કોરોનાગ્રસ્ત વૈશ્વિક પરિસ્થિતિમાં હવે ભવિષ્યમાં વિઝાનાં નિયમો પણ એકદમ કડક થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. આ સંજોગોમાં પરદેશ ભણવાં જવાનું જોખમ લેવું કે ન લેવું તેની ગૂંચવણ દરેક સ્ટુડન્ટ અને માતા-પિતાને હોય એ સ્વાભાવિક છે.
જાણીતા શિક્ષણવિદ ડો. ઇન્દુ રાવ અહીં વિદેશની તુલનાએ ભારતીય યુનિવર્સિટીઓના હાલ-હવાલ કેવાક છે એ દર્શાવે છે…
————————————————————-
એક તરફ ભારતીય વિદ્યાર્થીઓને અનેક યુનિવર્સિટીઓ દ્વારા પ્રાયોજિત જૂદા જૂદા ઘણાં અભ્યાસક્રમો પસંદ કરવાનો વિકલ્પ છે તો બીજી તરફ વિદેશની યુનિવર્સિટીમાં તેમને મનગમતા અભ્યાસક્રમમાં પ્રવેશ મળશે કે નહીં તેની ચિંતા પણ છે. આની પાછળનું મોટું કારણ વિદેશ જવા ઉત્સુક વિદ્યાર્થી અને તેમનાં વાલીઓ પાસે પૂરતી માહિતી નથી હોતી એ છે. આજકાલનાં વિદ્યાર્થીઓને અમેરિકા, જર્મની અથવા યુકેની યુનિવર્સિટીઓમાં ભણવાનું સપનું હોય છે. પરંતુ, મુંઝવણ એ છે કે કોવિડ -19નાં ભરડામાં આ જ દેશો અત્યારે સૌથી વધુ ફસાયેલા છે. કોરોનાગ્રસ્ત વૈશ્વિક પરિસ્થિતિમાં હવે વિઝાનાં નિયમો એકદમ કડક થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. આવી ડામાડોળ પરિસ્થિતિમાં પરદેશ ભણવાં જવાનું જોખમ લેવું કે ન લેવું તેની ગૂંચવણ ઉકેલવી હોય તો યુનિવર્સિટીકક્ષાનાં શિક્ષણમાં ભારતમાં અત્યારે શું ચહલપહલ છે તે જાણી લેવું જોઈએ. હાલમાં આપણા દેશમાં કુલ 935 યુનિવર્સિટીઓ છે, તે પૈકી 409 રાજ્યકક્ષાની, 127 ડીમ્ડ-ટુ-બી, 50 સેન્ટ્રલ અને 349 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે. પ્રશ્ન ફરી એ જ ઉપસ્થિત થાય છે કે આમાંથી તમારે કઈ યુનિવર્સિટી પસંદ કરવી?
વિદેશમાં શિક્ષણ લેવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક સ્તરનું શિક્ષણ દેશ છોડ્યા વગર જ મળી શકે તે માટે ભારત સરકારે એક નાવિન્યપૂર્ણ પહેલ કરી છે, જેને IoE (Institution of Eminence) નામ આપવામાં આવ્યું છે. દેશની 10 પબ્લિક અને 10 પ્રાઇવેટ યુનિવર્સિટીઓને અત્યારે આ અંતર્ગત IoEનો દરજ્જો આપવામાં આવ્યો છે. UGCની વેબસાઈટ ઉપર આ તમામ IoEની વિગતો જાહેર પણ કરી દેવામાં આવી છે. વિશ્વની યુનિવર્સિટીઓમાં ટોપ રેન્કિંગ મેળવવાનું સામર્થ્ય ધરાવતી આપણી કેટલીક યુનિવર્સિટીઓને IoE નામની નવી જ “બ્રાન્ડ” હેઠળ આવરી લેવામાં આવી છે. દુનિયાની પ્રથમ 100 યુનિવર્સિટીઓમાં આપણી વધુમાં વધુ IoE સ્થાન મેળવી શકે તે માટે ભારત સરકાર હાલમાં સક્રિય સાથ-સહકાર અને પૂરતા પ્રોત્સાહનો આપી રહી છે. પોતાનો સમાવેશ ભારત સરકાર IoEમાં કરે તે માટે છેલ્લા 5 વર્ષોથી દેશની નામાંકિત યુનિવર્સિટીઓ વચ્ચે સખ્ખત સ્પર્ધા ચાલી રહી હતી. આખરે એક્સપર્ટ કમિટી દ્વારા અત્યંત ઝીણવટપૂર્વક કરવામાં આવેલા બહુઆયામી પરીક્ષણો પછી IoEનાં સ્પેશિયલ સ્ટેટ્સમાં કોનો સમાવેશ કરાયો છે તેનું લિસ્ટ સપ્ટેમ્બર-2019માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
તાજેતરમાં આવી કેટલીક IoEની મુલાકાત લેવાની મને તક મળેલી. આસાનીથી નજરે ચડે તેવી IoEની કેટલીક નોંધપાત્ર હકીકતો આ હતી: હાઈટેક ક્લાસરુમ, વિશાળ કોન્ફરન્સ હૉલ, સાધનસામગ્રીઓથી સજ્જ લેબોરેટરી, વર્લ્ડક્લાસ લાઈબ્રેરીઓ, જબબરદ્સ્ત સ્ટુડન્ટ્સ રિક્રિએશન સેન્ટર્સ, સુખ-સુવિધાઓથી સંપન્ન હોસ્ટેલ. અને; આ બધું પાછું હરિયાળા મેદાનો અને મહાકાય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનાં મનોહર યુનિવર્સિટી કેમ્પસમાં. દરેક જગ્યાએ દેશવિદેશનાં વિદ્વાન વ્યાખ્યાતાઓની નિયુક્તિઓ સાથે-સાથે શોધ, સંશોધનો તથા શિક્ષણનાં ઉદ્યોગજગતમાં વ્યવહારિક ઉપયોગો બાબતે આખી એક સંસ્કૃતિનો ઉદય કરવાની મથામણ અને જોશ દ્રશ્યમાન થયું. અહીંનાં વિદ્યાર્થીઓને દુનિયાની મશહૂર કંપનીઓમાં કલ્પનાતિત પેકેજની ઓફરો સાથે પ્લેસમેન્ટ મળવાના પણ શરુ થઇ ચૂક્યા છે.
