આસામમાં આઝાદી પહેલાંથી જ ઊભી થઈ હતી સમસ્યા

સામ ફરી સમાચારમાં છે, કેમ કે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન-એનઆરસી)ની કાર્યવાહીને કારણે વિવાદ ઊભો થયો છે. આસામમાં આ બહુ જૂની સમસ્યા છે અને આ વિવાદ પછી કેટલાક જાણકારો જણાવી રહ્યા છે કે કઈ રીતે આઝાદી પહેલાંથી જ આસામમાં આસામીઓ અને બિનઆસામીઓ વચ્ચે સમસ્યા ઊભી થવા લાગી હતી. 
બાંગલાદેશીઓની ઘૂસણખોરીની સમસ્યા સહેલાઇથી ઉકેલી શકાય તેવી નથી. માત્ર આસામમાં જ નહિ, દેશભરમાં મોટા શહેરોમાં, ઓદ્યોગિક વસાહતોમાં બાંગલાદેશીઓની ઘૂસણખોરી થઈ છે. બાંગલાદેશીઓને જુદા પાડવા મુશ્કેલ છે. બીજા ભારતીય કરતાં ભાષાને આધારે તેમને જુદા પાડી શકાય, પણ માત્ર બંગાળી ભાષી હોવાથી બાંગલાદેશી ગણી લેવા જેટલું કામ સહેલું નથી. ઘૂસણખોરી કરનારામાં બાંગલાદેશી મુસ્લિમો મુખ્ય હોય તેમ માનીને તપાસ કરવામાંથી પણ મુશ્કેલી થાય તેમ છે, કેમ કે પશ્ચિમ બંગમાં પણ મુસ્લિમોની વસતિ પ્રથમથી જ વધારે છે.
આ રીતે ધર્મ અને ભાષા એ બે ઓળખ સામસામી ઊભી થઈ હતી. ધર્મ કરતાં પણ મામલો ભાષાનો વધારે હતો અને તેના કારણે જ આસામના વિવાદમાં સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે પશ્ચિમ બંગમાં. હાલમાં બાંગલાદેશ છે તે એક જમાનામાં વિશાળ ફળદ્રુપ મેદાની જંગલો હતા. તીબેટથી આવતી બ્રહ્મપુત્રા નદીનો અને ગંગા નદીનો એક ફાંટો પણ તે તરફ જાય છે. તેના મુખપ્રદેશમાં ખેતી માટે સાનુકૂળતા હતી, પણ ત્યાં ઓછી વસતિ હતી. તે વખતના બ્રહ્મદેશની નજીકમાં આવેલી પહાડીઓમાં મૂળ આદિવાસી પ્રજાનો વસવાટ હતો. વચ્ચે આ વિશાળ મેદાન ખાલી હતું, જે મોગલ શાસન પહોંચ્યું પછી જમીનદારોના હાથમાં આવ્યું. ભેજવાળા અને મચ્છર સહિતના જીવજંતુવાળા પ્રદેશમાં કામ કરવા કોઈ તૈયાર નહોતું, તેથી જમીનદારો બંગાલ ઉપરાંત દૂર યુપી, બિહાર અને ઓડિશાથી મજૂરો લાવતા હતા. તેમાંના મોટા ભાગના મુસ્લિમો હતા અથવા આ પ્રદેશમાં વસવાટ કરતા થયા પછી જમીનદારો મુસ્લિમ હોવાથી મુસ્લિમ તરીકે વટલાઈ ગયા હતા.
અંગ્રેજો આવ્યા અને તેમણે આસામ અને ઇશાન ભારતના પહાડી પ્રદેશોમાં ચાના બગીચા કર્યા. પહાડીમાં રહેવાનું અનુકૂળ હતું. ભેજ ઓછો અને ખુશનુમા હવામાનને કારણે હવે બંગાળના ભદ્ર વર્ગના લોકો પણ ત્યાં વસવાટ માટે રાજી હતા. ધીમે ધીમે બંગાળની વસતિ આસામ સહિતના ઇશાન ભારતના ખીણ પ્રદેશોમાં વધવા લાગી.
