ભાષાનું વૈવિધ્યઃ મોતીઓને જોડનારી રેશમની દોરી કઈ?

ભારત મેં સબ અચ્છા હૈ, સબ ચંગા અસી, બધા જ મજામાં છે, સર્વ છાન ઝાલા આહે, સબ ખૂબ ભાલો, સબુ ભલ્લા અછી … હ્યુસ્ટન ખાતે હાઉડી મોદી કાર્યક્રમમાં હાઉડીનો જવાબ નરેન્દ્ર મોદીએ કંઈક આ રીતે આપ્યો હતો. હાઉડી એટલે હાઉ ડુ યુ ડુનું શોર્ટ ફોર્મ. હાઉ ડુ યુ ડુનો જવાબ પણ હાઉ ડુ યુ ડુ આપવાની પ્રથા છે. અમેરિકો મમ મમમાં માને છે, ટપ ટપમાં નહિ. હાઉડીથી કામ ચાલતું હોય તો હાઉ ડુ યુ ડુ જેટલું લાંબુ બોલવાની જરૂર નથી. ગુજરાતીઓ પણ કંઈ ઓછા નથી, મજામાં? હોવ. આટલામાં પૂરું થઈ જાય.

ભાષાનું કામ સંવાદ કરવાનું છે અને સંવાદ થઈ જતો હોય તે શબ્દો કે હાવભાવનો ઉપયોગ કરવાનો હોય છે. હાઉડી કાર્યક્રમમાં માત્ર ભાષા નહિ, પણ સમગ્ર કાર્યક્રમ દ્વારા અમેરિકા સાથે ભારતીયોનો સંવાદ થયો હતો. ભારતીય મૂળના લોકોને અમેરિકામાં વિવિધ ક્ષેત્રે સફળતા મળી છે. ઇન્ડિયન અમેરિકન્સની અલગ ઓળખ પણ ઊભી થઈ શકી છે. બિલ ક્લિન્ટન અને પછી હિલેરી ક્લિન્ટન વખતે અને વચ્ચે ઓબામા વખતે પણ ભારતીયોની સક્રિયતા દેખાઈ હતી. 2020ની ચૂંટણી પહેલાં ડોનાલ્ટ ટ્રમ્પે પણ ભારતીયોની વિશાળ સભામાં, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મંચ પર હાજર રહીને એક રીતે ભારતીયો સાથે, ઇન્ડિયન અમેરિકન્સ સાથે અને અમેરિકન્સ સાથે પણ સંવાદ કર્યો છે. તેમણે વગર કહ્યે જણાવવાનું હતું તે જણાવી દીધું.

નરેન્દ્ર મોદીએ ભારતના વૈવિધ્યની વાત ભાષાના વૈવિધ્યના માધ્યમથી મૂકી. હ્યુસ્ટનના સ્ટેડિયમમાં ગુજરાતીઓ, પંજાબીઓ, બંગાળીઓ, મરાઠીઓ, દક્ષિણ ભારતીયો બધા જ હાજર હતા. એવરીથિંગ ઇઝ ફાઇન ઇન ઇન્ડિયા એવું આ બધી ભાષાઓમાં તેમણે કહ્યું. ફરી એકવાર અંગ્રેજી ભાષા ભારતીય ભાષાઓની લિન્ક લેન્ગ્વેજ બની. કે ના બની? નરેન્દ્ર મોદીનું ભાષણ હિન્દીમાં હતું એટલે સ્ટેડિયમમાં હાજર બધા જ ઇન્ડિયન અમેરિકન્સને જોડનારી ભાષા પણ હિન્દી થઈ કે નહિ? આ પ્રશ્નનો જવાબ સહેલાઇથી મળે તેવો નથી. અંગ્રેજી કે હિન્દી કઈ ભાષા લિન્ક લેગ્વેન્જ બને તેનો વિવાદ બહુ જૂનો છે. પણ વિદ્વાનો કહે છે કે કઈ ભાષા જોડનારી ભાષા, કડી ભાષા, સંપર્કસેતુની ભાષા બને તે સંજોગો નક્કી કરતા હોય છે. સરકાર નક્કી કરે તે પ્રમાણે કોઈ ભાષા વ્યાપક બને તેવું બનતું નથી. પ્રજાઓ વચ્ચે સંજોગો એવા ઊભા થતા હોય છે કે એક ભાષા વધુ બોલાતી જાય. નરેન્દ્ર મોદી અમેરિકાનો કાર્યક્રમ હોવાથી, સ્ટેડિયમમાં હાજર ઇન્ડિયન અમેરિકન્સ સારી રીતે અંગ્રેજી સમજી શકે તેમ હોવા છતાં, તેમણે હિન્દીમાં જ ભાષણ આપ્યું. આ પસંદગી કેવી રીતે થઈ? ભાષાશાસ્ત્રીઓ કહે છે કે આવી પસંદગી વ્યક્તિ આપોઆપ પોતાની સાનુકૂળતા માટે કરતી હોય છે. પોતાનો મેસેજ આપવા માગતો માણસ ભાષા કઈ છે તેની પરવા કરતો નથી, મેસેજ પહોંચે છે કે નહિ તેની પરવા કરતો હોય છે.

