તમને સમાચાર વાંચીને નવાઈ લાગી હશે કે ક્રૂડનો ભાવ શૂન્ય થઈ ગયો. એટલે કે મફતના ભાવમાં ખનીજ તેલ થઈ ગયું. હકીકતમાં માઇનસમાં ભાઈ ગયો હતો, પણ આ બધા ભાવ વાયદા બજારના હોય છે અને તરત તેમાં સુધારો પણ થતો હોય છે. ક્રૂડના ભાવમાં તે પછી તરત જ સુધારો પણ થયો હતો અને અત્યારે શું ભાવ ચાલે છે તે ઓનલાઇન જોઈ લેશો. ક્રૂડ ફ્યુચર્સમાં સોમવારે નેગેટિવ ભાવ આવ્યો હતો અને દુનિયા આખી ચોંકી ગઈ હતી. કોરોનાના કેર પછી એક પછી એક દેશમાં સંચારબંધી થવા લાગી એટલે વાહનોના પૈડાં થંભી ગયા અને પેટ્રોલ ડિઝલના ભાવ ઘટવા લાગ્યા. ખનીજ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ કોરોના પહેલાથી થોડા દબાયેલા હતા, કેમ કે રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે સમાધાન ના થયું ત્યારે સાઉદીએ ભાવમાં સીધો 30 ટકાનો ઘટાડો કરી નાખ્યો હતો.
તો સવાલ થવાનો કે ક્રૂડ ઑઇલનો ભાવ શૂન્ય કે માઇનસમાં હોય તો પેટ્રોલ ડિઝલ મફતમાં ના મળવું જોઈએ? મફતમાં ના મળે તો કમસે કમ એકદમ સસ્તું થઈ જવું જોઈએ કે નહિ? ક્રૂડના ફ્યુચર્સમાં ભાવ નેગેટિવ નોંધાયો તેને અપવાદ ગણીને ભૂલી જઈએ તો પણ છેલ્લા એક મહિનામાં તે ઘટીને 30 ડૉલરની આસપાસ રહ્યા છે. તેની આગળના મહિને 50 ડૉલરની આસપાસ. ભારતમાં ગ્રાહકો પેટ્રોલ ડિઝલનો જે ભાવ ચૂકવી રહ્યા છે તે 70 ડૉલરની આસપાસનો જ છે. ભાવઘટાડાનો લાભ મળ્યો નથી, કેમ કે સરકારે વચ્ચે ટેક્સ વધારી દીધો હતો.
તેમાં કંઈ ખોટું નથી, કેમ કે અત્યારે સરકારને જ્યાંથી પણ થાય ત્યાંથી આવક મેળવવાની છે. બહુ વપરાશ પણ બે મહિના નથી રહેવાનો ત્યારે ભાવ બહુ ઘટાડી દેવાનો પણ મતલબ નથી. તેથી પણ ગ્રાહકોને એક હદથી નીચેન ભાવ ક્યારેય મળવાનો નથી. પેટ્રોલ ફરીથી 50 રૂપિયાનું લીટર થઈ જાય તેવું બનવાનું નથી. નજીકના ભવિષ્યમાં તો નહિ જ. તેથી માઇનસ ભાવે ક્રૂડ થાય એટલે મફતમાં પેટ્રોલ મળવાનું નથી. શક્ય પણ નથી.
પહેલાં તો નેગેટિવ ભાવથી શું થાય તે સમજો. ક્રૂડ વેચનાર કંપની, ક્રૂડ ખરીદનાર ગ્રાહકને પોતાને ત્યાંથી ક્રૂડ લઈ જવા માટે સામેથી પૈસા આપે. હા, સામેથી પૈસા આપે કે મારે ત્યાંથી તમે આખું ટેન્કર ભરીને ક્રૂડ લઈ જાવ હું તમને લીટર દીઠ અમુક ડૉલર આપીશ. આવું એટલા માટે થાય કે તેલનો કુવા પર કામ ચાલુ જ છે. ખનીજ તેલ બહાર આવે છે અને સ્ટોર કરવામાં આવે છે, પણ છેલ્લા બે મહિનાથી માલનો ઉપાડ સાવ થંભી ગયો છે એટલે સ્ટોરેજ માટે હવે જગ્યા પણ નથી રહી. દેશો પાસે અનામત જથ્થો સ્ટોર કરી રાખવાની વ્યવસ્થા હોય છે. મોટા ભાગના દેશોએ અનામત જથ્થો છલોછલ ભરી લીધો છે. અમેરિકાના પ્રમુખે પણ જાહેરાત કરી કે 7.5 કરોડ બેરલ જેટલું ઓઇલ સ્ટોર કરાશે.
