ભાજપના પોતાના નહેરુ-ગાંધીપરિવારની પણ પીછેહઠ?

બર છેને એક નહેરુ-ગાંધીપરિવાર ભાજપમાં પણ છે? સૌથી વધુ ‘અયોગ્ય રીતે ખ્યાત’ થયેલા સંજય ગાંધીનો પરિવાર ભાજપમાં ફૂલ્યોફાલ્યો છે. મેનકા ગાંધી અને વરુણ ગાંધી બંને વારંવાર ભાજપના સાંસદો બનતા રહ્યા છે અને મેનકા ગાંધી પ્રધાન તરીકે પણ રહ્યા. આ વખતે મેનકા ગાંધી પર 30 મેના રોજ બપોરે ચા પીવાનો સમય થઈ ગયો ત્યાં સુધી વડા પ્રધાન કાર્યાલય કે ભાજપ મુખ્યાલયમાંથી ફોન આવ્યો નહિ. આવું કેમ થયું એ સવાલ થોડા દિવસ ચર્ચાયા કરશે અને તે પછી કદાચ શમી પણ જશે.

સિવાય કે વરુણ ગાંધી કશીક નવાજુની કરે. પિતાની જેમ અલગ અંદાજ ધરાવતો પુત્ર મેનકા ગાંધીનું પણ કહ્યું કરે તેવો નથી એમ આ પરિવારને નજીકથી જાણનારા લોકો કહે છે. તે કદાચ ભાજપ વિરુદ્ધ, નેતાગીરી વિરુદ્ધ કે પછી તેમની માતાએ લઘુમતીઓ વિરુદ્ધ કર્યું હતું તેવું કોઈ નિવેદન કરે ત્યારે ફરી ચર્ચામાં આવશે. ચર્ચામાં આવે કે ના આવે જાણકારોમાં સવાલો થતા રહેવાના છે. સવાલો ચૂંટણી પહેલાં જ થયા હતા. માતા-પુત્રે બેઠકોની અદલાબદલી ત્યારે પણ સૌને સવાલો થયેલા અને આશ્ચર્ય થયેલું.

 

યોગી આદિત્યનાથનો ઉદય થયો તે પહેલાં ઉત્તર પ્રદેશમાં વરુણ ગાંધીનો ઉદય થશે તેવું આ પરિવારને લાગતું હતું. માતાપુત્રને બહુ હોંશ હતી કે રાજ્યમાં વરુણ ગાંધીને આગળ કરવામાં આવશે. જોકે વિધાનસભાની ચૂંટણીમાં અમિત શાહે સપાટો બોલાવ્યો તે પછી હવે રાજ્યના રાજકારણમાં આ નહેરુ-ગાંધીપરિવારની કોઈ ચર્ચા રહી નથી. પેલા નહેરુ-ગાંધી પરિવારની ચર્ચા હજી ચાલ્યા કરશે. ભાજપમાં જોડાઈ જાય તેને દૂધે ધોઈને સ્વચ્છ કરવામાં આવે છે એટલે વરુણ કે મેનકાની વાત કરતી વખતે માત્ર ગાંધીપરિવાર કહેવાનો, નહેરુ-ગાંધીપરિવાર નહિ કહેવાનો – એ તો પેલો છે જે નહેરુ-ગાંધીપરિવાર છે.

એની વે, કટોકટીના અસલી વિલન સંજય ગાંધીના પરિવારને, તેમના અવસાન પછી આજ સુધી ભાજપનો જ આશરો રહ્યો છે. પણ એ આશરો હવે વાવાઝોડામાં કાચું છાપરું ઊડી જાય તેમ ઊડી જાય તેવું લાગે છે. મેનકા ગાંધીને ભવિષ્યમાં પણ પ્રધાન બનાવાય તેવી કોઈ શક્યતા નથી અને વરુણને કોઈ જગ્યાએ મહત્ત્વ મળે તેવું પણ લાગતું નથી. સિવાય કે પેલા નહેરુ-ગાંધીપરિવારને નડતર કરવા માટે માતાપુત્ર કામ આવે તે હશે ત્યારે તેમના પરથી ધૂળ ખંખેરીને, ગંગાજળ છાંટીને ભાજપનું સંગઠન બંનેને વળી પવિત્ર કરી દેશે તે નિશંક છે.

