એક વાત તરફ સૌનું ધ્યાન ખેંચાયું છે કે યેદીયુરપ્પાએ તેમના નામમાં ફેરફાર કર્યો છે. આપણે જોકે યેદીયુરપ્પા જ કહેતા આવ્યા હતા, પણ વચ્ચે તેમણે પોતાનું નામ બદલીને યેદયુરપ્પા કર્યું હતું. અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે નામમાં ફેરફારો કરાયા છે – Yeddyurappa એવા સ્પેલિંગને ફરીથી Yediyurappa એવો કરાયો છે. એવું કહેવાય છે કે ન્યુમરોલૉજિસ્ટના કહેવાથી તેમણે આવું કર્યું છે.
યેદીયુરપ્પા 76 વર્ષના થયા છે. તેમની ઉંમરમાં પણ એક આંકનો વધારો થયો. ભાજપમાં બિનસત્તાવાર નિયમ છે કે 75 વર્ષે નિવૃત્ત થઈ જવું. તેનું પાલન પોતાના વિરોધી અને નડતા વૃદ્ધોને ઘરે બેસાડી દેવા માટે છે. ફાવતા વૃદ્ધ માટે અપવાદ થઈ શકે. તેથી 76નો આંક યેદીયુરપ્પાને બહુ નડે તેમ નહોતો. પરંતુ ચોથી વાર મુખ્યપ્રધાન બન્યા પછી કેટલા દિવસો (ફરી એકવાર સંખ્યા) મુખ્ય પ્રધાન રહી શકશે તે પણ તેમણે જ્યોતિષને પૂછ્યું હશે. જ્યોતિષ અને આંકડાંશાસ્ત્રીએ તેમને ઉપાય સૂચવ્યો કે તમારા નામના સ્પેલિંગમાં ફેરફાર કરી નાખો. તમે વચ્ચેના સમયમાં યેદયુરપ્પા લખતા થતા હતા. તેમાંથી વધારાનો એક ડી કાઢી નાખો, આઇ ઉમેરી દો અને ફરી યેદીયુરપ્પા થઈ જાવ. આ વખતે તમને લાંબો કાર્યકાળ મળશે એવું તેમણે કહ્યું હશે.
મજાની વાત એ છે કે દેવે ગોવડાના ઘરે પણ દીકરા કુમારસ્વામીને બચાવવા માટે યજ્ઞ ચાલતો હતો. તે યજ્ઞ નરી અંધશ્રદ્ધા સાબિત થયો છે. યજ્ઞ ચાલતો રહ્યો અને દીકરાને ટેકો આપનારા એક એક ધારાસભ્ય ઓછા થતા ગયા. બાપદીકરો આંધળી ભક્તિ કરતાં રહ્યા, આંખો બંધ કરીને સત્તા ચલાવતા રહ્યા, થોડી અક્કલ વાપરી તો આંકડાંમાં ના પડવું પડ્યું હોત. આખરે 100નો આંકડો પણ થયો નહિ અને 99 મતો સાથે હારી ગયા. હવે અંકશાસ્ત્ર પ્રમાણે યેદીયુરપ્પાએ તાત્કાલિક પોતાનું નામ બદલ્યું, તાત્કાલિક વજુભાઈ વાળાને મળીને સાંજના છ વાગ્યાનો ટાઇમ પણ લઈ લીધો અને શપથ પણ લઈ લીધા. છેલ્લે 14 મહિના પહેલાં ચૂંટણી પછી પરાણે સરકારનો દાવો કર્યો હતો અને વજુભાઈ વાળાએ ખુશી ખુશી સ્વીકારી લીધો હતો. તે વખતે પણ મુખ્ય પ્રધાનપદે શપથ લઈ લીધા, પણ અઢી દિવસમાં જ ગાદી છોડવી પડી હતી.
