એક મધ્યમવર્ગી મરાઠી માણૂસ. માણસ તો શું, કિશોર. નાટકકંપની-ફિલ્મસ્ટુડિયોમાં સ્પૉટ બૉયથી કારકિર્દી શરૂ કરે
છે… ને આગળ જતાં ભારતીય સિનેમાને નવી દિશા આપે છે, સિનેમા-ઈતિહાસમાં એક ઝળાંહળાં સોનેરી પ્રકરણ લખે છે.
નામઃ શાંતારામ રાજારામ વન્કુદ્રે. 1901માં કોલ્હાપુર નજીક એક ગામડામાં જન્મ. કિશોરાવસ્થામાં કોલ્હાપુરની પ્રખ્યાત ‘ગંધર્વ નાટક કંપની’માં તથા 1920માં મૂક ચિત્રપટના કાળમાં ‘મહારાષ્ટ્ર ફિલ્મ કંપની’માં પ્રવેશ મેળવી નાનાંમોટાં કામ કર્યાં ને પછી અભિનય કર્યો, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતીય ચલચિત્ર-નિર્માતા, દિગ્દર્શક તથા અભિનેતા બન્યા.
ભારતીય સિનેમાના કેટલાક આધારસ્તંભમાંના એક એવા શાંતારામજીએ ‘દો આંખેં બારહ હાથ,’ ‘ગીત ગાયા પત્થરોંને,’ ‘ઝનક ઝનક પાયલ બાજે,’ ‘દુનિયા ના માને,’ ‘નવરંગ,’ ‘ડો. કોટનીસ કી અમર કહાની,’ ‘પિંજરા’ જેવી અણમોલ ફિલ્મો આપીને સિનેકલાની એક નવી ભાષા રચી. સાત દાયકાની કારકિર્દીમાં એમણે નિર્માણસંસ્થા ‘પ્રભાત ફિલ્મ કંપની’ તથા મુંબઈના પરેલ વિસ્તારમાં આધુનિક સુવિધાથી સજ્જ ફિલ્મસ્ટુડિયો, ‘રાજકમલ કલા મંદિર’ની સ્થાપના કરી. 27 ઑક્ટોબર, 1990ના રોજ મુંબઈમાં એમનું અવસાન થયું.

શાંતારામજીના જીવનમાં આવેલા ઉતારચડાવ, એમની નિષ્ઠા, એમનો કલાપ્રેમ, વગેરે એક મેગા બાયોપિકના રૂપમાં પરિવર્તિત થઈ રહ્યો છે. યસ, એમની પ્રેરણાદાયી ગાથા મોટા પરદા પર રજૂ થવા જઈ રહી છેઃ “વી. શાંતારામઃ ધ રેબેલ ઑફ ઈન્ડિયન સિનેમા.” બાયોપિકના નિર્માતા છેઃ શાંતારામના પૌત્ર રાહુલ કિરણ શાંતારામ, લેખક-દિગ્દર્શક છેઃ અભિજિત શિરીષ દેશપાંડે, જેમણે ‘…આણી ડૉ. કાશિનાથ ઘાણેકર’ (…અને ડૉ. કાશીનાથ ઘાણેકર) જેવી સુપરહિટ ફિલ્મ આપી. ડૉ. કાશીનાથ ઘાણેકર એટલે મરાઠી રંગભૂમિ-સિનેમાના સુપરસ્ટાર. પોતે ડેન્ટલ સર્જન હતા, પણ 1960થી 1980 સુધી એમણે રંગમંચ, રૂપેરી પરદા ગજાવ્યા.
અભિજિત કહે છે: “વી. શાંતારામ એ એક વ્યક્તિનું નામ નથી, એ તો ભારતીય ફિલ્મજગતનો ઈતિહાસ છે. એમના સંઘર્ષ, એમની નિષ્ઠા અને પ્રયોગશીલતાને પરદા પર જીવંત કરવી એ મારા માટે આધ્યાત્મિક અનુભૂતિ છે. દરેક ફ્રેમ થકી એમનું કતૃત્વ પ્રેક્ષક સુધી પહોંચે એવી મારી ઈચ્છા છે.”
-અને ફિલ્મમાં વી. શાંતારામ બનશે સિદ્ધાંત ચતુર્વેદી, જે એની કારકિર્દી માટે ગેમચેન્જર બની શકે એવું કેટલીક ઝલક જોતાં લાગ્યા વિના રહે નહીં. કોઈ ચિત્રકાર કૅન્વાસ પર પીંછીનો પ્રથમ લસરકો કરે એમ સિદ્ધાંતના ‘વી. શાંતારામ…’ના પોસ્ટરની ઝલક રજૂ થતાં જ હૈયું ધબકારા ચૂકી ગયું. એ વિન્ટેજ સૌંદર્ય, પ્રભાવશાળી દ્રશ્યો અને પાત્રનું ઊંડાણ… પોસ્ટર પરથી ખ્યાલ આવે છે કે બાયોપિકનું ફલક કેટલું વિશાળ હશે અને સિદ્ધાંતનું સમર્પણ કેવું અદ્વિતીય હશે.
તો, સિદ્ધાંત કહે છેઃ “પરદા પર શાંતારામજીની કથા માંડવાનો આ ઉત્તમ સમય છે. એ શાંતારામ, જેમણે સિનેકલાની સાધના ખાતર સામા પ્રવાહે તરીને પોતાનું એક સ્થાન કંડાર્યું. આવા દિગ્ગજના જીવન પરથી ઊતરનારી ફિલ્મમાં કામ કરવાના મારા અનુભવનું શબ્દોમાં વર્ણન થઈ શકે એમ નથી.”

શાંતારામજીએ પોતાની નિર્માણસંસ્થા ‘પ્રભાત ફિલ્મ કંપની’ હેઠળ કેટલીક ભક્તિરસવાળી ફિલ્મો બનાવી, પણ અમુક ફિલ્મના વિષયવસ્તુ જરા અજીબ લાગે છે. જેમ કે, બે ઘનિષ્ઠ મિત્રો- એક હિંદુ એક, મુસ્લિમ વચ્ચે ઝઘડાના વિષયવાળી ‘પડોશી’ અને દહેજની કૂપ્રથા પર પ્રહાર કરતી ‘દહેજ’ જેવી ફિલ્મો… ‘દો આંખ બારહ હાથ’ કેદી-સુધારણા અથવા જેલ-સુધારણાના વિષય માટે પ્રસિદ્ધ છે. ક્યારેક રૂપક જેવી તો ક્યારેક ઉપદેશાત્મક… આમ છતાં, આનાથી ભારતીય ફિલ્મઈતિહાસમાં વી. શાંતારામનું મહત્વ જરાય ઓછું થતું નથી. અનેક રીતે એ સાચા પ્રણેતા હતા.
અભિજિત દેશપાંડેની બાયોપિક શાંતારામજીની સિનેયાત્રાને મૂક ચિત્રપટના જમાના (સાઈલન્ટ એરા)થી રંગીન સિનેમાના સુવર્ણકાળ સુધી સજીવ રૂપે દર્શાવશે. આ ભવ્ય વારસાને મોટા પડદા પર પુનર્જીવિત કરવાની જવાબદારી અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીના સશક્ત અને સમર્પિત ખભા પર છે, જેના પર મારા જેવા દર્શકને શ્રદ્ધા છે.
|