હકીકતમાં ભાજપે વરુણ ગાંધીને નેતાગીરી સાબિત કરવાની તક પણ આપી હતી. પશ્ચિમ બંગાળમાં સંગઠનનું કામ કરવા માટેની તેમને જવાબદારી આપી હતી. તેઓ સંગઠનના કામને વળગી રહ્યા હોત તો પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉદય સાથે વરુણનો પણ ઉદય થા. તેના બદલે ભાજપ સંગઠને જવાબદારી આખરે કૈલાશ વિજયવર્ગીયને આપી અને તેઓ પશ્ચિમ બંગાળની સફળતામાં હિસ્સેદાર બની રહ્યા છે.

 

આ વખતની લોકસભાની ચૂંટણીની ટિકિટોની વહેંચણી વખતે જ ભાજપે પોતાના અંગત અને આગવા નહેરુ-ગાંધી પરિવારનું કદ વેતરવા માટે તૈયાર કરી લીધી હતી. મેનકા અને વરુણ બંનેને ટિકિટ ના આપવી તેવું નક્કી કરાયું હતું. ભાજપ કોંગ્રેસના પરિવારવાદની ચર્ચા કરે અને પોતાના ગાંધી પરિવારને બબ્બે ટિકિટો આપે દે એવું તે કેવું હેં. એટલે જ સિદ્ધાંત આગળ કરાયો કે એક જ પરિવારમાં બેને ટિકિટ આપવી નહિ. રાજનાથ સિંહ અથવા તેમના પુત્ર, વસુંધરા અથવા તેમના પુત્ર દુષ્યંતસિંહ, હુકુમદેવ યાદવ અથવા તેમના પુત્ર. (આ પુત્રો વિધાનસભામાં ચૂંટણીઓ લડે જ છે વળી.)

આ સિદ્ધાંતનું બહાનું આગળ કરીને મેનકા ગાંધીને કહેવામાં આવ્યું કે તમે માતાપુત્ર નક્કી કરી લો કોને ચૂંટણી લડવી છે. મેનકાએ ચોખ્ખું સંભળાવ્યું અમારે બંનેને લડવાનું છે, કેમ કે ભાજપમાં તમારો નિયમ નવો આવ્યો, અમે તો અસલથી ખાનદાની નેતાઓ છીએ. અમે તો અદ્દલ વખતથી માતાપુત્ર બંને સાંસદો બનતા આવ્યા છીએ. કોંગ્રેસના ગાંધી એટલે કે નહેરુ-ગાંધીપરિવાર સામે લડત ચાલતી હોય ત્યારે પોતાના આગવા નહેરુ-ગાંધી પરિવાર એટલે કે ગાંધીપરિવારને નારાજ કરી શકાય નહિ. તેથી ચૂંટણી વખતે ગાંધીમુક્ત રાજકારણની વાત પડતી મુકીને બંનેને ટિકિટ અપાઈ.

મેનકાએ ભાજપના સંદેશવાહકને સપડાવ્યા કે ઠીક છે મારી બેઠક પિલીભીત છે તે હું વરુણ માટે ખાલી કરી આપું છે, તમે સુલતાનપુર બેઠકમાં તમારી રીતે ઉમેદવાર શોધી લો. એ રીતે વરુણ માટે પિલીભીત બેઠક નક્કી થઈ, પણ સુલતાનપુર ગુમાવાનો વારો આવશે એવું જોખમ જોઈને ભાજપે આખરે એ બેઠક મેનકા ગાંધીને આપી દીધી. આ રીતે બેઠકોની અદલાબદલી કરવામાં આવી તેમ જાણકારો કહે છે.

