આને કહેવાય વિધિની વક્રતા. આ અઠવાડિયાના આરંભમાં સુરતના પાર્લે પૉઈન્ટ વિસ્તારની એક હોટેલમાં બેએક દિવસ રહેવાનું થયું. હરીશ રઘુવંશીને કોઈ રીતે મળવું એવા મનસૂબા સાથે મુંબઈથી સુરતની સફર આરંભેલી, પરંતુ કુદરતની તો તમને ખબર છેઃ એની પોતાની સ્કીમ અલગ હોય છે. મારા મનસૂબાનું વરસાદમાં પાણી થઈ ગયું, જેમતેમ મધરાતે મુંબઈ આવ્યો ને ૨૭ ઑગસ્ટની સવારે મિત્ર ફ્યસલ બકીલીનો મેસેજઃ હરીશભાઈ ગયા.
સર્ચએન્જિનની મદદ વિના જાતમહેનતે હિંદી સિનેમાનાં ગીત-સંગીતનો ઈતિહાસ, દુર્લભ માહિતી પુસ્તકો રૂપે ફિલ્મરસિકો સુધી પહોંચાડનારા હરીશભાઈને સુરતમાં ચિત્રલેખાના (તે વખતના) મારા સહકર્મચારી, દોસ્ત ફ્યસલ બકીલી સાથે મળવાનું થયેલું. આ મુલાકાતમાં મારા પર એ ફિલ્મસંગીતના સંશોધક કરતાં એક સાધક કે તપસ્વી હોવાની છાપ પડી. કોઈ નૈષ્ઠિક સાધક પુણ્યાત્માની માફક એમણે એમનો માહિતીખજાનો બતાવીને જાતજાતના કિસ્સા વર્ણવ્યા. જેમ કે મુકેશ…
ગયા મહિને જેમનું જન્મશતાબ્દી વર્ષ ઊજવાયું એ ગાયક મુકેશનાં ગીતો વિશેનો આ કિસ્સો જુઓ. ચારેક દાયકા પહેલાંની વાત. તે વખતે સતત એવું ચર્ચાતું કે મુકેશે ૧૦,૦૦૦થી વધુ ગીતો ગાયાં છે. જો કે આનો પુરાવો કોઈની પાસે નહોતો. 1985માં હરીશ રઘુવંશીનું નક્કર પુરાવા અને પુરવણી સાથેનું પુસ્તક આવ્યું મુકેશ ગીતકોશ. આ પુસ્તકમાં મુકેશનાં હિંદી અને પ્રાદેશિક ભાષાનાં ગીત, બિનફિલ્મી ગીત મળીને કુલ ૯૯૨ ગીતનો સમાવેશ થયો હતો. પુસ્તક છપાયું તે પછી પણ હરીશભાઈને કેટલાંક ગીતની માહિતી મળી, પણ ફિલ્મોની સંખ્યા ૧૦૦૦થી વધુ તો નહોતી જ.
આ પુસ્તકમાં ગીતોની યાદી જ નહીં, બલકે ફિલ્મનું નામ, સંગીતકાર, રેકૉર્ડનંબર સહિતની તમામ વિગત છે. રિલીઝ ન થયેલી ફિલ્મનો પણ એમાં સમાવેશ છે. આ પુસ્તકના રીસર્ચ માટે એ શ્રીલંકા ગયેલા. ત્યાં રેડિયો સિલોનમાં જોઈતાં ચાર-પાંચ ગીતો સાંભળ્યાં, જે હરીશભાઈએ રેકૉર્ડ કરી લીધાં.
‘ચિત્રલેખા’માં ફ્યસલ બકીલીએ લખેલા એમના વિશેના લેખમાં હરીશભાઈ કહે છે કે “આ ગીતોમાં ૧૯૬૯માં ભૂપેન હઝારિકાના સંગીતનિર્દેશનમાં મુકેશે ગાયેલું આસામી ગીત ‘ચીકમીક બીજલી’ મને ખાસ જોઈતું હતું. આ ગીત મેળવવાની સાથે મારે મારું મનગમતું રેડિયોસ્ટેશન જોવું હતું, જે મેં જોઈ લીધું.”
૧૫ ઑક્ટોબર, 1949ના પાલઘરમાં જન્મેલા હરીશભાઈ સમજણા થયા ત્યારથી રેડિયો સિલોનના ચાહક. મુંબઈમાં અભ્યાસ કરી ૧૯૬૭માં સુરત આવ્યા. ૧૯૬૮માં ફેમિલી બિઝનેસમાં જોડાયા. ત્યારથી રેડિયો પર ગીત વાગે એ પહેલાં ઉદઘોષક માહિતી આપે એ હરીશભાઈ પોતાની નોટમાં નોંધી લેતા. આ એમનું ઈતિહાસકાર બનવાની દિશાનું પહેલું પગથિયું.