પ્રેક્ટિકલ મુશ્કેલીને કારણે જ ક્રૂડનો ભાવ માઇનસમાં ગયો છે તે વાત પર પાછા ફરીએ. ઉત્પાદક કંપની કે વેચાણ કંપનીએ સ્ટોરેજ માટે પણ ખર્ચ કરવો પડે. તેથી સ્ટોરેજનો ખર્ચ બતાવવા ખરીદનારને સામેથી પૈસા આપીને ઉપ્પાડો જથ્થો એમ કહેવામાં આવે છે. લીટરે 2 રૂપિયા સ્ટોરેજનો ખર્ચ હોય તો બે રૂપિયાની ખોટ કરવાના બદલે 1 રૂપિયામાં વેચી નાખવાનું, તેથી રૂપિયો તો મળે!
કેમ? ખેડૂતો ખેતરને ચોખ્ખું કરવા નથી કહેતા કે કપાસની સાંઠી ખેંચી જાવ? કારખાનામાં બહુ ભંગાર ભેગો થયો હોય અને નડતો હોય અને તેનું કંઈ ઉપજવાનું ના હોય ત્યારે મફતમાં આપી દેવાય. ભંગારવાળો મફતમાં કારખાનામાંથી નડતરરૂપ વસ્તુઓ લઈ જાય એટલે કારખાનેદારને મફતમાં સફાઈ થઈ. જાણકારો કહે છે કે તેલના કુવાની બાબતમાં પણ આવું જ થયું છે. કુવામાંથી તેલ ઉલેચવાનું ચાલુ રાખવું પડે. તેને ઉલેચવાનું બંધ કરી દેવાય તો વધુ મોંઘું પડે. કુવાને નુકસાન પણ થાય અને કુવાને બંધ કરી દેવાય તે પછીય માણસોનો પગાર, મેઇન્ટેનન્સ વગેરે ખર્ચ તો ચાલુ રહેવાનો. તેથી તેલ કુવામાંથી કાઢ્યા સિવાય છૂટકો નહિ. કાઢ્યા પછી નાખવું ક્યાં? તેથી ઉપ્પાડો અમારું ઑઈલ, અમે તમને ઑઈલ લઈ જવાનો ખર્ચ સામેથી આપીશું!
વૈશ્વિક મંદીને કારણે છેલ્લા થોડા મહિનાથી ક્રૂડની બાબતમાં આમ પણ મુશ્કેલ સ્થિતિ થયેલી છે. દાખલા તરીકે અમેરિકા શેલ (shale) ઓઇલ કહેવાય છે તેવું ખડકો વચ્ચેથી અમુક ટેક્નિકથી મેળવાતું ખનીજ તેલ મેળવવા માટે અમુક ખર્ચ કરવો પડે. એક અંદાજ પ્રમાણે જો તેનો ભાવ 50 ડૉલરથી નીચે જાય તો અમેરિકન કંપનીઓને ખોટ જાય. નવા અંદાજ પ્રમાણે હવે ખર્ચ 35 ડૉલર જેટલો નીચે આવ્યો છે. તેથી રશિયા ક્રૂડનો ભાવ 50 ડૉલર અથવા તો 35 ડૉલરથી નીચે લાવવા માગતું હતું જેથી અમેરિકાની કંપનીઓએ દેવાળું કાઢવું પડે.
