શરદ પવારઃ મહારાષ્ટ્રના મહારાજકારણી હવે મહાગઠબંધન કરશે?

સૌને ખબર હતી, પણ શરદ પવારે કબૂલાત કરીને પાકું કર્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં એનસીપી અને બીજેડીના વખાણ કર્યા એટલે એનસીપીના નેતા શરદ પવાર તેમને મળવા પહોંચી ગયા હતા. ખેડૂતોની સમસ્યા માટે મળવા જાવ છું એમ કહ્યું. મહામુરખ પણ શરદ પવારની વાત પર ભરોસો ના કરે. મહારાષ્ટ્રમાં સરકાર રચવાની સમસ્યા ચાલી રહી હોય અને પવાર વડા પ્રધાનને મળવા પહોંચી જાય ત્યારે દાળમાં કાળું લાગ્યા વિના રહે નહિ.
શા માટે મળવા ગયા હતા અને શું વાત થઈ હતી તેનો ખુલાસો એક મહિના પછી, મહારાષ્ટ્રમાં સરકાર રચાઈ ગયા પછી હવે કરી છે. પવારે કહ્યું કે નરેન્દ્ર મોદીએ તેમને સાથે મળીને કામ કરવા માટેની ઓફર કરી હતી. દીકરી સુપ્રીયા સુલે સંસદમાં સારી કામગીરી કરે છે તેના વખાણ પણ કર્યા હતા અને સુપ્રીયાને કેન્દ્રમાં પ્રધાન બનાવવાની ઓફર પણ કરી હતી. સુપ્રીયાને કેન્દ્રમાં પ્રધાન બનાવવાના બદલામાં મહારાષ્ટ્રમાં ભાજપને સરકાર રચવામાં સાથ આપવાની વાત હતી.


વાત કંઈ અસ્થાને નહોતી. 2014માં શરદ પવારે સામે ચાલીને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકાર બને અને ચાલે તે માટે તેમનો પક્ષ મતદાન વખતે ગૃહમાં ગેરહાજર રહેશે. તેના કારણે જ ફડણવીસની સરકાર બની શકી હતી. બાદમાં મહિનાઓ સુધી શિવસેના સાથે સોદાબાજી ચાલતી રહી અને શિવસેનાને ગરજ જાગી ત્યારે જ તેને સરકારમાં લેવામાં આવી હતી. આ વખતે પણ સોદાબાજી કરીને શિવસેનાને ગરજ જાગશે ત્યારે સરકારમાં લઈ લેશું તેવી ભાજપની ગણતરી હતી, તે સેનાને ઊંધી પાડી.

પરંતુ તે યોજનામાં સૌથી અગત્યની ભૂમિકા શરદ પવારની રહી. શરદ પવારે મામલો હાથમાં લીધો અને પાર પાડ્યો. નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને કારણે સૌને પવાર પર પાકી શંકા ગઈ હતી. સૌને હતું કે પવાર છેવડે ભાજપ સાથે જ બેસી જશે. 2014માં ટેકો આપ્યો જ હતો; 2016માં એક સહકારી કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું; મોદીએ શરદ પવારના ભરપુર વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે પોતે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઘણી વાર શરદ પવારે આંગળી ઝાલી હતી; પવાર પોતાના રાજકીય ગુરુ છે એવું પણ કહ્યું હતું અને છેલ્લે દિલ્હીમાં મુલાકાત થઈ.


પરંતુ આ વખતે શરદ પવારની ગેમ કદાચ જુદી અને લાંબી છે. એલ. કે. અડવાણીની જેમ તેમનીય કાયમી મહત્ત્વાકાંક્ષા ભારતના વડા પ્રધાન બનવાની છે. એક વાર તો વડા પ્રધાન બનવું જ. એવી ઈચ્છા બધા નેતાની હોય, પણ ઈચ્છા હોવી અને મહત્ત્વાકાંક્ષા હોવી તેમાં ફેર છે. નીતિશ અને ચંદ્રબાબુનો પણ થનગનાટ તેના માટે છે, પણ તેઓ રાજ્યમાં સત્તા મળતી હોય ત્યારે એ મહત્ત્વાકાંક્ષાને થોડી વાર પડતી મૂકે છે એટલે તે મહત્ત્વાકાંક્ષામાંથી ઈચ્છામાં પરિવર્તિત થઈ જાય છે.