મેનકા ગાંધીને લાગ્યું હશે કે પોતે દબાણ કરીને બંને બેઠકો રાખી શક્યા, તેથી પ્રધાનપદું પણ મળશે. પણ ત્રી નોટ ત્રી પછી ચિત્ર બદલાયું છે તે મેનકાએ સમજવાનું હતું. ફોન આવ્યો નહિ અને હવે કદાચ ફોન આવશે પણ નહિ. ચૂંટણી વખતે દબાણ કરનારા એકેએક નેતાને આગામી સમયમાં પાઠ ભણાવાશે તે નક્કી છે.

જીતવા માટે ચૂંટણીપ્રચાર વખતે બધાની સાથે વરુણ ગાંધી પણ મોદી-મોદી મોદી-મોદી કરતા હતા, પણ હમણાં થોડું વાણી પરિવર્તન થયું છે. મેનકા ગાંધીએ મુસ્લિમો મત ના આપે તો તેમના કામ કેવી રીતે કરવા સવાલો ઉઠાવ્યા હતા, તેવી રીતે વરુણ ગાંધી પણ હવે પ્રધાનપદા વિના કેવી રીતે પ્રજાની સેવા કરવી તેવા સવાલો ઉઠાવશે. પ્રધાનો બની ગયા તે લોકો વડે પણ પ્રજાની સેવા થઈ રહી છે ખરી તેવા સવાલો કદાચ પણ તેઓ માતાની જેમ ઉઠાવશે. માતાની જેમ મોદી સરકારના પ્રધાનોની કામગીરીને એ, બી, સી અને ડી ગ્રેડમાં કદાચ વહેંચશે.

આ અમસ્થા નથી કહેતા. આવું થયું પણ હતું. તેઓ સાંસદ તરીકે કૉલેજોમાં લેક્ચરો આપતા ફરે છે. તેમાં ગામ અને નાના નગરોમાં ખેડૂતોને ધ્યાનમાં રાખીને કઈ રીતે શિક્ષણની નવી તરાહ વિકસાવવી જોઈએ તેના પોતાના આગવા મૉડલની ચર્ચા કરે છે. આ મૉડલ તમે તમારી સરકારને કેમ નથી આપતા એવો સવાલ કોઈક તો પૂછેને ભઈ… તો પછી. પૂછ્યો. તો જવાબ ના મળ્યો, વરુણ ગાંધી માત્ર મૌન રહ્યા. છએક મહિના પછી કદાચ જવાબ આપશે.

2019 પૂર્ણ થઈ ગયું છે. મિશન હવે 2022 છે અને પછી 2024. તે મિશનમાં હવે ઘણા બધા નવા ચહેરા હશે. ઘણી બધી નવી સ્ટ્રેટેજી અને ઘણી બધી નવી યોજનાઓ હશે. તે બધામાં ભાજપના પોતાના જ નહેરુ-ગાંધીપરિવાર માટે ખાસ કોઈ સ્થાન હોય તેમ લાગતું નથી. કોંગ્રેસના પોતાના આગવા નહેરુ-ગાંધીપરિવારનું સ્થાન હજી સુધી ત્યાં ટક્યું છે ખરું. રાજીનામું આપી દીધાને મહિનો થવા આવ્યો પણ રાહુલનું રાજીનામું સ્વીકારનારું પણ ત્યાં કોઈ નથી. કોંગ્રેસના પોતાના આગવા નહેરુ-ગાંધીપરિવારે સ્વંય પીછેહટ કરી છે. તેથી હવે જોઈએ, ભાજપના આગવા નહેરુ-ગાંધીપરિવારની પીછેહટ ક્યારે અને કેવી રીતે થાય છે…