મંગળવાર, 9 ફેબ્રુઆરીની બપોરે એક ફિલ્મી દોસ્તનો મેસેજ આવ્યોઃ “રિશી કપૂરની વિદાય બાદ બાદ કપૂરકુંટુંબને વધુ એક આઘાત. રાજીવ કપૂર (ચિમ્પુ)નું હૃદયરોગથી અવસાન”. આ સાથે રાજ કપૂર તથા એમના ત્રણ દીકરા સાથે સંકળાયેલી કેટલીક સ્મૃતિ સાંભરી આવી. જેમ કે…
23 વર્ષની ઉંમરે જાણીતા સર્જક કેદાર શર્માની ‘નીલ કમલ’ (1946)માં હીરો તરીકે ચમકીને 24મે વર્ષે પોતાની ફિલ્મકંપની ‘આરકે ફિલ્મ્સ’ શરૂ કરનાર રાજ કપૂરના ત્રણ પુત્રોની વાત કરીએ તો…. સૌથી મોટા દીકરા રણધીરને ચિત્રપુરમાં પ્રવેશ મળ્યો ઘરની ફિલ્મ ‘કલ આજ ઔર કલ ‘દ્વારા. પૃથ્વીરાજ-રાજ-રણધીર એમ કપૂરખાનદાનની ત્રણ પેઢીના કલાકારોને ચમકાવતી આ ફિલ્મ 1971ના ડિસેમ્બરમાં ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે રિલીઝ થઈ. યુદ્ધને લીધે સાંજના લગભગ બધા શો કૅન્સલ થતા. ‘કલ આજ ઔર કલ’ અને ‘મેરા નામ જોકર’ની ઉપરાછાપરી નિષ્ફળતાએ રાજ કપૂરની કમર ભાંગી નાખી. ‘આરકે સ્ટુડિયો’ ગીરવે મુકાઈ ગયો, દેવાના ડુંગર ખડકાતા જતા હતા.
કિશોરવયથી રાજ કપૂર અમેરિકાના ટીનએજર્સની હળવી કથાવાળી આર્ચી કોમિક્સના દિલફાડ આશિક હતા. આર્ચીઝના માહોલને કથાનકમાં વણી એમણે ‘બૉબી’ બનાવી, જેણે વચલા બેટા રિશી કપૂરને ફિલ્મનગરીમાં મૂકી આપ્યો. રસપ્રદ વાત એ કે ‘બૉબી’ એ રિશી કપૂરની ફિલ્મ નહોતી, એ ડિમ્પલની ફિલ્મ હતી. રાજ કપૂરને મન મહત્વ વાર્તાનું હતું, અંગત સંબંધ ગૌણ હતા. 1973માં ‘બૉબી’ રિલીઝ થઈ ને કપૂરકુટુંબનાં બધાં દેવાં ધોવાઈ ગયાં.
ત્યાર બાદ રાજીવ કપૂર. રસપ્રદ વાત એ છે કે રણધીર-રિશીને લૉન્ચ કરનાર રાજ કપૂરે સૌથી નાનકા દીકરા રાજીવને ફિલમલાઈનમાં પ્રવેશવા કોઈ મદદ કરી નહીં. પિતાની જેમ રાજીવે પણ કારકિર્દીની શરૂઆત કરી બહારની ફિલ્મથીઃ ‘ઈગલ ફિલ્મ્સ’વાળા એફસી મેહરાની ‘એક જાન હૈ હમ’ (1983), જે ઓકે ફિલ્મ હતી. એ પછી રાજીવની ‘લાવા’, ‘ઝબરદસ્ત’, ‘લવર બૉય’ જેવી ફિલ્મો આવી. બધી ફ્લૉપ. કારકિર્દી પર ઑલમોસ્ટ પૂર્ણવિરામ મુકાઈ ગયું ત્યારે પુત્રની વહારે આવ્યા પિતા ને સર્જાઈ ‘રામ તેરી ગંગા મૈલી’ (1985). 61 વર્ષની વયે રાજ કપૂરે ‘રામ તેરી ગંગા મૈલી’ બનાવી 64 વર્ષની વયે (2 જૂન, 1988) ફાઈનલ એક્ઝિટ લીધી. એક ઈન્ટરવ્યૂમાં રાજીવે કહેલુઃ “રામ તેરી ગંગા મૈલીએ મારા નામ પર લાગેલો મોટો ડાઘ મિટાવી દીધેલો. એણે સાબિત કર્યું કે સારી વાર્તા, સારા દિગ્દર્શક મળે તો હું પણ હિટ ફિલ્મ આપી શકું છું”.
કમનસીબે આ ફિલ્મથી રાજીવની કરિયરને ખાસ લાભ થયો નહીં. બધું શ્રેય મળ્યું ધ ગ્રેટેસ્ટ શોમેનને. બાકી ક્રેડિટ હીરોઈન મંદાકિની લઈ ગઈ. બે-ત્રણ ફ્લૉપ બાદ એણે મોટા ભાઈ રિશી તથા માધુરી દીક્ષિતને લઈને ‘પ્રેમ ગ્રંથ’ (1996) ડિરેક્ટ કરી. ફ્લૉપ… અંગત જીવનમાં એણે 2001માં દિલ્હીની આર્કિટેક્ટ આરતી સભરવાલ સાથે લગ્ન કરેલાં, જે ઝાઝું ન ટક્યાં.
રિશી કપૂર પોતાની આત્મકથામાં નોંધે છે: “ભાઈ-બહેનોમાં મને સૌથી વધારે રણધીર સાથે બનતું. ચિમ્પુની વાત કરું તો મને એની બહુ ચિંતા થાય છે. અમારા ત્રણ ભાઈમાં સૌથી વધારે પ્રતિભાશાળી ચિમ્પુ (રાજીવ કપૂર) છે. કમનસીબે એને એનું કૌવત બતાવાની તક મળી જ નહીં. સંગીતની એને જબરી સૂઝ છે, એ કુશળ એડિટર છે. મારા દિગ્દર્શન હેઠળ બનેલી ‘આ અબ લૌટ ચલે’નું એડિટિંગ ચિમ્પુએ કરેલું… આ ક્ષેત્રમાં એ આગળ વધ્યો હોત તો આજે ટૉપનો ફિલ્મ-એડિટર હોત”.
ખેર. 58 એ દુનિયા છોડી જવાની ઉંમર નથી. પણ ઈશ્વરને ગમ્યું તે ખરું. ઓમ શાંતિઃ
(કેતન મિસ્ત્રી)
(તસવીર: ‘રિશી કપૂર અનસેન્સર્ડ’, હાર્પર કોલિન્સ ઈન્ડિયાના સૌજન્યથી)