આસામ અહોમ પ્રજાએ વસાવ્યું હતું. તે પોતાની આગવી સંસ્કૃત્તિ અને ભાષા હોવાનું ગૌરવ સદાય લેતી આવી છે. આસામ પણ આજે છે તેના કરતાં બહુ મોટા પ્રદેશમાં ફેલાયેલું હતું. પશ્ચિમ તરફ એટલે કે હાલના બાંગલાદેશ તરફનો ઘણો વિસ્તાર પણ આસામ સાથે જોડાયેલો હતો. પરંતુ ધીમે ધીમે આ પ્રદેશોમાં આસામી કરતાં બંગાળીઓને વસતિ વધી ગઈ હતી. બાંગલા બોલતા હિન્દુ અને મુસ્લિમ બંનેની વસતિ વધી ગઈ હતી. સ્થિતિ એવી થઈ હતી કે આસામની કુલ સંખ્યા ગણવામાં આવે તેમાં આ પ્રદેશમાં મોટી સંખ્યામાં બંગાળીઓ વસ્યા હોવાથી આસામી કરતાં પણ બંગાળીઓની સંખ્યા વધી જતી હતી. તેના કારણે અંગ્રેજોને પ્રાંત રચના કરી હતી ત્યારે જ આસામી લોકોને સમજાયું કે પોતાના જ પ્રાંતમાં પોતે લઘુમતીમાં આવી ગયા છે. બંગાળીઓનું વર્ચસ બિઝનેસ, સરકારી તંત્ર અને રાજકારણમાં વધી ગયું હતું.
ઇતિહાસકારો કહે છે કે તેનું પરિણામ એ આવ્યું કે આઝાદી આવી અને ભાગલા પડ્યાં ત્યારે આસામના પણ ભાગલા પડ્યા હતા. આસામના લોકોએ સામેથી ભાગલા માગી લીધા હતા, જેથી બંગાળીઓનું વર્ચસ્વના રહે અને આસામ માત્ર આસામી ભાષા અને આસામી સંસ્કૃત્તિનું રહે. પંજાબ અને બંગાળ બંને સરહદી રાજ્યો હતા અને તેના ભાગલા કરવા પડે તેમ હતા. તે ભાગલાના દુષ્પરિણામો આવ્યા હતા, પણ છુટકો નહોતો. તેની સાથે આસામનો પણ એક હિસ્સો બાંગલાદેશને આપી દેવાયો હતો, પણ તે મુદ્દે ઉગ્રતા થઈ નહોતી તેથી તેની બહુ ચર્ચા થઈ નથી.
જનમત લઇને સિલ્હટ જિલ્લો તે વખતના ઇસ્ટ પાકિસ્તાનમાં ભેળવી દેવાયો હતો. ઇતિહાસની ઓછી જાણીતી વિગતોમાં ઇતિહાસકારો બે જનમત ગણાવે છે. પાકિસ્તાનમાં અફઘાન સરહદે આવેલા પ્રાંતમાં પણ જનમત લેવો પડ્યો હતો. વાયવ્ય સરહદી પ્રાંતમાં ગાંધીવાદી ખુદાઇ ખિદમતકાર કાર્યકરો ભાગલાનો વિરોધ કરતા હતા, પાકિસ્તાનનો વિરોધ કરતા હતા, પણ ભૌગોલિક કારણોસર પાકિસ્તાન સાથે જોડાવા સિવાય છુટકો નહોતો. આસામ સાથે તે પ્રાંતમાં પણ જનમત લેવાયો હતો.
