કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની સરકારે જાહેરાત કરી તેને વેપાર, ઉદ્યોગ અને શેરબજારે આવકાર આપ્યો છે. કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની લાંબા ગાળાની માગણી હતી. 2014માં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર આવી ત્યારે જ અપેક્ષા હતી કે હવે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થશે. અરૂણ જેટલીએ પોતાના બજેટમાં ટેક્સ તો નહોતો ઘટાડ્યો, પરંતુ તબક્કાવાર તેને ઘટાડીને 25 ટકા સુધી લાવવાની જાહેરાત કરી હતી. તે સંદર્ભે સરકારનો નિર્ણય આશ્ચર્યજનક નથી, પણ સરકારે કેમ આટલો મોટો નિર્ણય લીધો તે જ સવાલ પૂછાતો રહ્યો છે. 25 ટકા સુધી લાવવા માટેની જાહેરાત કર્યા પછી તેની કવાયત થઈ નહોતી. ત્યારબાદ 250 કરોડથી ઓછું ટર્નઓવર હોય તેના માટે અલગથી જાહેરાતો થઈ હતી. છેલ્લે 2019માં ફરીથી જંગી વિજય મળ્યા પછી ટૂંકા ગાળાના બજેટમાં કમ સે કમ જાહેરાત થશે તે આશા પણ ઠગારી નીવડી હતી.
આવી આશાનું કારણ એ હતું કે નોટબંધી જેવા નુકસાનકારક પગલાં પછી અને જીએસટીમાં ઉતાવળને કારણે વેપારીવર્ગ ભારે પરેશાન હતો. આવી પરેશાની વચ્ચે પણ એર સ્ટ્રાઇક પર કુરબાન થઈને ખોબલે ખોબલે મત આપ્યા હતા. તે પછી હવે વિપક્ષ તરફથી કોઈ અવરોધ ના હોવાથી અને મુખ્ય સમસ્યા આર્થિક મોરચે કામ કરવાનું છે તે નક્કી હોવાથી કોર્પોરેટ ટેક્સ ઘટશે તેવી અપેક્ષા હતી. પરંતુ ફરી એકવાર અમુક કરોડના ટર્નઓવરની જાહેરાત કરીને સિતારમણ અટકી ગયા હતા. હવે તેમણે એ રીતે ફેરફારો કર્યા છે કે બધી જ કંપનીઓને 25 ટકાની આસપાસનો જ (25.17%) ટેક્સ ભરવાનો રહેશે. બેઝ રેટ 30 ટકા હતો તે ઘટાડીને 22 ટકા કરાયો છે. તેના પર સરચાર્જ વગેરે લાગશે. કંપનીઓએ કોઈ એક્ઝપ્શન લેવાનું રહેશે નહિ. બીજું નવી કંપની શરૂ થાય અને 2023 સુધીમાં ઉત્પાદન શરૂ થાય તો તેના પર માત્ર 15 ટકાનો જ ટેક્સ લાગશે. મૂડીરોકાણ વધે તે માટેનો આ પ્રયાસ છે. દુનિયાભરમાં મૂડીરોકાણ આકર્ષવા માટે કોર્પોરેટ ટેક્સ ઓછો કરવાનો ચાલ છે. ભારત પણ હવે તેમાં જોડાયું છે. આનો ફાયદો લાંબા ગાળે થશે તેમ અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે. જોકે ટૂંકા ગાળે તાત્કાલિક શું ફાયદો થશે તે વિશે બેમત છે.
હાલમાં દેખાઈ રહેલી મંદીનું એક કારણ સૌ કહી રહ્યા છે – ગ્રાહકો ખરીદી કરતાં નથી. બેરોજગારીને કારણે યુવાનો મોટરબાઇક પણ ખરીદતા નથી. બીજું, નિમ્ન મધ્યમવર્ગ આવકની અનિશ્ચિતતાને કારણે કોઈ મોટી જણસ ખરીદવાનું ટાળી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં કૃષિ આવકમાં વધારાના અણસાર ના હોવાથી તેની ડિમાન્ડ પણ નથી. તેથી સરકાર બજારમાં એવી રીતે પૈસા ઠાલવે કે ખરીદી શરૂ થાય તેવી ભલામણો થઈ રહી હતી. સાથે જ ઇન્કમ ટેક્સ અને જીએસટીમાં ઘટાડાની ભલામણો થતી હતી અને અપેક્ષા હતી. પરંતુ તેના બદલે કોર્પોરેટ ટેક્સ ઓછો કરવાનો નિર્ણય લેવાયો છે. વૈશ્વિક પ્રવાહ સાથે ચાલવાની ગણતરી આમાં વધારે દેખાઈ રહી છે. 2000 પછીથી એટલે કે 21મી સદીની શરૂઆતથી વિવિધ દેશોએ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની શરૂઆત કરી છે. અત્યાર જાપાન અને બ્રાઝીલ જેવા કેટલાક દેશોને બાદ કરતાં મોટા ભાગના દેશોમાં 25 ટકાની આસપાસનો દર જોવા મળી રહ્યો છે.