શરદ પવાર માત્ર 38 વર્ષની ઉંમરે પોતાના ગુરુને દગો કરીને મુખ્યપ્રધાન બન્યા હતા. ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ તોડી ત્યારે તેઓ સંસ્થા કોંગ્રેસમાં રહ્યા હતા. ઇન્દિરા કોંગ્રેસ અને સંસ્થા કોંગ્રેસની સંયુક્ત સરકાર બની તેને જનતા દળના ટેકાથી તોડી હતી. 1978ની આ વાત છે. 1980માં ઇન્દિરા ગાંધી ફરી સત્તામાં આવ્યા તે પછી તેમણે પવારની સરકારને બરખાસ્ત કરી દીધી હતી. થોડા વર્ષો રાહ જોયા પછી ઇન્દિરા ગાંધીની હત્યા અને રાજીવ ગાંધી સત્તામાં આવ્યા ત્યારથી જ પવાર દિલ્હીમાં તેમની સાથે જોડાઈ ગયા હતા. કદાચ તે વખતથી જ તેમના મનમાં મહત્ત્વાકાંક્ષાએ આકાર લીધો હશે કે બિનઅનુભવી રાજીવ લાંબું ટકી શકશે નહિ. તેમણે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના – મોરારજી દેસાઈ, વાયબી ચવ્હાણ સહિત – બહુ પાકટ નેતાઓને જોયા હતા. તેમની વચ્ચે તેમણે પોતાનો માર્ગ કાઢ્યો હતો

પવારની ગણતરી સાચી પડી હતી, કેમ કે 1989 આવતા સુધીમાં રાજીવ ગાંધી લોકપ્રિયતા અને કોંગ્રેસ પરની પકડ ગુમાવી ચૂક્યા હતા. વી. પી. સિંહે સામો મોરચો માંડી દીધો હતો અને સત્તા જતી પણ રહી. જોકે પરિસ્થિતિ પલટાઈ અને રાજીવની પણ હત્યા થઈ ત્યારે પવાર સહિતના નેતાઓ વચ્ચે ખેંચતામના કારણે નરસિંહરાવ ફાવી ગયા હતા અને વડા પ્રધાન બની ગયા હતા. પવાર ત્યાં સુધીમાં ઉંમર અને અનુભવમાં પાકટ થઈ ગયા હતા, પણ ભારતીય રાજકારણમાં તે ઉંમર યુવાની ગણાય. તેથી તેમણે રાહ જોવાનું નક્કી કર્યું હશે. નરસિંહરાવ પછી કોંગ્રેસનું સુકાન કોના હાથમાં જાય તેની ખેંચતાણ વખતે પવાર ફાવ્યા નહોતા અને તેમણે કોંગ્રેસ છોડવી પડી હતી.

પણ કદાચ તેમણે મહત્ત્વાકાંક્ષા છોડી નહોતી. તેમણે છત્તીસગઢમાં એનસીપીને ચૂંટણી લડાવીને કોંગ્રેસને સત્તામાંથી કાઢી હતી અને ભાજપને સત્તામાં આવવામાં પ્રથમવાર મદદ કરી હતી. તે પછી મહારાષ્ટ્રમાં જોકે કોંગ્રેસ સાથે ભાગીદારી કરીને સત્તામાં આવ્યા હતા. તેમની ફ્લેક્સિબિલિટી અહીં જ દેખાઈ આવી હતી. કોંગ્રેસ છોડ્યા પછીય કોંગ્રેસ સાથે સત્તામાં ભાગીદારી કરી હતી. ફરી એકવાર પવાર ફાવ્યા નહિ અને તેમની એનસીપી પણ મહારાષ્ટ્ર સિવાય બીજા રાજ્યોમાં ફાવી નહિ. વચ્ચે વાજપેયી સરકાર પછી ફરી કોંગ્રેસને 10 વર્ષ કેન્દ્રમાં મળી ગયા ત્યારે શરદ પવારે રાહ જોયા સિવાય છૂટકો નહોતો.

