છેલ્લા એકાદ વર્ષથી મહા-ગઠબંધન શબ્દ સતત સંભળાતો રહ્યો હતો. કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસની હાર થઈ, પણ સત્તા ભાજપના હાથમાં ના જાય તે માટે દેવે ગોવડાની આગેવાની હેઠળના જનતા દળ (સેક્યુલર)ને કોંગ્રેસે ટેકો આપી દીધો. ઓછી બેઠકો મેળવનાર જેડી-એસના નેતા કુમારસ્વામીને મુખ્યપ્રધાન બનાવવાની ઓફર સોનિયા ગાંધીએ કરી દીધી. ભાજપ પણ સત્તાથી થોડે છેટે રહી ગયો હતો, અને વજુભાઈ વાળા જેવા ગુજરાતી ગર્વનરનો સાથ લઈને સરકાર બનાવવા માટે ભારે મથામણ કરી. વજુભાઈ વાળાએ રાબેતા મુજબ બધી જ નીતિમત્તા નેવે મૂકીને ભાજપના યેદીયુરપ્પાને મુખ્યપ્રધાન બનાવવા માટે આમંત્રણ પણ આપી દીધું હતું.
ત્યારબાદ જે બન્યું તે ઘટનાક્રમ રસપ્રદ હતો. રાતોરાત સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવા પડ્યા. સુપ્રીમ કોર્ટે વજુભાઈ વાળાને જણાવવું પડ્યું કે દેશમાં કામકાજ બંધારણ અને પરંપરા પ્રમાણે ચાલે છે, તમારા મનમાની પ્રમાણે નહિ. યેદીયુરપ્પાને મુખ્યપ્રધાન બનાવાયા તે નિર્ણય માન્ય રખાયો, પણ થોડા જ દિવસોમાં બહુમતીના પારખા કરી દેવાનો આદેશ અપાયો હતો. વજુભાઈ વાળાએ 15 દિવસનો સમય આપી દીધો હતો, જેથી કોંગ્રેસના અને જેડી (એસ)ના ધારાસભ્યોની ખરીદી થઈ શકે.
આખરે કુમારસ્વામીની આગેવાની હેઠળની સરકાર બની ત્યારે શપથવિધિ વખતે દેશભરમાંથી વિપક્ષના નેતાઓ એકઠા થયા હતા. માયાવતી અને સોનિયા, સોનિયા અને મમતા પ્રેમથી મળ્યા હતા. તેલંગાણા અને ઓડિશાના એક બે મુખ્ય પ્રધાનોને બાદ કરતાં મોટા ભાગના વિપક્ષી મુખ્ય પ્રધાનો અને વિપક્ષના નેતાઓ મંચ પર હાજર હતા. તે વખતે જે તસવીર લેવામાં હતી તે લાંબો સમય ફરતી રહી હતી. ભાજપને હરાવવા માટે ગઠબંધન જરૂરી છે તેના પ્રતીકરૂપ તે તસવીર બની હતી.
કર્ણાટક પહેલાં એક પછી એક રાજ્યમાં કોંગ્રેસ કે પ્રાદેશિક પક્ષ હારી રહ્યો હતો અને ભાજપનો ભગવો નકશામાં ફેલાઈ રહ્યો હતો. ઇશાન ભારતમાં ત્રિપુરા જેવા રાજ્યમાં પણ ડાબેરીઓને ભાજપે હરાવી દીધા તે પછી ભાજપનો સત્તારથ રોકવો મુશ્કેલ છે તેમ વિપક્ષને સમજાઈ ગયું હતું. વિપક્ષને એમ પણ લાગ્યું હતું કે આ માત્ર રથ નથી, સ્ટિમરોલર છે. માથે ફરી વળશે પછી જમીન સપાટ થઈ જશે અને પછી ભારત માત્ર કોંગ્રેસમુક્ત નહિ, વિપક્ષમુક્ત થઈ જશે. તેના કારણે મહાગઠબંધન બનશે તેની ચર્ચા તેજ બની હતી.
