ભાજપના નેતા અરવિંદ રૈયાણી માવો ખાઈને થૂંકતા હતા તે વીડિયો તમે જોયો હશે. સામાન્ય સંજોગોમાં કેન્સરનો ડર હોય અને અત્યારે તો કેન્સરનો ય બાપ કોરોના ફેલાયો છે ત્યારે વ્યસનીઓ ડરતા હશે એવી આપણા સોજ્જા લોકોની ધારણા કેટલી ખોટી હોય છે તે રૈયાણીએ દેખાડ્યું. કેન્સર થાય કે કોરોના થાય માવો ખાવા જોઈએ. તમાકુ ને બીડી-સિગારેટ વિના ના ચાલે. આ તમે જોયું નહિ, દારૂની દુકાન ખૂલી ત્યાં લોકો ધક્કામુક્કી કરી રહ્યા હતા. પીવા જોઈએ બસ, પી ગયા પછી અંતર જાળવવાનું ભાન ના રહે તે પછીની વાત છે, પહેલાં પેગ મારી લેવા દો.
પીનારા કરતાંય પીવડાવનારાઓનો વાંક વધારે છે. રાજ્ય સરકારો જ આતુર છે કે શરાબની દુકાનો ખૂલે.
મેઘાલય અને આસામમાં દારૂની દુકાનો ખૂલવાની વાત પ્રથમ લૉકડાઉનના મધ્યમાં જ આવી હતી. કેરળ સરકારે પણ દારૂની દુકાનો ખોલી ને વળી હાઈ કોર્ટે કહ્યું એટલે બંધ કરવી પડી. પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહ પણ ક્યારનાય ખોલું ખોલું કરતા હતા. કેજરીવાલે જોયું કે દારૂની લાઈન તો લાંબી થઈ એટલે વળી પાછી બંધ કરાવવી પડી. કારણ એ કે રાજ્ય સરકારો માટે કમાણીનું આ એક જ મોટું સાધન છે. દારૂ પર ઊંચો ટેક્સ લેવાય છે. દારૂની આવક લેવા જતા મુશ્કેલી થશે એમ સમજીને કેજરીવાલ સરકારે હવે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધાર્યા.
દુનિયા થંભી ગઈ છે એટલે ક્રૂડના ભાવ તળિયે ગયા છે, તેનો લાભ ગ્રાહકોને ના અપાય તે વાત સમજી શકાય. અત્યારે ભાવ ઘટાડો થાય તો સરકારની આવક વધારે ઘટે. પણ ભાવવધારો? જોજો હવે બીજા રાજ્યો પણ પેટ્રોલિયમ પરનો વેટ વધારશે. રાજ્યોમાં બૂમ પડી ગઈ છે, કેમ કે વેરાની આવકો બંધ થઈ ગઈ છે અને કેન્દ્ર સરકાર તરફથી ધારી નાણાકીય મદદ મળી રહી નથી. જીએસટીના હિસ્સાના નાણાં પણ રાજ્યોને મળી રહ્યા નથી.
ને પાના-માવા-ગુટકાની દુકાનો ખોલવા માટે દબાણ તો થઈ જ રહ્યું છે. અહીં તો ખાનારા અને ખવરાવનારા બંનેનું દબાણ છે.
સુરતમાં માવો ના આપ્યો એટલે એક જણનું ખૂન પણ થઈ ગયું! ગુટકા અને તમાકુ લોબી બહુ તગડી છે અને રાજકારણીઓ તેમના ખિસ્સામાં છે. સામે મોટો ગ્રાહક વર્ગ એ મતદાર વર્ગ છે એટલે માવા ખાવાની વ્યવસ્થા સરકાર કરી આપેને તો આ આપણી પ્રજા વળી તેનેય સંવેદનશીલ ગણે તેવી છે! વાત મજાકની નથી, કેમ કે તમાકુ અને નિકોટીન કોરોનાને અવરોધે છે તેવી ગંભીર ચર્ચાઓ પણ થયેલી. સિગારેટ પીનારા લોકોના ગળામાં ઇન્ફેક્શન જલદી ચોંટતું નથી, તે કેમ અને કેટલા પ્રમાણમાં તેના ગંભીર પ્રયોગો પણ થયા છે. એટલે બીડી અને માવા અને ગુટકા અને સીધી જ તમાકુ ગલોફામાં ભરાવનારા કહેવાના કે તો પછી ખાવા દ્યોને – ઇ બહાને ચેપ ફેલાતો અટકશે ને અમને મોજ આવશે.
