ફિલ્મ ફ્લૉપ… કેસ સુપરહિટ!

ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં જનાર રાજપાલ યાદવ છેવટે વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યો. હવે 18 માર્ચે એણે ફરી કોર્ટ સમક્ષ હાજર થવાનું છે, પોતાની બાજુ રજૂ કરવાની છે.

એક ઝડપી રિ-રન જોઈએ તો, 2012માં રાજપાલે ‘અતા પતા લાપતા’ ફિલ્મ બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 5 કરોડની લોન લીધેલી. ફિલ્મ ફ્લૉપ થઈ, રાજપાલ રકમ પરત ચૂકવી શક્યો નહીં. વર્ષો સુધી કાનૂની લડાઈ ચાલતી રહી, જેના કારણે રકમમાં વ્યાજ ઉમેરાતાં વધી લગભગ દસેક કરોડ રૂપિયા જેટલી થઈ ગઈ. ફેબ્રુઆરીમાં દિલ્હી હાઈ કોર્ટે રાજપાલને આત્મસમર્પણ કરવા કહ્યું.

ખરેખર, ફિલ્મ ફ્લૉપ થાય તો કારકિર્દી જ નહીં, જીવન પણ હચમચી જાય છે. ખાસ કરીને એનું, જેણે ફિલ્મ બનાવવા પૈસા ઉધાર લીધા હોય છે. અને આ કેસમાં તેની પત્ની રાધા યાદવનું નામ પણ સામેલ છે. કરોડોના રૂપિયાના ચેક બાઉન્સ કેસ દરમિયાન રાધા એની પડખે અડગ રહી.

રાજપાલ યાદવની પર્સનલ અને પ્રોફેસનલ લાઈફ એવી તો ઉતાર-ચઢાવવાળી છે કે એ પરથી ફિલ્મ બની શકે. કાચી યુવાનીમાં રાજપાલની ઓર્ડનન્સ ક્લોધિંગ ફૅક્ટરીમાં એપ્રેન્ટિસ તરીકે પસંદગી થઈ ત્યારે ઉત્તર પ્રદેશમાં એના ગામવાસીઓ દંગ થઈ ગયાઃ આવડો આ છોકરો ત્યાં ભરતી થયો? તે સમયે છોકરાને નોકરી મળે એટલે તરત લગ્ન કરાવવાનાં. 1992માં રાજપાલનાંણ લગ્ન થયાં. એક વર્ષ પછી એમને ત્યાં દીકરી જન્મી. કમનસીબે, દીકરીને જન્મ આપ્યાની 15 મિનિટમાં પત્ની કરુણાનું અવસાન થઈ ગયું. સંયુક્ત યાદવપરિવારમાં એની માતા અને ભાભીએ નવજાત બાલિકાને સ્નેહથી ઉછેરી. એ દીકરી જ્યોતિનાં 2017માં લગ્ન થયાં. બૅન્કર પતિ સાથે એ લખનૌમાં રહે છે, સ્થિર ગૃહસ્થી ચલાવે છે.

થોડો સમય ટેલિવિઝન પર કામ કર્યા બાદ 1999માં એનો ફિલ્મપ્રવેશ થયો. 2002માં એ ‘ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ સ્પાય’ના શૂટ માટે કેનેડા ગયો ત્યાં રાધા મળી. ત્રણ વર્ષ લોંગ ડિસ્ટન્સ લવ ચાલતો રહ્યો અને 2003માં બંને પરિવારોની સંમતિથી લગ્ન થયાં. લગ્ન મુંબઈના મુકતેશ્વર મંદિરમાં થયાં, જ્યાં અભિનેતા આશુતોષ રાણા મોટા ભાઈ તરીકે અને રેણુકા શહાણે ભાભી તરીકે વિધિમાં સામેલ રહ્યાં. આ લગ્નથી દંપતીને બે પુત્રી થઈ.

એક ઈન્ટરવ્યુમાં રાજપાલે કહ્યું કે, “લગ્ન બાદ રાધાએ મારા પરિવાર અને ગ્રામજીવનમાં પોતાને ઢાળી દીધી. એ પહેલી વાર મારી સાથે ગામડે આવી ત્યારે સાડી પહેરવા ન કહ્યું હોવા છતાં એણે પહેરી, ગામઠી ભાષા શીખી અને એ માથું પણ ઢાંકતી. એના આ પરિવર્તનમાં મારું કોઈ યોગદાન નહોતું. પહેલા લગ્નથી થયેલી મારી દીકરી જ્યોતિની પણ એણે સારી સંભાળ લીધી.”

ગયા ગુરુવારે દિલ્હી હાઈ કોર્ટે રાજપાલ યાદવની જામીન અરજી મુલતવી રાખતાં કહ્યું, “તમે જેલમાં એટલા માટે નથી ગયા કે કોર્ટનો આદેશ હતો. તમે જેલમાં ગયા, કારણ કે કોર્ટને આપેલાં વચનનું પાલન ન કર્યું. અને પૈસા તમારે કોર્ટના કહેવાથી આપવાના નહોતા; તમે સમાધાન-કરાર કર્યો હતો તેથી આપવાના હતા.” કોર્ટની ટિપ્પણી કડક અને સ્પષ્ટ હતી. જો કે બીજા દિવસે આશરે એક મહિનાના વચગાળાના જામીન મળતાં રાજપાલ બહાર આવ્યો અને ઉત્તર પ્રદેશના પોતાના ગામડે જઈ પારિવારિક લગ્નપ્રસંગમાં મહાલ્યો.

રાજપાલ યાદવને લોન આપનાર માધવ ગોયલનું કહેવું છે કે “મેં પોતે બૅન્ક પાસેથી લોન લઈને એને આપેલા. દસ-બાર વર્ષથી હું વ્યાજ ભરું છું. 3-4 વાર હું એના ઘરે ગયો, એની આગળ કરગર્યો-રડ્યો… પણ એ કહે કે “પૈસા એકસાથે તો હું આપી નહીં શકું… તો મારે કરવું શું?”

હવે, રાજપાલને મહિના માટે જામીન મળ્યા છે. આગળ શું વળાંક આવે છે એ જોવું રહ્યું. કદાચ કોઈ રાજપાલ યાદવના જીવન પરથી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દે તો નવાઈ નહીં.