જોકે છેલ્લે પાંચ મહિના પહેલાં પાંચ રાજ્યોની ચૂંટણી યોજાઈ તે પછી ચિત્ર બદલાયું છે. કોંગ્રેસને ત્રણ રાજ્યોમાં સત્તા મળી તે પછી કોંગ્રેસનો વ્યૂહ પલટાયો છે. સત્તા મળતા પહેલાં જ બદલાયેલા માહોલમાં કોંગ્રેસે આ ત્રણમાંથી એકેય રાજ્યમાં ગઠબંધન કર્યું નહોતું. છત્તીસગઢમાં માયાવતીએ કોંગ્રેસથી નારાજ થઈને, કોંગ્રેસથી નારાજ થઈને અલગ પડેલા અજિત જોગી સાથે જોડાણ કરી લીધું. આમ છતાં છત્તીસગઢમાં જ કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળી. ભાજપ સામે બે જૂથો હોવા છતાં ભાજપને હરાવી શકાયો અને તેના કારણે વળી ગણિત બદલાયું.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસને સત્તા મળી ગઈ, પણ અહીં અગત્યની વાત એ હતી કે કોંગ્રેસને એક એક સભ્યના સમર્થનની જરૂર પડી હતી. અપક્ષોનું સમર્થન પણ લેવામાં આવ્યું હતું. બાદમાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકારને ટેકો આપવાનું માયાવતીએ પણ એક પક્ષી રીતે જાહેર કર્યું હતું. એસપીએ અગાઉ ટેકો આપ્યો જ હતો. પરંતુ કોંગ્રેસે મોટાભા બનવાના મોહમાં બેમાંથી એકેય પક્ષને સત્તાવાર રીતે પોતાની સરકારમાં સમાવ્યા નથી. કોંગ્રેસ હવે જુદા મોડમાં હતી અને તેથી આખરે અત્યાર સુધી મહાગઠબંધન થઈ શક્યું નથી.
યુપીમાં એસપી અને બીએસપી અને આરએલડીનું ગઠબંધન થઈ ગયું, પણ તેમાં કોંગ્રેસને સ્થાન આપવામાં આવ્યું નથી. જોકે આ ગઠબંધને કોંગ્રેસ માટે બે બેઠકો છોડી દીધી, તેના બદલામાં કોંગ્રેસે પણ સાતેક બેઠકો છોડી દેવાનું નક્કી કર્યું છે. મુલાયમસિંહ સામે કે આરએલડીના ઉમેદવારો સામે કોંગ્રેસના ઉમેદવારો નહિ હોય. આડકતરું ગઠબંધન ખરું, પણ મહાગઠબંધન થયું નથી.
1977માં ઇન્દિરા ગાંધીએ ચૂંટણી આપી હતી. કટોકટીના કારણે સરકારી તંત્ર દોડતું થઈ ગયું હતું. રેલવે સમયસર ચાલતી હતી. ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ હતો. લોકો રાજી થઈને ‘મજબૂત’ નેતાને મત આપશે એવી આશામાં ચૂંટણી આવી હતી. વિપક્ષને પણ કદાચ આશંકા હતી કે સરકારી તંત્ર સંપૂર્ણપણે કોંગ્રેસના કાબુમાં છે ત્યારે જીતવા માટે સૌએ એક થવું પડશે. તેથી જનતા મોરચાની રચના થઈ હતી. ભાજપ સહિતના પક્ષો જનતા પક્ષમાં ભળી ગયા હતા અને સમગ્ર દેશમાં કોંગ્રેસ વિરુદ્ધ વિપક્ષની ધરી રચાઈ હતી.
સાચી વાત એ છે કે આ વખતે તેની કોઈ ધરી રચાઈ નથી. સત્તા પક્ષ સામે વિપક્ષી મોરચા માટે કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષે ધરી તરીકે વચ્ચે રહેવું પડે તેમ હતું. કોંગ્રેસ શું ઐતિહાસિક ભૂલ કરી રહી છે? કોંગ્રેસ લાંબા ગાળાનું વિચારી રહી છે અને ગુજરાત તથા કર્ણાટકમાં મર્યાદિત સફળતા અને ત્રણ હિન્દી રાજ્યોમાં ઠીક ઠીક સફળતા પછી હવે સારી સફળતા માટે સંગઠન મજબૂત કરી રહી છે? આવી વિચારણા વિમાસમમાં નાખી દેનારી છે. કોંગ્રેસનું સંગઠન મજબૂત થઈ રહ્યું હોય તેવા કોઈ ચિહ્નો દેખાતા નથી. ગુજરાતમાં સંગઠન તૂટતું જ રહે છે તે આપણે જોયું છે. કર્ણાટકમાં પણ ધીમે ધીમે તૂટી જ રહ્યું છે. સત્તા વિના સંગઠન ટકાવી રાખવું મુશ્કેલ છે. ભાજપ જેવા પક્ષમાં વગર સત્તાએ સંગઠન ચાલતું રહી શકે ખરું, પણ કોંગ્રેસ માટે વગર સત્તાએ સંગઠન જાળવી રાખવું મુશ્કેલ છે.