સેનિટાઇઝર્સ પણ આલ્કોહોલ બેઝ હોય છે. એટલે દોઢ ડાહ્યાઓએ કહેલું પણ ખરું કે દારૂ પીવા દોને, જંતુઓને ગળામાં જ આલ્કોહોલ મારી નાખશે. એટલે તમે પણ ‘માળી હાળી વાત તો હાચી હો… એમ કહીને દારૂ, માવા, ગુટકા, તમાકુ, બીડી, સીગરેટની છૂટ મેલી દ્યોને બાપલા’… એવી વાતો ના કરતા. તમને મૂળ પ્રયોગની વાત જણાવીએ તે પહેલાં બીજા નકાર કરનારા પ્રયોગની વાત કરી દઈએ, તો તમેય જરાક હેઠા બેહો.
વાત એમ છે કે નિકોટીન કોરોના વાઇરસને અવરોધે છે તેવા દાવામાં દમ નથી તેવું સંશોધન ભારતની જોધપુરની આઈઆઈટીએ કર્યું છે. નિકોટીન વિશેનું સંશોધન ફ્રાન્સમાં થયેલું તેનો નકાર જોધપુરના નિષ્ણાતોએ કર્યો છે. સિગારેટ પીનારા લોકોમાં ચેપનું પ્રમાણ થોડું ઓછું જોવા મળ્યું હતું તેવું ફ્રાન્સના એક અભ્યાસમાં કહેવાયું. જોધપુરના સંશોધકોએ અભ્યાસ પેપર તૈયાર કરીને આંતરરાષ્ટ્રીય જર્નલ અમેરિકન કેમિકલ સોસાયટીમાં ફ્રેન્ચોના દાવાને ખોટો ઠરાવ્યો છે. ઉલટાનું ધૂમ્રપાન કરનારા ચેપનો ભોગ બને તેવી શક્યતા વધુ હોવાનું તારણ જોધપુર-આઈઆઈટીના સંશોધકોએ કહ્યું છે.
ફ્રેન્ચ અભ્યાસ અને ભારતના રિસર્ચરોનો અભ્યાસ બંને સ્વતંત્ર રીતે થયેલા છે અને તેના પિયર-રિવ્યૂ થયા નથી. એટલે કે વિજ્ઞાનીઓ એક સંશોધન કરે ત્યારે સાથી વિજ્ઞાનીઓ તેને ચકાસતા હોય છે. પોતાની રીતે પણ પ્રયોગો કરતાં હોય છે અને ખરાઇ કરતા હોય છે. બંને પ્રયોગોની ખરાઈ થઈ નથી, એટલે બેમાંથી એકેય માનવાની જરૂર નથી. આમ પણ માવા અને ગુટકા, બીડી અને સિગારેટ સારા નથી એ વાત યથાસ્થાને ઊભી જ રહે છે.
હવે ફ્રેન્ચ સંશોધન શું હતું તે જોઈ લઈએ. ફ્રાન્સની પાશ્ચર ઇન્સિટ્યૂટના ન્યુરોસાયન્સના પ્રોફેસર જ્યાં-પિયરે શેન્યૂ અને પારીસની પિટિ-સેલ્પેટિયર યુનિવર્સિટી હોસ્પિટલના ઝહિર અમોરાએ આંકડાઓ તપાસીને તારણ કાઢ્યું કે સમાન ઉંમર અને લિંગની વ્યક્તિઓમાં ધૂમ્રપાન કરનારી વ્યક્તિમાં કોરોના ચેપ લાગવાની શક્યતા 80 ટકા ઓછી હોય છે. ચીનના તથા અન્ય દેશોના આંકડાંમાંથી પણ આવું તારણ કાઢવામાં આવ્યું હતું. જેમ કે દેશમાં કુલ કેટલા ટકા લોકો ધૂમ્રપાન કરે છે – તેની સામે કોરોના ચેપના કુલ કિસ્સામાંથી કેટલા ટકા ધૂમ્રપાન કરનારા છે. દેશની કુલ ટકાવારી વધુ હોય અને દર્દીઓની ટકાવારી નીચે હોય એટલે તારણ નીકળે કે કોઈક કારણસર સિગારેટ પીનારા દર્દી તરીકે ઓછા આવ્યા.
