ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE) દ્વારા આયોજિત મહિલા ચેસ-વર્લ્ડ કપની ફાઈનલ મૅચ જીતી ઈતિહાસ રચનાર નાગપુરની 19-વર્ષી દિવ્યા દેશમુખે કહ્યું કે “ભાગ મિલ્ખાસિંહ ભાગ અને મેરી કોમ જેવી ફિલ્મની, એના પ્રેરણાદાયી ગીતોની એની પર ભારે અસર છે.”
જ્યોર્જિયાના બાટુમી શહેરમાં દિવ્યા હિંદી ફિલ્મના પ્રેરણાદાયી સીન, સોંગ જોઈને વર્લ્ડ કપ ચેમ્પિયન બને છે તો ઘરઆંગણે મોહિત સુરિ દિગ્દર્શિત ‘સૈયારા’ ફિલ્મ જોતાં જોતાં જુવાન હૈયાં ધ્રૂસકે ધ્રૂસકે રડે છે. હવે, આ નિર્માતાનો પબ્લિસિટી સ્ટંટ છે કે પછી લાગણીનીતરતો રોમાન્ટિક ડ્રામા યંગ ઓડિયન્સને ખરેખર પસંદ આવી રહ્યો છે એ તો દ્વારિકાધીશ જાણે, પણ આટલા અનુભવ પરથી એટલું કહી શકું કે આજના હડહડતા સોશિયલ મિડિયા યુગમાં કોઈ બી ફિલ્મને પબ્લિસિટી સ્ટંટ પર ચલાવી શકાતી નથી. રિલીઝ સમયે પ્રચારનાં ગતકડાં કરવાથી સારું ઓપનિંગ કદાચ મળે, પણ તે પછી ફિલ્મ એની ગુણવત્તા પર અને પ્રેક્ષક બીજાને એ જોવાની ભલામણ કરે (માઉથ પબ્લિસિટી) તો ચાલે. હશે. એવું બની શકે કે સૈયારા ચાલી પડી એટલે એને વધુ ચલાવવા આવાં ગિમિક રચ્યાં હોય. જો કે આ અલગ વિષય છે. આપણે ફિલ્મ જોઈને રડવાની વાત કરીએ.
રૂપેરી પરદા પરનું દશ્ય જોઈને પહેલી વાર ક્યારે ડૂસકું મૂકેલું એ યાદ નથી. બાળવયે પપ્પા-મમ્મી સાથે ફિલ્મ જોવા જવાનું બનતું, પણ અમુક દશ્ય જોઈને રડવું જોઈએ એવી સમજણ ત્યારે નહોતી. કદાચ, રિશીકેશ મુખર્જીની કેન્સરગ્રસ્ત કથાનાયકવાળી આનંદ હોઈ શકે. કૉલેજકાળમાં સદમાની ક્લાઈમેક્સ જોઈને ગળું રૂંધાઈ ગયેલું. તે પછી ‘એક દૂજે કે લિયે’, ‘સાગર’ ઍન્ડ સો ઑન…
નવી ફિલ્મોમાં ‘રંગ દે બસંતી’, ‘કલ હો ન હો’, ‘ચક દે ઈન્ડિયા’, ‘તારે જમીં પર’, ‘બજરંગી ભાઈજાન’, વગેરે. ‘કલ હો ના હો’માં પ્રીટિ ઝિંટા જ્યારે અમન (શાહરુખ ખાન)ને કહે છે કે મને તારા માટે પ્રેમ છે ત્યારે એસઆરકે કહે છે કે એ તો ઓલરેડી સોનાલી બેન્દ્રે સાથે મૅરિડ છે. આ સાંભળીને બૅકગ્રાઉન્ડમાં અમનની મમ્મી (રીમા લાગુ) રડે છે તે સીન માર્ક કરજો.
એક ફિલ્મ એવી છે, જેનું સ્મરણ થતાં દિલ ઉદાસ થઈ જાય છે. એમાંય એક પરટિક્યલુર દશ્ય યાદ આવે છેને હૃદયમાં લાગણીનાં પૂર ઊમટે છે. એ ફિલ્મ એટલે 2004માં આવેલી ‘સ્વદેસ’. આ સીનઃ શાહરુખ ખાન ઉત્તર ભારતના અંતરિયાળ ગામમાં ટ્રેનપ્રવાસ કરી રહ્યો હોય છે. એક સ્ટેશન પર ગાડી ઊભી રહે છે ત્યારે પ્લેટફોર્મ પર આઠ-દસ વર્ષનો નિર્ધન બાળક એક હાથમાં બાલદી, બીજા હાથમાં કિટલી લઈને આમતેમ દોડી રહ્યો છેઃ ‘પાણી લ્યો કોઈ પાણી… પચીસ પૈસાનું એક પવાલું…’ અમેરિકાથી આવેલો નાસાનો સાયન્ટિસ્ટ ડૉ. મોહન ભાર્ગવ (શાહરુખ) આખી ફિલ્મમાં મિનરલ વૉટર પીએ છે, પણ એ પેલા બાળક પાસેથી પાણી ખરીદીને પીએ છે. ટ્રેન સીટી વગાડતી ધીરે ધીરે પ્લેટફોર્મ છોડે છે ત્યારે ડિરેક્ટર આશુતોષ ગોવારિકર ટ્રેનની બારીમાંથી પેલા બાળક પર કૅમેરા તાકે છે, જે એની કમાણી, પરચૂરણ ગણી રહ્યો છે. પછી શાહરુખનો ક્લોઝઅપ, એના ગળામાં રુદન અટકી ગયું છે, આંખો સહેજ ભીની છે. માંડ બે મિનિટનો આ સીન યુટ્યુબ પર મળી જશે. ઈમોશનલ ન બનો તો પૈસા પાછા.