કોંગ્રેસ યુપીમાં સાતેક બેઠકોને બાદ કરીને 73 જગ્યાએ પોતાના ઉમેદવારો મૂકશે. ગમે તેટલી કાળજી લેવામાં આવે અને માત્ર ભાજપના મજબૂત ઉમેદવારને નુકસાન થાય તેવી કોશિશ છતાં એસપી-બીએસપીના ગઠબંધનને નુકસાન થયા વિના રહેશે નહિ. પાંચથી પંદર બેઠકો ઓછા માર્જિનને કારણે ગુમાવવી પડે તેવું બની શકે છે. બીજું અગત્યનું રાજ્ય પશ્ચિમ બંગાળ છે. અહીં પણ મહાગઠબંધનની જરૂર હતી, પણ કોંગ્રેસ અને ડાબેરી સાથે મળીને લડે છે ત્યારે તેના કારણે ભાજપ સામેની લડાઈમાં મમતા બેનરજીએ પાંચ સાત બેઠકો ગુમાવવી પડે. ઈશાન ભારતની કુલ 25 બેઠકોમાંથી પ્રાદેશિક પક્ષો સાથે ભાજપનું જોડાણ થયું છે, કોંગ્રેસનું થયું નથી. કોંગ્રેસ મોટાભા ગુમાનમાં લડશે અને ફાયદો ભાજપને કરાવશે.
સતત 10 વર્ષ વડાપ્રધાન રહેવાનો બિનકોંગ્રેસી નેતા તરીકેનો વિક્રમ નરેન્દ્ર મોદી કરશે તે પછી 15 વર્ષ સુધી સતત સત્તા જાળવવાનો વિક્રમ પણ સાથોસાથ કરી નાખવાનું મુશ્કેલ નહિ હોય. 2019માં પણ કોંગ્રેસ સારો દેખાવ ના કરી શકી તો 2024માં ટક્કર આપવાની સ્થિતિમાં રહેશે કે કેમ તે સવાલ છે. હાલમાં જીતેલા મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભાજપ લોકસભામાં સારો દેખાવ કરશે તેમ લાગે છે. કર્ણાટકમાં પણ ભાજપનો દેખાવ નબળો નહિ હોય, ભલે કોંગ્રેસ જેડી(એસ) સાથે થયા હોય. મહારાષ્ટ્રમાં પણ ભાજપ અને સેના આખરે સાથે જ રહ્યા છે અને વિધાનસભામાં પણ સાથે રહેવાના છે એટલે કોંગ્રેસ અને એનસીપીએ અસ્તિત્વ બચાવવા જ સાથે રહેવાનું છે. બિહારમાં બીજો પ્રાદેશિક પક્ષ ભાજપ સાથે બેસી ગયો છે એટલે કોંગ્રેસને સાથે રાખવામાં આવી છે, નહિતો બિહારમાં પણ કોંગ્રેસની પ્રાદેશિક પક્ષોને જરૂર પડે તેવું છે નહિ. ઓડિશામાં કોંગ્રેસ બીજા નંબરે પણ રહેવાનો નથી અને ત્રીજા નંબરે જતો રહેવાનો છે તે નિશ્ચિત છે. આંધ્ર અને તેલંગાણામાં પણ ખાસ કોઈ વજૂદ કોંગ્રેસનું નથી (ભાજપનું પણ નથી, પણ ભાજપને આ બંને રાજ્યોમાં સાથીઓ મળી રહેશે.).
સૌથી અગત્યનું પ્રતીક આંધ્ર પ્રદેશ જ છે. રાહુલ ગાંધીને આગળ કરવામાં સૌથી અગત્યની ભૂમિકા ભજવનારા, ભાજપને છોડી જનારા સૌથી મજબૂત મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ સાથે પણ કોંગ્રેસનું ગઠબંધન થયું નથી. આંધ્રમાં બંને જુદા જુદા લડી રહ્યા છે, ત્યારે બંનેને નુકસાન થવાનું છે તેમ લાગે છે. જ્યોતિ બસુને વડાપ્રધાન બનવાની ઓફર થઈ હતી. ડાબેરી પક્ષોના વડેરાઓએ તે નકારી કાઢી. તેને આગળ જતા ઐતિહાસિક ભૂલ તરીકે યાદ કરાય છે. કોંગ્રેસ હિન્દી પટ્ટામાં, પંજાબ – હરિયાણા – દિલ્હી જેવા પડોશી રાજ્યોમાં, આંધ્ર, ઓડિશા અને બંગાળ જેવા અગત્યના રાજ્યોમાં ગઠબંધન નહીં કરીને ઐતિહાસિક ભૂલ કરી રહી છે?