સાદી કૉમેડી, હૉરર કોમેડી કે મારામારી?

સ્વાતંત્ર્ય દિનના લોંગ વીકએન્ડ-બિઝનેસનો લાભ લેવા આ અઠવાડિયે ફિલ્મની વણજાર આવી પડે છે, જેમાં ‘વેદા’, ‘સ્ત્રી 2’, ‘ખેલ ખેલ મેં’ મુખ્ય છે. ‘ખેલ ખેલ’…ની વાત કરીએ તો, એમાં એક ભવ્યાતિભવ્ય સ્થળે લગ્ન મહાલવા ભેગાં થયેલાં સાત મહેમાન (જેમાં અમુક કપલ્સ છે) એક એવી ગેમ રમવાનું નક્કી કરે છે, જેમાં સૌએ પોતપોતાના મોબાઈલ અનલૉક કરીને ટિપૉય પર મૂકી દેવાના. જેના મોબાઈલ પર મેસેજ આવે એ બધાં વાંચી-જોઈ શકે. જેમ કે એક પરિણીત કપલમાં પત્નીના મોબાઈલ પર મેસેજ આવે છેઃ “તું ત્યાં એકલી જ છોને કે પેલી કૂ…રી જેવી તારી સાસુ પણ સાથે છે”? અથવા એક પુરુષના મોબાઈલ પર કૉલગર્લ સર્વિસ આપતી કંપનીનો ઈમેઈલ આવે છે, વગેરે. અક્ષયકુમાર-ફરદીન ખાન-તાપસી પન્નૂ-વાણી કપૂર-આદિત્ય સીલ-એમ્મી વિર્ક-પ્રજ્ઞા જૈસવાલ, વગેરે કલાકારોવાળી આ ફિલ્મ યંગ અર્બન કપલ્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

ગમ્મત એ છે કે ‘ખેલ ખેલ’…ના સાત મુખ્ય કલાકારોની જેમ નિર્માતા પણ સાત છે (હેં..હેં..હેં), જેમાં એક છે આપણા વિપુલ ધીરજલાલ શાહ, મ્યુઝિકમાં આઠ જણનાં નામ છે. હા, ડિરેક્ટર એક જ છેઃ મુદસ્સર અઝીઝ, જેમણે આ પહેલાં ‘હેપી ભાગ જાયેગી’, ‘હેપી ફિર ભાગ જાયેગી’, ‘પતિ પત્ની ઔર વો’ જેવી કોમેડી સર્જી છે.

બીજી છે ‘સ્ત્રી’ની સિક્વલ ‘સ્ત્રી 2’. આ ફિલ્મના નિર્માતા ‘મૅડોક ફિલ્મ્સ’ના દિનેશ વિજનને સુપરનેચરલ  પ્રકાર બડો ફાવી ગયો લાગે છેઃ ‘સ્ત્રી’, ‘રૂહી’, ‘ભેડિયા’, ‘મુન્જ્યા’ અને હવે, ‘સ્ત્રી 2’. દિગ્દર્શક છે અમર કૌશિક અને કથા-પટકથા-સંવાદ આપણા નીરેન ભટ્ટના. યેબ્બાત. ધડ વિનાનું એક બિહામણું માથું મધ્ય પ્રદેશની નગરી ચંદેરીના રહેવાસીઓમાં ભયનું સામ્રાજ્ય ફેલાવી રહ્યું છે. આતંક ફેલાવી રહેલો આ સરકટા છે કોણ એ ખોળી રહ્યા છે રાજકુમાર રાવ એન્ડ કંપની.

મારું માનો તો હિંદી સિનેમાઈતિહાસમાં બનેલી આ કદાચ બેસ્ટ સિક્વલ અથવા પાર્ટ ટુ છે. રાજકુમાર રાવ-શ્રદ્ધા કપૂર-પંકજ ત્રિપાઠી એન્ડ ગેન્ગ ફુલ ફોર્મમાં છે. હૉરર અને કોમેડીનું બેલેન્સ જાળવી રાખવા માટે સલામ સ્ક્રીનપ્લે-રાઈટર, ડાયલોગ રાઈટર નીરેનને (સંવાદોમાં શુદ્ધ હિંદી માર્ક કરજો). સચિન-જિગરના સંગીત માટે ખાસ સીટી મારવી છે. ફિલ્મની ન ગમેલી વાત તે એ કે ક્લાઈમેક્સ (ટેક્નિકલી) હજુ સારો બની શક્યો હોત, પણ ઠીક છે. આજે જ પરિવાર સાથે ‘સ્ત્રી 2’ જોવા-માણવા જાઓ. અને હા, થોડી ધીરજ રાખીને છેક સુધી બેસી રહેજો. એક મસ્ત સોંગ અને અક્ષયકુમારની ઝલક જોવા. શું આનો અર્થ એ કે ‘સ્ત્રી’ના થર્ડ પાર્ટમાં અક્ષયકુમાર આવશે?

 

-અને જૉન અબ્રાહમની ‘વેદા’. ઊંચી જાત ને નીચી જાતના ઓઠા હેઠળ કચડાયેલા ભારતવાસીઓની વાર્તામાં જૉન અબ્રાહમ અને શર્વરી વાઘ છવાઈ ગયાં છે. અમુક સત્યઘટના પર આધારિત, નિખિલ અડવાની દિગ્દર્શિત આ ફિલ્મ રાજસ્થાનના બારમેરમાં પરિવાર સાથે રહેતી વેદા બેરવા (શર્વરી વાઘ)ની આસપાસ ફરે છે. વેદાને બૉક્સિંગ શીખવી છે, જેથી એ પોતાના જેવા નીચલી જાતિના લોકો પર થતા અન્યાયનો જડબાંતોડ જવાબ આપી શકે. નિખિલ અડવાનીએ સનસનાટી મચાવવાને બદલે વિષય પ્રત્યે સેન્સિટિવ રહેવાનો અભિગમ લીધો એ ગમ્યું. ડગલે ને પગલે શોષણ અનુભવી રહેલા નીચલી જાતિના લોકો, એમની હતાશા, એમનો ડર, ફિલ્મનાં અમુક પાત્રોમાં જોવા મળે છે. આ બધું હોવા છતાં ‘વેદા’ મેસેજવાળી મસાલા મૂવી, જોવાય એવી બની છે.

મારું માનો તો, ત્રણેય જોવા જેવી છે. જો ક્રમ આપવો હોય તોઃ 1) ‘સ્ત્રી ટુ’, 2) ‘ખેલ ખેલ મેં’ અને 3) ‘વેદા’.