આસામમાં 1930ના દાયકાથી ભાષા અને સંસ્કૃતિના મુદ્દે ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી. અંગ્રેજોએ સ્થાનિક પ્રતિનિધિત્વ માટે કેન્દ્રીય ધારાસભાની રચના કરી હતી, તેમાં આસામના એક સભ્ય બસંત કુમાર દાસે ઠરાવ દાખલ કર્યો હતો કે આસામનું નામ બદલવું જોઈએ, કેમ કે આસામમાં બંગાળી ભાષીઓ વધુ છે અને બંગાળી સંસ્કૃત્તિનું જ પ્રાધાન્ય છે. આસામી બોલનારા કરતાં બંગાળી બોલનારાની સંખ્યા બે ગણી હતી. તેનું કારણ આગળ જણાવ્યું તે પ્રમાણે આ વિસ્તારમાં ખેતી અને ચાના બગીચા માટે મોટા પાયે બંગાળીઓનું આગમન હતું.
1874 સુધીમાં સિલ્હટ જિલ્લામાં મોટા પાયે ચાના બગીચા બની ગયા હતા. કોલકાતાથી ખૂબ દૂર અને આસામની નજીક આ વિસ્તાર હતો. તેથી અંગ્રેજોએ વહીવટી સરળતા ખાતર અને આસામ પ્રાંત પણ આર્થિક રીતે મજબૂત થાય એટલે સિલ્હટ જિલ્લાને આસામમાં ભેળવી દીધો હતો. ચાના બગીચાની મોટી આવક હતી. તેથી આસામ સરકારને રેવેન્યૂ મળવા લાગી, પણ આસામ પ્રાંતમાં બંગાળીઓની સંખ્યા વધી ગઈ. લગભગ આખો જિલ્લો બંગાળી બગીચા માલિકો અને મુખ્યત્વે બંગાળી મુસ્લિમ ચાના કામદારોનો હતો. સિલ્હટની પહાડીઓ ઉપરાંત કછારમાં ખેતી માટે પણ મોટા પાયે બંગાળી મુસ્લિમો આવીને વસવા લાગ્યા હતા.
તેના કારણે 1945માં આઝાદી આવી રહી છે, તેવી સ્થિતિ સ્પષ્ટ થવા લાગી ત્યારે ફરી એકવાર આસામ મૂળ આસામીઓનું તે ભાવના જાગવા લાગી હતી. ખુદ આસામ કોંગ્રેસ પ્રદેશ સમિતિએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ લાગણી વ્યક્ત કરી હતી. તે વખતે પ્રાંતીય ચૂંટણીઓ આવી રહી હતી એટલે તે માટેના ચૂંટણી ઢંઢેરામાં માગણી થઈ હતી કે આસામમાં આસામી ભાષા અને સંસ્કૃતિનું માહાત્મ્ય ટકી રહે તે માટે સિલ્હટ અને કછાર જિલ્લાને આસામથી અલગ કરી દો. ચૂંટણી ઢંઢેરામાં થયેલી માગણીનો સાર એ હતો કે સિલ્હટ અને કછારમાં પ્લાન્ટેશન ઉપરાંત તટપ્રદેશમાં ખેતી માટે લાખો બંગાળીઓના આગમનને કારણે આસામીપણું આસામમાં બચે તેમ લાગતું નથી.
આ માગણી કદાચ આગળ જતા ભાગલા વખતેની સ્થિતિને ધ્યાનમાં રાખીને પણ થઈ હશે. કેમ કે એક જ વર્ષ પછી 1946માં આસામ પ્રાંતના વડા ગોપીનાથ બોરડોલોઇએ અંગ્રેજ પ્રતિનિધિમંડળ સમક્ષ પણ આ જ માગણી કરી હતી. સત્તા હસ્તાંતરણ પહેલાં જુદી જુદી પ્રાંત સરકારો સાથે અંગ્રેજોએ ચર્ચા શરૂ કરી હતી. તેના ભાગરૂપે આસામ પ્રાંતની સરકારી સ્પષ્ટ જણાવ્યું કે સિલ્હટને ફરી બંગાળમાં (એટલે કે પાકિસ્તાનમાં) ભેળવી દો તો તેની સામે આસામને કંઈ વાંધો નથી.
