નવી દિલ્હી- ભારતના રાજકીય ઈતિહાસમાં આજનો દિવસ અલગ સ્થાન ધરાવશે કારણ કે દેશને આજે મોટાગજાના વ્યક્તિત્વની ખોટ પડી છે. 16 ઓગસ્ટના સાંજે 5.05 કલાકે અટલબિહારી વાજપેયીએ અંતિમ શ્વાસ લીધાં. તેમની સાથે એક અજાતશત્રુ રાજકારણીની ભાજપને જ નહીં, દુનિયાને ન પૂરી શકાય તેવી ખોટનો અહેસાસ થયો છે. અટલબિહારી વાજપેયીના જીવન કવન પર એક સ્મરણાંજલિ અર્પણ કરીએ છીએ.દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નથી સન્માનિત અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ પ્રજાસત્તાક ભારતના 10મા વડાપ્રધાન તરીકે અલગ અલગ ત્રણ સમયગાણા માટે પીએમ પદે રહી ચૂક્યા હતા. જેમાં વર્ષ 1996માં 13 દિવસ, વર્ષ 1998-99માં 13 મહિના અને વર્ષ 1999થી 2004 દરમિયાન પૂરા કાર્યકાળ માટે તેઓ સેવા આપી ચૂક્યા છે.અટલ બિહારી વાજપેયી કુલ નવ વખત લોકસભાના સદસ્ય રહી ચૂક્યા છે. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં ચાર રાજ્યોમાંથી (ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને દિલ્હી) ચૂંટાનારા તેઓ એક્માત્ર સાંસદ હતાં. વર્ષ 1969થી 1972 દરમિયાન અટલ બિહારી વાજપેયી ભારતીય જનસંઘના (હવે ભારતીય જનતા પાર્ટી) પ્રમુખ રહ્યાં હતાં.
અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજમાંથી (હવે લક્ષ્મીબાઇ કોલેજ) હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી.
અટલ બિહારી વાજપેયી કવિસહજ ઋજુહૃદયી એવા રાજકારણી હતા જેમણે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવૃત્ત હોવા છતાં પોતાની સંવેદનશીલતા જાળવી રાખી હતી. એક રાજકારણી ત્યારે જ કવિ બની શકે જ્યારે તેની અંદરનો સહાનુભૂતિવાળો માણસ જાગૃત હોય. ભારતીય રાજનીતીમાં તેમના જેવા સપૂત કદાચ અન્ય કોઈ નથી તે અફસોસની વાત છે પણ આવા વિરલા આપણા દેશને મળ્યા તે ગર્વની વાત છે.અહીં પ્રસ્તુત છે તેમની એક કવિતા જેમાં તેમણે પોતાના હ્રદયની લાગણીઓને શબ્દચિત્ર વડે રજૂ કરી છે. તે કહે છે કે, આ જીવનમાં કાંઈ મેળવ્યુ નથી અને કંઈ ગુમાવ્યું નથી. જીવન તો અનંત સફર છે અને દરેક પગલે છેતરામણું હોય છે. છતાંય તેમને જીવન સાથે કોઈ તકલીફ નથી. મૃત્યુ આવે ત્યારે જાતે જ તેનું સ્વાગત કરવાની વાત કરી અનંત સફરે જવા તૈયાર રહેવાનું હોય છે.
વાજપેયી રચિત ખૂબ જાણીતી કવિતામાં તેમની લેખિનીનો આસ્વાદ
‘क्या खोया क्या पाया जग में, मिलते और बिछड़ते मग में मुझे किसी से नहीं शिक़ायत, यद्यपि छला गया पग पग में एक दृष्टि बीती पर डालें, यादों की पोटली टटोलें, अपने ही मन से कुछ बोले पृथ्वी लाखों वर्ष पुरानी जीवन एक अनन्त कहानी पर तन की अपनी सीमाएँ यद्यपि सौ शरदों की वाणी इतना काफ़ी है अंतिम दस्तक पर, ख़ुद दरवाज़ा खोलें अपने ही मन से कुछ बोलें जन्म मरण का अविरत फेरा जीवन बंजारों का डेरा आज यहां कल कहाँ कूच है कौन जानता किधर सवेरा अँधियारा आकाश असीमित प्राणों के पंखों को तौलें अपने ही मन से कुछ बोलें (રચના- અટલ બિહારી વાજપેયી) |