2014થી સ્થિતિ ફરી પલટાઈ છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી ઇચ્છા કે અનિચ્છાએ નેતા બન્યા છે. પ્રિયંકા ગાંધી પણ પોતાને રાજકારણમાં રસ છે તે સ્પષ્ટ કરી ચૂક્યા છે. તેનો અર્થ એ થયો કે કોંગ્રેસ કબજે કરવા માટેની શરદ પવારની ઈચ્છા ફળીભૂત થાય તેમ નથી. 2019ના પરિણામો પછી થોડી હલચલ થઈ હતી. રાહુલ ગાંધી એકલા શરદ પવારને મળવા માટે પહોંચ્યા હતા. પવારને કોંગ્રેસના પ્રમુખ બનાવાય તેવી વાતો બહુ ચાલી હતી. પરંતુ શરદ પવાર હવે ઢળતી ઉંમરે રિમોટથી કામ કરવા તૈયાર નથી. તેઓ પોતે જ રિમોટ ચલાવવા માગે છે.
કોંગ્રેસ પર કબજો કરવાનું ત્યાં સુધી શક્ય નથી, જ્યાં સુધી રાહુલ અને પ્રિયંકા સક્રિય હોય. તેથી તે સિવાયના માર્ગની કલ્પના શરદ પવારે કરી હોય તેવું શક્ય છે. તે માર્ગ મહારાષ્ટ્રમાંથી નીકળ્યો છે એમ તેમને લાગી શકે છે, કેમ કે તેમણે ભાજપના સૌથી જૂના અને સૌથી ગાઢ સાથીને તેનાથી છુટ્ટો પાડ્યો છે. એટલું જ નહિ, તેને પોતાની સાથે એવી રીતે જોડ્યો છે કે તેના પર નિર્ભર રહે.

નરેન્દ્ર મોદીએ સાથે કામ કરવાની ઓફર કરી હતી, પણ મેં ના પાડી – આવું કહેવા સાથે તેમણે સ્પષ્ટતા પણ કરી કે અમારા સંબંધો હજીય સારા છે. અર્થાત હજીય તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઈ શકે છે. આ ચેતવણી શિવસેના અને કોંગ્રેસ બંનેને છે. સરકારની રચનાની વાટાઘાટ ચાલતી હતી ત્યારે કોંગ્રેસ ઢીલ કરી રહી હતી. તેથી તે વખતની મુલાકાત કોંગ્રેસને ચેતવણી માટે હતી. અત્યારની ચેતવણી બંને સાથી પક્ષોને એ રીતે છે કે સરકાર પવારની ઇચ્છા મુજબ ચલાવવાની છે. સરકાર તૂટી પડે તેવું કશું કરશો, તો સરકાર નહિ તૂટે, તમે બંને તૂટી જશો. સરકારમાં એનસીપી તો હશે, ભાજપની સાથે હશે, પણ હશે.

શરદ પવારને શાણા કહેવામાં આવે છે કે કેમ કે તેઓ એક કાંકરે મિનિમમ ત્રણ પક્ષી મારે છે. મરાઠી ચેનલ એબીપી માઝા સાથે અને બાદમાં એનડીટીવી સાથેની મુલાકાતમાં તેમણે આ ખુલાસો કરીને ત્રણ પક્ષી માર્યા છે. એનડીટીવી સાથે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે અજિત પવાર ફડણવીસ સાથે સંપર્કમાં છે તેની પોતાને જાણ હતી. આ શંકા સૌને હતી જ. તેમણે કહ્યું કે સંપર્કમાં છે તેની ખબર હતી, પણ બહુ ચિંતા નહોતા, કેમ કે આટલી હદે અજિત પવાર જશે તેવી ધારણા નહોતી.

પ્રથમ પક્ષી તેમણે માર્યું છે શિવસેના અને કોંગ્રેસનું – બંને જણાવી દીધું છે કે આ સરકારનું અસલી રિમોટ મારી પાસે છે. બીજું પક્ષી તેમણે ઘરમાં, એનસીપીમાં માર્યું છે – અજિત પવારની ગતિવિધિની મને જાણ હતી એમ કહીને સૌને ચેતવણી આપી છે કે પોતાનાથી કશું અજાણ્યું હોતું નથી. ભવિષ્યમાં આવી કોઈ ભૂલ કોઈએ કરવી નહિ. સાથે જ પવાર હવે રાજકીય વારસદાર નથી તે પણ સ્પષ્ટ કરી દીધું. તે પણ કુટુંબમાં ભાગલા પાડ્યા વિના અને અજિતને કુટુંબમાં પાછો લઈને. ભાજપના ઘણા નેતાએ મને કહેલું કે સુપ્રિયા સુલે સંસદમાં સારી કામગીરી કરે છે – આવી રીતે દીકરીના વખાણ કરીને, સુપ્રિયાની નેતાગીરી તેમણે વધારે સ્પષ્ટ કરી છે.