નરેન્દ્ર મોદીએ ભારતના લોકોમાં પણ મેસેજ આપવાનો હતો. ભારતમાં પણ ટીવી જોનારા લોકો સુધી સીધી વાત પહોંચાડવાની હતી. અને યસ, પાકિસ્તાન વિના આજકાલ કોઈ વાત પૂર્ણ થયેલી ગણાતી નથી… એટલે પાકિસ્તાનમાં પણ હિન્દી સારી રીતે જાણતા લોકો સુધી વાત પહોંચાડવા સહજ રીતે ભાષણ હિન્દીમાં થયું હતું.
અંગ્રેજોનું સામ્રાજ્ય સૌથી મોટું હતું એટલે અંગ્રેજી લિન્ક લેગન્વેજ બની તે વાત ખોટી નથી, પણ યુરોપમાં ક્યાં અંગ્રેજોનું સામ્રાજ્ય હતું? બે યુરોપિયન ભેગા થાય ત્યારે પણ અંગ્રેજીમાં વાતચીત કરે છે. તે શા માટે? રશિયામાં ઝારનું શાસન હતું, ત્યારે ભારતમાં આજે છે તેમ, ભદ્ર લોકો પાર્ટીમાં ભેગા થાય ત્યારે રશિયામાં નહિ, ફ્રેન્ચમાં વાતો કરતા હતા. ફ્રેન્ચ ભદ્ર લોકોની ભાષા હતી. પણ ભદ્ર લોકો પાર્ટીમાંથી પીને બહાર આવે ત્યારે કોચમેન સાથે, ઘોડાગાડી હાંકનારે સાથે, ઘરે પહોંચીને રસોયા સાથે રશિયનમાં જ વાત કરવી પડતી હતી. તે લોકો કંઈ ફ્રેન્ચ સમજે નહિ. ભારતના ભદ્ર લોકો ફાઇવસ્ટારમાં અંગ્રેજીમાં ગીટપીટ કરે, પણ ટેક્સીચાલક, હવાલદાર, ચોકિદાર, દુકાનદાર, ફેરિયા સાથે હિન્દીમાં વાત કરવી પડે છે.