હવે સવાલ એ થવાનો છે કે યેદીયુરપ્પાના સમર્થનમાં કેટલો આંક થાય છે. હાલમાં તેમણે એકલાએ જ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. સોમવારે ફરી એકવાર ગૃહમાં વિશ્વાસનો મત લેવાશે. આ વખતે યેદીયુરપ્પા લેશે. તેમની તરફેણમાં કેટલા મતો પડશે? અત્યારથી જ ગણતરી થવા લાગી છે, પણ સાચો આંકડો તે દિવસે જ બહાર આવશે એમ લાગે છે. જોકે તે પહેલાં ગુરુવારે રસપ્રદ ઘટના બની હતી અને યેદીયુરપ્પાએ મોવડીમંડળને માંડ માંડ મનાવ્યું હતું. એવું કહેવાય છે કે તેમણે મધરાતે ભાજપના પ્રમુખ અમિત શાહને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેમના જીવનની આ છેલ્લી તક છે મુખ્ય પ્રધાન બનવા માટેની. (કદાચ જ્યોતિષીએ કહ્યું હશે.) તેમણે કહ્યું કે મને સરકાર રચવા દો. જોકે કોંગ્રેસના બળવાખોરો ટેકો આપશે કે છેલ્લી ઘડીએ ફરી જશે તેની ભારે શંકા છે. તેથી એવું કહેવાય છે કે મધરાતે મુંબઈમાં ફાઇવસ્ટાર હોટેલમાં જલસો કરી રહેલા પ્રજાના દગાખોર, મતદારદ્રોહીઓ, સ્વાર્થીઓ, પક્ષપલટુ કોંગ્રેસીઓને વિડિયો કોન્ફરન્સ માટે ઉઠાડાયા હતા. આ પૈસા અને સત્તા ભૂખ્યા કોંગ્રેસીઓએ વિડિયો કોન્ફરન્સમાં પોતાના સગ્ગા દીકરા દીકરીઓની કસમું ખાધી કે દગો નહિ કરે અને ભાજપને જ ટેકો આપશે! બોલો, દગાખોરો, મતદારદ્રોહીઓએ કસમું ખાધી કે તેઓ ભાજપને દગો નહિ કરે અને ભાજપ માની પણ ગયો!
હા, માત્ર અંકશાસ્ત્રીઓની સલાહ પ્રમાણે નહિ, જ્યોતિષીઓની સલાહ પ્રમાણે યેદીયુરપ્પાને ત્યાં પણ યજ્ઞો ચાલતા હતા. તેમના વતનના ગામ યેદીકુર ગામમાં જાતભાતના હવન થઈ રહ્યા હતા. હજીય થઈ રહ્યા હશે. મેડમ શોભના તરીકે જાણીતા ભાજપના સાંસદ શોભના કરાંદલજે પણ અમિત શાહને રોજ સંસદમાં મળીને કર્ણાટકમાં સરકાર રચના માટે મંજૂરી માગતા હતા. યેદીયુરપ્પાના ખાસ ગણાતા મેડમ શોભનાથી અમિત શાહ પણ કંટાળી ગયા હતા એવું જાણકારો કહે છે. કોઈક કારણસર ભાજપના મોવડીઓ કર્ણાટકમાં સાવધાનીપૂર્વક આગળ વધવા માગતા હતા. કેમ કે આંકડાંની રમત હજીય ગૂંચ ભરી છે. દાખલા તરીકે સ્પીકરે મત આપ્યો નહોતો, તેને બાદ કરતાં કુમારસ્વામીને 99 મતો થયા હતા. ભાજપના 105. બે અપક્ષો ગૃહમાં આવ્યા નહોતા. બીએસપીના ધારાસભ્ય પણ ગૃહમાં આવ્યા નહોતા. કોંગ્રેસના પણ બે ધારાસભ્યો ગેરહાજર હતા. મુંબઈમાં બેઠેલા કોંગ્રેસના 12 અને જેડીએસના 3 ધારાસભ્યો પણ આવ્યા નહોતા. કુલ 20ની ગેરહાજરી હતી.
હવે વિશ્વાસનો મત પતી ગયો તેના બીજા દિવસે સ્પીકર રમેશકુમારે ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોને ડિસ્ક્વોલિફાઈ જાહેર કરી દીધા. પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ તેમને ગેરલાયક ઠરાવી દીધા. તેઓ હવે પેટાચૂંટણી પણ લડી શકશે નહિ.