આ માગણીના કારણે જ સિલ્હટ જિલ્લામાં જનમત કરાવાયો હતો અને નાગિરકોને પૂછવામાં આવ્યું હતું કે તમારે ભારતમાં રહેવું છે કે પાકિસ્તાનમાં. 1947ની છઠ્ઠી અને સાતમી જુલાઈએ જનમત લેવાયો હતો. તે વખતે વિવાદો થયા હતા અને એવા આરોપો મૂકાયા હતા કે મુસ્લિમ લીગે યુપી-બિહારમાંથી મોટા પાયે મુસ્લિમોને અહીં તેડાવી લીધા હતા, જેથી આ આખો જિલ્લો પાકિસ્તાનને મળી જાય. આમ પણ કેટલાક હિન્દુ ગામો સિવાય સમગ્ર જિલ્લામાં મુસ્લિમોની વસતિ જ વધારે હતી, તેથી જનમત પ્રમાણે તેને આસામથી અલગ કરીને પૂર્વ પાકિસ્તાનમાં જોડી દેવાનો નિર્ણય આવ્યો હતો. કેટલાક હિન્દુ વિસ્તારોને અલગ તારવીને આસામ સાથે રખાયા હતા.
બંગાળીઓ અને આસામીઓ વચ્ચેની કડવાશ આ ઘટનાઓને કારણે વધી હતી. સિલ્હટ જિલ્લો જતો રહ્યો તે પછી પણ બંગાળીઓની ઘણી વસતિ હજી પણ આસામમાં હતી. કછાર વિસ્તારના બંગાળીઓ હજી પણ આસામનો જ હિસ્સો હતો, પણ હવે ફરી તેઓ લઘુમતીમાં આવી ગયા હતા અને આસામીઓની બહુમતી થઈ ગઈ હતી. તેથી 1954માં ભાષાવાર પ્રાંત રચના માટે ગતિવિધિઓ શરૂ થઈ ત્યારે કછાર વિસ્તારના બંગાળીઓએ માગણી કરી હતી કે આસામથી અલગ, બંગાળી બહુમતીવાળા વિસ્તારોનો એક અલગ પ્રાંત બનવો જોઈએ. ઇશાન ભારતમાં પૂર્વાંચલની માગણી થઈ હતી.
ઘણા બંગાળી ઇતિહાસકારોએ આ વિશે લખ્યું છે અને તેમણે અફસોસ વ્યક્ત કર્યો છે કે આસામી નેતાઓએ ટૂંકી દૃષ્ટિ રાખીને સિલ્હટને પાકિસ્તાનમાં જવા દીધો હતો. જનમત પાકિસ્તાનને બદલે ભારતની તરફેણમાં આવે તે માટે આસામની નેતાગીરીએ પ્રયત્નો નહોતો કર્યા એવા આક્ષેપો ઇતિહાસના જાણકારો કરતા આવ્યા છે.
બંગાળીઓ તરફ આસામના લોકોને કેટલો દુભાવ હતો તેનો નમૂનો આઝાદી પછી મળેલી આસામ વિધાનસભામાં પણ જોવા મળ્યો હતો. સરકાર વતી ગર્વનરે ભાષણ આપ્યું તેમાં એવા શબ્દો સમાવી લેવાયા હતા કે હવે આસામના લોકો પોતાના જ ભાગ્યવિધાતા બન્યા છે. હવે આસામીઓને એવી સરકાર મળી છે, જે તેમની પોતાની છે અને તેમને જ જવાબદાર છે. બંગાળીઓની સત્તા હવે રહી નથી. બંગાળીઓની ઇચ્છા હોય તો પણ હવે તેઓ પોતાનું વર્ચસ્વ સ્થાપી શકે તેમ નથી.