મુકેશ ગીતકોશ ઉપરાંત એમનું ‘ગુજરાતી ફિલ્મકોશ’ વિશેનું કાર્ય પણ કમાલનું. ૧૯૩૨માં બનેલી પહેલી ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’થી શરૂ કરીને ૧૯૯૪ સુધીની ગુજરાતી ફિલ્મ વિશેની એમાં માહિતી છે. ‘ચિત્રલેખા’ના સ્થાપક વજુભાઈ કોટકની વાર્તા-સંવાદ સાથે બનેલી ‘ગોરખધંધા’ ફિલ્મમાં સંગીતકાર અવિનાશ વ્યાસે પ્રથમ વખત અભિનય કરેલો. વજુભાઈ કોટકની જ ફિલ્મ ‘મંગળફેરા’ (૧૯૪૯)માં વી. શાંતારામની ત્રીજી પત્ની સંધ્યાએ વિજયાના નામે કામ કરેલું. ઉલ્લેખનીય છે કે એક સમયે ‘ચિત્રલેખા’ ગ્રુપના ‘જી’ સામયિકમાં ફિલ્મી કલાકારોનાં સ્કોર બોર્ડ એટલે કે ફિલ્મની યાદી પ્રકાશિત થતી એ હરીશભાઈ લખતા.
હરીશભાઈની જોડી જામી એમના જેવા જ અભ્યાસુ, કાનપુરના હરમિંદરસિંહ હમરાઝ સાથે. બન્નેએ સાથે મળીને હિંદી ફિલ્મોનું દસ્તાવેજીકરણ કર્યું છે એ અજોડ છે. જેમ કે ‘જબ દિલ હી ટૂટ ગયા’ પુસ્તક મહાન ગાયક કુંદનલાલ સાયગલ પર એમની જન્મશતાબ્દી વર્ષમાં (૨૦૦૪માં) પ્રગટ થયેલું.
‘ચિત્રલેખા’ને આપેલી મુલાકાતમાં “આ ખજાનાનું શું કરશો”? એ સવાલમાં હરીશભાઈએ કહેલું કે “હું આને ડિજિટલાઈઝેશન કરવાનો નથી. મને ખાતરી થશે કે જે વ્યક્તિ આ માહિતીનો યોગ્ય ઉપયોગ કરશે એને હું આપી દઈશ, પરંતુ અત્યારે મેં કોઈ નિર્ણય નથી લીધો.”
હરીશભાઈની આ વાત પાછળ એમના કેટલાક કડવા અનુભવ છે. અમુક લોકો એમની પાસેથી માહિતી લઈ જતા ને એને એવી રીતે રજૂ કરતા જાણે એમણે જાતે જ મહેનત કરીને ભેગી કરી હોય. વળી આ લોકો એમનો આભાર સુદ્ધાં વ્યક્ત નહોતા કરતા. એમની માહિતીનો ઉપયોગ કરનારા ઋણસ્વીકાર કરે તો એ રાજીના રેડ. બીજી કોઈ અપેક્ષા નહીં. થોડા સમય પહેલાં હરીશભાઈ જેવા જ એક તપસ્વી વીરચંદ ધરમશીનું અવસાન થયું. જાતમહેનતે ઈતિહાસ ઉલેચનારા ધીરે ધીરે બિછડતા જાય છે…
વીસરાયેલી ફિલ્મપ્રતિભાઓ વિશેના એમના પુસ્તક ‘ઈન્હેં ના ભૂલાના’ની પ્રસ્તાવનાનો અંત હરીશભાઈએ આ રીતે આણ્યો છેઃ
“વિશ્વમાં આપણે સૌથી વધુ ફિલ્મોનાં નિર્માણ કરીએ છીએ, પરંતુ તેનો ઈતિહાસ આલેખવામાં આપણે ઊણા ઊતર્યા છીએ. મેં અને મારા જેવા અન્ય લેખકમિત્રોએ ભારે પરિશ્રમ કરીને જેટલું સાંપડ્યું તેના આધારે વાચકોને આપ્યું છે… કવિ પ્રદીપના શબ્દો યાદ આવે છેઃ હમ લાયે હૈં તૂફાન સે કશ્તી નિકાલકે… હવે તમારા હાથ અને હૃદય વીસરાતા વારસાને સુરક્ષિત રાખી શકે.”
ઈશ્વર હરીશભાઈના આત્માને પરમ શાંતિ તથા એમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.