જોકે મુંબઈમાં બેઠેલા બળવાખોરોનું શું? તેમના રાજીનામાં સ્વીકારી લેવાશે કે પછી તેમને પણ ડિસ્ક્વોલિફાઇ થવું પડશે? સ્પીકરે કોઈ નિર્ણય લીધો નથી. હવે મુખ્યપ્રધાન બની ગયા છે યેદીયુરપ્પા પણ સ્પીકર એના એ જ છે. તેઓ સોમવારે કોઈ બીજો નિર્ણય લેશે ખરા? યેદીયુરપ્પાના વિશ્વાસના મતની કાર્યવાહી પહેલાં તેઓ બીજી કોઈ કાર્યવાહી કરશે? તેઓ સોમવારે બધાને ડિસ્ક્વોલીફાઇ કરી દેશે? બધાના રાજીનામાં મંજૂર કરી દેશે? આમ તો શનિવાર અને રવિવારનો દિવસ પણ તેમની પાસે છે. તેથી તેઓ શું નિર્ણય કરે છે તેની ગણતરી કરવી પડે. જોકે દગાખોરાના રાજીનામાં મંજૂર થાય કે ડિસ્ક્વોલિફાઇ થાય, યેદીયુરપ્પા સરકારને બહુ ફરક પડતો નથી. ગેરલાયક ઠરેલા દગાખોરો પેટાચૂંટણી ના લડી શકે. તેનાથી ભાજપને કંઈ અફસોસ થવાનો નથી. ઉલટાનું તેમના માટે ટાઢા પાણીએ ખસ ગઈ. તેમને છ મહિનામાં જીતાડીને વળી પ્રધાન પણ બનાવવા પડ્યા હોત.
જોકે સ્પીકર તેમના રાજીનામાં પણ ના લે, ગેરલાયક પણ ના ઠરાવે અને સિદ્ધરમૈયાએ કોઈ ઊંડી રમત રમી હોય અને તેઓ સોમવારે ગૃહમાં આવીને વિશ્વાસના મતની વિરુદ્ધ મતદાન કરે તો ભાજપની હાલત કફોડી થઈ જાય. બીએસપીના એક ધારાસભ્યે પણ ભેદી રીતે મૌન જાળવ્યું છે. બે અપક્ષોએ ટેકો આપેલો, પણ ગૃહમાં મત આપવા આવ્યા નહોતા. આ બધા નાણાં અને સત્તા ભૂખ્યા દગાખોરોને સહેલાઈથી ખરીદી શકાય છે. સિદ્ધરમૈયા પણ તેમને ખરીદી શકે છે. તેથી એક ડર એ હતો કે મોટી રમત થઈ જાય અને યેદીયુરપ્પા પણ કુમારસ્વામીની જેમ વિશ્વાસનો મત હારી જાય. તે સંજોગોમાં રાષ્ટ્રીય સ્તરે પણ ભાજપનું બહું ભૂંડું લાગે. તે સંજોગોમાં કદાચ આખરે એવું બને કે કોંગ્રેસની સરકાર બનાવવાનો વારો આવે અને જેડી(એસ) તેને ટેકો આવે.
આંકડાંની આ ભારે રમત વચ્ચે એવું કહેવાય છે કે કોંગ્રેસના દગાખોરોએ આખરે ગેરલાયક ઠરવાનું જ નક્કી કર્યું છે. તે લોકો ભાજપના ટેકામાં મત આપીને આખરે ગેરલાયક જ ઠરવાના છે, પણ ભાજપની સરકાર બની જાય અને કોંગ્રેસના દરવાજા બંધ થઈ જાય. સોમવાર સુધી આંકડાંની રમતની રાહ જોવી પડશે. કહેવાય છે કે યેદીયુરપ્પાએ ટેરોટ કાર્ડવાળાને પણ છોડ્યા નહોતા. ટેરોટકાર્ડવાળાએ પણ તેમને કહ્યું છે કે આ વખતે સીએમ બની જશો તો લાંબું ચાલશે. અંક શાસ્ત્રીએ કહેલું કે ચાર વાગ્યે તમારો કાળ પૂરો થાય છે. 6 વાગ્યે સારું મૂહુર્ત છે એટલે જલદી જલદી શુક્રવારે જ સત્તાની ખુરશી પણ બેસી જાવ. જોકે ચાર પાયો હોવા છતાં રાજકીય ખુરશીને ડગમગવાની ટેવ હોય છે. રાજકીય ખુરશીને યજ્ઞ, હવન, મંત્ર, તંત્ર, ટેરોટ કાર્ડ કે આંકડો કશું અડતું નથી. રાજકીય ખુરશીને નડી જાય છે નેતાઓની દગાખોરી, નાણાં ભૂખ, સત્તા ભૂખ અને ન જાણે કેવી કેવી ભૂખ…