મોસમ છે મેહુલિયાની એટલે આજે વાત કરીએ એની. ગુજરાત અને મુંબઈમાં, ક્યાંક એ અનરાધાર વરસી ગયો છે ને ક્યાંક એનું મન હજુ ધરાયું નથી એટલે એ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે મેહુલિયા સાથે સંકળાયેલી એક ચીજ, છત્રી અથવા અમ્બ્રેલાને આજે યાદ કરવી છે. વરસતો વરસાદ હોય કે ધોમધખતો તાપ, બન્નેથી બચાવે છત્રી. ફિલ્મના સેટ્સ પર હીરો-ઈરોઈનના મેક-અપ પણ છત્રી બચાવે.
મજાની વાત એ કે બધા ઉપયોગ માટે આપણી પાસે એક જ શબ્દ છેઃ છત્રી. પ્રોટેક્શન રેઈનથી હોય કે તડકાથી… પણ શું તમને ખબર છે, તાઈવાન અને ચીનમાં આ બન્ને ઉપયોગ માટે અલગ અલગ શબ્દ છે? વરસાદની છત્રીને કહેવાય યુસાન અને તડકાની છત્રીને તૈયાંગ.
આપણે આપણી વાત કરીએ. આપણે તો શબ્દોની આવી જફામાં પડ્યા વિના છત્રીનાં આખાં ગીત જ રચી દઈએ. હેંને? આપણે તો દરેક ચીજને સોંગથી સેલિબ્રેટ કરવાવાળી મનમૌજી પ્રજા.
આપણે છત્રીની વાત કરતા હતા. છત્રી અને એની આસપાસ ફરતાં અનેક ગીતો આપણી ફિલ્મોમાં છે.
જેમ કેઃ “ઈક છત્રી ઔર હમ હૈ દો… અબ ક્યા હો?” ફિલ્મ હતી ‘માન ગયે ઉસ્તાદ’ (1981), કલાકાર હતાં શશી કપૂર-હેમામાલિની. વર્મા મલિકનું ગીત અને સોનિક ઓમીનું સ્વરાંકન.
જેમ કેઃ “છત્રી ના ખોલ બરસાત મેં…” ગીતકાર અંજાનના બેટા સમીરના શબ્દો, સંગીતકાર ચિત્રગુપ્તના બેટા આનંદ અને મિલિંદની ધૂન, સિંગર પૂર્ણિમા. આ જ ગીતના ચાઈલ્ડહૂડ વર્ઝનનાં સિગર હતાં, સુષ્મા શ્રેષ્ઠ અને કુમાર સાનુ. ફિલ્મ હતી ગોપી કિશન (1995).
-પણ આ બધાંને ટપી જાય એવું ગીત છે. એની તમને વાત કરું તો મજા પડી જાશે. ફિલ્મ ‘દો જૂઠ’ કે લિયે ઈસ ગાને કે બોલ લિખ્ખે હૈ એમજી હશમતને, ઔર ઈસે સૂરોં સે સજાયા હૈ શંકર-જયકિશનને.
વિનોદ મહેરા-મૌસમી ચેટરજીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘દો જૂઠ’ 1975માં આવેલી, ડિરેકટર હતા જિતુ ઠાકર. ગોપી કિશનમાં સમીર કહે છે કે છતરી ના ખોલ બરસાત મેં… તો દો જૂઠનું અમ્બ્રેલા સોંગ કહે છેઃ “છતરી ના ખોલ, ઉડ જાયેગી, હવા તેજ હૈ…”
યાદ આવ્યું? વિનોદ મહેરા-મૌસમી ચેટરજી પર શૂટ થયેલા આ ગીતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. કપલ પાસે છત્રી છે. મોટી કાયદેસરની કાળી છત્રી. બૂચા નાકવાળા ચીનાઓએ એમની ફોલ્ડિંગ છત્રી આપણી બજારમાં ઘુસાડી નહોતી ત્યારની આ વાત છે. જંગલમાં, ડુંગર પર, હિલસ્ટેશન પર, મિની ટ્રેનના પાટા પર, એમ જુદાં જુદાં સ્થળે બન્ને ભીંજાયાં કરે છે, પણ છત્રી ખોલતાં જ નથી. બિચારો હીરો કરગરે છે કે “ભીંજાઈ જાશું, ખોલવા દે…” પણ હીરોઈનને ડર છે કે આટલી ફાસ્ટ હવામાં છત્રી ઊડી ગઈ તો?
કિશોરકુમાર-ઉષા મંગેશકરે બડી મસ્તીમાં ગીત ગાયું છેઃ “ભીગે ભીગે આઁચલ મેં ભીગેગા તન/તન મેં હૈ મન ઔર મન મેં અગન… એસે જો બુઝાની હો મન કી અગન/અંબર કે બાદલોં કા પાની હૈ કમ…” બહોત ખૂબ.
બાકી એક સમયે (ખાસ કરીને 1990ના દાયકામાં) વર્ષાગીત સર્જવાની એક સહેલી ફૉર્મ્યુલા હતીઃ ઍક્ટરોને તથા એમની આગળપાછળ નાચતાં એક્સ્ટ્રાને નીતરાંબોળ કરી દેવાનાં. ખાસ કરીને હીરોઈનને, એનાં વસ્ત્રોને. કૅમેરા સ્વિચઑન થાય, સેટ પર કસબીઓ વરસાદ વરસાવતા જાય, સ્પીકરમાં ગીત વાગેઃ “હે ટિપ ટિપ બરસા પાની…”
ચલો ત્યારે, ચા-ભજિયાં રેડી છે, ઠંડાં પડી જાશે. પણ છૂટા પડતાં પહેલાં એટલું જણાવી દઉં કે આ વખતની સીઝનમાં આપણે મણિરત્નમની ‘ગુરુ’માં ઝિલાયેલા વરસાદની, અવિસ્મરણીય “બરસો રે મેઘા”ની અને બીજાં રેઈન-સોંગ્સની વાત કરીશું.
-અને હા, વરસાદ વિશેની તમારી ફેવરીટ રચના કઈ છે એ અમને જણાવશો તો આનંદ થશે.