સિલ્હટ અને કછારનો બહુ નાનો હિન્દુ બંગાળી વિસ્તાર આસામ સાથે રહ્યો હતો. પૂર્વ પાકિસ્તાનમાં ભળી ગયેલા હિસ્સામાં બહુમતી મુસ્લિમોની હતી. તેમની વચ્ચે હજી પણ ઘણા બધા હિન્દુ બંગાળીઓ હતા. આ હિન્દુ બંગાળીઓ માટે પાકિસ્તાનમાં રહેવામાં સાર નહોતો એટલે તેઓ હિજરત કરીને આસામમાં આવવા લાગ્યા. પરિણામે ફરી એકવાર બંગાળીઓની સંખ્યા આસામમાં વધવા લાગી.
આસામમાં ફરી એકવાર ભાષાના મુદ્દે તનાવ ઊભો થવા લાગ્યો હતો. હજી સુધી તેમાં કોમી તનાવ ભળ્યો નહોતો, પણ આગળ જતા મુસ્લિમ બાંગલાદેશીઓની ઘૂસણખોરી પછી તે પણ વધવાનો હતો. હિન્દુ બંગાળીઓ થોડી સંખ્યામાં જ આવ્યા હતા, પણ મુસ્લિમ બંગાળીઓ મોટી સંખ્યામાં આવી ગયા હતા. તે વખતે પાકિસ્તાન છોડીને ફરી આસામમાં આવી ગયેલા બંગાળીઓને ‘બહારના લોકો’ કહેવાતા હતા. હજી સુધી તેઓ ‘પરદેશી’ બન્યા નહોતા. બહારના લોકો એટલે કે બંગાળી સહિતના અન્ય ભારતીયો સામેનો અસંતોષ ઉકળતો રહ્યો હતો, જે 1970ના દાયકામાં આસામ સ્ટુડન્ટ યુનિયનના આંદોલન અને આસામ ગણ પરિષદની રચના થઈ ત્યાં સુધી ઉકળતો રહ્યો હતો.
આ બહારના લોકોના નામ ફરી મતદાર યાદીમાં આવી જાય તો ફરી એકવાર આસામમાં આસામી લોકોની, આસામી લોકો માટેની સરકાર બનશે નહિ તેવી લાગણી ઊભી થઈ. તેથી જ આઝાદી પછી તરત જ સમગ્ર ભારતમાં માત્ર આસામમાં મતદારોની અને નાગરિકોની નોંધણીનો મુદ્દો અગત્યનો બન્યો હતો. નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન આસામમાં બન્યું હતું. બંગાળી ભાષીઓના નામ તે રજિસ્ટરમાંથી કાઢી નાખવાનું પણ શરૂ થયું હતું.
ભાષાના આધારે નાગરિક રજિસ્ટરમાં નામ રહેશે એવા અંદેશાના કારણે બંગાળી મુસ્લિમો પણ પોતાની ભાષા આસામી નોંધાવવા લાગ્યા હતા. 1951માં વસતિ ગણતરી થઈ ત્યારે તેમાં આસામી ભાષીઓની સંખ્યા 1931ની વસતિ ગણતરી કરતાં દોઢસો ટકા વધી ગઈ હતી. આ રીતે ભાષાનો મુદ્દો પણ ગૂંચવાવાનો શરૂ થયો હતો. આસામના લોકોને પ્રારંભમાં આ મુદ્દો કામ લાગ્યો, કેમ કે આસામી ભાષી સંખ્યા વધારે છે તેવી રજૂઆત થઈ શકી. તેથી અલગ બંગાળી ભાષી પૂર્વાંચલની માગણી પ્રાંતિય રચના સમિતિએ નકારી કાઢી હતી. આગળ જતા ભાષાકીય મુદ્દાના અસંતોષ સાથે બંગાળી મુસ્લિમોની ઘૂસણખોરી પણ રાજકારણને અસર કરવા લાગી હતી. તેનો ઉપયોગ વૉટબેન્ક તરીકે વધવા લાગ્યો હતો અને તે સાથે જ મૂળ આસામીનો રોષ અને અસંતોષ પણ વધતો રહ્યો હતો.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]