આવું આંકડાકિય તારણ કાઢ્યા પછી નિકોટીનની શી અસર કોરોના પર થાય છે તેની હ્મુમન ટ્રાયલ બંને સંશોધકોએ શરૂ કરી છે. નિકોટીન આડકતરી રીતે અસર કરતું હોવાનું અનુમાન કરાયું છે. ACE2 નામનું કોષનું એક મેમ્બ્રેન હોય છે, જેની અંદર વાઇરસ ઘૂસે છે. સિગારેટ પીતી વખતે નિકોટીનનો અંશ પણ ACE2 મેમ્બ્રેનને જ ચોંટી જાય છે. એટલે ધારણા એવી છે કે તેના પર નિકોટીન ચોંટેલું જ હોય એટલે કોરોના નોવેલ-ર વાઇરસને ચોંટવા માટેનો ચાન્સ મળે નહિ. આવું ખરેખર થાય છે કે કેમ તે જોવા માટે 1500 આરોગ્ય કર્મચારીઓ અને 400 દર્દીઓ પર પ્રયોગો થવાના છે. આ લોકોને નિકોટીન આપવામાં આવશે અને પછી ચકાસણી કરાશે કે તેમને ચેપ લાગવાની શક્યતા કેટલી ઘટી.
સંશોધકોએ ભલે ચેતવણી આપી, ફણ ફ્રાન્સની સરકાર જાણે છે કે વ્યસનીઓને કોઈ ચેતવણીની અસર થતી નથી. સિગારેટ અને ગુટકાના પેકેટ પર વિકૃત્ત કેન્સર થયાની તસવીરો છાપો તોય પીનારા પીવે છે. ભારત હોય કે ફ્રાન્સ મારા ભાઈ, પીનારા બધે સરખા… એટલે ફ્રેન્ચ સરકારે નિકોટીન એટલે કે તમાકુનું વેચાણ મર્યાદિત કરી દીધું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ નવેસરથી ધૂમ્રપાન સામે ચેતવણી ઉચ્ચારી.
ભારતના જોધપુરના નિષ્ણાતોએ કહ્યું હતું તેવું જ WHOની ચેતવણીમાં કહેવાયું છે, “સ્મોકર્સને ઉલટાનો વધારે ચેપ લાગશે, કેમ કે તેઓ સિગાટેપ પીતી વખતે વારંવાર પોતાની આંગળીઓ હોઠને અડાડશે. સ્મોકર્સના ફેફસા આમ પણ નબળા થઈ ગયા હોય એટલે તેમને ચેપ લાગવાનું જોખમ વધારે છે.”
તો સંશોધકોની પોતાની, ફ્રાન્સ સરકારે ગભરાઈને નિકોટીનનું વેચાણ ઘટાડ્યું તેનો ઈશારો સમજી અને વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી અને અમારી ચેતવણી તો ખરી જ વળી… તમે ગાંડી સોશ્યલ મીડિયાની દુનિયાના વાહિયાત વાતોમાં પડતા નહિ. તમાકુ, માવા, ગુટકા ને બીડી-સિગારેટની કોઈ અસર કાળઝાળ કોરોના વાઇરસને થતી નથી. અમસ્થા પણ પીતા હો ને અત્યારે પરાણે તેના વિના ચલાવવું પડ્યું હોય (જો વ્યસન વિના ચલાવી લીધું હોય તો, બાકી તો ભાઈડાઓએ મેળ પાડી જ દીધો હશે) તો કાયમ માટે આ લત છોડી દોને બાપા, કાકા, ભઈલા…