2015માં પણ બ્રેન્ટ ક્રૂડનો ભાવ 28 ડૉલર જેટલો નીચે ગયો હતો, પણ ભારતમાં એક હદથી પેટ્રોલ ડિઝલના ભાવો ઘટાડાયા નહોતા. તેના બદલે સરકાર તબક્કાવાર વેરો વધારતી રહી હતી અને કમાણી કરતી રહી હતી. અત્યારે પણ એવું જ થશે અને કરવું પડે તેમ પણ છે, તેથી પેટ્રોલ ડિઝલના ભાવ નહિ ઘટે. એ વાત પણ ખરી કે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 50 ટકા જેટલો હિસ્સો તો કેન્દ્ર અને રાજ્યના વેરાનો હોય છે. રાજ્ય સરકારો માટે પેટ્રોલિયમ પેદાશનો પરનો વેટ કમાણીનું મોટું સાધન છે. તેથી વેટ પણ ઘટાડાશે નહિ.
ક્રૂડ મફતમાં મળે તો પણ તેનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આવે. દરિયાઈ ટેન્કરોમાં ભરીને દરિયાઇ માર્ગે તેને લાવવું પડે. તેને પોર્ટમાં ઉતારીને રિફાઇનરી સુધી પહોંચાડવું પડે. રિફાઇન કરવું પડે. રિફાઇનરીથી પેટ્રોલ અને ડિઝલ જથ્થાબંધ વિતરકના સ્ટોરેજ ડિપોમાં જાય અને ત્યાંથી ટ્રક ટેન્કરમાં રસ્તા માર્ગે પેટ્રોલ પંપ સુધી પહોંચે. તે બધાનો ખર્ચ, કરવેરા અને બધાના નફા પ્રજા નામની કન્યાની કેડે જ આવે. એટલે ભવિષ્યમાં 40 ડૉલરના સરેરાશ ભાવે ક્રૂડ મળતું હશે ત્યારે પેટ્રોલ સસ્તુ નહિ થાય.
બીજું આ સ્થિતિ લાંબી નથી ટકવાની. બધા દેશો માટે પણ લૉકડાઉન બહુ લાંબો ચલાવવો પરવડે તેમ નથી. અમેરિકામાં તો રોજ હજારોના મોત થઈ રહ્યા છે તો પણ લૉકડાઉન હટાવવા માટે આંદોલનો થવા લાગ્યા છે. તેથી બેએક મહિનામાં ફરી ક્રૂડની માગ રાબેતા મુજબની થશે અને ભાવ પણ સ્થિર થશે. ઉલટાના વધી પણ શકે છે, કેમ કે અત્યારે જે ખોટ ગઈ છે તે વસૂલ કરવા માટે ઑપેકના દેશો અને રશિયા પણ ભાવો વધારશે. કુવો તાત્કાલિક બંધ ના કરી શકાય, પણ પદ્ધતિસર ઉત્પાદન ઘટાડી શકાય છે. ક્રૂડનું ઉત્પાદન બાદમાં ઘટાડીને, સાઉદી અને રશિયા વચ્ચે પણ સમાધાન થઈને ભાવોને ફરીથી ઊંચકી લેવામાં આવશે. જૂનના ફ્યુચર્સ 37થી 40 ડૉલર બોલાઈ પણ રહ્યા છે.
ભારત બહુ મોટું આયાતકાર છે, પણ કમનસીબે ક્રૂડના ભાવ ઘટ્યા છે ત્યારે વપરાશ પણ ઘટી ગયો છે. માર્ચની મધ્યથી મેના મધ્ય સુધીમાં 50 ટકાના કાપ દેખાશે અને વચ્ચેના આ એક મહિનો 80થી 90 ટકા વપરાશ ઘટી જ ગયો છે. ભારત પાસે ઉપર દર્શાવે તે પ્રમાણેની સ્ટોરેજ ક્ષમતા છે તે કદાચ પૂર્ણ ભરી લેવામાં આવશે, પણ નાણાકીય ફાયદો કોરોના સંકટમાં સહાય પાછળ વપરાઈ જવાનો છે.