શ્રીલંકામાં 28, ચીનમાં 25, ઇન્ડોનેશિયામાં 25, દક્ષિણ કોરિયામાં 25, મ્યાનમારમાં 25, મલેશિયામાં 24, અમેરિકામાં 21, વિયેટનામમાં 20 ટકા છે. ભારતમાં 1990ના દાયકાની શરૂઆતમાં 57.5 ટકા જેટલો ઊંચો દર હતો. 2000ની શરૂઆતમાં વૈશ્વિક પ્રવાહ પ્રમાણે ભારતે પણ તે ઘટાડીને 36.75 ટકા કર્યો હતો. એક દાયકા પછી 32.4 સુધી નીચે આવ્યો પણ છેલ્લા કેટલાક બજેટમાં સરચાર્જ અને સેસના કારણે ફરીથી વધીને 35 ટકા સુધી પહોંચી ગયો હતો. એક અંદાજ પ્રમાણે સરકારની આવકમાં સીધું જ 1 લાખ 45 હજાર કરોડનું ગાબડું પડશે. બીજી દૃષ્ટિએ જોવાથી આટલી રકમ રોકાણ માટે મુક્ત થશે. કંપનીઓ કામકાજ વધારવા માટે તેનો ઉપયોગ કરી શકશે. આડકતરી રીતે તેના કારણે નોકરીઓ પણ ઘટતી અટકશે અને થોડીક વધી પણ શકે છે. પરંતુ તાત્કાલિક તેની અસર દેખાશે નહિ, કેમ કે નવું રોકાણ અને કારખાનું શરૂ થતા છથી વર્ષ લાગી જતું હોય છે. પરંતુ ભારત લાંબા ગાળે મેન્યુફેક્ચરિંગમાં સ્થાન ટકાવી રાખવા માગતું હોય તો વૈશ્વિક ધોરણ પ્રમાણે ટેક્સનું માળખું રાખવું જરૂરી છે.
તેના કારણે સવાલ એ છે કે લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું છે કે સરકારે મંદીનો સ્વીકાર કરીને આ પગલું લીધું છે? મંદીને ધ્યાનમાં લઈને પગલું લીધું હોય તો પણ ખોટું નથી, પણ તેના કારણે નીકટના બે કે ત્રણ ક્વાર્ટર અસર નહિ આવે તેમ મોટા ભાગના માને છે. સરકારે ઇન્કમ ટેક્સમાં કે જીએસટીમાં રાહત આપી હોત તો એકાદ લાખ કરોડ લોકોના હાથમાં બચ્યા હોત. લોકોએ તે બચત દિવાળીએ વાપરી હોત તો તાત્કાલિક બજારમાં માગ નીકળી હોત.
આમ છતાં સરકારે તેવા ટૂંકા ગાળાના હેતુને બદલે લાંબા ગાળાના હેતુને જ ધ્યાનમાં લીધો છે. તેથી મંદીની માનસિકતામાંથી ગ્રાહકો હજી બહાર આવશે કે કેમ તે સ્પષ્ટ નથી. બીજું 250 કરોડ ટર્નઓવરની મર્યાદાના કારણે મોટા ભાગની કંપનીઓ 25 ટકાના સ્લેબમાં આવી જ ગઈ હતી. આ ફાયદો મોટી કંપનીઓને થવાનો છે. મોટી કંપનીઓની મંદીની માનસિકતાથી શું ફરક પડે તે આ પગલાં પછી સમજાશે.
બીજું આ ટેક્સ કોર્પોરેટ કંપનીઓ માટે ઘટાડાયો છે. ભાગીદારી અને અન્ય કંપનીઓ માટે 30 ટકાનો સ્લેબ છે જ. આ કંપનીઓની પણ માગણી છે કે તેમને પણ કોર્પોરેટ ટેક્સની સમાન લાવવામાં આવે અને 25 ટકા સુધી લાવવામાં આવે. નોટબંધી અને જીએસટીને કારણે લઘુ, નાના અને મધ્યમ (એમએસએમઇ) ઉદ્યોગોને જ વધુ નુકસાન થયું છે. તેમના માટે હજીય આમાં કોઈ રાહત મળી નથી. પરંતુ સરકારે આર્થિક બાબતો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આર્થિક સુધારા નોટબંધી અને જીએસટીમાં અટવાયેલી સરકારમાં અટવાઇ પડ્યા હતા. પરંતુ બીજી ટર્મમાં હવે વધુ મોકળાશ છે અને વિપક્ષ નબળો છે અને રામમંદિરનું બાંધકામ શરૂ કરી શકાશે અને 2024માં પણ ચૂંટણી જીતી જવાશે તેવી ગણતરી હોવાથી વધારે આર્થિક સુધારા કરવાની હિંમત સરકાર કરી શકશે એમ માનવાને કારણ છે. તેથી કોર્પોરેટ ટેક્સમાં બજેટ બહાર સુધારો કરીને સુધારાની દિશામાં જવાના સંકેત અપાયા લાગે છે.