IIM અને IIT જેવી ભારતીય શિક્ષણજગતની વિશ્વપ્રસિદ્ધ બ્રાન્ડ પણ હવે IoE કરતાં નાની થઇ ગઈ છે. કારણકે; IoE સ્ટેટસ મેળવવાના માપદંડો એટલા ઊંચા રાખવામાં આવ્યા છે કે દેશની જાણીતી IIM અને IIT પણ IoE સ્ટેટસ મેળવી શકી નથી. ભારત સરકારની આ પહેલનાં પ્રતાપે આજે ભારતીય વિદ્યાર્થીઓ પાસે દેશ છોડ્યા વગર જ આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ મેળવવાની એક મહત્વની તકનો જન્મ થયો છે. IoEનાં મોટાભાગનાં અભ્યાસક્રમોની તુલના વિશ્વનાં સર્વશ્રેષ્ઠ અભ્યાસક્રમો સાથે કરી શકાય તેવાં પરિણામલક્ષી છે. કોવિડ -19નાં વૈશ્વિક આક્રમણથી ભારત સિવાયના દુનિયાના અન્ય દેશોમાં પરિસ્થિતિ ખૂબ જ નાજૂક હોવાથી ભારતીય વિધાર્થીઓએ IoE મારફતે દેશમાં જ રહીને ઉચ્ચ શિક્ષણ મેળવવાનાં વિકલ્પ અંગે હકારાત્મક રીતે વિચારવું .જોઈએ. ભારતીય વિદ્યાર્થીઓ અને વાલીઓએ IoE સ્ટેટ્સ સાથેની ભારતીય યુનિવર્સિટીઓ અને તેનાં અભ્યાસક્રમો અંગેની વેબસાઇટ્સની મુલાકાત લેવાનું પણ વિનાવિલંબે શરુ કરી દેવું જોઈએ.
સારી બાબત એ છે કે IoEની પ્રણાલીથી પ્રેરાઈને નબળાં પરફોર્મન્સ ધરાવતી અનેક ભારતીય યુનિવર્સિટીઓ IoE (Institution of Eminence) સાથે સ્પર્ધામાં ઉતરવાનું સ્પર્ધાત્મક વલણ અપનાવી રહી છે. છેલ્લાં 50 વર્ષો દરમિયાન વધુને વધુ કોલેજો અને યુનિવર્સિટીઓ ઉભી કરવા ઉપર જ માત્ર ભાર આપવામાં આવી રહ્યો હોવાથી કોલેજો અને યુનિવર્સિટીની દેશમાં મોટી સંખ્યા થઇ ગઈ છે. પણ આટલી મોટી સંખ્યા હોવાથી તેની ગુણવત્તાની જાળવણી થઇ શકી નથી. દેશમાં IITs અને IIMsની સ્થાપના અને તેને સરકારનું પૂરું પીઠબળ હોવા છતાં દુનિયાની પ્રથમ 10 કે પ્રથમ 100નાં રેન્કિંગમાં પ્રવેશ મેળવવામાં આ સંસ્થાઓ નિષ્ફળ જ ગઈ છે. હવે આશા એટલી જ રાખીએ કે દુનિયાનાં ઝડપથી બદલાઈ રહેલા સમીકરણોનાં આધારે દેશવિદેશનાં સમગ્ર વિદ્યાર્થીગણમાં ભારતીય યુનિવર્સિટીઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય.
(લેખિકા વેલ્લોર ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીની એકેડેમિક સ્ટાફ કોલેજના ડીરેક્ટર છે.)