ત્રીજું પક્ષી જે માર્યું છે તે છે રાષ્ટ્રીય રાજકારણમાં તેમના આગામી મહાગઠબંધનની. આ વિશે હજી તેમણે મગનું નામ મરી પાડ્યું નથી, પણ એ તો પાડશે, સમય આવશે ત્યારે. નીતિશ, મમતા, માયાવતી, ચંદ્રબાબુ અને કંઈક અંશે ચંદ્રશેખર જે ના કરી શક્યા તે કામ શરદ પવાર કરી શકે છે. ભાજપ વિરોધી મોરચો માંડવા માટે કર્ણાટકમાં જેડી(એસ) સાથે સરકાર રચીને કોંગ્રેસ કોશિશ કરી હતી. તે વખતની હાથમાં હાથ મિલાવીને વિપક્ષના નેતાઓએ પડાવેલી તસવીર પ્રસિદ્ધ બની હતી. તે તસવીર બહુ ઝડપથી વિખેરાઈ ગઈ અને 2019માં ખરા અર્થમાં ભાજપ વિરોધી કોઈ મોરચો બન્યો નહોતો. યુપીમાં એસપી-બીએસપી વગેરે પ્રાદેશિક મોરચા જ હતા, કોઈ રાષ્ટ્રીય મોરચો બન્યો નહોતો. પવાર આવો રાષ્ટ્રીય મોરચો બનાવી શકે છે – હું બનાવી શકું છું એવો ઇશારો તેમણે મહારાષ્ટ્રનો ખેલ દેખાડીને કર્યો છે.

કોંગ્રેસ સાથે એનસીપીને ભેળવીને પ્રમુખ બનવાનું અને ગાંધી પરિવારની ઇચ્છા પ્રમાણે કામ કરવાનું પવારને હવે ફાવે નહિ, શોભે નહિ. કોંગ્રેસને ગઠબંધનમાં સાથે રાખવો પણ જરૂરી છે, પણ તેને જૂનિયર પાર્ટનર તરીકે જ રાખવો પડે. કોંગ્રેસ બીજા સાથે ગઠબંધન કરે ત્યારે તેનો રાષ્ટ્રીય મુખ્ય પક્ષ તરીકેનો અહમ્ સમજૂતિને તોડી પાડે છે. મહારાષ્ટ્રમાં ક્યાંય કોંગ્રેસનું કશું મહત્ત્વ દેખાયું નથી અને છતાં તે સાથી પક્ષ બન્યો છે. આ જ પ્રયોગ બીજા રાજ્યોમાં અને રાષ્ટ્રીય સ્તરે કરવો પડે. એ કામ માત્ર શરદ પવાર કરી શકે તેમ છે એવું જણાવીને શરદ પવારે ત્રીજું પક્ષી માર્યું છે.

પરંતુ 1978થી શરૂઆત કરીને 78 વર્ષની ઉંમર સુધી પવારે રાહ જોઈ છે, તેથી તેઓ પોતાની મહત્ત્વાકાંક્ષા માટે હજીય થોડા મહિના કે થોડા વર્ષો રાહ જોઈ શકે છે. પ્રથમ તેમણે કર્ણાટકની પેટાચૂંટણી, ઝારખંડની અને દિલ્હીની વિધાનસભાની ચૂંટણીની રાહ જોવાની છે. દરમિયાન માર્ચમાં કેન્દ્રનું બજેટ આવશે. અર્થતંત્રમાં ભાજપ સરકાર શું કરી શકે છે તેની આખરી કસોટી કદાચ તે બજેટમાં થઈ જશે. તેથી રાજકીય સ્થિતિ સાથેસાથે આર્થિક સ્થિતિમાં કેવી લડત આપી શકાય છે તે વિપક્ષ માટે સ્પષ્ટ બનશે. ત્રણેય ચૂંટણીઓના પરિણામો વિપરિત આવ્યો તો બિહારમાં હલચલ થશે. નીતિશ ભાજપ સાથે છેડો ફાડવાનું બહાનું અને તક શોધી રહ્યા છે. પવારે નીતિશને એવી રીતે મજબૂર કરવા પડે કે કોંગ્રેસ-આરજેડી સાથે ફરી જોડાણ કરે, પણ જૂનિયર પાર્ટનર બને. તેમાં સફળતા મળે તે પછી મમતાને સમજાવવું પડે કે તમારે રાજ્યમાં ભાજપનો સામનો કરવો હોય તો પવાર પેટર્ન અપનાવવી પડે. તે વાત છે 2021ની એટલે ત્યાં સુધી રાહ જોવી પડશે, કે મહારાષ્ટ્રમાં મહાહલચલ કર્યા પછી મરાઠી મહારાજકારણી શરદ પવાર રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધન ક્યારે અને કેવી રીતે બનાવે છે.