આઠેક વર્ષ પહેલાં, ‘સિક્રેટ સુપરસ્ટાર’થી પોતાની છાપ અંકિત કરનાર અને તે પછી ‘લાલસિંહ ચઢ્ઢા’થી નિરાશ કરનારા ડિરેક્ટર અદ્વૈત ચંદન વેલેન્ટાઈન્સ મન્થમાં ‘લવયાપા’ લઈને આવ્યા છે, જે આજે મોટા પરદા પર રિલીઝ થઈ છે. ‘લવયાપા’ આજની ટિકટોક જનરેશનની રિલેશનશિપ, સ્માર્ટ ફોનના પગલે આવેલું સોશિયલ મિડિયા નામનું દૂષણ, ડીપ-ફેક જેવી ખતરનાર ટેક્નોલોજી, કોઈની કાયા વિશે શર્મનાક ભદ્દી ટિપ્પણીઓ કરવી (બૉડી શેમિંગ), વગેરેની વાત માંડે છે.
એન્ટરટેન્મેન્ટનાં બધાં પ્લેટફોર્મમાં આજે સૌથી વધારે ટાઈમ જેને આપવામાં આવે છે એ ઈન્સ્ટાગ્રામ રીલની જનરેશનને ગમી જાય એવો ફિલ્મનો પ્લોટ છેઃ મોબાઈલ ફોનની અદલાબદલી. લેખનમાં સોશિયલ મિડિયાની ફેવરીટ કૉમેડીની છાપ છેઃ બૉય વર્સીસ ગર્લ અથવા બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડમાંથી કોનાં વધારે સિક્રેટ છે, કોણ શું છુપાવે છે, કોણ સારું છે, કોણ ખરાબ.
2022માં આવેલી રાઈટર-ડિરેક્ટર પ્રદીપ રંગનાથનની તમિળ ફિલ્મ ‘લવ ટુડે’ની આ રિમેક માટે સ્નેહા દેસાઈએ પટકથા-સંવાદ લખ્યાં છેઃ દિલ્હીના અપર મિડલ ક્લાસનો ગૌરવ સચદેવા અથવા ગુચી અથવા બબ્બુ (જુનૈદ ખાન) અને એવા જ વર્ગમાંથી આવતી બાની શર્મા (ખુશી કપૂર)ની સોશિયલ મિડિયાની ફ્રેન્ડશિપ લવ સુધી પહોંચી છે. બબ્બુ આઈટી કંપનીમાં ડેવેલપર છે. એના ઘરે વાતે વાતે હાઈપર થઈ જતી મમ્મી (ગ્રુશા કપૂર) છે, મોટી બહેન કિરણ (તન્વિકા પરળીકર) છે, જેના ગોળધાણા ખવાયા છે, શરીરમાં ભારેખમ ભાવિ બનેવી ડૉ. અનુપમ (કિકુ શારદા) છે. પ્રેમિકા બાની (ખુશાલી કપૂર)ને પણ સારી જૉબ છે, પપ્પા અતુલકુમાર શર્મા (આશુતોષ રાણા) છે, એક નાનકી બહેન છે.
રિશીકેશ મુખર્જીની ‘ચુપકે ચુપકે’વાળા પ્યારે મોહન ઈલાહાબાદીની જેમ શુદ્ધ હિંદીમાં બોલતા, કડક મિજાજવાળા, સિદ્ધાંતવાદી સિતારવાદક પિતાશ્રીને દીકરીની રિલેશનશિપ વિશે જાણ થાય છે ને એ બબ્બુને ઘરે બોલાવે છે ત્યારથી ફિલ્મ ખરેખર સ્ટાર્ટ થાય છે. “કેમ છો, મજામાં” બાદ અચાનક શર્માજી, શરીરમાં નારદ મુનિ પ્રવેશ્યા હોય એમ, કહે છેઃ “એક દિવસ માટે તમે બન્ને ફોન એક્સચેન્જ કરો. પછી આપણે જોઈએ કે તમે એકબીજાને કેટલી સારી રીતે ઓળખો છો. અને હા, ફોન ખોલવા માટેનો પાસવર્ડ અથવા પૅટર્ન આપવાનું નહીં ભૂલતાં.”
