કેવી છે સત્ય ઘટના આધારિત તુમકો મેરી કસમ?

અનુપમ ખેરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી, આજે (21 માર્ચે) ‘તુમકો મેરી કસમ’ વિશે એક રસપ્રદ હકીકત એ કે દેશની હજારો મહિલાને બાળક પેદા કરવામાં મદદ કરનારા ડૉક્ટરે પોતે પોતાના જીવન પર આધારિત ફિલ્મને જન્મ આપ્યો છે. બીજી એક રસપ્રદ વાત એ કે એમાં મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ ઊથલપાથલ મચાવનાર ઔરંગઝેબના રેફરન્સીસ છે. એક પાત્ર કહે છેઃ “હા, હું છું ઔરંગઝેબ જેવો… નગુણો, નફ્ફટ, ઘરનો ઘાતકી,” વગેરે.

તો, ફિલ્મરસિકોને ડરાવી મૂકતી ભૂતિયા ફિલ્મ બનાવવા માટે જાણીતા વિક્રમ ભટ્ટ, ફૉર અ ચેન્જ, ઈમોશન તરફ વળ્યા છે. એમ તો પરેશ રાવલ-અક્ષયકુમાર-આફતાબ શિવદાસાનીવાળી ખડખડ હસાવતી સુપરહિટ ‘આવારા પાગલ દીવાના’  વિક્રમભાઈએ સર્જેલી. આ વખતે વિક્રમભાઈએ ભારતમાં ફર્ટિલિટી ક્લિનિક અથવા આઈવીએએફના પ્રણેતા, રાજસ્થાનમાંથી આવતા ડૉ. અજય મુર્ડિયાની જીવનકથા પસંદ કરી છે. કહો કે ડૉ. અજય મુર્ડિયાએ વિક્રમ ભટ્ટની પસંદગી કરી છે રૂપેરી પરદા પર પોતાની કથા કહેવા માટે.

ફિલ્મ વર્તમાનકાળમાં શરૂ થાય છે. દેશભરમાં ‘ઈન્દિરા’ નામનાં ફર્ટિલિટી ક્લિનિકો ધરાવતા રાજસ્થાનના પીઢ ડૉ. મુર્ડિયા (અનુપમ ખેર) પર એક ગંભીર આરોપ લાગ્યો છે, જેનો કેસ મુંબઈની કોર્ટમાં ચાલી રહ્યો છે. એશા દેઓલ બની છે ડૉક્ટરની વકીલ. તે પછી કથાનક ભૂતકાળ અને વર્તમાન વચ્ચે અફળાતું રહે છે. ઉદયપુરમાં સરકારી મેડિકલ કૉલેજમાં ભણાવતા યુવાન પૅથોલોજિસ્ટ ડૉ. મુર્ડિયા (ઈશ્વાકસિંહ)ને ફર્ટિલિટીમાં રસ જાગે છે, અપાર સંઘર્ષ વેઠી પત્ની ઈન્દિરા (અદા શર્મા) સાથે મળીને 1998માં પહેલું ક્લિનિક ઉદયપુરમાં શરૂ કરે છે. તે પછીનો પ્રવાસ, અકલ્પનીય સફળતા અને અચાનક, આવી પડેલી કટોકટી, અને એમાંથી બે જવાન પુત્રો અને વકીલની મદદથી બહાર નીકળવાના મરણિયા પ્રવાસ…

આશરે અઢી કલાકની ફિલ્મ મધ્યાંતર પહેલાં અનેક વાર પાટા પરથી ઊતરી પડેલી ટ્રેનની જેમ આમથી તેમ ફંટાયા કરે છે. બીજા શબ્દોમાં યુવા મુર્ડિયાદંપતીનાં પ્રેમ-લાગણી તથા નિઃસંતાન દંપતીઓને મદદ રૂપ થવાની ભાવના સાથે ફર્ટિલિટી ક્લિનિક શરૂ કરવાનો સંઘર્ષ અને જકડી રાખતા કોર્ટરૂમ ડ્રામા વચ્ચે બૅલેન્સ જળવાતું નથી. અમુક સીન્સ કારણવિના ખેંચાયા હોવાના લીધે કંટાળો જન્માવે છે. અવારનવાર લેખન (વિક્રમ ભટ્ટ) નબળું પડે છે, પાત્રાલેખન પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. દાખલા તરીકે બાહોશ વકીલ તરીકે એશા દેઓલ ભાગ્યે જ કંઈ કરે છે. કોર્ટકેસમાં મહત્વના વળાંક અસીલ એટલે ડૉ. મુર્ડિયા થકી આવે છે. એવી જ રીતે પબ્લિક પ્રોસિક્યુટર (સુષાંતસિંહ) ડૉ. મુર્ડિયાને ફસાવવા માગનારનો વકીલ વધારે લાગે છે.

અનુપમ ખેર એકલેહાથે ફિલ્મને આગળ લઈ જાય છે, પણ મને પ્રભાવિત કરી ગયો દુર્ગેશ કુમાર. હા એ જ… ‘પંચાયત’ (“દેખ રહા હૈ બિનોદ” ફેમ) અને તે પછી ‘લાપતા લેડીસ’થી અનેક રસિકો પર પ્રભાવ પાડી રહેલો ઍક્ટર દુર્ગેશ કુમાર કોર્ટસીન્સમાં છવાઈ જાય છે. અદા શર્મા સતત યાદ અપાવતી રહે છે કે હું એક્ટિંગ કરું છું, હું એક્ટિંગ કરું છું. યુવા, મધ્યમવર્ગી અને સતત પૈસાની ખેંચ અનુભવતા છતાં ચાર-પાંચ હજારનાં ‘પોલો’ બ્રાન્ડનાં શર્ટ પહેરીને ફરતા (અદા શર્માની મોંઘીદાટ સાડી પણ માર્ક કરજો) ડૉ. મુર્ડિઆની ભૂમિકા ભજવતો ઈશ્વાકસિંહ સ્ટ્રિક્ટલી ઓકે.

ટૂંકમાં, જો રાઈટિંગ, કેરેક્ટરાઈઝેશન તથા એડિટિંગ પર વિક્રમભાઈએ વધારે ધ્યાન આપ્યું હોત તો ‘તુમકો મેરી કસમ’ એવરેજ ફિલ્મથી ક્યાંક ઉપર ઊઠી હોત.