વસ્તુ એવી છે કે, સિનેમા એટલે જુદી જુદી લાગણીની રોલરકોસ્ટર રાઈડ. ક્રાઈમ થ્રિલર હોય કે સાઈકોલોજિકલ ડ્રામા કે રોમાન્સ- આપણે હસીએ છીએ, રડીએ છીએ અથવા ક્યારેક કંઈ જ ન અનુભવીએ. મેઈન ચીજ શું છે કે રૂપેરી પરદા પર ભજવાતી કોમેડી, ટ્રેજેડી, મારામારી સાથે આપણે કનેક્ટ થઈએ છીએ કે નહીં.
રડવાની વાત આવે ત્યારે બધા માટે એ અનુભવ સરખો ન હોય. કોઈને થિયેટરની ડાર્કનેસમાં અમુક સીનમાં પોતાના જીવનમાં વ્યાપેલું અંધારું દેખાય ને રોઈ પડે. કોઈ ફિલ્મની કોમેડી જોઈને રડવું આવે તો કોઈ કરુણ સીન એવો લખાયો ને ભજવાયો હોય કે હસવું આવે, કંટાળો આવે, પણ રડવું આવતું નથી. હેંને?
મનોવિજ્ઞાનીઓનું કહેવું છે કે કોઈને ઈમોશનલ થતાં જોઈએ છીએ ત્યારે આપણા મગજમાં મિરર ન્યુરોન એવો જ અનુભવ ઉત્પન્ન કરે છે. મિરર ન્યુરોન મગજના એવા કોષ (સેલ્સ) છે, જે બીજાને કશુંક કરતા જોઈને આપણી અંદર એવો અનુભવ કરાવે. જેમ કે કોઈને બગાસું ખાતાં જોઈને આપણને પણ બગાસું આવી જાય. અમુક પાત્ર કે દશ્ય પ્રત્યે આપણે કેવી લાગણી અનુભવીએ છીએ એ નક્કી કરે ઓક્સિટોસિન નામના હોર્મોન.
જેમ દરેક જોક પર આપણે હસતા નથી એમ ફિલ્મની દરેક સિચ્યુએશન કે પાત્ર સાથે આપણે લાગણીથી જોડાઈ શકતા નથી. કોઈને મશ્કરા ટોક-શો કે સ્ટેન્ડઅપ કોમેડી ખડખડાટ હસાવે તો કોઈને એ ત્રાસદાયક લાગે. મોજ કે મહાત્રાસ? એ નક્કી કરે છે વ્યક્તિત્વ, ઉછેર અને સંજોગ. એ બદલાઈ પણ શકે. માણસમાં પરિવર્તન આવે, એને નવા અનુભવ થાય ત્યારે એ જ ટોક શો કે સ્ટેન્ડ અપ કોમેડી કરનાર પરફોરમર સામે જુદો પ્રતિભાવ હોઈ શકે.
કેટલાક લોકો પોતાનાં દુઃખ કે લાગણીનું પ્રોસેસિંગ જિવાતા જીવનમાં પણ નથી કરી શકતા. આવા લોકો ફિલ્મ જોતી વખતે શૂન્યમનસ્ક રહે છે. નાર્સિસિસ્ટ પર્સનાલિટી (જાતના જ પ્રેમમાં રહેનારા) કે કોઈ ડિસઑર્ડર ધરાવનારા પણ કંઈ ફીલ કરી શકતા નથી. ક્યારેક આર્થિક-સામાજિક પરિબળ પણ મહત્વનો રોલ ભજવે. અતિ ધનવાન વ્યક્તિ નિર્ધનનાં દુઃખ કે ગરીબી વિશેની ફિલ્મ સાથે કનેક્ટ ન પણ થાય. કોઈને થિયેટરમાં લોકો વચ્ચે રડવું અયોગ્ય લાગે. કોમેડી ફિલ્મમાં હાસ્ય સહેલાઈથી સ્વીકારાય, પણ રુદન નહીં. કારણ બીજા આપણને દુઃખી થતા જોઈ લેશે તો? એવો ડર લાગે.
એક એકરારઃ ‘સૈયારા…’ ફિલ્મ પૂરી થઈ ને પરદા પર એન્ડ-ટાઈટલ્સ આવવા માંડ્યાં ત્યારે મારું હૈયું ભરાઈ આવેલું. એવું નથી કે ‘સૈયારા’ના હેપી એન્ડિંગ સાથે હું હેપી નહોતો, પણ અંદર એક મનોઝંઝટ મચેલી હતી એ નક્કી. વધુ લખવામાં સ્પોઈલર આવી જવાનો ભય છે.
-અને ઓ હેલ્લો, ‘સૈયારા’ જોઈને તમને રડવું ન આવે તો એ ઓલરાઈટ બાબત છે. બાકી, ફુરસદમાં તમારો અભિપ્રાય જણાવશો તો ગમશે.