કારણ સરળ છે – વાત કરવાની ગરજ તમને છે. તમને બે કે ત્રણ ભાષા આવડે છે. સામા માણસને એક જ ભાષા આવડે છે. તમે ઇગો છોડીને સામા માણસની ભાષામાં વાત કરો છો. અમિત શાહે હિન્દીને મહત્ત્વ આપવાની વાત કરી તે પછી વિવાદ જાગ્યો. તે પછી થયેલી ચર્ચાઓ, લેખમાં દક્ષિણ ભારતીયોએ કરેલી વાત સૌથી ધ્યાન ખેંચે તેવી છે. દક્ષિણ ભારતીય રાજકારણીઓ ભલે ગમે તે કહેતા હોય, દક્ષિણના લોકો હિન્દી સમજવાનો પ્રયાસ પોતાની રીતે ઓલરેડી કરવા લાગ્યા છે. એક લેખકે બહુ મજાની વાત લખી કે તેમના મલયાલી મમ્મી, પડોશમાં રહેતા તેલુગુ આન્ટી સાથે વાત કરવા માટે હિન્દી પસંદ કરે છે. બે દક્ષિણ ભારતીયો પોતાના રાજ્યની બહાર મળે ત્યારે એકબીજાને પૂછે – હિન્દી આતી. આતી આતી. થોડા થોડા. કારણ એક જ છે. તમિળભાષીને કન્નડ અને તેલુગુ આવડતી હોય તે જરૂરી નથી. ગુજરાતી અને મારવાડી નજીક નજીકની ભાષા છે, કચ્છી પણ નજીક છે, પણ કંઈ ગુજરાતીને પાકી મારવાડી અને મારવાડીને પાકી ગુજરાતી આવડે નહિ. બંનેને થોડા થોડા હિન્દી આવડે એટલે કામ ચલે ભઇ અપના.

મૂળ બેલ્જિયમના ફિલિપ વન પારિજ (Philippe van Parijs) પણ અંગ્રેજી કેમ લિન્ક લેન્ગ્વેજ બની જાય છે તેના પર વિચાર કરતા રહ્યા હતા. પારિજના જણાવ્યા અનુસાર જ્યારે જુદી જુદી ભાષા બોલતા લોકોનું જૂથ એકઠું થાય, ત્યારે કઈ ભાષા પ્રબળ, પ્રચલિત, બોલનારાની સજ્જતા, ભાષાનું જ્ઞાન વગેરે મહત્ત્વના નથી રહેતા. તેના બદલે મહત્ત્વનું એ બને છે કે કઈ એક ભાષા એવી છે, જે થોડી થોડી બધાને આવડે છે. ઐતિહાસિક કારણસર જુદા જુદા પ્રદેશોમાં એકાદ ભાષા એવી હોય છે, જે થોડી થોડી સૌને આવડે. તેથી જુદા જુદા લોકો ભેગા થાય ત્યારે બધાને થોડુંક તો સમજાય તેવી ભાષા પસંદ થતી હોય છે. હિન્દી પસંદ થવાનું કારણ આ છે. બાવા બન્યા હે તો હિન્દી આવડના પડે એવું ગુજરાતી બાવો પણ બોલે. હિન્દીભાષી બાવાઓ આખા દેશમાં ફરી વળ્યા છે અને તેનું દૂષણ એ વળી જુદી વાત છે, બાવા બન્યા હે તો હિન્દી આવડતા હે એ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અંતરિયાળ ગામડામાં પણ ચાલે.

ટીવી પર ચર્ચા દરમિયાન તામિલનાડુના એક જાણકારે એવું પણ કહેલું કે અત્યારે હિન્દી શીખવા માટેના ક્લાસિસ સૌથી વધુ તામિલનાડુમાં ચાલે છે. તામિલના લોકોને હિન્દી અને ઉત્તર ભારતીયનું વર્ચસ્વ નથી ગમતું, પરંતુ તામિલનાડુની બહાર નીકળવાનું થાય ત્યારે ભાંગ્યું તૂટ્યું હિન્દી આતી, થોડા થોડા એટલું શીખવું જરૂરી બન્યું છે. એરપોર્ટ પર પણ અંગ્રેજીના સુનિશ્ચિત વાક્યો સિવાય આગળની વાત કરવા માટે કે સિક્યુરિટી અથવા નાના કર્મચારી પર ગુસ્સો કરવા માટે કાયકુ એવું જ કહેવું પડે.