અહીંથી શરૂ થાય ગડબડગોટાળાઃ બાનીની વૉટ્સેપ ચૅટ બબ્બુ વાંચે છે, એ એના એક્સ સાથે લેટનાઈટ ડ્રાઈવ પર ગઈ હોય છે, કોઈએ એને પ્રપોઝ કર્યું હોય છે, પ્રપોઝ કરનારની સાથે એણે ઈન્સ્ટા રીલ બનાવી હોય છે… સામે બબ્બુનાં ભોપાળાં પણ બહાર આવે છેઃ મોડી રાત સુધી એ મોબાઈલમાં શું જોયા કરે છે, કઈ કઈ મોબાઈલ ઍપ પર શું કરે છે, ઈન્સ્ટાગ્રામ પર કોના ડીએમમાં કેવા સંદેશા મોકલે છે, શૉર્ટ ફિલ્મ માટે ઓડિશનના બહાને છોકરીઓ સાથે મૈત્રી કરે છે. (બાય ધ વે, પ્રશાંત રંગનાથને પોતાની શૉર્ટ ફિલ્મ પરથી ‘લવ ટુડે’ બનાવેલી). સબ-પ્લોટમાં બબ્બુની બહેન કિરણ-ડૉ. અનુપમના સંબંધની તથા બાનીની ઓફિસના સોશિયલ મિડિયા પર પૉપ્યુલર એવા એક કલીગ-કમ-વનસાઈડ લવરની વાત છે.
જુનૈદની ‘મહારાજ’ (ઓટીટી પર) પછી આ બીજી અને મોટા પરદા પર પહેલી ફિલ્મ છે. તો ખુશી કપૂર (ઓટીટી પર) ‘ધ આર્ચીઝ’માં બેટ્ટી કૂપર બનેલી. હવે એ મોટા પરદા પર બબ્બુની બાની છે. બન્નેને બિગ સ્ક્રીન પર એન્ટ્રી કરાવવા માટે આ પરફેક્ટ ફિલ્મ છે, જે ટાઈમમાં વાર્તા કહેવામાં આવી છે એ પણ પરફેક્ટ છે. બન્નેની એક્ટિંગ ઠીકઠાક છે, પણ કોમિક ટાઈમિંગ જામી નહીં.
કિરણ રાવની ‘લાપતા લેડીઝ’નાં અપ્રતિમ લેખનથી પ્રસિદ્ધ થયેલાં સ્નેહા દેસાઈએ સોશિયલ મિડિયા જનરેશનની સમસ્યાના ઝટપટ ઉકેલ આપવાના પ્રયાસ કર્યા છે, જેમાં ઘણે અંશે એ સફળ થયાં છે. અમુક સીન, વનલાઈનર્સ મજેદાર છે, તો અમુક, જબરદસ્તીથી ખેંચાયેલા અને વરવા લાગે છે. જેમ કે ઘરમાં વીજપ્રવાહ ખોરવાતાં બાનીનો ફોન ચાર્જ કરવા બબ્બુ મરણિયો થાય છે, રાતે પાવરબૅન્ક શોધવા નીકળે છે, વરસાદમાં (બાનીના) ફોનને ખરાબ થતો બચાવવા પેન્ટમાં (પોસ્ટઑફિસમાં) ખોસી દે છે. ડીપફેકવાળો ક્લાઈમેક્સ વધુ સારો, ગળે ઊતરે એવો બની શક્યો હોત. જો કે એ વિશે ડિટેલમાં લખવા જતાં ફિલ્મ જોવાની મજા બગડી જાય એમ છે. તમે જોઈને નક્કી કરજો. ગીત-સંગીત સ્ટોરીને અનુરૂપ છે.
મને નવાઈ એ વાતની લાગી કે આજની યુવાપેઢીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી મૉડર્ન લવસ્ટોરીવાળી ફિલ્મમાં અમુક વાતો 1960, 1970ના દાયકાની ફિલ્મોમાં આવતા રૂઢિચુસ્ત અભિગમવાળા સીન-સંવાદ છેઃ બાની લવર બબ્બુને રાતે ગુડનાઈટ વખતે અમુક ટાઈપના પિક મોકલે છે, પણ એ ન તો બબ્બુને કિસ કરે છે, ન કરવા દે છે, હીરો વર્જિનિટીની ચર્ચા કરે છે… અરે યાર.
મૉડર્ન પ્રેમી યુગલ કેવી રીતે ઈમોશનલ મૅચ્યોરિટી હાંસલ કરે છે એની વાત માંડતી અને પ્રેમ જેવા નાજુક સંબંધમાં પરસ્પર વિશ્વાસ કેટલો મહત્વનો છે એની પર પ્રકાશ પાડતી ‘લવયાપા’ (લવ વત્તા સિયાપા) ખરેખર મીનિંગફુલ બની શકત, પણ એના બદલે એક ટિપિકલ, ઑર્ડિનરી રોમ-કૉમ બનીને રહી ગઈ છે. આનો અર્થ એ નહીં કે ફિલ્મ ખરાબ છે. હસતાં હસતાં એક ગંભીર શીખ આપી જતી ‘લવયાપા’ વીકએન્ડના મસ્ત માહોલમાં જોઈ શકાય.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)