અમિતાભ બચ્ચન હોવું એટલે શું?

ર વર્ષે જુલાઈનો અંત ને ઑગસ્ટનો આરંભ એ કાળ મારા જેવા હાડોહાડ ફિલ્મરસિકો માટે ફ્લૅશબૅકમાં જવાનો છે. હિંદી સિનેમા-ઈતિહાસનો એ યાદગાર ફ્લૅશબૅક ને એની આસપાસ વણાયેલી કેટલીક ઓછી જાણીતી વાતો આજે થઈ જાય?

સૌ જાણે છે કે 1982ની 26 જુલાઈએ મનમોહન દેસાઈની ‘કૂલી’ના સેટ પર શું બનેલું, પણ શું તમને આ ખબર છે?

એ દિવસે સવારે મનમોહનજી એક યુનિટ સાથે શૂટિંગ કરી રહ્યા હતા, જેમાં રિશી કપૂરે ઊંચાઈ પરથી ડાઈવ મારવાની હતી. એ જ્યાં પટકાય ત્યાં પૂંઠાનાં બૉક્સ ગોઠવવામાં આવેલાં, એની ઉપર તાડપત્રી. સંયોગથી સેટ પર અમિતાભ બચ્ચન પણ હાજર હોય છે. કોણ જાણે કેમ, પણ એમને ઍક્શન સીનની અરેન્જમેન્ટથી સંતોષ થતો નથી. એ રિશી કપૂરને ડબલ ચેક કરવા કહે છે. એમના સ્વરમાં સહકલાકાર માટે ખરેખરી ચિંતા છે. રિશી કપાળ પર ધસી આવેલા વાળ ઠીક કરતાં કહે છેઃ “થૅન્ક્સ, પણ મને લાગે છે કે બધું બરાબર છે.”

કૅમેરા ઑન થાય છે, રિશી ડાઈવ મારે છે, પણ ક્યાંક કશુંક કાચું કપાય છે ને એમને મોઢા પર, હાથ પર ઈજા થાય છે. તરત અમિતાભ ધસી જાય છે ને રિશીને એની બેદરકારી બદલ ઘઘલાવે છે. ડૉક્ટર આવીને પાટાપિંડી કરે છે ને બાજુના રૂમમાં આરામ કરવા કહે છે.

થોડા કલાકમાં રિશીને ‘કૂલી’ના સેકન્ડ યુનિટના સમાચાર મળે છે, જે બેંગલોરની ‘જ્ઞાન ભારતી યુનિવર્સિટી’માં શૂટિંગ કરી રહ્યું હોય છે. સીનમાં વિલન પુનિત ઈસ્સારે પ્રચંડ તાકાતથી બચ્ચનને પેટમાં મુક્કો મારવાનો ને બચ્ચને બેવડ વળીને નજીકમાં સ્ટીલના ટેબલ પર પડવાનું. થયું એમ જ, પણ શૉટ ઓકે થતાં બચ્ચન પેટના અસહ્ય દરદ સાથે જમીન પર પટકાયા. એ પછી શું બન્યું એ બધા જાણે છેઃ ચારેક દિવસ બેંગલોરની હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ બાદ એમને મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. બસ, અહીં વાત કરવી છે બેંગલોર-મુંબઈના એ પ્રવાસની, જેમાં ખ્યાલ આવે કે અમિતાભ બચ્ચન હોવું એટલે શું.

એ દિવસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં અનેક મોટાં માથાં બેંગલોરમાં ખડેપગે હાજર. યશ જોહરે ઈન્ડિયન ઍરલાઈન્સની ટિકિટો બૂક કરી લીધી. ટેકઓફ્ફ પહેલાં એમણે પ્લેનમાંથી છ સીટ કઢાવી નાખી, જેથી બચ્ચન સાહેબનું સ્ટ્રેચર ત્યાં બરાબર ફિટ થઈ શકે. પછી કૉકપિટમાં જઈ પાઈલટને સૂચના આપી કે ટરબ્યુલન્સ હોય એ રૂટ ટાળવોઃ “પેશન્ટને આંચકા ન લાગવા જોઈએ.”

આ તરફ મુંબઈ ઍરપૉર્ટ પર યશ ચોપરા મેડિકલ સાધનથી સુસજ્જ એમ્બ્યુલન્સ લઈને રેડી ઊભેલા. અમિતાભના બાળપણના ભેરુ રાજીવ ગાંધી અમેરિકાનો પ્રવાસ ટૂંકાવી સીધા ભારત ઊડી આવ્યા. એમનાં મમ્મી, પ્રાઈમ મિનિસ્ટર ઈન્દિરા ગાંધીની અમેરિકાથી પરત આવ્યા બાદની પહેલી સત્તાવાર મુલાકાત હતીઃ બ્રીચ કેન્ડી હૉસ્પિટલ.

એક્સિડન્ટ બાદ 2 ઑગસ્ટે ભાનમાં આવેલા બચ્ચનને ડૉક્ટરે પાછળથી કહેલુઃ “તમારે દર વર્ષે બે બર્થ-ડે સેલિબ્રેટ કરવા જોઈએ. પહેલો, 11 ઑક્ટોબરે અને બીજો, 2 ઑગસ્ટે. એ દિવસે તમારો પુનર્જન્મ થયો.”

તો આ છે હિંદી ફિલ્મ-ઈતિહાસમાં જુલાઈ-ઑગસ્ટનું મહત્વ.

-અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ 7 જાન્યુઆરી, 1983ના મહાનાયકે ‘કૂલી’નું શૂટિંગ શરૂ કર્યું. બેંગલોરને બદલે મુંબઈમાં સેમ-ટુ-સેમ સેટ ઊભો કરવામાં આવ્યો. એ દિવસે શૂટિંગસ્થળે એકાદ લાખની મેદની ઊમટી પડેલી. કંઈકેટલા ફિલ્મસ્ટાર તથા ‘ચિત્રલેખા’ સહિત આશરે સોએક પ્રકાશનના પત્રકારો ત્યાં હાજર. શૉટ વખતે મનમોહન દેસાઈએ સૂચન કર્યું કે પેલો મુક્કાવાળો શૉટ જવા દઈએ, પણ બચ્ચન મક્કમ હતાઃ “ના, આપણે ત્યાંથી જ શરૂ કરીએ.” પુનિત ઈસ્સારના મુક્કાથી પટકાયેલા બચ્ચને ઊભા થઈને એક જડબેસલાક મુક્કો પુનિત ઈસ્સારને લગાવ્યો… સીન ઓકે થયો, ચોમેર ચિચિયારી, તાળીના ગડગડાટ, મીઠાઈ વહેંચાઈ, સૌના જીવમાં જીવ આવ્યો.

1983ના ડિસેમ્બરમાં ‘કૂલી’ રિલીઝ થઈ ને સુપરહિટ નીવડી. એ વર્ષે અમિતાભ બચ્ચનની ઔર બે ફિલ્મ રિલીઝ થઈઃ ‘અંધા કાનૂન.’ હિટ. ‘નાસ્તિક.’ એવરેજ. પણ ‘કૂલી’ યાદગાર છે અને રહેશે.

કેતન મિસ્ત્રી