ભાષા વિષયક કેટલાક અભ્યાસો થયા છે, તેમાં એવું પણ જોવા મળ્યું છે કે 2001માં બીજી ભાષા તરીકે અંગ્રેજીને પસંદ કરનારા લોકો હતા, તેના કરતાં 2011માં હિન્દીને દ્વિતિય ભાષા પસંદ કરનારા લોકોની સંખ્યા વધી હતી. ભારતીયો એકબીજા રાજ્યમાં પ્રવાસ વધારે કરતા થયા છે. પ્રવાસન માટે, બિઝનેસ માટે, જોબ માટે રાજ્યોના લોકો વચ્ચેની આવનજાવન વધી છે. તેના કારણે દ્વિતિય ભાષા તરીકે પ્રથમ પેઢી માટે હિન્દી સિવાય છુટકા નહિ. બીજી પેઢી અંગ્રેજી મિડિયમમાં ભણશે ત્યારની વાત જુદી છે. તેમાં પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ આવી છે કે ભણતર વધવા સાથે, અંગ્રેજી મિડિયમ સાથે હવે ત્રણ લેન્ગેજની ગણતરી થવા લાગી છે. માતૃભાષા પ્રથમ, પણ તે પછી ભણતર હોય ત્યારે દ્વિતિય ભાષા તરીકે હિન્દીની બહુ નજીક અંગ્રેજી હતી. 2001માં દ્વિતિય ભાષા તરીકે હિન્દી (નવ કરોડ) અને અંગ્રેજી (આઠ કરોડ) પસંદ કરનારા લોકોની સંખ્યા નજીક નજીક હતી. 2011માં હિન્દી એકદમ આગળ નીકળી છે (14 કરોડ), જ્યારે અંગ્રેજી બીજી ભાષા તરીકે ત્યાંને ત્યાં જ (8 કરોડ) રહી છે. પરંતુ સેકન્ડ જનરેશનમાં ભણતર વધે એટલે ત્રીજી ભાષા તરીકે અંગ્રેજી બોલનારાની સંખ્યા (3 કરોડથી વધીને 4 કરોડ) થોડીક વધી છે. ત્રીજી લેગ્વેજ તરીકે હિન્દી (3 કરોડથી 2 કરોડ) થોડી ઘટી છે.


વાતનો સાર એ છે કે ભાષાની બાબતમાં નિયમો કરવાના બદલે સરકારે આડકતરા પ્રયાસો કરવા જોઈએ, જેથી એક ભાષા તરફ લોકો ઢળે. સરકારી પ્રયાસોમાં કોઈ એક ભાષાનું નામ લો એટલે સામે નાહકનો વિરોધ થાય છે. પરંતુ દેશમાં કોઈ એક ભાષા વ્યાપક હોય, બધા જ સમજતા હોય તે સારી વાત છે. અમેરિકામાં દુનિયાભરના લોકો આવીને વસે છે, પણ અંગ્રેજી શીખી લેવું તેમના માટે અનિવાર્ય છે. કેનેડામાં અંગ્રેજી સાથે ફ્રેન્ચને પણ સમાન સ્થાન આપવું પડ્યું છે, પણ અંગ્રેજી કોઈ ના જાણતું હોય તેવું ના બને. માતૃભાષા જીવતી રહેવાની, પણ દ્વિતિય ભાષા એવી હોવી જોઈએ જે દેશના ખૂણેખૂણે સમજી શકાય. શરૂઆત કમ સે કમ સમગ્ર દેશમાં એક લીપી માટેથી કરી શકાય. બોલવાની વાત જુદી છે, પણ મોદીએ લખીને મેસેજ આપવાનો હોત તો આ બધું જ – ભારત મેં સબ અચ્છા હૈ, સબ ચંગા અસી, બધા જ મજામાં છે, સર્વ છાન ઝાલા આહે, સબ ખૂબ ભાલો, સબુ ભલ્લા અછી બધું જ એક લીપીમાં લખી શકાયું હોત. સૌથી મજાની વાત એ હોત કે દક્ષિણ ભારતીય ભાષામાં તેઓ જે બોલ્યા તે ના સમજાયું, એટલે કે ઉચ્ચાર પકડાયા નહિ, તે દક્ષિણ ભારતીય ભાષાઓના ઉચ્ચાર પણ એક જ લીપીમાં સહેલાઈથી વાંચી શકાયા હોત.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]