખંભાળિયામાં ઇસુદાન ગઢવી માટે જીતવું પડકાર

ખંભાળિયા એના શુધ્ધ ઘી માટે આખા ભારતમાં જાણીતું છે. અહીનું શુધ્ધ ઘી મુંબઈ અને સુરત આજે પણ જાય છે. જો કે, એની શુધ્ધતા અંગે હવે સવાલો થઈ રહ્યા છે. અને ઘીના વેપાર સાથે આ જ બેઠક પરથી ચૂંટાયેલા બે પૂર્વ ધારાસભ્યો જેરામભાઈ ગોરિયા અને કાળુભાઇ ચાવડા સીધા સંકળાયેલા રહ્યા. જેરામભાઈ તો શંકરસિંહ વાઘેલાના મંત્રી મંડળમાં પણ હતા. પણ આજે ખંભાળિયા બીજા કારણોસર જાણીતું બન્યું છે. કારણ ગુજરાતની ધારાસભાની ચૂંટણી છે. અને કારણ ભાજપ કે કોંગ્રેસ નથી પણ આપ છે. કારણ કે, આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. અહીં પણ સાચા અર્થમાં ત્રિપાખિયો જંગ છે.

સૌરાષ્ટ્રની અન્ય બેઠકોની જેમ જ 1990 સુધી કોંગ્રેસનું વર્ચસ્વ હતું અને એના જ ઉમેદવારો ચૂંટાતા આવ્યા છે અને એમાં ય હેમંત માડમનો ચારવાર ચૂંટાવાનો રેકર્ડ છે. પણ 1995થી અહીં ભાજપના ઉમેદવારો ચૂંટાવા લાગ્યા. હા, 2017માં અહીંથી કોંગ્રેસના વિક્રમ માડમ ચૂંટાયા અને એ દ્રષ્ટિએ જોઈએ તો અહીં માડમ પરિવારનો દબદબો રહ્યો છે. હેમંતભાઈની દીકરી અને જામનગરના વર્તમાન સાંસદ પૂનમબેન માડમ પણ અહીંથી ચૂંટાયા છે. વિક્રમ માડમ પુનમબેનના કાકા થાય. અને આ વેળા ય કોંગ્રેસમાંથી વિક્રમ માડમ ફરી લડી રહ્યા છે. વિક્રમભાઈ એકવાર જામનગરમાંથી લોકસભામાં પણ ચૂંટાયા છે.

ભાજપે જૂના જોગી મુળુભાઈ બેરાની પસંદગી કરી છે. મુળુભાઈ કૂલ ચારવાર ચૂંટાયા છે અને ત્રણ વાર ચૂંટણી હાર્યા છે. વિક્રમ માડમ સામે ય એ હાર્યા છે અને જામનગરમાં હકુભાઈ જાડેજા કે જેમને આ વેળા ભાજપે ટિકિટ આપી નથી પણ એ કોંગ્રેસમાં હતા ત્યારે મુળુભાઈ એમની સામે હાર્યા હતા. આ વેળા વિશેષતા એ પણ છે કે, મુળુભાઈએ ચૂંટણી ફોર્મ ભર્યું ત્યારે રિલાયન્સના અગ્રણી અને સાંસદ પરિમલભાઈ નથવાણી પણ હાજર રહ્યા હતા. અને એમણે મુળુભાઈને જિતાવવા અનુરોધ પણ કર્યો. પરિમલભાઈનનું વતન પણ ખંભાળિયા છે.

પણ આ બે મહારથી વચ્ચે ઇસુદાન ગઢવી મેદાનમાં ઉતર્યા એટલે આ જંગ વધુ રોચક બન્યો છે. ઇસુદાનનું વતન ખંભાળિયાનું પીપળીયા ગામ છે. પણ એ દ્વારકાથી ચૂંટણી લડશે એવું જ નક્કી હતું પણ છેલ્લી ઘડીએ અરવિંદ કેજરીવાલે ખભાળિયા માટે ઇસુદાનનું નામ જાહેર કર્યું. એનું કારણ પબુભા માણેક પણ હોય શકે. દ્વારકામાં સતત સાત ટર્મથી ચૂંટાય છે. અને એમની સામે જીતવાનું આસાન ના જ બને. ખંભાળીયામાં ફાયદો એ છે કે, આહીર મતો વહેચાવાના એ નકી કારણ કે, ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર આહીર છે. અને બીજી બાજુ, દ્વારકામાં આપે સતવારા અગ્રણી લખુભાઈ નકુમને ટિકિટ આપી છે અને દ્વારકાની જેમ જ ખંભાળીયામાં પણ આહીર પછી સૌથી વધુ મત સતવારા અને પછી મુસ્લિમોનાં છે. ઇસુદાન માટે આ રીતે સમિકરણ બેસે છે પણ એ સહેલું તો નથી જ કારણ કે, ખંભાળીયામાં આપનું નેટવર્ક નથી. 120 ગામ આ મત વિસ્તારમાં આવે છે.

અલબત અહીં અરવિંદ કેજરીવાલની સભા થઈ એમાં હાજરી સારી હતી. ખંભાળિયાથી સાત કિલોમીટર દૂર સ્થળ હતું છતાં લોકો આવ્યા અને એ પછી ઇસુદાનનો રોડ શો પણ સારો ગયો. હવે ઇસુદાન ગામડે ગામડે ફરી રહ્યા છે. એમની માટે રાત ઓછી ને વેશ જાજા છે. સમસ્યા એ છે કે, એમની પાસે પ્રચાર તંત્ર નથી. લોકો એમણે સાંભળવા જરૂર આવે છે પણ એ મતદાન પણ એમના માટે કરે એ જરૂરી નથી. ભાજપ અને કોંગ્રેસ જેવુ એમની પાસે બુથ મેનેજમેન્ટ નથી એ મોટી સમસ્યા છે. ઇસુદાન માટે અહીંથી જીતવું પડકાર બની ગયો છે. ઘી માટે જાણીતા આ નગરમાં કોનું ઘી બનશે? જો કે, હવે ઘીમાં ભેળસેળ થવા લાગી છે. અને એવું જ મતદારોમાં પણ છે.

ઇસુદાન માટે ખરાખરીનો જંગ…

ઇસુદાન માટે વતનમાં લડવું એ એક મોકો છે. પણ એમની સમસ્યા એ છે કે, એ આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. અને એમની જવાબદારી આખા ગુજરાતની છે અને એ કારણે એ પોતાના મત વિસ્તારમાં કેટલો સમય આપી શકશે એ પ્રશ્ન છે. બીજું કે, ઇસુદાન પછી અહીં આપના કોઈ એવા નેતા નથી કે જે સમગ્ર મત વિસ્તારમાં પ્રચાર કાર્ય સંભાળી શકે. અને ઈસુદાન માટે આ ચૂંટણી પ્રતિષ્ઠા સમાન છે. અને એ જિતતા હોય એવું વાતાવરણ ઊભું થાય તો એની અસર સૌરાષ્ટ્રમાં અન્ય બેઠકો પર સારી થાય. બાકી ઇસુદાન હાર્યા તો સૌરાષ્ટ્રમાં આપે બહુ અપેક્ષા રાખવા જેવી રહેતી નથી.

(કૌશિક મહેતા)                                                                                    (લેખક રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર છે.)